૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ પ્રવચનનો હિન્દી ગ્રંથ ‘સ્વામી વીરેશ્વરાનંદ એક દિવ્ય જીવન’ના આધારે અંજુબહેન ત્રિવેદીનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

એમનું નાના કદનું શરીર અને વજન પણ કેટલું હશે ! પરંતુ એ શરીરમાં જે વ્યક્તિ હતા, તે મહાન હતા. નવ દશકાનું એમનું જીવન અનુભવોનો એક મોટો ભંડાર હતું. તેમની બુદ્ધિ તીક્ષ્ણ, હૃદય ઉદાર અને મન રસથી પરિપૂર્ણ હતું. તેઓ દીર્ઘકાળ પર્યંત રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાના પહેલી શ્રેણીના નેતા રહ્યા. તેમનું નામ સ્વામી વીરેશ્વરાનંદ હતું. તેઓ ‘પ્રભુ મહારાજ’ના નામથી અધિક પરિચિત હતા. સાંભળવામાં આવે છે કે રાજા મહારાજે તેમને કહ્યું હતું ‘ઙફિબવી, ઈં તવફહહ ળફસય ફ યિફહ ઙફિબવી જ્ઞર ુજ્ઞી.’ (પ્રભુ, હું તમને સાચે જ પ્રભુ બનાવી દઈશ.) અમે તેઓની આ વાણીને પ્રભુ મહારાજના જીવનમાં સાકાર થતી જોઈ છે.

સંભવત : સન ૧૯૫૧ની વાત છે. તે દિવસોમાં બેલુર મઠના ડિસ્પેન્સરી ભવનના બીજા માળે માત્ર એક ઓરડો હતો. સ્વામી પ્રેમેશાનંદજીએ તેમાં કેટલાક દિવસ નિવાસ કર્યો હતો. પ્રભુ મહારાજ દરોજ સંધ્યા સમયે તેઓની પાસે જતા, છત પર બેસીને એક કપ ચા પીતા અને થોડો વખત હળવી વાતો કરીને પાછા આવતા. તે વખતે પ્રભુ મહારાજ સંઘના સહસચિવ હતા. એક દિવસે સંધ્યા સમયે પ્રેમેશાનંદજીએ તેઓની સાથે મારો પરિચય કરાવતાં કહ્યું હતું : ‘આ છોકરાને થોડો જોજો (સંભાળજો).’ પછીથી મને પ્રભુ મહારાજના ઘનિષ્ઠ સાંનિધ્યમાં આવવાનો અવસર મળ્યો હતો. તે સમયની સ્મૃતિઓનાં દ્વાર ખોલતાં જ કેટલીય ઘટનાઓની યાદ આવી રહી છે. સ્મૃતિની સુગંધ ફેલાતી રહી છે. કઈ સ્મૃતિ કહું અને કઈ ન કહું! જોઉં છું કે અધિકાધિક ઘટનાઓમાં હું હાજર છું. આ બધી વ્યક્તિગત ઘટનાઓ છે. વધારે નહિ કહું. કેટલીક વાતો કહીને જ સમાપ્ત કરીશ.

