ત્યાગમાં જ પરમ શાંતિ છે

अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते ।
प्रतिबिम्बित – शाखाग्र – फलास्वादन मोदवत् ।।

‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું સરળ છે.

આજે ૧લી ડિસેમ્બર, ૧૯૧૫, બુધવારનો દિવસ છે. થોડા સમય પહેલાં જ દિનકર પોતાનાં કિરણોને સમેટીને અસ્તાચલ ગયા છે. બેલુર મઠમાં શ્રીઠાકુરની આરતીનો આરંભ થયો. देवो भूत्वा देवं यजेत् – પૂજારી સ્વામી પ્રેમાનંદ પોતે જ દેવસ્વરૂપ, નિત્યસિદ્ધ, ઈશ્વરકોટિ, ત્યાગ-પ્રેમ અને આનંદની મૂર્તિ સ્વરૂપ અને ભગવાન શ્રીરામકૃષ્ણના મુખ્ય અંતરંગ પાર્ષદોમાંના એક છે. એમની દેહકાંતિ શ્રીચૈતન્યદેવની જેમ ગૌરવર્ણી છે; શરીર પર ભગવાં વસ્ત્ર તથા ઉત્તરીય શોભી રહ્યાં છે; ડાબા હાથમાં ટોકરી, જમણા હાથમાં પ્રજ્વલિત પંચપ્રદીપ, મન અંતર્મુખ છે. ભક્તગણ મંદિરની સામેની ઓસરીમાં ઊભા રહીને આ દેવમાનવની આરતી જોઈને પોતાનાં નયન-મનને સાર્થક કરી રહ્યા છે.

આરતી પૂર્ણ થઈ, હવે સ્તોત્ર પાઠ થશે. મઠના બ્રહ્મચારી તથા ભક્તગણ પોતપોતાના આસને બેસી ગયા. સ્વામી પ્રેમાનંદ પણ મંદિરની સામેના કક્ષમાં ઉત્તર દિશામાં મુખ રાખીને પોતાના આસન પર વિરાજ્યા. હવે સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત ‘ખણ્ડન ભવબન્ધન, જગવન્દન વન્દિ તોમાય’ – સ્તવનું ગાન થવા લાગ્યું. પછી ‘ॐ ह्रीं ऋतं त्वमचलो’ વગેરે સ્તોત્ર પછી – ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे । अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः । ॐ नमो भगवते रामकृष्णाय नमो नमः । – ની આવૃત્તિ સાથે બધાએ શ્રીઠાકુરજીને પ્રણામ કર્યા.

ભાદરવો, આસો અને કારતક માસના સમય દરમિયાન બેલુર મઠમાં મલેરિયાનો ઘણો ઉપદ્રવ રહે છે અને એ સમયે બેલુર મઠમાં સાધુઓની સંખ્યા પ્રમાણમાં ઓછી થઈ જાય છે. ત્યાર બાદ ઠંડીની ઋતુનો આરંભ થતાં વિવિધ સ્થળોએથી અનેક સાધુઓ આવી જાય છે. સ્વામી ગિરિજાનંદ, શ્યામાનંદ, અચ્યુતાનંદ, બ્રહ્મચૈતન્ય વગેરે મઠના કેટલાક સાધુઓ થોડા મહિના સુધી ઉત્તરકાશી, લક્ષ્મણઝૂલા, હૃષીકેશ વગેરે સ્થળોમાં સાધનભજન કરી એક પછી એક પાછા આવી ગયા છે.

રાતના લગભગ સાત-આઠ વાગ્યા હશે. મંદિરમાં આરતી, જપધ્યાન પછી મઠના અનેક સાધુ આગંતુકોના કક્ષમાં એકત્ર થાય છે. પૂજનીય બાબુરામ મહારાજ(સ્વામી પ્રેમાનંદ) કોઈ રાતે બધાને ભજનમાં ઉત્સાહિત કરે છે, વળી કોઈ રાતે ગ્રંથપાઠ કરાવે છે અને ક્યારેક પોતાની અમૃતવાણીથી બધાને મંત્રમુગ્ધ કરી દે છે.

ઉત્તરાખંડથી પાછા ફરેલા સાધુઓ તરફ ઉન્મુખ થઈને મહારાજ કહેવા લાગ્યા, ‘તમે લોકો હૃષીકેશી સાધુ થઈ ગયા. એમનું કહેવું છે, ‘જગત તો ત્રણે કાળમાં નથી’ – બસ ત્યાં એક ભગવું પહેરીને ઘૂમવું અને ગૃહસ્થોને ધૂતવા, ગીતા તથા વેદાન્તના શ્લોક કંઠસ્થ કરી લેવા, આટલું કરવાથી જ સાધુ થઈ ગયા ? ભાઈ, એ બધું અહીં નહીં ચાલે. આ ઠાકુરનું રાજ્ય છે. એમને આદર્શ બનાવીને ત્યાગ, વૈરાગ્ય, પ્રેમ, ભક્તિ, વિશ્વાસ વગેરેમાં વૃદ્ધિ કરવાનો પ્રયાસ કરવો પડશે. આ બધા દ્વારા પોતાના જીવનને ઘડી લેવું પડશે, ત્યારે જ તો કામ થશે. જો એમ નહીં થાય તો એક ભગવું પહેરીને હૃષીકેશી સાધુઓની જેમ (હૃષીકેશમાં સાચા, ત્યાગી, મહાન તથા અનુભૂતિ સંપન્ન સાધુ પણ છે. અહીં મહારાજનું તાત્પર્ય એવા સાધુઓ માટે નથી.) કેવળ ફટાફટ શ્લોક બકી નાખવાથી જ શું સાધુ બની જશો ? પોપટની જેમ કેવળ મુખેથી શ્લોકનું રટણ કરવાથી કામ ચાલશે નહીં. જીવન જોઈએ, જીવન ! જ્વલંત જીવન ! જીવન દ્વારા બતાવવું પડશે. નહીં તો બસ, એક ભગવું ધારણ કરી લેવું અને શ્લોક કંઠસ્થ કરતા રહેવું. છી! છી!!

