(ગતાંકથી આગળ..)

માનવ સમાજનો એક મોટા ભાગનો વર્ગ માને છે કે મનુષ્યનો જન્મ પાપને કારણે, એક પાપી જગતમાં અને પાપીના રૂપમાં થયો છે. જો કે હવે અનેક પાશ્ચાત્ય પ્રબુદ્ધજનોએ આ વાતનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો છે પણ સ્વામીજીએ વિશ્વધર્મપરિષદમાં સૌ પહેલીવાર એક પ્રભાવી વાણીમાં જગતને ઉદ્ઘોષણા કરતાં કહ્યું :

‘ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો !.. શાશ્વત સુખના વારસદારો – કેવું મધુર અને આશાજનક સંબોધન ! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો – હિંદુઓ તમને પાપી તરીકે ગણવાનો ઇન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ ! તમને પાપી કેમ કહી શકાય ? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે : ઓ સિંહો! તમે ઘેટાં છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્મા છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થાે નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થાે તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થાેના તમે ગુલામ નથી.’ (શિકાગો વ્યાખ્યાનો)

પશ્ચિમી વિચાર માનવને પાપી માને છે પણ વેદાંત મનુષ્યને પરમાત્મા સ્વરૂપ માને છે. આજની શિક્ષણ વ્યવસ્થા માનવીને ‘કંઈક બનવા અને બનાવવા’ (to do) માટે પ્રેરિત કરે છે; પણ ખરેખર એ શિક્ષણનો મૂળ ઉદ્દેશ ‘કંઈક હોવાનો’ (to be) એટલે કે પોતાના સાચા સ્વરૂપને ઓળખીને અંતર્નિહિત શક્તિઓનો વિકાસ કરવાનો છે. યુનેસ્કોએ પણ શિક્ષણ પરના પોતાના અહેવાલમાં ‘કંઈક હોવાનો’ (to be)ના ઉદ્દેશને વધુ પ્રાધાન્ય આપ્યું છે, નહિ કે કેવળ ‘કંઈક બનાવવાનો’ (to do) કે ‘કંઈ જાણવાનો’ (to know) ના ઉદ્ગારને.

આ જ વિષય પર હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં બોલતાં સ્વામીજીએ કહ્યું છે : ‘સંસ્કૃતિ એ માણસમાં રહેલી એ દિવ્યતાની અભિવ્યક્તિ છે.’ (ગ્રંથમાળા ૪.૪૬૩)

એમણે આગળ કહ્યું : ‘તમે એમ તો નથી ધારતા કે માણસ માણસ વચ્ચેનો ભેદ પૈસાની થેલીથી પડે છે. આ બધા સંચાઓ અને વિજ્ઞાનોની કિંમત શી છે ? એમનું એક જ પરિણામ છે : તેઓ જ્ઞાન ફેલાવે છે. એનાથી તમે જરૂરિયાતોના પ્રશ્નોનો ઉકેલ નથી લાવ્યા, પરંતુ માત્ર એને વધુ તીવ્ર બનાવ્યો છે. ગરીબીનો પ્રશ્ન યંત્રો ઉકેલી શકતાં નથી, એ માત્ર માણસને વધુ મથામણ કરતો બનાવે છે, હરીફાઈ વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. પ્રકૃતિમાં પોતામાં શી કિંમત છે ? એક માણસ એક તારમાં થઈને વીજળીને મોકલે છે, તેના માનમાં તમે શા માટે સ્મારક ઊભું કરવા જાઓ છો ? પ્રકૃતિ પોતે શું તે હજારો ને લાખો વખત નથી કરતી ? દરેક વસ્તુ શું પ્રકૃતિમાં પહેલેથી જ રહેલી નથી ? તમે એ મેળવો એમાં શું સાધ્યું ? એ તો ત્યાં રહેલી જ છે. તેનું એક માત્ર મૂલ્ય એ છે કે તે આ વિકાસ કરાવે છે. આ જગત તો માત્ર એક વ્યાયામશાળા છે કે જ્યાં જીવાત્મા કસરત કરે છે; અને આ બધી કસરતો થઈ રહ્યા પછી આપણે દેવો થઈએ છીએ. એટલે દરેક વસ્તુનું મૂલ્ય, તે કેટલે અંશે ઈશ્વરની અભિવ્યક્તિ છે તેનાથી નક્કી કરવાનું છે.’ (ગ્રંથમાળા ૪.૪૬૩)

