ભારતના યુવાનોને સંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ દેશનું નવનિર્માણ યુવાનો દ્વારા જ થશે. આને સાકાર કરવા માટે યુવાનોએ એક આદર્શ સ્વીકારવો અને તે આદર્શને સિદ્ધ કરવા સુધી કાર્યમાં મંડ્યા રહેવાનું આહ્‌વાન કરે છે. યુવાનોમાં સ્વાવલંબન પર ભાર આપે છે. તેઓ કહે છે કે કાર્ય કરતી વખતે યુવાનોમાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ, નિર્ભયતા હોવી જોઈએ. વીરત્વ હોવું જોઈએ અને સાથે જ કહે છે કેહૃદયની વિશાળતા પણ અત્યંત જરૂરી છે અને પ્રબળ ઇચ્છાશક્તિ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. આપણા યુવાનોએ નેતૃત્વની જવાબદારી તો લેવાની જ છે, પરંતુ આ વાત યાદ રાખવી જોઈએ કે પહેલાં આજ્ઞાપાલન, વિનમ્રતા અને જિજ્ઞાસા જેવા ગુણ પણ તેમનામાં હોવા જોઈએ. તેઓ કહેતા હતા કે નેતા તો ‘સરદાર કો સિરદાર’ માથું મૂકનાર હોવો જોઈએ. પોતાના લોકોનાં કલ્યાણ માટે સર્વસ્વ સમર્પિત કરવાની ભાવના હોવી જોઈએ. સ્વામીજી યુવકોને કહેતા હતા કે જો ભારતીય જીવનને જાણવું હોય તો તેની ગરિમાને ઓળખવાની છે, તેના રાષ્ટ્રીય જીવનના કેન્દ્રસ્થાનમાં જે ધર્મ છે કે આધ્યાત્મિકતા છે તેને સાચા અર્થમાં સમજવી અત્યંત જરૂરી છે. આ વાતને વ્યાપકરૂપ આપવા માટે શિક્ષણનો ફેલાવો અનિવાર્ય છે. સ્વામીજી માનતા હતા કે આધ્યાત્મિક શક્તિ દ્વારા જ ભારતનું પુનરુત્થાન શક્ય છે અને ભારતનું રાષ્ટ્રીય કર્તવ્ય કે ઉદ્દેશ્ય પણ વિશ્વનું આધ્યાત્મિક ઉત્થાન જ છે. સ્વામીજી ‘ત્યાગ અને સેવા’ને જ રાષ્ટ્રીય આદર્શ માનતા હતા અને તેના દ્વારા જ ભારતની બધી જ સમસ્યાઓનું સમાધાન આપણને મળી શકે છે. સાથે ને સાથે દૃષ્ટિની વ્યાપકતા, સંવાદિતા, સર્વનો સ્વીકાર, વૈશ્વિકતા આ જ ભારતીય આત્માનું મૂળ તત્ત્વ છે.

સ્ત્રીઓના સશક્તિકરણ અંગે સ્વામીજીએ ઘણો ભાર મૂક્યો છે. તેઓ ભારતીય નારીઓને પોતાના ‘માતૃત્વ’ના આદર્શને હંમેશાં યાદ રાખવાનું કહેતા હતા. તેમના મતાનુસાર ભારતીય નારીત્વના આદર્શની સર્વોત્તમ અભિવ્યક્તિ સીતા છે અને વીરાંગનાનો તેનો આદર્શ રાણી લક્ષ્મીબાઈ અને ચાંદબીબી જેવી વીર નારીઓ છે. સ્વામીજી મહિલાઓને પુરુષોની જેમ જ સર્વોચ્ચ જ્ઞાનની અધિકારી માનતા હતા. તેઓ સ્ત્રીઓ માટે એક ખાસ પ્રકારના શિક્ષણની જરૂરિયાત અનુભવતા હતા. તેઓ ઇચ્છતા હતા કે મહિલાઓએ પોતે જ જાગૃત થવું જોઈએ અને સ્વનિર્ભર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તથા તેમના શિક્ષણની સાથે ચારિત્ર્ય નિર્માણને પણ મેળવી દેવું જોઈએ. ખાસ કરીને આપણા સમાજમાં ‘માતા’ સંસ્કૃતિની સંવાહિકા હોય છે, એટલા માટે માતૃત્વના આદર્શને કેન્દ્રમાં રાખીને મહિલાઓની શિક્ષણપદ્ધતિ તૈયાર હોવી જોઈએ, એવું સ્વામીજી માનતા હતા.