પ્રભુ મહારાજ તે વખતે મઠ-મિશનના મહાસચિવ હતા અને હું માત્ર એક ચૈતન્ય બ્રહ્મચારી. ગરમીના દિવસોમાં એક દિવસ હું બપોર પછીના સમયે તેઓ સમક્ષ પહોંચ્યો. હું નરેન્દ્રપુર આશ્રમના સચિવ મહારાજનો એક જરૂરી પત્ર લઈને બસમાં બેસીને બેલુર મઠ આવ્યો હતો. મારું શરીર પરસેવાથી રેબઝેબ હતું. પ્રભુ મહારાજ બીજા માળે આવેલા પોતાના કક્ષમાં પશ્ચિમ તરફની દીવાલે રાખેલા ટેબલ પાસે બેસીને કાર્ય કરી રહ્યા હતા. તેમને પ્રણામ કરીને પરબીડિયું આપતાં જ તેઓએ મારી તરફ જોયું અને ઘણા ઉદ્વિગ્ન થઈ ગયા. તેઓએ કહ્યું : ‘બેસો, બેસો, આ ખુરશી પર બેસો.’ હું ઘણા સંકોચ સાથે ખુરશી પર બેસી ગયો. તેઓએ પૂછ્યું : ‘ત્યાંથી ક્યારે નીકળ્યા હતા ?’ મેં જણાવી દીધું. તેઓ પોતાના હાથ પરના કાર્યને છોડીને ઊભા થઈ ગયા. ઓરડાની પૂર્વ દિશા બાજુની દીવાલમાં એક નાનકડું કબાટ હતું. તેઓએ ભોટવામાંથી એક જગમાં પાણી કાઢ્યું અને તેમાં કેટલીય ચમચી ખાંડ નાખી દીધી. પછી ફરસ પર બેસીને એક તરફ ગ્લાસ લઈને શરબત બનાવવા લાગ્યા. આ પહેલાં જ તેઓએ કાર્યાલયમાં કામ કરનારા છોકરાને બોલાવીને મેજના ખાનામાંથી થોડા પૈસા આપીને તેને બેલુર બજારમાંથી બરફ ખરીદી લાવવા મોકલી દીધો હતો. મને લાગ્યું કે મહારાજ કદાચ આ ગરમીમાં થોડુંક ઠંડું શરબત પીશે. વિચાર્યું કે તેઓની સેવા કરવાનો આ મોકો છે. ખાંડવાળું પાણી હલાવીને શરબત બનાવવા માટે હું આગળ વધ્યો; પરંતુ તેમણે અનુમતિ આપવાનું તો દૂર રહ્યું, મારી વ્યાકુળતા જોઈને તેઓ બોલ્યા : ‘ચુપચાપ બેસી રહો.’ મરવા પડેલો શું ન કરે ! મેં તેવું જ કર્યું. શરબત બનાવીને તેઓએ તેને કબાટમાં મૂકી દીધું. મારી સાથે એક-બે વાતો કર્યા પછી તેઓ પોતાના લખવા-વાંચવાના કાર્યમાં મશગૂલ થઈ ગયા. કાર્યાલયનો છોકરો જેવો પાછો વળ્યો, તેઓએ તેને નીચે જઈને બરફને નળના પાણીથી સારી રીતે ધોઈને લાવવાનું કહ્યું. તે છોકરો બરફ લાવ્યો પછી તેઓ મધ્યમ કદના એક પ્યાલામાં બરફનો ટુકડો નાખીને જગમાંથી તેમાં શરબત રેડવા લાગ્યા. મેં વિચાર્યું – કદાચ હવે તેઓ શરબત પીશે. હે ભગવાન ! તેઓએ આગળ આવીને પ્યાલો મારી સમક્ષ રાખી દીધો. બોલ્યા, ‘પીઓ.’ હું ચોંકી ઊઠ્યો. તેઓ સંઘના મહાસચિવ છે ! સર્વોચ્ચ અધિકારી છે ! અને હું ! બે દિવસનો એક સામાન્ય બ્રહ્મચારી ! એ ઘટનાને સાંભળીને બીજા સાધુ-બ્રહ્મચારી મને શું કહેશે ! મારા ઇનકાર કર્યા છતાંય તેઓએ મીઠી ઝાટકણી સાથે પ્યાલાને મારા હાથમાં પકડાવી દીધો. હું કિંકર્તવ્યવિમૂઢ થઈને હાથમાં પ્યાલો લઈને શરબત પીવા લાગ્યો. તેઓ સામે ઊભા હતા. મારી આંખો અશ્રુથી ભરાઈ ગઈ હતી. પ્યાલાનું શરબત પૂરું થતાં જ જગનું બાકી શરબત પણ તેઓએ મારા પ્યાલામાં રેડી દીધું. પીવાનું પૂરું થયા પછી તેઓએ મને નીચે જઈને બંને પ્યાલા ધોઈ આવવા કહ્યું. મારા પાછા આવ્યા પછી તેઓએ પત્રને ખોલીને વાંચ્યો અને આવશ્યક સૂચન કર્યાં. આ ઘટના મારા પ્રાણોમાં સદા-સર્વદા માટે અંકિત થઈ ગઈ હતી. શ્રીમાના પ્રિય શિષ્ય પ્રભુ મહારાજના ‘માતૃસ્નેહે’ મને અભિભૂત કરી દીધો હતો.

