(ગતાંકથી આગળ…)

મારા પ્રત્યે તેમનો વિશેષ પ્રેમ

ખાસ કરીને મારી સાથે તેઓ (સ્વામી કલ્યાણાનંદ) અતિ ઘનિષ્ઠ હતા. શું કામ એ ખબર નહીં. દરેક જણ ઔપચારિકપણે ઊભા રહેતા અને તેઓ તેમની સાથે કશી જ વાત કરતા નહીં – તેઓ ફક્ત તેમને કહી દેતા કે શું કરવાનું છે, બસ. એક દિવસ એક સંન્યાસીએ તેમને કહ્યું, ‘સાંભળો, તે છોકરાને છોડીને કોઈપણ તમારી પાસે આવીને વાત કરતા નથી.’ સ્વામી કલ્યાણાનંદજીએ જવાબ આપ્યો, ‘તમે તો જાણો જ છો, અહીં મને આવ્યાને છત્રીસ વર્ષ થયાં. સંઘના કોઈ અધ્યક્ષે એવો પત્ર મને મોકલ્યો નથી કે જેમાં લખ્યું હોય, ‘આ છોકરાની સારી રીતે સંભાળ રાખજો.’ અને આવો પત્ર તેમના (સ્વામી અખંડાનંદજી) પાસેથી આવવો એ તો અલગ જ વાત છે.’ તેઓ હકીકતમાં ખૂબ ધ્યાન આપતા કે મને ન તો કોઈ કોઈપણ રીતે નુકશાન પહોંચાડે, ન તો ઠપકો આપે, કે ન તો એવું કશું કરે. જ્યાં સુધી સેવાશ્રમના કામકાજને લાગેવળગે છે, હું તો કોઈ કામનો ન હતો; હું તો માત્ર તેમની સાથે જતો રહેતો હતો. બસ એટલું જ. પરંતુ તો પણ જેમ-તેમ કરીને તેમણે મને કેટલું બધું શીખવ્યું. સાંભળો, તેમની સાથે અઢી વર્ષમાં મેં સેવાશ્રમના કામકાજ અંગે કેટલીય વાતો શીખી – શું કરવાનું હોય, ક્યાં જવું જોઈએ, શું લેવાનું હોય, કોને મળવાનું હોય – આ બધું હું તેમની પાસેથી શીખ્યો.

મારા પર તેમને અદ્‌ભુત વિશ્વાસ હતો. વિશ્વાસ જ નહીં, એકવાર તેમણે કહ્યું, ‘નિશ્ચયાનંદ પછી આ છોકરા સિવાય હું એવી કોઈ વ્યક્તિને મેળવી શક્યો નહીં, જેના પર હું અહીંનું કામ છોડી દઈ શકું.’ હું આપને બતાવી રહ્યો છું કે બીજા લોકો હંમેશાં મને સહયોગ કરતા રહેતા હતા. તેમજ અમારા બધા છોકરાંઓનો સમૂહ ઉત્તમ હતો. અમારી ટોળી ઘણી જ સારી હતી. કલ્યાણ મહારાજ બધા છોકારાઓ પ્રત્યે ઘણા જ માયાળુ હતા. તેઓ અમને સહુને પ્રેમ કરતા હતા. તેઓ કહેતા, ‘હવે પછી તમે જ સંભાળોે. તમે બધા વિચાર કરો અને સંભાળો.’ જ્યારે પણ અમે તેમને કહ્યું, ‘અમે અમુક કામ કરી રહ્યા છીએ,’ ત્યારે તેઓ કહેતા, ‘ઠીક છે, તે કરો.’ બધું જ ઘણું સારી રીતે ચાલી રહ્યું હતું.

