(ગતાંકથી આગળ… )

દિગ્વિજય

પોતાના પ્રભાવ અને પ્રચાર માટે સર્વજ્ઞપીઠ અથવા વિશ્વોપદેશકની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાન આચાર્યોએ પ્રભાવિત કરેલા ભૌગોલિક વિસ્તાર માટે ‘દિક્-વિજય’એ પ્રણાલીગત ભાષાલંકાર છે. પોતાના પ્રિય અને કંઈક આશ્ચર્યચકિત થઈ ગયેલા ગુરુભાઈને સ્વામીજી બોલી ઊઠ્યા : ‘હરિભાઈ, હું અમેરિકા જાઉં છું.’ હરિ મહારાજે ત્યારે ભાગ્યે જ કલ્પ્યું હશે કે તેઓ પણ તેમને અનુસરશે. એક પરિવ્રાજક સ્વામી વિવેકાનંદના નામે એક વિશ્વપ્રવાસી બનનાર હતા. રાજાના ગુરુ નજીકના ભવિષ્યમાં ફક્ત કમંડલુ સાથે નહીં પરંતુ રાજવી પોશાક, મુસાફરીના સામાન અને પૂરતાં નાણાં સાથે પરંતુ વધુ ઠંડીમાં અપૂરતા પોશાક સાથે મુસાફરી કરવાના હતા.

મે, ૧૮૯૩માં હોંગકોંગ થઈને જાપાન જતી સ્ટીમર પેનીન્સ્યુલરના તૂતક પર સ્વામીજી વિચારોમાં ખોવાઈ ગયા. સહયાત્રીઓ સાથે મૈત્રી કરતા સમુદ્ર અને આકાશના ઘણા નવા નવા ચહેરાઓ નિહાળતા અને સાથે પ્રવાસ કરતા પશ્ચિમના લોકોના રિવાજોનું નિરીક્ષણ કરતા કરતા તેમણે તેમનો સમય આરામ અને ચિંતનમાં પસાર કર્યો. માર્ગમાં તેમણે કેન્ટોનની મુલાકાત લીધી અને ચીનાઓથી પરિચિત થયા. જાપાન પહોંચતા તેમણે નાગાસાકી, કોબે, યોકોહામા, ઓસાકા, ક્યોટો અને ટોક્યો પહોંચતા પહોંચતા તેઓ જાપાની લોકોની ચોકસાઈ, કલા અને ઉદ્યોગોથી પ્રભાવિત થયા. ત્યાંથી તેમણે એમ્પ્રેસ ઓફ ઈન્ડિયા નામની સ્ટીમર પકડી. કેપ્ટને આપેલ કોટથી મળેલી ઉષ્મા સાથે તેઓ વાનકુવર પહોંચ્યા. ત્યાંથી ટ્રેઈન પકડીને કેનેડાના બરફથી આચ્છાદિત ગ્રામ્ય દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર પસાર કરી વીન્નીપેગ અને ત્યાંથી મિન્સો ટેકરીઓથી છવાયેલ સરોવર પસાર કરી આગળ વધતા સેંટ પોલથી તેઓ શિકાગો પહોંચ્યા.

કઠિન પ્રવાસથી નિસ્તેજ અને થાકેલા, થોડોક જ સામાન, ઓછા પૈસા તથા તેના મૂલ્ય અને ઉપયોગ વિશે અજાણ, પૂર્વ તૈયારી વગરના અને અજાણ્યા વાતાવરણ વચ્ચે સ્વામીજી અણધારી પરિસ્થિતિમાં આવી પડ્યા. તેઓ હાજરી આપવાના હતા તે વિશ્વધર્મપરિષદ મુલતવી રખાઈ. આવી સ્થાપિત સંસ્થામાં સભ્યપદની નોંધ માટેના જરૂરી ઓળખ-પત્રો પણ તેમની પાસે ન હતા. તેમની પાસે ટાંચા સાધનો જલદી વપરાતાં ચાલ્યાં. તેથી સસ્તું સ્થાન હશે, તેમ માનીને નોંધણી માટે યોગ્ય સમયે શિકાગો પાછા આવી જશે, એવું સમજીને તેઓ બોસ્ટન ગયા. શરૂઆતમાં જિજ્ઞાસાથી એક વિચિત્ર વ્યક્તિ તરીકે તેઓ પ્રતિ લોકોનું ધ્યાન ખેંચાયું. પરંતુ પછીથી તેમણે ઘણા યજમાનોના હૃદય અને મન જીતી લીધાં. જેમાંના એક હાર્વર્ડના પ્રાધ્યાપક રાઈટે જાહેર કર્યું, ‘સ્વામીજી પાસેથી ઓળખાણ માગવી તે સૂર્યને પ્રકાશવાનો અધિકાર માગવા જેવું છે.’ ખાનગી મંડળો અને જાહેર સભાગૃહોના મંચ પર વિવિધ વિષયો પર પ્રવચનો આપતાં આપતાં તેઓ સાલેમ અને સારાગોટા આવ્યા. તે દરમિયાન તેઓએ ખ્રિસ્તી પ્રચારકો અને દેવળના અધિકારીઓનો ખોફ વહોરી લીધો. ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં સ્વામીજી એક માલવાહક ડબ્બામાં ૮ સપ્ટેમ્બર, ૧૮૯૩માં શિકાગો પહોંચ્યા. આખરે અત્યંત થાકેલા, તેઓ તેમની મુસીબતોના નિર્દાેષ વર્ણનથી વ્યથિત, દેવદૂત જેવાં મદદગાર શ્રીમતી હેઈલનો આશ્રય પામ્યા, જેમણે તેમને ધર્મપરિષદમાં નોંધણી કરવામાં મદદ કરી.