વધુ લખી શકીશ નહિ, કેમ કે જમણા હાથમાં દર્દ થાય છે. એટલા માટે વિચારી રહ્યો છું કે તેઓના જીવનના અંતિમ અધ્યાયની એક ઘટના બતાવીને તેઓના જીવનના અંતિમ પર્વના અત્યંત ઉજ્જવળ પાસાને પ્રગટ કરીને જ સંતુષ્ટ થઈ જઈશ, મન શાંત થઈ જશે.

સન ૧૯૫૦ના દશકામાં અમે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ દરરોજ સંધ્યા સમયે કોલકાતાની એક હરિજન વસતીમાં ખરા દિલથી સેવાકાર્ય કરી રહ્યા હતા. નાની-મોટી કેટલીક ઘટનાઓ જોઈને અમને આશંકા હતી કે પ્રભુ મહારાજને અમારું આ સેવાકાર્ય સારું નહિ લાગે. એ કારણે અમને તેઓ પ્રત્યે થોડીક નારાજગી પણ હતી. પરંતુ સન ૧૯૭૦ના દશકાની વચ્ચે તેઓમાં એક અભૂતપૂર્વ પરિવર્તન જોઈને હું વિસ્મિત બની ગયો હતો. ગ્રામીણ વિસ્તારમાં જે અસંખ્ય પીડિત, ઉપેક્ષિત લોકો છે, પ્રભુ મહારાજ તેમનાં સર્વાંગીણ વિકાસનાં કાર્યમાં તત્પર થઈ ગયા હતા. તેઓએ બ્રહ્મચારી-સંન્યાસી અને પુરુષ-સ્ત્રી ભક્તોને પણ આ પ્રકારની સેવાઓમાં વિભિન્ન રીતે પ્રેરિત કર્યા હતા. તેઓની ઉંમર વધુ થઈ ગઈ હતી, શરીર જરા-જીર્ણ થઈ ગયું હતું. છતાંય તેઓમાં યુવાન જેવી આશા, ઉત્સાહ અને આનંદ જોવા મળતાં હતાં. તેઓની વૃદ્ધાવસ્થામાં પણ શિથિલતાને બદલે, પારકાના હિતની કામનાથી પ્રાણીની વ્યાકુળતા દૃષ્ટિગોચર થતી હતી. દીનદુ :ખી તથા અભાવગ્રસ્તો માટે તેઓનો અધીરતામય આગ્રહ અને પીડિત, સંકટગ્રસ્ત, અસહાય લોકો – વિશેષપણે મહિલાઓ માટેની તેઓની અસહ્ય સંવેદના તથા સહાનુભૂતિએ સંન્યાસી-બ્રહ્મચારીઓમાં, વિશેષ કરીને યુવા પેઢીમાં પ્રચંડ ઉત્સાહ સર્જ્યાે હતો. પોતાની દૈહિક અસુવિધાની ઉપેક્ષા કરીને તેઓએ નિ :શુલ્ક નેત્ર શિબિરોમાં, ગ્રામીણ સ્વાવલંબન કેન્દ્રોમાં અને ગ્રામીણ સમુદાયની પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લીધો હતો. તેઓ માત્ર પ્રેરણાદાયી ઉત્સાહપૂર્ણ વ્યાખ્યાન આપીને કાર્યકર્તાઓ પાસે ઊભા રહીને તેઓને ઉત્સાહ અને ઉદ્દીપના આપીને જ ચૂપ બેસી રહેતા ન હતા. તેઓનાં કર્મ, ચિંતન વગેરે બધાં તે લક્ષ્ય પરત્વે જ કેન્દ્રિત થઈ રહેતાં. મોઢે બોલવું, કાગળ પર લખવું, યોજના બનાવવી વગેરે કરતાં તેને વ્યાવહારિક રૂપ આપવા તરફ જ તેઓનું વિશેષ ધ્યાન રહેતું. તેઓને નિશ્ચિત ધારણા થઈ ગઈ હતી કે ભારતીય રાષ્ટ્રનો વિકાસ, સમાજના ઉપેક્ષિત ગરીબોની આર્થિક-સામાજિક દશામાં પરિવર્તન પર જ આધાર રાખે છે. વિશાળ હિંદુસમાજની દુર્બળતા પાછળ તેઓએ તે એક જ કારણ ઇંગિત કર્યું હતું. સન ૧૯૮૩માં તેઓએ જોધપુરના મહારાજાને એક પત્રમાં લખ્યું હતું : “To strengthen the Hindus; we have to remove all differences between groups and castes, particularly the so-called untouchables, tribals and backward people. They should be raised culturally so that they are at par with other people, thus making the Hindus compact and strong socially, unless this is done, it is very hard to have Hindu ‘Ekata’.’