માનવોની નૈસર્ગિક પ્રકૃતિને પૂરેપૂરી પશુવત્ માનવાથી સમાજમાં વિકૃતિ ને વિનાશનો ફેલાવો થશે જે અત્યંત હાનિકારક નીવડશે.

પશ્ચિમથી પ્રભાવિત વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં શિક્ષકની ભૂમિકાના વિષયમાં ત્રીજી વિચારવા જેવી બાબત છે એમનો ધર્મ પ્રત્યેનો ભાવ. અંગ્રેજી શબ્દ ‘સેક્યુલરિઝમ’નો પૂરેપૂરો ખોટો અર્થ કાઢીને આપણે એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે કે જે ધર્મવિહીનતાનો પ્રચાર અને તેની સ્થાપના કરે છે. આપણા કહેવાતા પ્રબુદ્ધ લોકો, પ્રચાર માધ્યમો અને અન્ય લોકોએ ‘ધર્મ’ને અંગ્રેજી શબ્દ ‘રિલિજિયન’ સાથે સરખાવ્યો છે અને નૈસર્ગિક ધર્મને સાંપ્રદાયિકતાના રંગે રંગવાનો પ્રયાસ કર્યો છે.

સ્વામીજીની ‘ધર્મ’ની વ્યાખ્યા વેદાંત પર આધારિત મનુષ્યની મૂળભૂત દિવ્યતાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. પ્રકૃતિનો એક શાશ્વત નિયમ સહ-અસ્તિત્વનો છે અને એનો વૈજ્ઞાનિક આધાર લગભગ દરેક ધર્મગ્રંથમાં આપણને જોવા મળે છે. આ વાતને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે આ યુગમાં પોતાના જીવન અને સંદેશ દ્વારા પ્રસ્થાપિત કરી છે. આજે ભૌતિકશાસ્ત્રના અણુવિજ્ઞાનીઓએ પણ વારંવાર એ વાતની પુષ્ટિ કરી છે. પણ ધર્મનિરપેક્ષતાના ભ્રમિત આડંબરમાં વર્તમાન ભારતીય શિક્ષણપદ્ધતિ આ પ્રકારના ઉદાત્ત ધાર્મિક સિદ્ધાંતોને શિક્ષણના ભાગરૂપે સ્વીકારવા તૈયાર નથી. પ્રકૃતિ દ્વારા સ્થાપિત નિયમો જો શિક્ષણનો એક હિસ્સો ન બને તો આજના વિદ્યાર્થી, શિક્ષક, વૈજ્ઞાનિક કે અન્ય વિદ્વાનો એ પ્રકૃતિને સાચી રીતે સમજી શકશે નહિ. સ્વામીજીએ વારંવાર કહ્યું છે કે સમાજ માટે ધાર્મિક શિક્ષણ અનિવાર્ય છે. એમણે આધુનિક માનવ સમક્ષ ‘ધર્મ’ને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે : ‘વિવેકાનંદે આ વાતને સિદ્ધ કરી છે કે હિંદુ ધર્મ વિજ્ઞાનસંમત પણ છે અને લોકતંત્રનો સમર્થક પણ છે.’

Total Views: 301

One Comment

  1. Mukesh Sarvaiya August 2, 2022 at 1:51 am - Reply

    હા સાચી વાત છે વર્તમાન શિક્ષણ ધર્મ રહીત છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.