ઓક્ટોબરથી આગળ…

જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો સ્ત્રીઓની સેવા કરે છે. સ્ત્રી રોગીઓની સેવા માટે શું તું કોઈ છોકરીઓને મોકલી નહિ શકે?’ ત્યારથી તેઓ આ વિશે વિચારતાં હતાં તથા ડફરિન ઈસ્પિતાલમાં મને નર્સિંગની તાલીમ અપાવવા માટે વિચારતાં હતાં. સિસ્ટર ક્રિસ્ટીન પણ ઇચ્છતાં હતાં કે મને કોઈ એવી તાલીમ મળે જેનાથી હું પોતાના માટે આજીવિકા મેળવી શકું. તે વખતના ગવર્નર લોર્ડ કારમાઈકલનાં પત્ની લેડી કારમાઈકલ નર્સિંગની તાલીમ માટે સંનિષ્ઠ હિંદુ કુટુંબની ત્રણ છોકરીઓ લેવા માગતાં હતાં. તેઓ સિસ્ટર ક્રિસ્ટીનનાં બહેનપણી હતાં. સિસ્ટર ક્રિસ્ટીનને ત્રણ હિંદુ છોકરીઓ મોકલી, જેમાંની એક નબળી તબિયતને કારણે લાયક ન ઠરી, બીજીએ વિચાર માંડી વાળ્યો, ત્રીજી હું જ રહી ગઈ. મારા દાખલ થવાની વાત નક્કી થતાં સુધીરાદીએ ઉદ્‌બોધનમાં આવીને કહ્યું ત્યારે ગોલાપમા ક્રોધમાં આવીને બોલ્યાં, ‘સુધીરા, શું કરે છે? એક બ્રાહ્મણ છોકરીને ઈસ્પિતાલમાં મોકલી રહી છે? આ બધું શું છે? આ યોગ્ય નથી. પછી તેના હાથે બનાવેલું ભોજન કોણ ખાશે?’ શ્રી શ્રીમાએ જ્યારે આવો આક્ષેપ સાંભળ્યો તો તેઓ શાંતિથી બોલ્યાં, ‘ગોલાપ, તું શા માટે વાંધો ઉઠાવે છે? તાલીમ લઈને તે આપણી જ સેવા કરશે.’ શ્રી શ્રીમાએ આ માટે (તાલીમ માટે) સંમતિ તથા પ્રોત્સાહન આપ્યું. પરંતુ હું જરા હતાશ હતી. ઘણા દિવસો પછી મને શ્રી શ્રીમાનાં ચરણે આશ્રય મળેલ, પણ હવે મારે અન્યત્ર જવું પડશે.

ઈ.સ. ૧૯૧૪ ના ફેબ્રુઆરી માસમાં ‘ડફરિન સ્કૂલ આૅફ નર્સિંગ’માં મને પ્રસૂતિકાર્ય (દાયણ) ના શિક્ષણ માટે પ્રવેશ મળ્યો. સુધીરાદીએ બધી વ્યવસ્થા કરેલી. પ્રવેશ મળ્યાની વાત સાંભળી શ્રી શ્રીમાએ કહ્યું, ‘હું તને કંઈક આપવા માગું છું, શું આપું?’ મારી પાસે ધાબળો નહોતો. તેથી તેમણે મારા માટે એક મોંઘો ધાબળો ખરીદી આપ્યો. મારા જવાના સમયે તેમણે મને માથે હાથ ફેરવીને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું, ‘મારી દીકરી, તારે કશો ભય નથી.’ સુધીરાદીએ મને કહ્યું, ‘તું ત્યાં હિંદુ છોકરીની જેમ જ રહેજે.’

