રાજશાસન ચલાવતા લોકોની સમસ્યા

આટલું બધું થયું છે છતાં એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચી નથી. જેમ આરબોના પગ તળે કાળું તેલ વહે છે તેમ ભારતીયોના પગ તળે ફળદ્રુપ ભૂમિ રહેલી છે. આ તેલ સ્રોતોનો ઉપયોગ કરીને આરબ લોકો સમગ્ર વિશ્વ ઉપર જાણે કે શાસન કરી રહ્યા છે ! પરંતુ આપણી કમનશીબી એ છે કે આ ફળદ્રુપ ભૂમિને કેવી રીતે વધુ ફળદાયી બનાવવી એ ભારતીયો જાણતા નથી. આપણી પાસે અન્ન છે, બુદ્ધિપ્રતિભા છે પણ આપણે છીએ ગરીબ ! આવું કેમ બને ? કારણ કે એની વહેંચણી વ્યવસ્થા અયોગ્ય છે. સમૃદ્ધિ અને સંપત્તિ, અન્ન વગેરે અમુક સ્થળે સંઘરાઈ ગયાં છે અને કોઈનેય મદદ મળતી નથી. આ બધી સમૃદ્ધિઓ નદીના પ્રવાહની જેમ વહેતી થવી જોઈએ.

આ ભયંકર રકાસ માટે જવાબદાર કોણ છે ? એ છે આપણી નોકરશાહી. આપણી પાસે બધી સાધનસંપત્તિ હોવાં છતાં આપણી ભ્રષ્ટ નોકરશાહી અને આપણા ભ્રષ્ટ રાજકારણીઓ આપણને લગભગ કાયમી એવા દુષ્કાળ કે કુદરતી આપત્તિમાં અને હતાશામાં તેમજ ગુલામી અવસ્થામાં દોરી જાય છે. રાજકાણીઓ ભારતને ગરીબ અને અવિકસિત રાખવા મથે છે. ધર્મના નામે ભારતની પ્રજા ઝઘડતી રહે એમ તેઓ ઇચ્છે છે. તે ભારતને એક હતભાગી રાષ્ટ્ર બનાવવા ઇચ્છે છે. આવું બધું આજે અઘટિત બની રહ્યું છે.

આજે ભારતને જરૂર છે સુયોગ્ય વહીવટીતંત્રની. આપણે એવા વહીવટદારો જોઈએ છે કે જે ભારતના સાચા ચાહક હોય અને જે લોકોના પેટમાંથી બધું ઓકાવી લેનારા પેલાં બધું શોષી લેતાં વેક્યુમ ક્લિનર જેવા લોભી લાલચી ન હોવા જોઈએ. જે રાષ્ટ્ર પોતાનાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોથી કીર્તિમાન બન્યું હતું એ જ રાષ્ટ્ર આજે આટલા બધા ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારોને જોઈને પોતાનું માથું શરમથી નીચે નમાવી દે છે. અલબત્ત, કેટલાક મહાન નેતાઓ આજે પણ છે ખરા, પણ એવા વધુ ને વધુ પ્રમાણમાં આપણને મળે એ આ દેશની તાતી જરૂર છે.

આપણે કેવા વહીવટકારોની જરૂર છે ?

‘આપણે આજે કેવા મિજાજના નેતાઓની જરૂર છે?’ એક વખત સ્વામીજીએ જનરલ સ્ટ્રોંગ નામના લશ્કરી અમલદારને પૂછ્યું કે લશ્કરી બળવા સામે ભારત કેમ હાર્યું હતું. જનરલે જવાબ આપ્યો, ‘‘યુદ્ધ મેદાનમાં લડવા માટે આગળ ધપવાને બદલે સલામત સ્થળે પાછળ ઊભા રહીને સેનાપતિઓ ‘લડતા રહો, બહાદુરો લડતા રહો.’ એવા હાકલા પડકારા કરતા રહ્યા. તેઓ લડાઈના મેદાનમાં આગલી હરોળમાં રહીને લડ્યા નહીં.’’ એટલે જ સ્વામીજીએ કહ્યું છે, ‘દરેક ક્ષેત્રમાં આવું જ છે. સેનાપતિઓએ તો પોતાનું માથું પહેલાં આગળ ધરવું જોઈએ. તમે કોઈ આવા શુભકાર્ય માટે તમારું બલિદાન આપો તો જ તમે સાચા નેતા બની શકો.’ આજે આવા નેતાઓની જરૂર છે.

