યાત્રા દ્વારા તેમના જીવનકાર્ય અને શિક્ષણની કાર્યસાધકતા

શ્રીરામકૃષ્ણે આપેલો-ઉચ્ચારેલો ઠપકો જેવો અતિમહત્ત્વનો નીવડ્યો હતો, તેવા ઠપકા વિરલ છે : ‘ધિક્કાર છે તને, તું મને સાવ તુચ્છ વસ્તુ માટે પૂછી રહ્યો છે !.. મેં તો ધાર્યું હતું કે તું એક વટવૃક્ષ સમો નીવડીશ અને હજારો માનવો તારી છાયામાં વિશ્રામ લેશે. પણ અત્યારે તો હું જોઉં છું કે તું તારી પોતાની જ મુક્તિ વાંછે છે !’ આ ઉપાલંભે સ્વામી વિવેકાનંદ (તે કાળે યુવાન નરેન્દ્રનાથ)ને તેમના અવતારકૃત્ય અને પરિભ્રમણના ભાગ્ય તરફ ભારપૂર્વક શીખ આપી દીધી.

પૌરાણિક કલ્પનાનુસાર વટવૃક્ષ એ જીવનવૃક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. બધાં જ શાસ્ત્રોનું, જીવનનું તેમજ સમગ્ર કાયાકલ્પનું તે એક સ્થાયી કેન્દ્ર છે. ‘વૃક્ષોમાં હું વટવૃક્ષ છું’ એમ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે. (૧૦ : ૨૬) છતાં આ અસંગત રૂપક આપણને નવાઈ પમાડે છે કારણ કે સ્વામી વિવેકાનંદ કંઈ પંચવટીનું બદ્ધમૂલ સ્થિર વૃક્ષ તો ન હતા કે જેની નીચે વિશ્વ યાત્રીઓની લાંબી હાર, જેમ તેમના ગુરુ રામકૃષ્ણ માટે થતી તેવી તેમને માટે થાય ! તેઓ તો ગ્રીક દેવતા મર્કયુરીની પેઠે પોતાની સ્વલ્પ જીવનયાત્રામાં ઉઘાડા જોડામાં પાંખો લઈને જન્મ્યા હતા ! ઉલ્લેખનીય છે કે તેમના ગુરુને ચરણે અર્પિત થયેલું તેમનું પ્રથમ ગીત આ હતું : ‘સાંભળ હે હૃદય, ચાલો નિજનિકેતને ! આ વિદેશી ભૂમિમાં અજાણ્યા રોકાવા કરતા ચાલો આપણે દેશ.’ એ તો પુરાણા કાવ્ય ‘ભ્રમણશીલ (વન્ડરર)’ ના નમૂનાનો ખ્યાલ આપી જાય છે. ‘ત્યાં કોઈ વિદેશી ભૂમિ નથી, ત્યાં તો યાત્રી પોતે જ વિદેશી છે.’ – એવી નોંધ એના લેખક આર.એલ. સ્ટીવન્સને કરેલી છે. એમાં સ્વામીજીના વિચાર પડઘાય છે. એવી રીતે સિસ્ટર ક્રિસ્ટીને પણ ‘નિ :શક રીતે એ કોઈ અન્ય લોકના પ્રવાસી છે’ એમ કહ્યું છે. તે રીતે તે પોતાના નિજધામમાં જવા ઝંખતા હતા અને પોતાની યાત્રાને જ એમણે કામચલાઉ ઘર બનાવ્યું હતું અને એમણે એવી યાત્રા કરી કે તે રીતની યાત્રા બહુ જ થોડાએ કરી છે. જૂના જમાનામાં દિગ્વિજય જેવી ! અને એ કંઈ માત્ર ભારતની જ નહીં, ભારતના કિનારાઓ ઓળંગીને વિશાળ વિશ્વમાં તેમણે પ્રવાસ કર્યો.

આ યાત્રી વિવેકાનંદ અતિપ્રાચીન સાધુપરંપરાથી સાવ જુદા જ વિવિધલક્ષી પરિવ્રાજક હતા. પોતાનાં ગીતને લઈને અજાણી ભૂમિ પર ભ્રમણ કરતા એ વિશ્વની શ્રેષ્ઠ પરંપરાના શિક્ષક હતા; નવાં ચક્ષુએ નિહાળેલ નવી રમણીય દુનિયાના એ જિજ્ઞાસુ વિદ્યાર્થી હતા, પોતાની ખાસ માતૃભૂમિનું પુનર્જાગરણ ઝંખતા એ એક મિશનરી હતા, પોતાના ગુરુના ઉપદેશોને ત્યાંથી લઈ જઈને વિશ્વના લોકોને પહોંચાડનારા તેઓ એક સંદેશવાહક હતા.

