ગતાંકથી આગળ…

દર્દીઓ પ્રત્યે તેમની ઉદ્વિગ્નતા

એક અન્ય સમયે તેમણે એક દર્દી વિશે કહ્યું, ‘ધારો કે તમારો ભાઈ પણ એવો જ હોય તો તમે તેના માટે શું કરશો ? તમારે આ દૃષ્ટિએ વિચારવું જોઈએ. તેઓ બધા અહીં તમારા પર પૂરો વિશ્વાસ રાખીને આવે છે. જો તમે દર્દીને તેના હાલ પર છોડી દો તો તેની દેખભાળ કરનાર કોઈ નથી. તેઓ બીજે ક્યાંય જઈ શકે તેમ નથી. સહુથી મહત્ત્વની વાત એ છે કે આપણે અહીં તેઓની સેવા માટે છીએ. આ ક્યારેય ભૂલવું નહીં. લોકો પૂરેપૂરા આપણા ભરોસે જ આવે છે. તમારે તેમને પોતાના સમજીને સારવાર કરવી જોઈએ. ક્યારેય કોઈ દર્દીનો અનાદર-અસ્વીકાર ન કરો.’

તેમણે ડોક્ટરને ખાસ કરીને જણાવ્યું, ‘નારાયણને પૂછ્યા વિના કોઈ દર્દીનો અસ્વીકાર કરવો નહીં અને તેને જાણ કર્યા વિના કોઈ પણ દર્દીને સેવાશ્રમ-હોસ્પિટલથી રજા પણ આપવી નહીં.’ આ એટલા માટે હતું કે ડોક્ટરના અભિપ્રાયે દર્દી બિલકુલ સ્વસ્થ છે અને ઘેર જઈ શકે છે, પરંતુ બનવા જોગ છે કે ઘેર પહોંચતા ન તો તેની કોઈ સારસંભાળ લેશે અને ન તો સારું ભોજન આપશે, વળી બની શકે કે અશક્ત હોવાના કારણે તે જ અવસ્થામાં તેને પણ કામ કરવું પડે. એટલે મહારાજ કહેતા, ‘તેને વધુ બે દિવસ રાખો અને સારી રીતે ભોજન આપો, જ્યારે તેનામાં શક્તિ આવી જાય ત્યારે તમે તેને ઘેર મોકલી શકો છો.’ તેઓ આ બાબતે ઘણા જ ચોક્કસ રહેતા હતા કે પ્રત્યેક દર્દી સ્વાસ્થ્ય અને શક્તિ મેળવીને જ જાય કેમ કે તેઓ બધા નિર્ધન લોકો હતા અને તેમને મજૂરી-કામ કરવું પડતું હતું. સેવાશ્રમથી રજા મળ્યા પછી પણ અમે તેઓને ભોજન આપતા રહેતા હતા. તેઓ ભોજન લેવા રસોઈઘર પણ આવતા હતા. દવાઓ પણ અપાતી. અમારી પોતાની ‘આર. કે. મિશન’ અંકિત શીશીઓ હતી. તે નાની મોટી અનેક પ્રકારની હતી. અમે તેમાં દવા ભરીને બહાર દર્દીઓને આપતા રહેતા હતા.

જો કોઈ દર્દી ગંભીર જણાય તો ત્યાં જઈને તેને જોવાની મારી ફરજ-કર્તવ્ય થઈ ગયાં : તેને શું થઈ ગયું છે? શું આપણે તેના માટે વિશેષ કાંઈ કરી શકીએ છીએ ? દૃષ્ટાંત રૂપે, જો અમારી પાસે કોઈ દવા ન હોય તો અમે તે દવા બહારથી મેળવવા પ્રયત્ન કરતા. અથવા ક્યારેક અમારા ડોક્ટર તે દર્દી માટે યોગ્ય ન જણાય ત્યારે અમારે બીજા ડોક્ટરને બોલાવવાની ફરજ પડતી. તે વિસ્તારમાં આવેલ એક મેડિકલ કોલેજ-સ્કૂલ તથા નગરપાલિકાની હોસ્પિટલના સંપર્કમાં અમે રહેતા. ડોક્ટર બોઝ નામના એક સ્થાનિક જાણીતા ડોક્ટર પણ હતા. જેમની સેવાઓ મળતી. આ રીતે મહારાજ ચોક્કસાઈપૂર્વક જોતા હતા કે અમે પ્રત્યેક દર્દીઓને માટે જે કાંઈ થઈ શકે તેના માટે ભરપૂર પ્રયત્ન કરીએ. તેમનું ધ્યાન હંમેશાં દર્દીઓ પ્રત્યે રહેતું કે તેમની સેવા કઈ રીતે કરી શકાય. પાસેના પડોશી ગરીબ લોકોને આ સેવાશ્રમની જરૂરત રહેતી, કેમ કે તેમને જવા માટે અન્ય કોઈ જગ્યા ન હતી. આ બધા કહ્યા કરતા કે કલ્યાણાનંદ મહારાજ તેમના માટે ભગવાન સમા છે.

