પ્રશ્ન : સૌથી આગળ પડતી સંસ્થા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને ભવિષ્યમાં કેવો ભાગ ભજવવો પડશે અને કેવું પ્રદાન કરવું પડશે ?

ઉત્તર : સંન્યાસીઓના ઇતિહાસમાં મઠ અને મિશનના નામે જાણીતી સંસ્થા રામકૃષ્ણ સંઘ એક નવું પ્રકરણ ઉમેરે છે. એની વિશેષતા એક છે કે તે પ્રાચીન અને અર્વાચીન વચ્ચે એક સેતુ બાંધે છે. ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની આધારશિલા જેવા સનાતન કે શાશ્વત મૂલ્યો આ સંઘની આધારભૂમિકા છે. આધુનિક યુગની માગને અનુરૂપ બનવા અને આપણા દૈનંદિન જીવનના વ્યવહારમાં ઉતારવા અને સાર્થક કરવા, આ શાશ્વત મૂલ્યો બંધબેસતા બને એ માટે આ સંસ્થા પ્રયત્ન કરે છે. સંસ્કૃતમાં એક યુક્તિ છે – ‘ચલત્ એકેન પાદેન, તિષ્ઠત્ એકેન બુદ્ધિમાન્ – મેધાવી માનવ પોતાના એક પગ પર ધીર-સ્થિર ઊભો રહે છે અને બીજા પગે આગળ અને આગળ ધપતો રહે છે.’ રામકૃષ્ણ સંઘનો અભિગમ પણ આવો જ છે. આ પ્રક્રિયામાં સફળતાયે મળે અને નિષ્ફળતાયે મળે. પરંતુ આ સફળતા અને નિષ્ફળતામાંથી આપણે અનુભવ મેળવવો જોઈએ અને સમગ્ર વિશ્વના લોકોમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના જીવંત સંદેશનો પ્રસાર કરવા આગળ વધવું જોઈએ. આ કાર્ય માત્ર વ્યાખ્યાન કે વાણી દ્વારા, પ્રકાશનો દ્વારા નહીં પણ વિવિધ ક્ષેત્રોમાં સમર્પિતભાવનું અને વ્યાવહારુ કાર્ય કરવાથી થઈ શકે. આનાથી એ પણ સાબિત થશે કે રામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલ વેદાંત એક જીવંત ધર્મશ્રદ્ધા છે. એમાં કંઈ અભાવાત્મક નથી, અને તે લોકોના દૈનંદિન જીવન સાથે વિસંગત પણ નથી. રામકૃષ્ણ મઠ અને મિશનનું મહત્ત્વનું પ્રદાન પ્રાચીન યુગના આ શાશ્વત મૂલ્યોને લાવવાનું છે. આ મૂલ્યોનો ઉપદેશ શ્રીરામકૃષ્ણ અને તેમના શિષ્યોએ લોકોને ઉપર વર્ણવેલી રીતે પ્રબોધ્યો છે. એટલે તે પ્રાચીનને અર્વાચીન જીવનપ્રણાલી સાથે જોડે છે.

પ્રશ્ન : તીવ્રગતિએ ચાલતા આ સમાજમાં વિશ્વ એક ‘વિશ્વગ્રામ’ બની ગયું છે. આપ શું માનો છો કે લોકો હજી પણ દીર્ઘકાળ સુધી ટકી રહેનારાં મૂલ્યો ઝંખે છે ?

ઉત્તર : ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘વિશ્વગ્રામ’ તે ઇતિહાસ જેટલા જૂના છે. વેદોમાં કહ્યું છે : ‘યત્ર વિશ્વમ્ ભવતિ એક નીડમ્’ – જ્યાં સમગ્ર વિશ્વ એક માળો – કુટુંબ બને છે.

જો કે માનવી સમગ્ર વિશ્વમાં આવી આદર્શ પરિસ્થિતિ લાવવાનાં સ્વપ્નો સેવે છે, પરંતુ તે આ સ્વપ્નને સાકાર કરી શક્યો નથી. એનું કારણ એ છે કે માનવની મૂળભૂત રીતિઓ કે પથો હજારો વર્ષ જૂના હતા તેવા આજે પણ છે. આખું વિશ્વ બાહ્યદૃષ્ટિએ ‘વિશ્વગ્રામ’ બન્યું છે અને એ ઝડપથી ચાલતા સમાજ તરફ સૌને દોરી જાય છે. પરંતુ માનસિક કક્ષાએ તો આજે પણ માનવ પ્રેમ, ઘૃણા જેવી લાગણીઓથી પ્રેરાય છે. જૂના જમાનામાં પણ આવું જ હતું.

યુગોથી લોકો શાશ્વત્ મૂલ્યોને આત્મસાત કરવા ઝંખે છે. પરંતુ સમસ્યા એ છે કે આ મૂલ્યોને માનવજીવનમાં વાસ્તવિકરૂપ કેવી રીતે આપી શકાય.

તાજેતરના વર્ષોમાં પર્યાવરણની રક્ષા કરવા માટે લોકો બૂમરાણ મચાવે છે. આ એક સારી વાત છે. પરંતુ માનવીય મનની પૂરતાં કાળજી-સંભાળ લેવાઈ નથી. આજે બધા વિચારશીલ લોકોએ પોતાનું ધ્યાન નવા યુગ તરફ દોરવું જોઈએ.

પ્રશ્ન : માહિતીજ્ઞાન પ્રૌદ્યોગિકી અને બાયોટેક્નોલોજીના આ યુગમાં વેદાંતનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરી શકાય ?

ઉત્તર : વેદાંતના વૈશ્વિક અને સનાતન સંદેશનો – વેદાંતનો પ્રચાર-પ્રસાર કરવા માહિતીજ્ઞાન પ્રૌદ્યોગિકી અને બાયોટેક્નોલોજીનો લાભ લેવો જોઈએ. આ વેદાંતનાં સત્ય, સર્વોત્કૃષ્ટ સત્યનાં ધ્યેયથી વિજ્ઞાન અને ટે્કનોલોજીને નાથીને વધુ સારો અને શાંત સમાજ રચી શકાય. વળી એનો ઉપયોગ હિંસા, વિનાશ અને અનૈતિક પ્રવૃત્તિઓ માટે કરી શકાય. વળી વેદાંત એ સર્વોત્કૃષ્ટ સત્ય અને ધ્યેય વાળી રીતિ છે.

વેદાંત એટલું દૂરનું કે પ્રાચીન તેમજ મૃત્યુ પછી પામી શકાય એવું હોવું ન જોઈએ. ઉપનિષદ અને ગીતા કહે છે તે પ્રમાણે : ‘આપણે આ જીવનમાં ધ્યેય સુધી ન પહોંચી શકીએ તો પણ આધ્યાત્મિક પ્રયત્નો ક્યારેય વેડફાઈ જતા નથી. બીજા જન્મમાં આત્મા જ્યાં તેને છોડી દીધા હતાં એવાં સનાતન મૂલ્યોને પકડી લે છે. એટલે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી આધુનિક માનવના મનને અને જીવનને સાર્થક અને ધ્યેયલક્ષી બનાવવા ચોક્કસ મદદરૂપ બની શકે. (ક્રમશ:)

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.