પ્રશ્ન – આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ આપણે આપણા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી પડે. આવી ‘ચલ જાઉં કે ટપ જાઉં’ જેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?

ઉત્તર – આ ખરેખર કઠિન સમસ્યા છે. એટલે એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. આવી પરિસ્થિતિની સાથે પનારો પાડનારે કોઈ મહાન કે ભયંકર બાંધછોડને દૂર રાખીને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આવું કાર્ય કે જે તમારે કરવું પડ્યું છે તે પૂર્ણ થયા પછી પ્રભુને પ્રાર્થના કરો.

પ્રશ્ન – જ્યારે હું અહીં નિવાસી કોલેજમાં આવ્યો ત્યારે મને ઘર, મિત્રો અને બીજું બધું ન હોવાને  લીધે એકલું એકલું લાગતું હતું. પણ હવે હું જરાય દુ:ખી નથી. શું મારી ભીતર અનાસક્તિનો ભાવ વિકસિત થઈ રહ્યો છે ?

ઉત્તર – આને અનાસક્તિ સાથે કંઈ લેવાદેવા નથી. વ્યક્તિને જાણીતી અને ગમતી પરિસ્થિતિઓ જોઈએ છીએ. અને જ્યારે એવી પરિસ્થિતિઓ ન હોય ત્યારે કોઈપણ વ્યક્તિ દુ:ખ અનુભવે છે. પણ જ્યારે એ પરિસ્થિતિ મળી રહે ત્યારે એ સુખ અને આનંદ અનુભવે છે.

પ્રશ્ન – માત્ર ઇચ્છા કે વાસનાવિહીન બનવાનો વિચાર કરીને શું હું વાસના મુક્ત બની શકું ?

ઉત્તર – ના, સંસ્કૃતમાં જેને વિવેક અને વિચાર કહે છે તે દુનિયાની ઇન્દ્રિયગોચર પ્રકૃતિને સમજવા આવશ્યક છે. તમારા મનમાંથી ઇચ્છાઓ કે વાસનાઓને દૂર કરવાનો પ્રયત્ન કરો.

પ્રશ્ન – ક્યારેક આપણી પ્રવૃત્તિ આપણા દૃષ્ટિકોણ પ્રમાણે બરાબર લાગે છે; પણ બીજા પોતાના દૃષ્ટિકોણ અને મનોવલણ પ્રમાણે એના તરફ જુએ છે. એટલે કોઈ પણ કર્મને પારખવા માટે સાચો માપદંડ કયો છે ?

ઉત્તર – તમે જે કાંઈ કરો છો તે વિશે તમારી જાતને પૂછો કે એ કાર્ય સ્વાર્થભર્યું છે કે નિસ્વાર્થભાવનું ? તમે જે કાંઈ કરી રહ્યા છો તે આધ્યાત્મિક રીત અને નૈતિક રીતે ખોટું છે કે સાચું તે માપવાનો આ એક માપદંડ બની રહેશે.

પ્રશ્ન – સમગ્ર વિશ્વમાં શાંતિ સંવાદિતાનું લક્ષ્ય શું છે ? અને જો સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થપાય તો શું બને – કેવી પરિસ્થિતિ સર્જાય ?

ઉત્તર – દેખીતી રીતે જ શાંતિ અને સંવાદિતાની મોટી માગ રહી છે, પરંતુ એ બન્ને હંમેશાં માનવની પકડમાં આવતાં નથી. જો શાંતિ અને સંવાદિતા હોય તો માનવ આધ્યાત્મિક રીતે ઉત્ક્રાંત થઈ શકે અને એ સમગ્ર માનવપ્રજાનું અંતિમ ધ્યેય છે.

પ્રશ્ન – મોટા ભાગના મહાપુરુષોના જીવનમાં કે જેમણે સર્વોત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરી છે; તેમને ગુરુનું સતત માર્ગદર્શન મળ્યું છે, એવું આપણને જોવા મળે છે. વર્તમાન સમયમાં અમે સાચા ગુરુ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ?

ઉત્તર – જો તમે ખરેખર એ વિશે સચિંત કે ગંભીર હો તો તમને યોગ્ય સમયે ગુરુ મળી રહેશે. ગુરુ તો તમને પથ ચીંધે છે, પરંતુ એ પથે ચાલવાનું તો તમારે છે.

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.