કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો. ‘જગતને છોડતાં પહેલાં કઢીના હાંડલાને હું બજારમાં ફોડીશ,’ અર્થાત્, પોતાની દિવ્યતાને એ પ્રગટ કરશે, એમ ઠાકુરે વચન આપ્યું હતું, એમ અક્ષય સેને ‘શ્રીરામકૃષ્ણ પુરાણ’માં લખ્યું છે.

૨૩મી ડિસેમ્બર, ૧૮૮૫, શ્રીરામકૃષ્ણ અવતારલીલામાં મહત્ત્વપૂર્ણ છે. એ દિવસે એમણે કલ્પતરુ દિવસની એક ઝાંખી બતાવી હતી.

સાંજના છ વાગ્યે માસ્ટર મહાશય કાશીપુરના બગીચામાં આવી પહોંચ્યા. તે પછી કાલીપદ ઘોષે ભક્તોને એ દિવસની શ્રીરામકૃષ્ણલીલાની અલૌકિક ઘટનાઓ વિશે જણાવ્યું. સવારથી ઠાકુરે પ્રેમરસની લૂંટ મચાવી હતી. અપૂર્વભાવ થયો અને ભાવાવસ્થામાં અદ્‌ભુત દર્શન કર્યું. તેમણે કળશ ભરીને પ્રેમરસ ઢોળી દીધો. શ્રીઠાકુરે નિરંજનને કહ્યું : ‘તું મારો બાપ છે. મને તારા ખોળામાં બેસાડ.’ કાલીપદ ઘોષે જમીન પર બેસીને શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યા. એ સમયે એની છાતી પર હાથ રાખીને ઠાકુરે કહ્યું, ‘ચૈતન્ય હો.’ ઠાકુરે કૃપા કરીને પોતાનાં ચરણકમળ કાલીપદના ખોળામાં મૂક્યાં.

આટલી કૃપા મેળવીને પ્રેમની હાટમાં કેટલીયે લે-વહેંચ થઈ હતી. કાલીપદ આનંદમાં વિભોર બની ગયા. એ વખતે ઠાકુરે જણાવ્યું, ‘જેમણે અંત :કરણથી ઈશ્વરને પોકાર્યા હશે, જેમણે સંઘ્યોપાસના કરી હશે, તેમણે અહીં આવવું જ પડશે.’ શ્રીરામકૃષ્ણે પવિત્ર પ્રેમરસ વહેંચી દીધો છે. સીંથિના ગોપાલ પર કૃપા કરવાની ઇચ્છા છે. એટલે કહી રહ્યા છે : ‘ગોપાલને બોલાવી લાવો.’

સવારે ગોલાપ મા અને યોગીન્દ્ર-મોહિની આવ્યાં હતાં. કરુણાઘન ઠાકુરે સમાધિસ્થ બનીને પોતાનાં શ્રીચરણોથી ગોલાપ માની અને યોગીન માની છાતીને પણ સ્પર્શ કર્યો. ભાવમગ્ન ગોલાપ માની આંખમાં આંસુ આવી ગયાં. આંસુભરી આંખે યોગીનમાએ કહ્યું : ‘આટલી આટલી કૃપા!’ ત્યાં હાજર રહેલા સર્વ આ અપૂર્વ અલૌકિક ભાવસ્પર્શથી મુગ્ધ બની ગયા. માસ્ટર મહાશયે કહ્યું : ‘આપની અવસ્થામાં પરિવર્તન થઈ રહ્યું છે. આપના મનનો ઝોક હવે નિરાકાર પ્રત્યે વળ્યો છે. આપનો વિદ્યાનો ‘હું’ પણ નષ્ટ થઈ રહ્યો છે.’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો : ‘હા, લોકશિક્ષણ બંધ થઈ રહ્યું છે. હવે વધુ કહેવાતું નથી. બધું રામમય જોઈ રહ્યો છું. ક્યારેક ક્યારેક મનમાં આવે છે. કોને કહું?’

પછી ઠાકુરે કહ્યું હતું, ‘અહીં જેઓ આવે છે, તેઓના બે દરજજા છે. પ્રથમ દરજ્જાના કહે છે : ‘હે ઈશ્વર અમારો ઉદ્ધાર કરો.’ બીજા દરજ્જાવાળા અંતરંગ છે. તેઓ આ વાત નથી કરતા. એમની પાસેથી બે વાત જાણવાથી જ એમની પરખ થઈ જાય છે. એક તો એ કે હું (શ્રીરામકૃષ્ણ) કોણ છું અને બીજી એ કે તેઓ કોણ છે. – એમનો મારી સાથે શો સંબંધ છે?’

