(ગતાંકથી આગળ…)

કલ્યાણ મહારાજનો પ્રેમ બીજાના જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવતો

એકવાર એક ચોર અમારા બગીચામાં કામ કરવા આવ્યો. બગીચાની દેખરેખ રાખતા સ્વામીજીએ તેને કહ્યું, ‘અરે, તેં તો અમુક જગ્યાએ કાંઈ ચોરી કરી છે અને અહીં કામ કરવા આવી ગયો ? ચાલ્યો જા અહીંથી !’ આવી કોઈ વાત થયેલી તેના વિશે હું કશું જાણતો ન હતો. તો પણ એ વ્યક્તિને ધીરે ધીરે જતા જોઈને મેં તેને પૂછ્યું, ‘ક્યાં જઈ રહ્યો છે ? તારે કામ કરવાનું છે, મેં તને બગીચામાં જઅવાનું કહ્યું હતું.’ તેણે કહ્યું, ‘તે સ્વામીજીએ તો મને ચાલ્યા જવાનું કહ્યું છે.’ અમે હજી તો વાત કરી જ રહ્યા હતા ત્યાં કલ્યાણ મહારાજ આવી ગયા અને તેમણે તે વ્યક્તિને કામ કરવા માટે બગીચામાં જવાનું કહ્યું. તેણે કહ્યું, ‘પરંતુ તે સ્વામીજીએ ચાલ્યા જવાનું કહ્યું છે.’ આ સાંભળીને મહારાજ હસ્યા અને કહ્યું, ‘બરાબર છે, જરૂર તેં કંઈ ખોટું કામ કર્યું છે. ૫રંતુ તેમને તો ખબર નથી કે તેં મારી સામે તેનો સ્વીકાર કર્યો છે – ચાલ.’ તે વ્યક્તિને બગીચામાં લઈ ગયા તથા બગીચાની દેખરેખ કરતા સ્વામીજીને સમજાવ્યા, ‘જુઓ એમાં કોઈ શંકા નથી કે તે ચોર હતો, પરંતુ જે કાંઈ બન્યું છે તેને માટે તેને ખેદ છે.’ મહારાજે તેને માફ કરી દીધો ! પણ બગીચાવાળા સ્વામીજીને તેને માફ કરવાની વાત સ્વીકાર્ય થઈ નહીં અને પછી ભોજન સમયે તેમણે મને કહ્યું, ‘નારાયણ, તે માણસ શું કરશે, કોણ જાણે છે !’ મેં જવાબ આપ્યો, ‘હું તો દ્વીધા-સંદેહની અવસ્થામાં બધાને છૂટ આપું છું, માત્ર તેને જ નહીં, બધાને.’ તો શું કરવું જોઈએ ?’ ‘કાં તો આ સંદેહનો બોજ હંમેશાં મનમાં રાખીને મરી જઈએ અથવા તેને એક તક આપો.’ બગીચાવાળા સ્વામીજીએ કહ્યું, ‘મારી સમજમાં તો કશું આવતું નથી.’ મેં તેમને બતાવ્યું, ‘એમ તો મારી સમજમાં પણ આવતું નથી; પરંતુ મહારાજનો આદર્શ આપણા કરતાં ઉત્કૃષ્ટ છે. જ્યારે મહારાજ પોતે જ કહી રહ્યા છે તો આપણે ચોરને એક વધુ તક આપવી જોઈએ.’