જો આપણે વર્તમાન શિક્ષણ પદ્ધતિને જોઈએ તો એવું લાગે છે કે તે સ્વામીજીની સંકલ્પના મુજબ નથી. સ્વામીજી તો ઇચ્છતા હતા કે શિક્ષણ આપણા અંત :કરણમાં રહેલા અનંત જ્ઞાનને પ્રકાશિત કરવામાં મદદરૂપ હોવું જોઈએ અને સાચા શિક્ષણનું પરિણામ પૂર્ણ માનવનું નિર્માણ જ થવું જોઈએ. શિક્ષણથી આપણું રાષ્ટ્રીય આત્મસન્માન વધવું જોઈએ અને સાથે ને સાથે આપણાં બાળકો – યુવાનોનું આત્મસન્માન વધવું જોઈએ. શિક્ષણનું કેન્દ્રબિંદુ ચારિત્ર્ય નિર્માણ હોવું જોઈએ અને તેના માટે સૌપ્રથમ સશક્ત અને સારા વિચારોને આત્મસાત્ કરી લેવા જોઈએ. સાચા મનુષ્ય નિર્માણ કરતા શિક્ષણમાં સ્વાવલંબન કે આત્મનિર્ભરતા એક મહત્ત્વનું લક્ષ્ય છે. આવું બધું થવાથી જ એક શિક્ષિત વ્યક્તિ સામે આવેલી બધી સમસ્યાનો ઉપાય શોધી લેશે. શિક્ષણનું પ્રયોજન માત્ર નિષ્ક્રિય વિચાર જ નહીં, પણ સંસ્કૃતિને આત્મસાત્ કરવાનું છે.

સ્વામીજી કહેતા હતા કે ભારત ગામડાઓમાં વસેલું છે, એટલે સ્વામીજીએ જ્યારે પરિવ્રાજકના રૂપે ભારતનું પરિભ્રમણ કર્યું, ગરીબી, અજ્ઞાન, વહેમ વગેરેથી ઘેરાયેલાં ગ્રામ્યવાસીઓનાં દુ :ખોને પોતાની સમક્ષ જોયાં ત્યારે તેઓ તેમના શિક્ષણ બાબતમાં પણ વિચારવા લાગ્યા અને તેમણે કહ્યું કે આપણા શિક્ષિત યુવાનોની એ ફરજ છે કે ગામડાઓમાં જઈને તેમને શિક્ષણ આપવું જોઈએ. તેમણે વિજ્ઞાનનાં સાધનોની સાથે ગામડાઓમાં જઈને તેમને એવું શિક્ષણ આપવું જોઈએ જેનાથી તેઓ પોતાનો જીવનનિર્વાહ કરવા જેટલું કમાઈ શકે, પોતાના પગ ઉપર ઊભા રહી શકે અને તેઓ સ્વાવલંબી બની શકે. રામકૃષ્ણ મિશન દ્વારા ચલાવવામાં આવતાં શૈક્ષણિક કાર્ય તેની જ પ્રેરણાનું પરિણામ છે. તેમણે જ ‘દરિદ્રનારાયણ’ શબ્દની રચના કરી અને શિક્ષિત લોકોને કહ્યું કે ‘શિવજ્ઞાને જીવસેવા’ના ભાવથી જ આ ગ્રામવાસીઓની નિ :સ્વાર્થ સેવા કરવી જોઈએ, તેમને શિક્ષણ આપવું જોઈએ. એમ તો સ્વામીજીએ માનવજીવનના કોઈ પણ ક્ષેત્રને પોતાના વિચારોથી સ્પર્શયા વિના છોડ્યા નથી અને તેઓ સમાજનાં, રાષ્ટ્રનાં સર્વકલ્યાણ માટે નિરંતર પ્રયત્ન કરતા રહ્યા. તેઓ એક ‘પરિપૂર્ણ પુરુષ’ હતા.

સ્વામીજી માત્ર સ્વપ્નદૃષ્ટા જ ન હતા, સાથે જ તેઓ એક ઉત્તમ પ્રકારના શિલ્પી પણ હતા. પોતાના ઘણા ટૂંકા આયુષ્યમાં પણ તેમણે ઘણાં બધાં નક્કર નિર્માણ કાર્ય કર્યાં છે, જેનાથી આપણે સહુ પરિચિત છીએ. તેઓ માત્ર વિચાર પુરુષ જ નહીં, સાથે સાથે એક નિપુણ કર્મઠ પુરુષ પણ હતા. વિચાર અને કર્મઠતા તેમના જીવનમાં સમાન્તર રીતે ચાલતાં હતાં. તેમનાં સ્વપ્ન હજી ઘણાં અધૂરાં હતાં અને તેમણે માત્ર ૩૯ વર્ષની ઓછી ઉંમરે મહાસમાધિ લીધી. તેઓ આવાં સ્વપ્નો સાકાર કરવાની જવાબદારી ભાવિ યુવા પેઢી પર રાખી ગયા છે. એ સ્વપ્નોને આપણા યુવાનોએ પૂરાં કરવાનાં છે. સમર્પિત, શ્રદ્ધાવાન, મૂલ્યનિષ્ઠ અને શિક્ષિત યુવાન પેઢી સિવાય આ ભગીરથ કાર્ય કોઈ પૂરું કરી શકશે નહીં. એટલે તેઓ યુવાનોને તેમના પર વિશ્વાસ રાખીને આહ્‌વાન કરે છે. એટલે તમે સહુ સ્વામીજીનાં સ્વપ્નોને સાકાર કરવાની પ્રેરણા લો. પોતાની માતૃભૂમિ માટે યથાશક્તિ યોગદાન આપો. સ્વામીજી કહેતા હતા, ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત !’ ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સંદેશને દોહરાવાની અને તેનો અમલ કરવાની આજે તક છે. આશા છે-વિશ્વાસ છે કે આપણે સ્વામીજીનાં કાર્યને માટે સંકલ્પવાન બનીએ.

Total Views: 844

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.