મેં દુર્ગાપૂજાની રજાઓ શ્રી શ્રીમા સાથે ગાળી. સામાન્ય રીતે પહેલા વર્ષે રજાઓ અપાતી નહીં, પણ મને અપવાદરૂપે મળી ગઈ. ઈ.સ.૧૯૧૫ ની દુર્ગાપૂજામાં પણ મને રજાઓ મળી ગઈ, તે વખતે શ્રી શ્રીમા જયરામવાટીમાં હતાં. નિવેદિતા સ્કૂલની કેટલીક વિદ્યાર્થિનીઓની સાથે સુધીરાદી મને હવાફેર માટે મધુપુર લઈ ગયાં. ત્યાં અમે કિરણ દત્ત ના ઘરે રહ્યાં. રજાઓ પૂરી થતાં હું કોલકાતા પાછી ફરી, પરંતુ બાકીનાં બધાં ત્યાં જ રહ્યાં.

ઈ.સ.૧૯૧૬ માં દુર્ગાપૂજા બેલુર મઠમાં થવાની હતી. સુધીરાદીએ મને લખ્યું, ‘શ્રી શ્રીમા પૂજામાં ઉપસ્થિત રહેશે. અમે બધાં ત્યાં જ હોઈશું, તું રજા લઈને આવી જા.’ પરંતુ મને ફક્ત એક જ દિવસની રજા મળી. અમારે ત્યાંની એક દર્દી બેલુર મઠની નજીક રહેતી હતી. તેના ઘરે પણ પૂજા હતી તેથી તેણે અમને આમંત્રણ આપ્યું. એક અંગ્રેજ તાલીમાર્થી (નર્સ) સાથે હું ત્યાં ગઈ. સંધ્યા થતાં તે અંગ્રેજ બહેન ઈસ્પિતાલ પાછી ફરી. પણ હું તે દર્દી-બહેનના પિતાજી સાથે બેલુર મઠ જતી રહી. સંધ્યા બાદ ઘણો સમય વીતી ગયેલો. આરતી પૂરી થઈ ગયેલી અને શ્રી શ્રીમા આરામ કરવા પોતાના ઓરડામાં જતાં રહ્યાં હતાં. સુધીરાદી ભજન સાંભળી રહ્યાં હતાં. મને જોઈ તેઓ આશ્ચર્ય પામ્યાં. મેં તેમને જણાવ્યું, ‘મને ફક્ત એક દિવસની રજા મળી છે. મારે કાલે પાછા જવું પડશે.’ તેઓ બોલ્યાં, ‘ભલે એક જ દિવસની રજા હોય પણ તું થોડા દિવસ અહીં જ રહી જા.’ મેં કહ્યું, ‘તો તમે મહેરબાની કરીને તે લોકોને લખી દો, નહિતર મુશ્કેલી થશે.’ ભજન પછી હું શ્રી શ્રીમાને પ્રણામ કરવા ગઈ. મને જોઈને તેઓ આનંદિત થયાં. મેં દુર્ગાપૂજાના દિવસો શ્રી શ્રીમા સાથે આનંદથી વિતાવ્યા.

સુધીરાદીએ મારી ગેરહાજરી વિશે કોઈ પત્ર નહોતો લખ્યો તેથી જ્યારે હું ઈસ્પિતાલ ગઈ ત્યારે તે લોકો મારા ઉપર ખૂબ જ ગુસ્સે થયાં. મને કહેવામાં આવ્યું કે દંડરૂપે ત્રણ મહિના વધારે કાર્ય કરવું પડશે અથવા પૈસા ભરવા પડશે. ત્રણ માસ બાદ અમારી પરીક્ષાઓ હતી, તેના પછી પણ ત્રણ મહિના વધુ કાર્ય કરવું મને પસંદ ન હતું. મેં તેમને કહ્યું કે દંડ ભરી દેવામાં આવશે પણ હું વધારાના ત્રણ મહિના કાર્ય કરીશ નહિ. ગુસ્સામાં આવીને તે લોકોએ ઉદ્‌બોધનમાં પત્ર લખ્યો. તે વખતે સુધીરાદી સ્કૂલની ઉપલા વર્ગમાં ભણતી વિદ્યાર્થિનીઓને લઈને રામેશ્વરમ્ તથા બીજાં તીર્થસ્થળોએ ગયેલાં. શરત મહારાજને આ પ્રસંગની જાણકારી નહોતી. પત્ર વાંચીને એમને ચિંતા થવા માંડી. તેમણે ઉદ્‌બોધન ભવનથી કોઈને મારી પાસે મોકલ્યા અને મેં ઈસ્પિતાલ છોડી દીધી. પાછા આવ્યા પછી સુધીરાદી તે લોકોને મળ્યાં, ત્યાં સુધીમાં તો તે લોકો પણ શાંત થઈ ગયેલાં. તે લોકોએ મને તાલીમ પૂરી કરવા બોલાવી લીધી. ફેબ્રુઆરીમાં હું ડફરિન પાછી ફરી તેથી એપ્રિલમાં પરીક્ષા આપી નિવેદિતા સ્કૂલમાં પાછી આવી ગઈ.