બીજી એક ઘટના મને યાદ આવે છે : એક વ્યક્તિ ક્યારેક આવ્યા કરતી અને મહારાજ પાસેથી થોડી રકમ માગતા અને તે લઈને ચાલ્યા જતા. આવું ઘણી વાર બનતું રહ્યું. એકવાર મેં મહારાજને પૂછ્યું, ‘આ વ્યક્તિ કોણ છે ? તે આવીને તમારી પાસેથી પૈસા લઈને ચાલ્યા જાય છે. તે કાંઈ કામધંધો કરતા નથી. આ બધું શું છે ?’ મહારાજે ક્યારેય જવાબ આપ્યો નહીં. મહારાજની મહાસમાધિ પછી કેટલાક સમયે તે વ્યક્તિ આવ્યા અને તેમણે મને મહારાજ વિશે પૂછ્યું. મેં તેને પૂછ્યું, ‘આપ કેટલા પૈસા ઇચ્છો છો ?’ તેમણે મને કહ્યું, ‘મારે પૈસા નથી જોઈતા, હું જાણવા માગું છું કે મહારાજ ક્યાં છે ?’ ત્યારે મેં તેમને જણાવ્યું કે મહારાજ તો દેહત્યાગ કરી ગયા છે. તે વ્યક્તિ નીચે બેસી ગઈ અને બાળકની જેમ રડવા લાગી. થોડા સમય પછી તેમણે કહ્યું, ‘આપ જાણતા નથી કે મારે માટે તેમણે શું કર્યું છે.’ મેં પૂછ્યું, ‘શું કર્યું છે?’ ‘આ એક ઘણી લાંબી વાત છે. એક દિવસ હું બજારમાં હતો. મારી પાસે પૈસા ન હતા અને એક દુકાનથી મેં કાંઈક ચોરી લીધું. લોકોએ મને પકડી લીધો અને પોલીસ મારી પીટાઈ કરતી હતી. મહારાજ એક ઘોડાગાડીમાં આવી રહ્યા હતા. તેમણે ઘોડાગાડી રોકી અને પોલીસને મને પીટાઈ કરવાની ના કહી. મહારાજે પૂછ્યું, ‘શું થયું છે ?’ તેઓએ જવાબ આપ્યો, ‘આણે આ વસ્તુઓ ચોરી છે.’ મહારાજે પૂછ્યું, ‘આની કિંમત કેટલી છે ?’ તેમણે તે વસ્તુઓની કિંમત ચૂકવી આપી અને મને કહ્યું, ‘ભવિષ્યમાં તને પૈસાની જરૂર પડે તો મારી પાસે આવજે. ચોરી કરતો નહીં. તું તો ભલો માણસ દેખાય છે. તેં આ બધી વસ્તુઓની શા માટે ચોરી કરી છે ?’ હું ખૂબ મહેનત-મજૂરી કરતો પણ જ્યારે પૂરતા પૈસા મળતા નહીં તો હું મહારાજ પાસે આવતો અને મહારાજ મને થોડાક પૈસા આપતા રહેતા. તે પછી મેં ક્યારે પણ ચોરી કરી નહીં. તેઓ મારા માટે ખૂબ સારા હતા. તેમણે મને ક્યારે પણ પ્રશ્ન પૂછ્યો નહીં; તેઓ માત્ર પૈસા આપતા.’ જરા વિચારો તો ખરા. માત્ર થોડા રૂપિયા આપીને તેમણે તે વ્યક્તિને પ્રામાણિક બનાવી દીધી. તેમણે તેના સંપૂર્ણ મનને, તેની વ્યવહારની પદ્ધતિને જ બદલી નાખી. આ પ્રસંગે મને ઘણો જ પ્રભાવિત કર્યો. મેં તે વ્યક્તિને કહ્યું કે હું પણ તેને થોડા પૈસા આપવાનું ઇચ્છીશ, પરંતુ તેણે ના કહી. તેણે ક્યારેય મારી પાસેથી પૈસા લીધા નહીં.