વચનનું પાલન

એકવાર હું બેલુર મઠ અને સારગાછી (પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એ સ્થળે જ્યાં દુષ્કાળ-પીડિતોની દયનીય કરુણ અવસ્થા જોઈને હિમાલય ભ્રમણની ઇચ્છા રાખી નીકળેલા સ્વામી અખંડાનંદજીનું ઋષિ-હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે ત્યાં જ તેમનું પરિભ્રમણ છોડીને પોતાના ગુરુબંધુ સ્વામી વિવેકાનંદજીની હાર્દિક ઇચ્છાને અનુરૂપ તે જ વિસ્તારમાં રાહતકાર્ય કરતી વખતે સારગાછીમાં આશ્રમની સ્થાપના પણ કરેલી. આ આશ્રમ આજે પણ છે. રામકૃષ્ણ મિશનનાં રાહતકાર્યોનો વિધિવત્ પ્રારંભ તથા સંચાલન સ્વામી અખંડાનંદજી દ્વારા જ ઉપરોક્ત વિસ્તારમાં થયું હતું. -અનુવાદક) જઈ રહ્યો હતો. તેમણે મને છ જૂન સુધીમાં પાછા આવી જવાનું કહ્યું કેમ કે તે દિવસે તેમને બહાર જવાનું હતું. તેમના કહ્યા પ્રમાણે બરાબર તે જ દિવસે હું પાછો આવી ગયો. તેઓ ઘણા ખુશ હતા. તેમણે કહ્યું, ‘આટલો ચોક્કસ છે ?’ મેં જવાબ આપ્યો, ‘આપે મને આ જ દિવસે આવી જવા કહેલું, તો હું હાજર છું.’ આમ તેઓ યોજના પ્રમાણે જઈ શક્યા. કોઈ વચન પાલન માટે તથા તેમની ઇચ્છા મુજબ કામ કરવાથી તેઓ અતિ પ્રસન્ન થતા. આવી જ રીતે વિશ્વાસ દૃઢ બન્યો. કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં. જ્યારે તમારી ઉપર લોકો વિશ્વાસ કરે છે તો તેનું પાલન કરો. તેઓ કહ્યા કરતા કે કોઈ સંન્યાસીના જીવનમાં આ બાબત જરૂરી છે.

કેમ કે અખંડાનંદ મહારાજે તેમને મારી સંભાળ રાખવાનું કહેલું, એટલે શરૂમાં તેમણે મને કોઈ કામ સોંપેલું નહીં. તેઓ મારી બધી સુખ-સુવિધાનું ખાસ ધ્યાન રાખતા. હું શું ખાઉં છું તથા શું કરું છું વગેરે. એટલે બધાએ કહ્યું, ‘અરે, તેઓ તો છોકરાને બગાડી રહ્યા છે. તે કાંઈ કરતો તો નથી, હંમેશાં તેમની સાથે જાય છે. તથા હંમેશાં તેમની સાથે તર્ક-વિતર્ક કર્યા કરે છે.’ મહારાજ જ્યાં પણ જતા, મને સાથે લઈ જતા. બજારમાં ખરીદવા માટેે તેઓ મને સાથે લઈ જતા. બીજા અખાડાઓ અથવા મઠમાંથી જ્યારે તેમને નિમંત્રણ મળતું, ત્યારે મારે તેની સાથે જવું પડતું હતું. તેઓ જ્યાં પણ જતા, હું તેમની સાથે રહેતો. શરૂમાં તો બધા મારી ઈર્ષ્યા કરતા. ‘આ છોકરો કોણ છે ? તેઓ આને ક્યાંથી લઈ આવ્યા છે ? ન તો તે હિન્દી જાણે છે કે ન તો તે બંગાળી જાણે છે. મહારાજ હંમેશાં તેની સાથે અંગ્રેજીમાં વાત કરે છે.’ હું જાણતો હતો કે શું ચાલી રહ્યું છે. તથા મેં અનુભવ કર્યો કે મારે પરિસ્થિતિનો લાભ લેવો જોઈએ નહીં, તો પણ ધીરે ધીરે હું બીજાને મદદ કરતો રહીને તેમની સાથે ઘનિષ્ઠ સંબંધો વધારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જ્યારે પણ મહારાજ આરામ કરતા હોય, ત્યારે હું સેવાશ્રમમાં જઈને ફરસ સાફ કરતો અને બીજી સફાઈ પણ કરતો. આમ કરતા રહીને મેં બીજાનાં હૃદયોને જીતી લીધાં. નહીં તો, કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓ મારા અભિપ્રાય બાબતે ચોંકી ઉઠેલા અથવા શંકાશીલ રહેતા. કેટલાક સપ્તાહ સુધી તો તેઓએ આવો જ અનુભવ કર્યો.