મેં અનેકવાર સ્થાનિક લોકોને સ્વામી નિશ્ચયાનંદની પ્રશંસા કરતા સાંભળેલા. તેઓ ખરેખર તેમના પ્રત્યે કૃતજ્ઞ હતા, કેમ કે તેમણે આ બધાની સેવા એ રીતે કરેલી હતી કે, જાણે કે તેઓ પોતાના જ હોય. તે બધા લોકોએ તેમને યાદ રાખેલા. પ્રત્યેક વ્યક્તિ કહ્યા કરતી કે તેઓ જ એ વ્યક્તિ હતા કે જેમણે બધા દર્દીઓની ઘણી કાળજીસભર અને સ્નેહભાવે સેવા કરેલી. જ્યારે પણ હું આ સાંભળતો ત્યારે વિચારતો; શું આપણે પણ આ કક્ષા સુધી પહોંચી શકીએ ખરા ?

એક બીજી વાત કરતાં મહારાજે કહ્યું, ‘તમે સેવા કરવા આવ્યા છો, કરાવવા નહીં. કોઈ બીજા તમારી સેવા કરે તેનાથી વધુ સારું છે કે બીમાર જ ન પડૉ.’ તેઓ આ અંગે ઘણા જ સાવધાન હતા, એટલે સુધી કે જો અમને જરા પણ મલેરિયા તાવ આવતો તો અમે તેમને બતાવતા નહીં. અમે કેટલીક દવાઓ લઈ લેતા અને કામમાં વ્યસ્ત રહેતા કેમ કે અમે એવું ક્યારેય પણ ઇચ્છતા નહીં કે અમે પથારીવશ બનીએ અને પોતે અન્યોની સેવા કરવાના બદલે અમારે કોઈ બીજા પાસેથી સેવા લેવાની જરૂર પડે.

દર્દી-વર્ગાેમાં કલ્યાણ મહારાજની રાતના સમયે મુલાકાત

ઉપરોક્ત વર્ણન પ્રમાણે મહારાજ માત્ર શબ્દો દ્વારા જ બીજાની સેવા કરવાનું શીખવતા નહીં. તેમનું પોતાનું જીવન પણ સમર્પણનો આદર્શ હતો. તેઓ ખાસ ધ્યાન રાખતા કે પ્રત્યેકની સેવા યોગ્ય રીતે થાય. તેમાં ભલેને વધુ સમય લાગે, કોઈ વાંધો નહીં અને તેઓ પોતે પણ તેમની સેવા કરતા જ રહેતા. રાતના સમયે સેવાશ્રમમાં સામાન્ય એવો અવાજ પણ સાંભળે તો ધીરેથી ઊઠીને પગરખાં પહેરીને ત્યાં પહોંચી જતા. મારો ઓરડો તેમના ઓરડાની પાસે જ હતો. જ્યારે પણ જતા કૂતરો પણ તેમની સાથે જતો. સિમેન્ટના બનેલા રસ્તા પર ચાલવાના સમયે કૂતરાના પગનો ‘ટક્ ટક્ ટક્’નો અવાજ સંભળાતો; તેથી ખ્યાલ આવતો કે તે મહારાજ સાથે જઈ રહ્યો છે. હું જલદીથી ઊઠી જતો અને તેમની સાથે નીકળી પડતો. તેઓ જાણી જતા કે હું તેમની પાછળ છું, અને કહેતા, ‘અમુક ઓરડામાં જઈને આ કે તે દવાઓ લઈ આવો.’ હું તે લઈ આવતો.

તેઓ દર્દીઓના આરામમાં વિક્ષેપ પહોંચાડ્યા વિના પ્રત્યેકનું નિરીક્ષણ કરતા અને જો તેને ઊંઘ આવી ન હોય તો પૂછતા કે શું કોઈ વસ્તુની જરૂર છે ? રાતના સમયે આ રીતે તેઓ બે કે ત્રણવાર મુલાકાતે જતા. આ બાબતે તેમણે ક્યારેય કોઈને કંઈ કહ્યું નથી. આ કામ તેઓ જાતે જ કરતા. પાછા આવીને સૂઈ જતા. એટલા માટે તેમનું સ્વાસ્થ્ય નબળું પડી ગયું હતું. વૃદ્ધાવસ્થામાં તેમને મધુમેહ થયો હતો. તેથી તેઓ વધુ કાર્ય કરી શકતા નહીં. તેમ છતાં પણ અવાજ સાંભળતાં જ તેઓ ધીરે ધીરે જાગી જતા.

(ક્રમશ 🙂

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.