(હિંદુઓને સશક્ત બનાવવા માટે આપણે જાતિ તથા વર્ગાેના, વિશેષપણે તથાકથિત અછૂતો, આદિવાસીઓ અને પછાતો સાથેના ભેદભાવો દૂર કરવા પડશે. તેઓને સાંસ્કૃતિક રૂપે ઉન્નત કરવા પડશે, જેથી કરીને તેઓ બીજાના જેવા થઈ શકે. આ રીતે હિંદુઓએ સામાજિક રૂપે સુસંગઠિત અને સબળ બનવું પડશે. જ્યાં સુધી એવું નહિ કરાય ત્યાં સુધી હિંદુઓની ‘એકતા’ ઘણી કઠિન છે.)

તેઓનું કહેવું હતું કે પછાત લોકોનાં સ્વાસ્થ્ય અને આર્થિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક વિકાસ એટલે કે સર્વાંગી વિકાસ સાધીને, તેઓને સમાજના મૂળ પ્રવાહમાં સ્થાપિત કરવા પડશે. આ ઉદ્દેશથી તેઓએ પોતાની યોજનાને લિપિબદ્ધ કરીને એક પત્રકના રૂપમાં વિતરિત કરાવી હતી. ભક્તોના સંમેલનમાં, યુવક-યુવતીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેઓ તે બધાંને આ મહાયજ્ઞમાં સંમિલિત થવા માટે આહ્‌વાન કરતા હતા. આટલું બધું કરવા છતાંય તેઓ કદાપિ સંતુષ્ટ થયા નહિ. તેઓ જાણતા હતા કે એક માત્ર સ્વામી વિવેકાનંદનો સંદેશ જ આ વિરાટ સેવાયજ્ઞમાં પ્રેરણાદાયક થઈ શકે છે. એટલા માટે તેઓએ સ્વામીજીની ઉક્તિઓનું સંકલન કરીને ‘રીબિલ્ડ ઇન્ડિયા’ (જાગો હે ભારત) નામનું પુસ્તક ઘણી બધી ભાષાઓમાં પ્રકાશિત કરાવ્યું હતું. તેઓના નિર્દેશ અનુસાર આ કાર્ય કરતી વખતે મેં તેઓમાં સેવાભાવની ભરતી જોઈ હતી. તેઓનું સ્વરૂપ જાણી-સમજીને હું અભિભૂત થઈ ગયો હતો. તેઓના મહાન જીવનના આ આલોકમય અધ્યાયની અનેકાનેક ઘટનઓનો હું સાક્ષી છું. સ્મૃતિકક્ષમાં સંગ્રહેલાં તે બધાં મણિ-રત્નો મારા જીવન માટે ચિરપ્રેરણાનું ગોમુખ છે. પ્રેરણાસ્રોત પ્રભુ મહારાજ પ્રતિ હું ભક્તિપૂર્ણ વિનમ્ર પ્રણામ નિવેદન કરું છું.

(પલ્લીમંગલ શારદા સમિતિની સન ૧૯૯૨ની સ્મરણિકાના સૌજન્યથી.)

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.