ઈ.સ.૧૯૧૭ માં હું સ્કૂલના છાત્રાલયમાં રહી. ઈ.સ.૧૯૧૮ ની ૧૧ જાન્યુઆરીએ શ્રીસારદાદેવી જયરામવાટીમાં માંદાં પડ્યાં. શરત મહારાજ ડોકટરો સાથે ત્યાં જવાના હતા. તેમણે શ્રી શ્રીમાની સેવા માટે મને મોકલવા સુધીરાદીને લખ્યું. સુધીરાદીએ મને તેમની સાથે જવા કહ્યું. તે વખતે અમે ૫૦, બોસપાડા લેન ઉપર આવેલી સ્કૂલના છાત્રાલયમાં રહેતાં હતાં. યોગીનમા, ગોલાપમા, બે બ્રહ્મચારીઓ, બે દાકતરો તેમજ મને સાથે લઈને સ્વામી સારદાનંદ રાતની રેલગાડી દ્વારા જયરામવાટી જવા નીકળ્યા. જ્યારે શ્રી શ્રીમા થોડાં સાજાં થયાં તો મને ત્યાં જ રાખી, બીજાં બધાં કોલકાતા પાછાં ફર્યાં. મહારાજે મને શ્રી શ્રીમા સાથે ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) મહિનામાં માને લઈને પાછાં આવવા કહેલું. થોડા દિવસો બાદ તેમણે કોલકાતાથી લખ્યું, ‘શું થયું? ફેબ્રુઆરી માસ વીતી ગયો, શ્રી શ્રીમાને લઈને આવતી કેમ નથી?’ શ્રી શ્રીમાએ કહ્યું, ‘તેને લખી નાખ કે હું હવે સારી થઈ ગઈ છું. કોલકાતા નહિ આવું.’ પ્રત્યુત્તરમાં મહારાજે લખ્યું, ‘શ્રી શ્રીમાને હવાફેરની જરૂરત છે. જો તેઓ કોઆલપાડા જઈને રહે તો તે તેમને માટે સ્વાસ્થ્યપ્રદ રહેશે.

કોઆલપાડામાં જવાની વાત સાંભળી શ્રી શ્રીમા ખુશી થયાં. ચૈત્ર (માર્ચ- એપ્રિલ) માં અમે ત્યાં ગયાં. શ્રી શ્રીમાની સાથે અમે બધાં આનંદમાં હતાં. એક દિવસ વરસાદ સાથે કરા પડ્યા. શ્રી શ્રીમાએ અને અમે કરા ખાધા. બીજે જ દિવસે મને તીવ્ર તાવ આવી ગયો, જે ત્રણ દિવસે ઊતર્યો. શ્રી શ્રીમાને મારી ચિંતા થવા માંડી, પણ બે દિવસ બાદ એમને પણ તાવ આવ્યો. તેઓ બોલ્યાં, ‘મારું પેટ બરાબર નહોતું તેથી મને તાવ આવી ગયો. હું કાલે જુલાબ લઈ લઈશ તેથી ઠીક થઈ જશે.’ પરંતુ તેમ કરવા છતાં તેમનો તાવ વધી ગયો. મેં સ્વામી કેશવાનંદને, સ્વામી સારદાનંદને તાર મોકલવા કહ્યું. તાર કરી નાખ્યો પરંતુ શ્રી શ્રીમાને તે વિશે કશું કહ્યું નહિ. તીવ્ર તાવમાં પડ્યાં પડ્યાં તેઓ વારંવાર પૂછતાં હતાં, ‘શરત આવ્યો નહિ?’

