મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ૐ નમો ભગવતે રામકૃષ્ણાય

શ્રીરામકૃષ્ણ મઠ, બેલુર,
૧૯/૬/૧૯૧૫

પરમ સ્નેહાસ્પદ,

તમારો પત્ર સમયસર મળ્યો છે. તમને અહીંયાં બધા લોકો ખૂબ સ્નેહ કરે છે. તમારી સેવા-શુશ્રૂષા જોઈને કોણ મોહિત ન થાય ? ‘સેવા, વંદના ઔર અધીનતા સહજ મિલે રઘુરાય’.

સેવા શું કંઈ સામાન્ય વસ્તુ છે ! ઠાકુર ગાતા, ‘જે મારી ભક્તિ કરે છે ત્રિલોકજયી બને છે, તેને કોણ પહોંચી શકે ? તેની તો લોકો સેવા કરે.’

– મારી ભક્તિ જે પામે, તે જ સેવા પામે. તેને કોણ પામે જે હોય ત્રિલોકજયી.

ભય શેનો ? તમે પણ ઠાકુરના આશ્રયમાં આવી ત્રિલોકજયી બની રહ્યા છો. ઠાકુરની અને ભક્તની સેવામાં કાર્યરત રહી ધન્ય થઈ જાઓ – કૃતાર્થ થઈ જાઓ – ભય, ડર દૂર થઈ જાઓ. તમને જોઈને લોકોને બોલવા દો – આ લોકો જ પૃથ્વી પરના સાક્ષાત્ દેવતા છે. કેવળ દીન-હીન થવાથી નહીં ચાલે. મહાવીર હનુમાનની જેમ રામકૃષ્ણગત પ્રાણ – અન્તર્બહિ : રામગતપ્રાણ કરવો પડશે. ઠાકુરે તમારો બધો જ ભાર લીધો છે. તમારી આ ભાવાત્મક ચાકરીની ટોપલીઓ માટે ચિંતા કરશો નહીં. તમે પણ બધો જ ભાર ભગવાનને સમર્પિત કર્યો છે. નિર્ભિક થઈને રહો.

ઉ- અને તા- હજુ પણ રાહતકાર્યમાં વ્યસ્ત છે. અહીંથી બીજા પાંચ-સાત લોકોને મોકલવામાં આવ્યા છે.

પ- ને તમારે ત્યાં મોકલવાની ઇચ્છા છે. એ જો પોતાના નાનાભાઈને લઈને ત્યાં ભણાવવા માટે રાખે તો તમારો શો મત છે એ જણાવજો.

હું અહીં મજામાં છું. તમે મારો પ્રેમ સ્વીકારજો અને અન્યને પણ આપજો. રાહતકાર્યથી પાછા ફરે ત્યારે તમારે ત્યાં કોઈને મોકલવાની ઇચ્છા છે. ઇતિ

શુભાકાંક્ષી

પ્રેમાનંદ

શ્રીરામકૃષ્ણ મઠ, બેલુર,
૯/૭/૧૯૧૫, શુક્રવાર

પરમ સ્નેહાસ્પદ,

તમારા મોટાભાઈ કેમ છે એ જણાવજો. માત્ર નાચવા કૂદવાથી શું શ્રીશ્રી પ્રભુના ભક્ત થવાય, કે મુખેથી ફડર ફડર કરીને શાસ્ત્રાર્થ કરવાથી મોટા

ભક્ત થવાય ? જોઈએ સ્વાર્થત્યાગ, જોઈએ નિરાભિમાનિત્વ. આ યુગમાં નિષ્કામ કર્મવીરની જ જરૂર છે. અને એ પૂર્વબંગ (આજનો બાંગલાદેશ) માં એવા વીરો જન્મશે. મુખેથી બોલવાનો નહીં, આ કર્મનો યુગ; જીવન આપીને બતાવવું પડશે, નીરવ કર્મીની જરૂર છે. અત્યારે આવશ્યકતા છે નીરવ પ્રચારકની. બે-ચાર લોકો અનાજ વિતરણ કરવા માટે પૂર્વબંગમાં જો મોકલી શકો તો પ્રયત્ન કરજો. (રાહત) કાર્યનો પ્રસાર વધી ગયો છે. હજુ બીજા લોકોની જરૂર છે.

અમે અહીંયાં મજામાં છીએ. તમારે ત્યાં બધા ભક્તોને અમારી આંતરિક શુભેચ્છા જણાવજો. અનેક વખત તમારી વાતો યાદ આવે છે. તમે અતિ સત્, અતિ મહત્. ઈતિ-

શુભાકાંક્ષી
પ્રેમાનંદ

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.