મહારાજ જનસામાન્ય પ્રત્યે ઘણો જ ઉદારભાવ રાખતા. આપને જાણીને આશ્ચર્ય થશે કે અમારા આશ્રમમાં એક એવો માણસ પણ હતો તે મૂંગો હતો. તે કાંઈ જ કરતો નહીં, ચૂપચાપ બેસી રહેતો, ખાતો અને ફરીથી જઈને ચૂપચાપ બેસી જતો. એક બીજો માણસ ઘણા જ ઉગ્ર સ્વભાવવાળો દર્દી હતો. બધાને ભોજન અપાતું હતું અને બધાની પૂરી કાળજી લેવાતી, પણ તેની વર્તણૂક સમય અમારે ખૂબ સાવચેત રહેવું પડતું. એક પૂજ્ય સ્વામીજીને છાતીમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા તે કેમેય રુઝ આવતી ન હતી. કોઈ વ્યક્તિ તેમના માથે ચંદનનું તેલ લગાવતા કેમ કે તેમને અસહ્ય માથાનો દુ :ખાવો થતો હતો. મહારાજે આ બધાને સાથે જ રાખેલા અને તેમને આશ્રમની બહાર કર્યા નહીં. તે બધા રહેતા અને શક્ય બધા જ ઉપચારો કરવામાં આવતા. મહારાજ અમને કહ્યા કરતા, ‘શું તમે આ બધાને થોડું ભોજન ન આપી શકો? તેઓને શા માટે બહાર કાઢવા માગો છો ? તેઓ બહાર કેવી રીતે રહેશે ?’ ત્યાં જે કોઈ આવતા તેમને આશરો મળતો હતો.

એકવાર એક રસપ્રદ ઘટના બની. સ્વામી માધવાનંદજી આશ્રમમાં પધારેલા. તેઓ એ સમયે રામકૃષ્ણ સંઘના મહાસચિવ હતા. તેમણે ત્યાં એક બ્રહ્મચારીને ફરતો-ફરતો જોઈને કલ્યાણ મહારાજને કહ્યું, ‘શું તમે આ છોકરા વિશે જાણો છો ?’ ‘હા, જાણું છું.’ ‘તેને ત્રણ જગ્યાએથી કાઢી મૂકયો છે. તે કોઈ કામનો નથી. તેને અહીં રાખવો જોઈએ નહીં.’ કેમ કે તેઓ મહાસચિવ હતા. એટલે પોતાની સત્તાનો પ્રભાવ પાડતાં આમ કહ્યું. કલ્યાણ મહારાજે કહ્યું, ‘‘તેણે મને બધી વાત જણાવી છે. તેણે મારી પાસે બધાનો સ્વીકાર કર્યો છે, તેણે આંસુ સારતાં મને કહ્યું, ‘હું અહીં સારો બનવોનો પ્રયત્ન કરીશ. આપ જે કહેશો તે હું કરીશ.’ એટલે તે અહીં છે.’’ ત્યારે તેમણે પોતાના અવાજને ઊંચો કરતાં કહ્યું, ‘જુઓ શ્રીરામકૃષ્ણ અહીં સોનાને સોનું બનાવવા માટે આવ્યા ન હતા. તેઓ તો તુચ્છ ધાતુને સોનું બનાવી દે છે. જો આપણે આવા છોકરાઓના મનનું પરિવર્તન કરી શકીએ તો તે સૌથી સારી વાત છે. આપ સારા છોકરાઓ ઇચ્છો છો ? તેઓ તો પહેલાંથી જ સારા હોય છે. પરંતુ આવા છોકરાઓને ભલાઈની જરૂર છે.’ અને સાંભળો, આ બ્રહ્મચારીએ મહારાજની સેવા અને સેવાશ્રમમાં સેવાકાર્ય ઘણું જ સારી રીતે કર્યું છે. પહેલાં તે ગુસ્સે થઈ જતો હતો, વસ્તુ ઓ પછાડતો. ત્રણ જગ્યાએ આવું બની ચૂક્યું હતું. પરંતુ કનખલમાં તે ઘણો સભાન બન્યો છે. ધીરે ધીરે તેણે પોતાના ઉગ્રસ્વભાવને પૂરી રીતે નિયંત્રણમાં રાખ્યો છે અને બધું બરોબર થઈ ગયું.