त्यागेन एके अमृतत्वम् आनशुः।

આજે કેટલાક ભક્તો આવ્યા હતા. વાતવાતમાં એ લોકોએ કહ્યું, ‘અમારા ગુરુદેવ અમને ગીતા વાંચવાનું ખૂબ કહે છે.’ મેં કહ્યું, ‘કેવળ વાંચવાથી શું થશે ? ગીતા બની જવું પડશે, જીવન દ્વારા દેખાડવું પડશે, નહીં તો કંઈ થવાનું નથી.’ ઠાકુર કહેતા, ‘ગીતાનું દશ વાર ઉચ્ચારણ કરવાથી જે થઈ જાય છે, તે જ ગીતાનો અર્થ છે. અર્થાત્ ગીતા, ગીતા, ગીતા – ત્યાગી, ત્યાગી, ત્યાગી.’ ત્યાગી થયા વિના કંઈ થવાનું નથી. ત્યાગ જ મૂળમંત્ર છે; અને એકમાત્ર ત્યાગમાં જ શાંતિ છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.’

‘તમે લોકો ગીતા બની જાઓ. તાત્પર્ય એ છે કે કેવળ બહારથી જ નહીં, પરંતુ ભીતરથી પણ બરાબર ત્યાગી બની જાઓ. ત્યાગી બન્યા વિના કેવળ ગીતા યાદ કરી લેવાથી શું થશે?’

‘આજકાલ તો ઘરે ઘરે ગીતા હોય છે અને ઘણા લોકો વાંચે છે ખરા. છતાં પણ કોઈને કંઈ શા માટે થતું નથી ? કેવી રીતે થાય ? જો મન વિષયોમાં-કામકાંચનમાં આસક્ત હોય, તો તેનાથી ભલા શું થવાનું? કામ અને કાંચન – આ બન્ને દિશાઓમાં લંગર નાખીને હોડી ચલાવતાં રહેવાથી બધો પરિશ્રમ વ્યર્થ જશે. જો ભવપાર જવા ઇચ્છતા હો તો, બધાં દુ :ખ દૂર કરવા ઇચ્છતા હો તો આસક્તિની ગાંઠને કાપી નાખો.’ આટલું કહીને સ્વામી પ્રેમાનંદ પોતાના મધુર કંઠે એક ભજન ગાવા લાગ્યા. તેનો ભાવાર્થ આવો છે :

‘મા તારા’- રૂપી નૌકા ઘાટ પર લાગી છે,
હે મન, તું પાર ઉતરવા ઇચ્છે તો દોડતો આવી જા.
‘તારા’ નામનું સઢ તાણીને,
ત્વરાએ નાવને હલાવતો જા.
પાર થયે દુ :ખ ટળશે સઘળાં,
તવ હૃદયનાં બંધન કાપી નાખ.
રે મન, બજારે આવ્યું છે તો બજાર કરી લે,
નિરર્થક અહીંતહીં શા માટે ભટકે છે ?
સૂર્ય ઢળી ગયો, સંધ્યા આવી ચૂકી છે,
હવે આ સંસારમાં કરવું કેટલું બાકી છે ?
કવિ રામદાસ કહે કે હવે તો હું,
સંસારની માયા બેડીને કાપીને મુક્ત બન્યો છું.

સ્વામી પ્રેમાનંદ (ક્ષણભર થોભીને) – ‘ત્યાગ જોઈએ, તપસ્યા જોઈએ અને અનાસક્તિ જોઈએ; ત્યારે જ તો ગીતાનો મર્મ સમજશો. ત્યાગ, ત્યાગ, ત્યાગ. જુઓને, ઠાકુર કેટલા ત્યાગી હતા ! રૂપિયાનો સ્પર્શ સુધ્ધાં ન કરી શકતા, હાથ વાંકા થઈ જતા. તમે લોકો એમને જ આદર્શ બનાવીને પોતાનું જીવન ઢાળી દોને! જીવનનું ઘડતર કરવું એ જ તો ધર્મ છે. નહીં તો, ભલે સાધુ બનો કે ગૃહસ્થ, જીવન વ્યર્થ જશે. ભટકી ભટકીને આખરે મૃત્યુ જ હાથ લાગવાનું. સમજ્યા ?’

Total Views: 386

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.