જેના ચાલકો નિર્બળ છે તેવી નાંગરેલી હોડીને ભારત હલેસા મારી રહ્યું છે. સબળા-નબળા વહીવટદારો તો વિશ્વમાં બધે જોવા મળે, પરંતુ નબળા વહીવટદારો સત્તાભૂખ્યા છે, સ્વાર્થભાવનાવાળા, ભલાને સજા કરનારા અને દુષ્ટની ગુલામી કરનારા, ખુશામતખોરોની પ્રશંસાનાં ગીતડાં સાંભળનારા, ઉન્નતિને રુંધનારા બની ગયા છે. વિકાસના ચાલુ પ્રવાહો સાથે તેઓ તાલમેલ પણ સાધતા નથી. જો ભારતના સત્તાધીશો ઉપર્યુક્ત અમલદારોને અને રાજનૈતિક મહત્ત્વાકાંક્ષાને ઉન્નત કરવાનો પ્રયત્ન કરે તો ભારતમાં સમૂળી ક્રાંતિ આવી જાય અને તે થોડા જ વખતમાં સમગ્ર વિશ્વ પર, સત્તાના જોરે નહીં પણ આત્મશક્તિની પ્રબળતા માત્રથી, શાસન કરી શકશે.

જ્યારે સ્વામીજીને કોઈએ પૂછ્યું કે કઈ સેવા તેમને સૌથી વધારે પ્રિય છે, ત્યારે તેમણે કહ્યું : ‘ભારતને ચાહો !’ આ જ આપણા સૌ માટેનો બોધપાઠ છે. ચાલો, આપણે પોતાને ધિક્કારતા બંધ થઈએ અને આપણા ભારતને ચાહવા માંડીએ. પછી આવશે ભવ્ય વિકાશ અને ઉન્નતિ. આ દુનિયા કેવી રીતે આગળ ધપી રહી છે, એના તરફ નજર નાખીએ.

આ અસ્વચ્છતા (ગંદાં શહેર, ગંદા રસ્તા-ગલી, પ્રદૂષિત પાણી વગેરે)ને દૂર કરીએ અને પ્રેમને વિકસાવીએ. આપણા દૃષ્ટિકોણમાં ભાવાત્મક બનીએ તો આપણને કોઈપણ તાકાત ઉન્નત થતાં રોકી ન શકે.

અંતે સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત કેવું છે? એમની દૃષ્ટિએ તો એક એવું ભારત છે કે જે શાશ્વત છે, ત્યાગ-બલિદાનની ભૂમિ છે. રાષ્ટ્રના યોગક્ષેમ માટે આપણે પોતાની સામાન્ય મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થને ત્યજી દેવાં જોઈએ. ગાડીમાં, બસમાં, આપણી શેરી-ગલીઓમાં, આપણા કાર્યાલયમાં-બધી જ જગ્યાએ સ્વાર્થને ત્યજવાની અને બીજાની સેવા કરવાની ઘણી તકો પડેલી છે અને સેવાનું સ્થળ આપણું રાષ્ટ્ર જ છે. આપણા જ યોગક્ષેમ માટે ચાલો આપણે સૌ મળીને આટલું કરીએ.

એટલે જ સ્વામીજીએ કહ્યું છે, ‘અન્યને માટે કરેલા કાર્યની મુખ્ય અસર આપણા પોતાના જ શુદ્ધી કરણમાં થાય છે. બીજાનું ભલુ કરવાના આપણા સતત પ્રયાસ દ્વારા આપણે પોતાની જાતને ભૂલી જવા મથીએ છીએ. પોતાને ભૂલી જવાનો અને બીજાની સેવા કરવાનો આ સરસ બોધપાઠ જીવનમાં આપણે શીખવાનો છે.’

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.