ઉદ્‌બોધન ભવનમાં હરિ મહારાજને ઝેરી (કારબંકલ) ગૂમડું થયેલું અને શરત મહારાજ એમની સેવામાં હતા. શ્રી શ્રીમાની માંદગીના સમાચાર સાંભળી તેઓ અત્યંત ચિંતિત થઈ ગયા. તેમણે તરત જ ડૉ. કાંજીલાલને એવી સૂચના સાથે કોઆલપાડા મોકલ્યા કે જરૂર જણાય તો તરત જ એમને સૂચિત કરવા. ડૉ.કાંજીલાલના ઉપચારથી પણ તાવ ન ઊતર્યો. શરત મહારાજ આ સાંભળી તરત જ યોગિનમા તથા સ્વામી ભૂમાનંદને લઈને કોઆલપાડા આવી ગયા. શ્રી શ્રીમાનું શરીર તાવથી તપ્ત હતું. શરત મહારાજના શરીરના શીતળ સ્પર્શથી એમને શાંતિ મળી.

જયારે રાધુએ જોયું કે શ્રી શ્રીમા બીમાર છે ત્યારે તે બોલી, ‘મા, તમે તો જઈ રહ્યાં છો, મને સાસરે મોકલી દો.’ અમે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે શ્રી શ્રીમા આટલાં બીમાર છે ત્યારે તેણે આ રીતે ન જવું જોઈએ. પરંતુ તેણે તો જવાની હઠ પકડી લીધી. તેણે બધાંને એવી રીતે સમજાવ્યાં કે અંતે શ્રી શ્રીમાએ તેને મોકલવાની સંમતિ આપી દીધી. એક પાલખીની વ્યવસ્થા કરવામાં આવી. હસતી હસતી તે પોતાને સાસરે જતી રહી. જ્યારે યોગિનમા આવ્યાં ત્યારે શ્રી શ્રીમાએ તેમને ફરિયાદ કરી, ‘રાધુ મને છોડી સાસરે ચાલી ગઈ.’ યોગિનમા હસીને બોલ્યાં, ‘તો શું થઈ ગયું? સાસરે જવાની તો આ ઉંમર છે. મા, તમે પણ આ ઉંમરે શ્રીરામકૃષ્ણ પાસે ગયાં હતાં.’ શ્રી શ્રીમા કાંઈ ન બોલ્યાં.

થોડા દિવસો પછી શ્રી શ્રીમા કંઈક સ્વસ્થ થતાં ડૉ. કાંજીલાલ કોલકાતા પાછા ચાલ્યા ગયા. પરંતુ તેમને પાછો તાવ આવ્યો. તેથી શરત મહારાજે ડૉ.સતીશને ઈલાજ કરવા કહ્યું. તેમણે ક્વીનાઈન મિક્ષચર આપ્યું, જેનાથી માને થોડું સારું લાગ્યું. શરત મહારાજે કહ્યું, ‘આ વખતે હું શ્રી શ્રીમાને મારી સાથે લઈ જઈશ. અહીં હવે હું વધારે રહેવા નહિ દઉં.’ શ્રી શ્રીમા બોલ્યાં, ‘શરત કહે છે એટલે જવું જ પડશે. પણ પહેલાં હું જયરામવાટી જઈશ.’ અમે બધાં જયરામવાટી ગયાં. રાધુને તેના પતિ સાથે જમવા નોતરવામાં આવી. જમણવાર પછી રાધુ પોતાના પતિ સાથે પાછી જતી રહી. તેણે કોલકાતા જવાની ના કહી. મે મહિનાના મધ્યભાગમાં અમે કોલકાતા ગયાં. આ વખતે શરત મહારાજે કોઆલપાડાથી વિષ્ણુપુર સુધી ઘોડાગાડીની વ્યવસ્થા કરેલી જેથી શ્રી શ્રીમાની યાત્રા સગવડભરી રહી. (ક્રમશ 🙂

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.