જ્યારે હિપ્પોના આૅગસ્ટાઈને લખ્યું કે વિશ્વ એક ગ્રંથ છે અને જેઓ યાત્રા કરતા નથી તેઓ તેનું એક જ પાસું માત્ર વાંચે છે; તેનો અર્થ તેમના મનમાં એ હતો કે યાત્રા જ જીવન છે, એ જ ભણતર અને પ્રેમ છે અને સ્થળ, કાળ તેમજ સંયોગોને તો નસીબ વેંઢારવાનું જ સ્થાન આપો. આ ‘ટ્રાવેલર’ શબ્દ, જૂની ફ્રેન્ચ ભાષાના Travailler માંથી આવ્યો છે. એનો અર્થ ‘સખત શ્રમ કરો’ એવો થાય છે. ત્યારે યાત્રાનો આ જ અર્થ હતો. આપણે જે આજની દુનિયામાં વસી રહ્યા છીએ તેમાં જે જ્યાં થોડા ઘણા મુસાફરો હોય છે તેને યાત્રી કહીએ છીએ.

દીર્ઘ યાત્રા અને અભ્યાસી

પોતાના ગુરુની ઇચ્છા પ્રમાણે પાંખળા સાધુજીવનના વટવૃક્ષ થવા માટે સ્વામીજી અને એમના ગુરુભાઈઓએ વિરજાહાૅમના (સાધુ જીવનના સ્વીકારની પ્રતિજ્ઞા – વિધિ.) અનુષ્ઠાન દ્વારા કોલકાતાના વરાહનગર મઠમાં ત્યાગી જીવનનું આવાહન કર્યું. તેમના આ તપોવ્રતી જીવન દરમિયાન તેમના મનમાં પોતાના ગંતવ્ય-સ્થાન સાગરમાં મળી જવાની અને સાથે સાથે પોતાની પવિત્રતા જાળવી રાખતી સરિતા જેવી એક અનિર્વચનીય તાલાવેલી વધતી ચાલી.

આ મનોમંથનના સમય દરમિયાન ૧૮૯૦માં સ્વામીજીએ પોતાની પ્યારી માતૃભૂમિના પુનરુદ્ધારના, તેના સમૃદ્ધ ગાલીચાના તાણાવાણા ફરી ગૂંથવાના, હજુ સુધી પ્રારંભિક અવસ્થામાં રહેલા વિચારને રૂપરેખા આપી દંડ, કમંડલું અને મા સારદાદેવીના આશીર્વાદ સાથે પરિવ્રાજક યાત્રાનો આરંભ કર્યો. પ્રવાસમાં આયોજન, રહેઠાણ, ટિકિટ્સ, નાણાં, સામાનનો બોજો વગેરે અનિવાર્ય હોય છે. બીજી બાજુએ પરિવ્રાજક આવી બાબતોનો જ ત્યાગ કરે છે. ફક્ત આત્માને અનુસરીને; પૈસા, કાર્ય, સામાજિક સાથ નકારીને અનિકેત અને એકલા મધુમક્ષિકાની જેમ ભિક્ષા પર નિર્વાહ કરે છે.

સ્વામીજી એક વિશેષ મુસાફરી – પરિભ્રમણ – કરી રહ્યા હતા. પગે ચાલીને તેઓ વૈદ્યનાથ, વારાણસી, અયોધ્યા, નૈનિતાલ અને હિમાલયનાં ઉચ્ચ શિખરો ફરીને સમાજ ઉપર એક બોમ્બની જેમ તૂટી પડવા માગતા હતા. આદિ શંકરાચાર્યે ભારતમાં મલાબારથી હિમાલયમાં બદરીકાશ્રમ તરફ યાત્રા કરી હતી, સ્વામીજીએ ઊલટો પથ લીધો. અલ્મોડા પાસેની કોસી નદીને કાંઠે એક વટવૃક્ષ નીચે તેમણે સચરાચર સૃષ્ટિ વચ્ચે રહેલ મહત્ અસ્તિત્વનો સાક્ષાત્કાર કર્યો. કવિ બ્લેક કહે છે તેમ ‘રેતીના કણમાં વિશ્વને, જંગલી ફૂલમાં સ્વર્ગને જોવું, અમાપને હથેળીમાં અને અનંતને ક્ષણમાં ગ્રહણ કરવું’ અને તેવી રીતે જીવસેવાને શિવજ્ઞાન સમાન ગણવી.