સ્વામી શુદ્ધાનંદજીનું આગમન

એપ્રિલ કે તેની આસપાસ શુદ્ધાનંદજી પધાર્યા તથા તેમણે સંપૂર્ણ આશ્રમમાં ઉત્સાહની ઘણી જ વૃદ્ધિ કરી. તેઓ પણ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા તથા કલ્યાણ મહારાજ અને તેઓ બન્ને સારા મિત્રો હતા. તેમના આગમને સમગ્ર વાતાવરણમાં પરિવર્તન લાવી દીધું. જ્યારથી તેઓ આવ્યા હતા ત્યારથી બધું જ કાંઈક જુદું જ જણાતું હતું. જે દિવસે શુદ્ધાનંદજી પહોંચ્યા તે દિવસથી આશ્રમમાં મોટી હલચલ હતી. તેઓ સંઘના મહાસચિવના હોદ્દા પરથી હાલમાં જ સેવાનિવૃત્ત થયા હતા તથા હવે તેમનો કામકાજથી મુક્ત રહી આરામનો સમય હતો.

સર્વ કોઈ ખુશ-મિજાજમાં હતા. મારા ઓરડાની બરાબર સામેના તથા સ્વામી કલ્યાણાનંદજીના ઓરડાની પાસેના ઓરડામાં તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે બધા જ તેમના આવવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ડોક્ટર બેનર્જી પોતાની કાર લાવ્યા તથા કલ્યાણ મહારાજ તેમને લેવા ગયા. સ્વામી શુદ્ધાનંદજી વાસ્તવમાં જ દેવસ્વરૂપ હતા. તેમના દર્શનથી અમે અત્યંત ખુશ હતા, કેમ કે તેઓ સારા વક્તા તેમજ સંસ્કૃત, બંગાળી તથા અંગ્રેજી ભાષાના તજજ્ઞ હતા. અમે સાંભળેલું કે તેમણે સ્વામી વિવેકાનંદજીની કૃતિઓના અનુવાદ બંગાળી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં તથા અંગ્રેજી ભાષામાંથી બંગાળી ભાષામાં કર્યા હતા. જ્યારે તેઓ કનખલમાં હતા તે સમયે તેઓ વરિષ્ઠ સંન્યાસીઓને બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરાવતા. બીજા મઠ-અખાડાના સંન્યાસીઓ પણ આવતા. તે સમયે સ્વામી બ્રહ્માનંદજીના શિષ્ય સ્વામી અંબિકાનંદજી તથા શ્રીમાના શિષ્ય અસીમાનંદજી પણ શુદ્ધાનંદજીની સાથે હતા. શુદ્ધાનંદજીની સેવા માટે એક બ્રહ્મચારી પણ આવ્યા હતા.

આશ્રમ-પરિસર ઉત્સાહમાં ઓતપ્રોત હતું. રોજ સંધ્યા સમયે અમે એકઠા થતા તથા શુદ્ધાનંદજી અમને અનેક વિષયો પર ઉપદેશ આપતા. જ્યારે તેમને જાણ થઈ કે હું બંગાળી ભાષા જાણતો નથી ત્યારે બંગાળી બ્રહ્મચારીઓને અંગ્રેજી વધુ સમજાતું ન હોવા છતાં પણ તેેમણે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. તો પણ જ્યારે હું ત્યાં જતો, તેઓ ક્યારેય બંગાળી ભાષામાં બોલતા નહીં, તેઓ હંમેશાં અંગ્રેજીમાં જ બોલતા જેથી હું સમજી શકું. તેમના રહેવાથી પરિસર વાસ્તવમાં સ્વર્ગીય બની જતું. તેમનાં પ્રવચનોથી અમે બધા જ ખુશ રહેતા હતા. અમે તેમને પ્રશ્નો પૂછતા. તે સમયે મિશન વિશે કે શ્રીરામકૃષ્ણના શિષ્યો વિશે, સાચું કહું તો હું કશું જ જાણતો ન હતો. મેં શ્રીરામકૃષ્ણ વિશે કહેવા પૂરતું વાંચેલું હતું તથા સ્વામી વિવેકાનંદજીની કેટલીક રચનાઓ પણ વાંચેલી, પણ તેમના જીવન ચરિત્ર અંગે હું વિસ્તારપૂર્વક ખાસ કંઈ જાણતો ન હતો. સ્વામી શુદ્ધાનંદજી અમને વિસ્તારપૂર્વક કેટલીય વાતો જણાવતા તથા અમે જે પણ પૂછતા તેનો ઉત્તર આપવામાં તેઓ સહેજ પણ ખચકાટ અનુભવતા નહીં. સાચે જ તેઓ મહાન પ્રેરણાદાયી હતા. તેમણે એ અંગે પણ નિર્દેશ આપ્યો કે અમારે શાનું અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તેઓ ધ્યાન રાખતા કે અમે ગીતાનો અભ્યાસ નિયમિતપણે કરીએ. (ક્રમશ 🙂

Total Views: 296

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.