રેશમી પોશાક અને પાઘડીથી ચળકતા તેમણે તેમના સહ-પ્રતિનિધિઓને ઝાંખા પાડી દીધા. છતાં આ અતિ મહત્ત્વશીલ ઘડીને ધ્રુજારી અનુભવતા ટાળ્યા કરી. આખરે વિદ્યાની દેવી સરસ્વતીએ તેમના હૃદયનો કબજો લીધો અને તેમની જિહ્વા પર સવાર થયાં અને તેઓએ બધા ધર્મોની વૈશ્વિકતાની ઘોષણા કરી, જેની ગર્જનાના શમી ગયાના એક સૈકા બાદ પણ તે ક્ષણો તેમના દેશવાસીઓનાં હૃદયમાં પ્રતિષ્ઠિત છે. ગરીબ, ગુલામ, અજ્ઞાન અને વહેમોથી સબડતા એવા દેશના એક તંગી-ગ્રસ્ત, અજાણ્યા અને અપરિચિત સંઘના એક સાધુ ‘ચક્રવાતી સંન્યાસી’, એક સિતારા બની ગયા. બ્રાહ્મણ શાસ્ત્રોના રસાળ ભાષાંતર તરીકે નહીં, પરંતુ એક જીવંત શિક્ષા-પદ્ધતિ તરીકે વેદાંતની પશ્ચિમમાં છડી પોકારાઈ.

પોતાના રિવાજો અને અનુભવના બળે બોલતા એક ‘દેશી’ના આવા સામનાથી ‘અન્ય’ની સભાનતા તરીકેની એક નવી ઓળખાણ ઊભરી આવી. પશ્ચિમના સ્વાર્થની પૂર્તિ માટે જીતાયેલી વસાહત તરીકે નહીં, પરંતુ સતત જીવંત સંસ્કૃતિ કે જે આધુનિકતાના હુમલા સામે ઝૂકી ન જતાં, અન્ય શિષ્ટ રાષ્ટ્રોમાં પોતાની ઓળખ ઊભી કરવા મથી રહેલી એક નવી ભૂમિકા તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ. આ એક એવો પ્રકલ્પ હતો, જે આજ સુધી ગતિમાન છે.

ભારતમાંનાં કાર્યો માટે ભંડોળ ઊભું કરવા – જે પ્રવૃત્તિ તેમના હૃદયમાં વસેલી હતી – સ્વામીજી શિકાગો, મેડિસન, ડેસ મોઈન્સ, મિનિયાપોલીસ, મેમ્ફીસ, ડેટ્રોઈટ, બોસ્ટન અને ન્યૂયોર્કમાં વ્યાખ્યાનો આપતા રહેવામાં અને ૧૮૯૪માં ન્યૂયોર્કની વેદાંત સોસાયટીની સ્થાપના કરવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી નાખવાના હતા. તેમના સમયના અને વિવિધ પ્રવૃત્તિઓમાં સ્થાપિત યુરોપ-અમેરિકાની વિશેષ વ્યક્તિઓને સ્વામીજી મળ્યા, જેમાં નોંધપાત્ર છે આધુનિક મનોવિજ્ઞાનના જનક વિલિયમ જેમ્સ; મહાન અજ્ઞેયવાદી ઈંગરસોલ રેન્ડ; નીકોલા ટેસ્લા, લોર્ડ કેલ્વીન, હર્માન વાૅન, હેલ્મહોલ્ટ્ઝ જેવા વૈજ્ઞાનિકો : અદાકારા સારા બર્નહાર્ટ; ગાયિકા એમ્મા કાલ્વે; કવિ એલ્લા વીલ્કો; કવયિત્રી હેરીયેટ મોન્સે, દાનવીર જહ્ોન રોકફેલર અને મહાન હિંદુત્વ-વિદો : મેક્સમૂલર તથા પાૅલ ડ્યુશેન.

૧૮૯૫માં આ પ્રવાસી સંન્યાસીએ તેમની પ્રવૃત્તિ બાજુએ ધકેલીને અંગત ઉપદેશો આપતાં આપતાં આરોગ્ય માટે આરામ લેવો પડ્યો. ઈંગ્લેન્ડનો તેમણે બે વાર પ્રવાસ કર્યો અને તેમના અનુસરનારા ચાહકોમાં વૃદ્ધિ થઈ જેમાં માર્ગારેટ નોબલનો સમાવેશ થયો, જેમને તેમણે ભગિની નિવેદિતા એવું નવું નામ આપ્યું. યુરોપ ખંડના પૅરીસ, જીનીવા, લ્યુસર્ન, કીલ હેમ્બર્ગ, બ્રેમેન અને એમ્સ્ટર્ડેમની મુલાકાત લઈ તેઓ લંડન પાછા ફર્યા. લંડનમાં તેમને કોઈએ પૂછ્યું : ‘સ્વામીજી, વૈભવી અને શક્તિશાળી પશ્ચિમના અનુભવો પછી હવે તમને તમારી માતૃભૂમિ વિશે કેવી લાગણી થાય છે ?’ સ્વામી વિવેકાનંદે કહ્યું : ‘પહેલાં હું ભારતને પ્રેમ કરતો હતો, પરંતુ હવે મને ભારતની ધૂળ પણ પવિત્ર લાગે છે, ત્યાંની હવા પણ પવિત્ર લાગે છે, હવે તે પવિત્ર ભૂમિ છે. એક તીર્થક્ષેત્ર છે.’

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.