દિલ્હી થઈને તેઓ ઉત્તર પ્રદેશનાં વિશાળ મેદાનમાં ઊતરી આવ્યા અને અલ્વર, જયપુર, અજમેર, ખેતડી અને રાજપૂતાનાનાં અન્ય સ્થળોનો પ્રવાસ કર્યો. અમદાવાદ, લીંબડી, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, સોમનાથ, પાલિતાણા અને વડોદરાની મુલાકાતો દ્વારા ગુજરાતમાં ફર્યા. તેમના પ્રિય ભારતને તેમણે અછૂતની ઝૂંપડીઓમાં જોયું અને તેમની સાથે ભોજન કર્યું. તેમણે રાજાઓ અને પંડિતો સાથે વાર્તાલાપ કર્યા, સાધકોને ઉપદેશ્યા અને દુખિયારાઓનાં આંસુ લૂછ્યાં. ‘તમારા સદ્ગુણોને અકબંધ રાખીને તમે જો ટોળાં સાથે વાતો કરી શકો; તમારું આમ વ્યક્તિત્વ યથાવત્ રાખીને જો તમે રાજાઓ સાથે ફરી શકો; …. સાઠ સેકંડના અંતરને અક્ષમાવાન એક મિનિટમાં કાપી શકો; તો વિશ્વ અને તેની બધી જ વસ્તુઓ તમારી છે અને વિશેષ તો તમે, હે વત્સ ! એક માનવ બનશો.’ – કિપલીંગની આ પંક્તિઓનો તેઓ જાણે કે પડઘો પાડતા રહ્યા.

હિમાલયમાં તેમણે સંસ્કૃત શાસ્ત્રોનો, જયપુરમાં વ્યાકરણનો, અમદાવાદમાં મુસ્લિમ અને જૈન ધર્મશાસ્ત્રનો, ગોવામાં ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અને પોરબંદરમાં વૈદિક સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. તેમણે તે લોકોની કળાઓ, શિલ્પશાસ્ત્રો અને વિવિધતા અને રીતિ-રિવાજોનો પ્રથમદર્શી પરિચય મેળવ્યો. રાજકુમારોને તેમણે સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ માટે પ્રેર્યા, પશ્ચિમના ભૌતિકવાદને તેઓ વખોડતા રહ્યા, વિજ્ઞાન અને ઉદ્યોગોના અભ્યાસને તેમણે ઉત્સાહિત કર્યો. અભણ, ગરીબ, કચડાયેલી પછાત અને ઘૃણાસ્પદ સામાજિક રીતિ-રિવાજો વિશે તેઓ સહૃદયતાથી બોલતા રહ્યા. તેમના અભિપ્રાયો અને દૃષ્ટિકોણને તેમણે ઉદાર બનાવ્યા. અજ્ઞાનના કીચડમાં સબડતા લોકો માટે કરુણા-વારિથી તેમણે તેમનાં જ્ઞાનને સીંચ્યું. આમ કરતા તેમણે તેમની યાત્રા મુંબઈ, પૂણે, ગોવા અને દક્ષિણના મધ્યમાં ચાલુ રાખી. ત્યાં તેઓ બેલગામ, બેંગલોર, કોચીન, મલબાર, ત્રાવણકોર રામેશ્વરમ્, મદુરાઈ અને અંતે મદ્રાસમાં ફર્યા. કન્યાકુમારીમાં દેવીએ પોતાની વિખ્યાત નથડીના પ્રકાશથી તેમના મનને તેમના જીવનધ્યેય વિશે આલોકિત કર્યું. જે હતું – ‘ભારતમાતા અને તેમના લોકોના અસ્ત થયેલા વ્યક્તિત્વને પુન :પ્રકાશિત કરવું.’ દેવી કન્યાકુમારીએ ગુરુદેવ પોતે ચાલ્યા હતા તે જળને પ્રકાશમાન કરી સાત સમુદ્રપારની અજાણી ભૂમિ પર જવાનું અને ભારતની આધ્યાત્મિકતાને ત્યાં પહોંચાડીને બદલામાં પોતાના ગરીબ ભ્રાતૃજનો માટે ભૌતિક જ્ઞાન અને મદદ મેળવવા આહ્‌વાન કર્યું. તેઓ શિકાગોની વિશ્વધર્મપરિષદમાં હાજરી આપવાના હતા.

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.