સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના એક ભાગરૂપે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ બે વર્ષથી ચાલતા સમાપન પ્રસંગ મહોત્સવમાં આ પુસ્તકનું વિમોચન ૧૧ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. પુસ્તકાલયો અને સરકારી સંસ્થાઓમાં વહેંચવા માટે ગુજરાત સરકારે આ પુસ્તકની એક લાખ નકલોની વરધી આપી હતી.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્ય સ્તરે સ્વામી વિવેકાનંદ વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતભરની ૧૨૦૦ માધ્યમિક શાળાઓના ૮૮૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧૯મી જાન્યુઆરીએ વડોદરામાં યોજાયેલ પુરસ્કાર વિતરણ સમારોહમાં મહાનુભાવો, શિક્ષકો અને શિક્ષણવિદો ઉપરાંત લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષણ સચિવ શ્રી એ.એમ. તિવારી અને માઉંટ એવરેસ્ટનું આરોહણ કરનાર દુનિયાની પ્રથમ વિચ્છિન્ન અંગવાળાં મહિલા, લખનૌ સ્થિત કુમારી અરુણિમા સિંહાએ રાજ્ય તથા જિલ્લા સ્તરીય ૯૦ વિજેતાઓને પુરસ્કારથી નવાજ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી પૂર્ણાહુતિ નિમિત્તે રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા. ૧૭-૦૧-૨૦૧૪ના રોજ ‘યુવદિન’ ઉજવાયો હતો. સવારના ૯.૦૦ વાગ્યે ટાવર બંગલાથી મિશન સુધીની પ્રભાતફેરીમાં આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો ‘વિવેકાનંદ રથ’ વિશેષરૂપે આકર્ષણનું કેન્દ્ર હતો. તા. ૧૭ અને ૧૮ ના રોજ આ રથને લીંબડીની વિવિધ સ્કૂલો તથા આસપાસનાં ગામડાંમાં લઈ જવાયો હતો. સ્વામીજીના પ્રેરણાદાયી જીવન અને સંદેશના માધ્યમથી મૂલ્યલક્ષી કાર્યક્રમોના આયોજન દ્વારા લોકોમાં એક નવીન ચેતનાનું પ્રાગટ્ય થયું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની પૂર્ણાહુતિ નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૨૦-૦૧-૨૦૧૪ના રોજ આદિત્યાણા અને તુંબડા ગામના ૨૦૦ ગરીબ પરિવારોના આશરે ૧૦૦૦ લાભાર્થીઓને રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ – ચોખા ૧૦૦૦ કીલો, મગદાળ ૪૦૦ કીલો, બાજરો ૨૦૦૦ કીલો, તેલ ૨૦૦ કીલો, ખાંડ ૨૦૦ કીલો, ચા ૫૦ કીલો, શોલાપુરી ચાદર ૨૦૦ નંગ – નું વિતરણ થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતીની પૂર્ણાહુતિ રૂપે તા. ૬ થી ૮ ફેબ્રુઆરી દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઉપક્રમે ‘શાસ્ત્રીય સંગીત’ના મહાકુંભ અને જ્ઞાનગોષ્ઠિનો વિશિષ્ઠ કાર્યક્રમ ‘યુનિટી-ઈન-ડાયવર્સીટી – વિવિધતામાં એકતા’ શીર્ષક હેઠળ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના અધ્યક્ષ તથા બેલુર મઠના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીની શુભ ઉપસ્થિતિથી આ કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.

૬ ફેબ્રુઆરીના રોજ ‘યુનિટી આૅફ ડાયવર્સિફાઈડ ફેઈથ’ અંતર્ગત ‘જરથુસ્ટીઈઝમ’ વિશે મુંબઈના પારસી વિદ્વાન યેઝદી, ‘જુડાઈઝમ’ (યહૂદી) વિશે અમેરિકાના વાેશિંગ્ટનના વેદાન્ત સોસાયટીના સ્વામી આત્મજાનંદજીએ, ‘ક્રિશ્ચિયાનીટી’ વિશે રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સ્વામી આત્મરૂપાનંદજીએ, ‘ઈસ્લામ’ વિશે આેલ ઇન્ડિયા સૂફી કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ સામી બુબેરે, ‘બુદ્ધિઝમ’ વિશે રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સ્વામી વિશ્વાત્માનંદજીએ, તથા ‘હિન્દુઈઝમ’ (વસુધૈવ કુટુમ્બકમ્) વિશે રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રેરક પ્રવચનો આપ્યાં હતાં. ઔરંગાબાદના શાસ્ત્રીય ગાયન સંગીતજ્ઞ શ્રી અફઝલ હુસેને સુંદર ગીત રજૂ કર્યું હતું.

શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીએ વિવેકાનંદ લિખિત ‘સંગીત કલ્પતરુ’ પુસ્તિકા તથા બે ‘આેડિયો સી.ડી.’નું વિમોચન કર્યું હતું.

૭ ફેબ્રુઆરીના રોજ ‘યુનિટી-ઈન-ડાયવર્સીફાઈડ કલ્ચર’ હેઠળ ઘોઘાવદરમાં આવેલ ‘સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર’ના સ્થાપક ડૉ. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુએ ‘સંતોની વાણીમાં ભાવાત્મક એકતા’ વિશે, દિલ્હી સ્થિત મહિલા સંતોની સંતવાણીના સુખ્યાત શાસ્ત્રીય ગાયિકા ડૉ. સુભદ્રા દેસાઈએ ઋગ્વેદકાળથી સાંપ્રત સમય સુધીના મહિલા સંતોની અભિવ્યક્તિઓ વિશે, સંપદા મ્યુઝિયમના સંવાહક શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ ‘ક્રાફટ્સ એન્ડ ટ્રેડિશનલ આર્ટસ’ વિશે, ડૉ. રવીન્દ્ર કાટોટીએ ‘વાદ્યસંગીત દ્વારા એકતા’, શ્રીદત્તાત્રેય વેલણકરે તથા બાલાસુબ્રહ્મણ્યમ શર્માએ ‘વિવિધ પરંપરાગત સંગીત’ અને માયાવતી સ્થિત ‘પ્રબુદ્ધ ભારત’ના એસાૅસિયેટ એડિટર સ્વામી મધુરાનંદજીએ ‘હારમની થ્રુ ફાઈન આર્ટ’ વિશે જ્ઞાનસભર પ્રવચનો આપ્યાં હતાં.

૮ ફેબ્રુઆરીના રોજ ‘મ્યુઝિકલ ટ્રિબ્યુટ ટુ સ્વામી વિવેકાનંદ’ કાર્યક્રમ અંતર્ગત સંગીત રસિકોએ દેશના ટોચના વાંસળીવાદક પં. નિત્યાનંદ હલ્દીપુરે વાંસળીવાદન દ્વારા તેમજ વિશ્વ વિખ્યાત કલાકાર બેલડી ગુંડેચા બંધુઓ – પંડિત ઉમાકાંત અને રમાકાંતે – ધ્રુપદ ગાયકી દ્વારા વિવેકાનંદજીને સંગીતાંજલિ અર્પણ કરી હતી.

૯ ફેબ્રુઆરીના રોજ સ્વામી ગૌતમાનંદજી મહારાજ દ્વારા નવનિર્મિત ચિકિત્સાલયભવન તેમજ વિવેકાનંદ સાંસ્કૃતિક ભવનના નવનિર્મિત ત્રીજા માળનું શુભ ઉદ્‌ઘાટન થયું હતું.

***

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.