આદર્શવાક્ય : પ્રેમપૂર્વક નિ :સ્વાર્થ સેવા

સન ૧૯૩૫ની વાત છે. એક દિવસ અમે કેટલાંક ભાઈઓ કનખલ સેવાશ્રમના પુસ્તકાલયમાં ભેગા થયા. કોઈએ કહ્યું, ‘આપણે બધાનો ત્યાગ કર્યો છે અને કલ્યાણ મહારાજના સ્નેહાળ માર્ગદર્શનથી ખુશ છીએ.’ તે સમયે મહારાજ પુસ્તકાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા, તેઓ અંદર આવ્યા અને ખુરશી પર બેઠા. અમે બધા ઊભા થઈ ગયા.

પછી કલ્યાણ સ્વામીજીએ કહ્યું, ‘કોણે કહ્યું કે તમે લોકોએ બધું છોડી દીધું છે ? તમે લોકોએ ત્યાગ કર્યો છે જ ક્યાં? તમારાં માતા-પિતા, ભાઈ-બહેનો અને ઘર. શું તે તમારાં પોતાનાં છે ? કંઈક એવાનો ત્યાગ કરો જે તમારું પોતાનું હોય. તમારું પોતાનું છે જ શું ?’ વળી તેમણે કહ્યું, ‘તમારો અહંકાર ને સ્વાર્થ. આનો ત્યાગ કરો. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, ‘ત્યાગ કરો અને સેવા કરો.’ પોતાના અહમ્ અને સ્વાર્થનો ત્યાગ કરો અને પ્રેમપૂર્વક સેવા કરો, એ જ સાચો ત્યાગ છે.’

કલ્યાણ સ્વામીજીએ મારી તરફ જોયું અને કહ્યું, ‘નારાયણ આ લખ, પ્રેમપૂર્વક નિ :સ્વાર્થ સેવા જ આપણા સંઘનું આદર્શ વાક્ય છે.’ આમ કહીને કલ્યાણ સ્વામીજી પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. અમે બધા પણ કેટલોક સમય મૌન રહ્યા.

પછીથી મને સ્વામી વિવેકાનંદની ‘સખા કે પ્રતિ’-‘મિત્ર પ્રત્યે’ નામની કવિતા યાદ આવી. તેમાં તેઓ કહે છે, ‘જે સર્વ પ્રાણીઓને પ્રેમ કરે છે તે જ ઈશ્વરની સર્વોત્તમ ભક્તિ કરે છે.’ વળી, શ્રીમા સારદાદેવીજીના જીવનમાં પણ મેં આ જોયું છે. જ્યારે કોઈએ માને પૂછ્યું, ‘અમે કેવી રીતે જાણી શકીએ કે કોઈએ ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ?’ આ વિશે માએ જવાબ આપ્યો, ‘તેને કંઈ બે શીંગડાં ઊગતાં નથી. જ્યારે તમે જોઈને અનુભવો છો કે કોઈ નિ :સ્વાર્થ, સ્નેહપૂર્ણ અને બીજાઓની જરૂરીયાતોમાં મદદ કરે છે તો જાણવું કે તેને ઈશ્વરની અનુભૂતિ થઈ છે.’ અહ્મ સંબંધમાં પણ મને તે વાત યાદ આવી. જ્યારે કોઈએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘હું ક્યારે મુક્ત થઈશ ?’ શ્રીરામકૃષ્ણએ જવાબ આપ્યો, ‘જ્યારે આ ‘હું’ મરી જશે ત્યારે તમે મુક્ત થઈ જશો.’ મને એ વાતની પણ યાદ આવી જ્યારે કોઈએ બુદ્ધને પૂછ્યું, ‘નિર્વાણ શું છે ?’ બુદ્ધે જવાબ આપેલો ‘અનત્તા જ નિર્વાણ છે, અર્થાત્ અહમ્શૂન્યતા જ નિર્વાણ છે.’ આ બધા દૃષ્ટિકોણથી સ્વામી કલ્યાણાનંદજીની આ કેળવણી કેટલી સાચી હતી : ‘પ્રેમપૂર્વક નિ :સ્વાર્થ સેવા’ જ આપણા સંઘનું આદર્શ વાક્ય છે. (ક્રમશ 🙂

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.