રામકૃષ્ણ મિશન, લીંબડી

તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી) તથા મુખ્ય મહેમાન સ્વામી ગુણેશાનંદ (શ્રીરામકૃષ્ણ મિશન, વિશાખાપટ્ટનમ) હતા. આ કાર્યક્રમમાં લીંબડીની તમામ સ્કૂલોના

ધો. ૧૦ અને ૧૨ ના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માર્ચ, ૨૦૧૪માં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિકમાં સારા પર્સન્ટાઈલ રેંક મેળવનાર ૧૭ વિદ્યાર્થીઓને મિશન તરફ્થી સ્વામીજીના એક એક સ્મૃતિચિહ્ન, એક પુસ્તકોનો સેટ (શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી સંક્ષિપ્ત જીવન અને સંદેશ) તથા રૂપિયા ૨૦૦ રોકડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે આવેલ દરેક વિદ્યાર્થીઓને મિશન તરફ્થી વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રોની પુસ્તિકા ભેટ અપાઈ હતી.

ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદ – વાર્ષિક સંમેલન

ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું વાર્ષિક સંમેલન તા.૨ અને ૩ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ બે દિવસ માટે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, કીમ (સુરત)ના યજમાનપદે સેવારુરલ, ઝઘડિયાના સ્થળ સહયોગથી યોજાયું હતું. આ સંમેલનમાં ૭ સભ્ય કેન્દ્રો અને પાંચ આમંત્રિત કેન્દ્રોના ૬૮ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર મઠના નિયુક્ત પ્રતિનિધિ શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજીએ ઉદ્‌ઘાટન સત્ર, કાર્ય સત્ર, સમાપન સત્રમાં તથા આધ્યાત્મિક શિબિરમાં અધ્યક્ષપદેથી દરેકને વિવેકાનંદના સંદેશને મુખ્ય અગ્રતા આપીને માનવજીવન સાર્થક કરી લેવા અનુરોધ કર્યો હતો અને સુચારુ સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું. પરિષદના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજીએ સૌને રામકૃષ્ણ-વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા અને વંચાવવા પર ભાર મૂક્યો હતો. પરિષદના ઉપાધ્યક્ષો સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી અને સ્વામી આત્મદીપાનંદજીએ રામકૃષ્ણ-વિવેકાનંદ ચળવળને સર્વ આયામો દ્વારા ગુજરાતમાં વધુ વેગીલી બનાવવા વિવિધ ઉદાહરણોના માધ્યમથી તકનીકી ઉપયોજન સેવાયોગ અપનાવવાના વ્યવસ્થાપન માટે ઉપસ્થિતો સમક્ષ ચર્ચા-વિચારણા કરીને પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યાં હતાં.

પરિષદના સંયોજક શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ બેલુર મઠ ખાતે ૧૬-૧૭ જૂન, ૨૦૧૪ના રોજ બે દિવસ માટે યોજાયેલ સમગ્ર દેશની ભાવપ્રચાર પરિષદનો અહેવાલ આપ્યો હતો. આરોગ્યના કારણોસર નિવૃત્ત થયેલ સહસંયોજક શ્રી ઉદયભાઈ વ્યાસના સ્થાને કીમ કેન્દ્રના મુખ્ય વહીવટી ટ્રસ્ટી શ્રી નાગરભાઈ લાડની નિમણૂક થઈ હતી. સેવારુરલ, ઝઘડિયા સંસ્થાના સ્થાપક ડૉ. અનિલભાઈ દેસાઈ અને ડૉ. લતાબહેન દેસાઈના માર્ગદર્શન સાથે પરિષદની સંપૂર્ણ વ્યવસ્થા સંસ્થાના સર્વ અધિકારીઓ અને કર્મચારી ભાઈ-બહેનોએ સફળતાપૂર્વક સંભાળી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓએ સંસ્થાની હોસ્પિટલ સહિત વિવિધ પ્રવૃત્તિના વિભાગો, પ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર અને આદિવાસી યુવાનોને શિક્ષણ આપતી ગ્રામીણ યંત્રવિદ્યા સંસ્થાની મુલાકાત લીધી હતી.

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.