ઠાકુર બગીચામાં આવ્યા; પાછળ ભક્તો હતા. એક ઝાડની નીચી ડાળ નીચે બીજા મિત્રો સાથે બેઠેલા અક્ષયે એમને જોયા. ઠાકુર ઊભા હતા ત્યાં એ દોડી ગયા અને ભક્તોની વચ્ચે એમને સમાધિમગ્ન ઊભેલા જોયા. અક્ષયે બે ચંપક પુષ્પો ચૂંટી તેમને ઠાકુરને ચરણે ધર્યાં.

થોડા સમય પછી ઠાકુર સામાન્ય દશામાં આવ્યા અને, ભક્તોને એક પછી એક સ્પર્શ કરવા લાગ્યા. એમના આ કૃત્યથી ભક્તોમાં ભાવનો ખૂબ ઉછાળો આવ્યો અને સૌ ભાવોન્મત્ત થઈ ગયા. કોઈને પોતાના ઈષ્ટનાં દર્શન થયાં; કોઈને કુંડલિનીની જાગ્રતિનો અનુભવ થયો; કોઈ અકથ્ય આનંદ અનુભવવા લાગ્યા; અને બીજા ભાવમાં તણાઈ હસવા, રોવા કે બૂમો પાડવા લાગ્યા. થોડે દૂરથી અક્ષયે આ દૃશ્ય જોયું. પછી અચાનક ઠાકુરની દૃષ્ટિ એમની ઉપર પડી અને ‘અરે એય’ કહી એમણે અક્ષયને પાસે બોલાવ્યા. અક્ષય ઠાકુર પાસે દોડતા ગયા. ઠાકુરે એની છાતી પર હાથ મૂક્યો અને એના કાનમાં ધીમેથી એક મંત્ર કહ્યો. તત્ક્ષણ અક્ષયે ઠાકુરના આશીર્વાદ અનુભવ્યા. આનંદના પૂરને એ રોકી ન શક્યા અને તરત જ એ ધરતી પર ઢળી પડ્યા. જાણે પોતે ખોડખાંપણવાળા હોય એમ એમનાં અંગો વાંકાં થઈ ગયાં અને એ રુદન કરવા લાગ્યા.

પોતાના ભક્તોમાં પ્રેમ, ભક્તિ, આધ્યાત્મિક દર્શનો અને સમાધિની લહાણી ઠાકુરે કરી ત્યારે ત્યાં પ્રેમનો સાગર છલકાયો. પછીથી હરીશ મુસ્તફી ઠાકુરના ઓરડામાં ગયો તો ઠાકુરે એને પણ કૃપાથી નવડાવ્યો. એ હર્ષથી પાગલ બની ગયા અને એનાં નેત્રમાંથી આંસુ વરસવા લાગ્યાં. પાછો નીચે આવી એ શિષ્યોને કહેવા લાગ્યો : ‘ભાઈઓ, આ કૃપાને હું ઝીલી શકું તેમ નથી. આ શું છે ? મારા જીવનમાં મેં કદી આવું અનુભવ્યું નથી. ઠાકુરની એ અનંત કૃપા છે!’

પછી ઠાકુરે દેવેન્દ્ર મજુમદારને પોતાને ઓરડે બોલાવ્યા અને એને કહ્યું : ‘રામે મને અવતાર જાહેર કર્યો છે. રામના આ કથનની તમે સૌ ખરાઈ કરી શકો? કેશવના શિષ્યો પણ મને અવતાર કહેતા.’ દેવેન્દ્રે પછીથી કહ્યું હતું, ‘અવતારનું રહસ્ય અમે શી રીતે સમજી શકીએ ? ઠાકુરે જ સ્પષ્ટતા કરી હતી. જે દિવસે બપોર પછી એ કલ્પતરુ બન્યા હતા તે દિવસે, પહેલાં એમણે થોડાક ભક્તોને ઉપર બોલાવી આશીર્વાદ આપ્યા હતા; પણ એટલેથી એમને સુખ ન વળ્યું. પછી એ નીચે આવ્યા, બાગમાં ગયા અને આધ્યાત્મિક જ્યોતની લહાણી કરવા લાગ્યા. એ કોઈની છાતીને તો કોઈને મસ્તકે અડ્યા અને કોઈકના કાનમાં કશુંક કહ્યું.’

એ દિવસની ઘટનાનું વર્ણન સ્વામી શારદાનંદે પણ કર્યું છે : બપોર પછી ત્રણ વાગ્યે ઠાકુરે લાલ કિનારનું ધોતિયું પહેર્યું અને ખમીસ, જાડું લાલ કિનારનું ઓઢવાનું વીંટી તથા કાનટોપીથી કાન ઢાંકી અને સ્લિપરની જોડ પહેરી, સ્વામી અદ્‌ભુતાનંદની સાથે ધીમે ધીમે પગથિયાં ઊતર્યા. એમણે મુખ્ય ખંડનું બારીક અવલોકન કર્યું, પશ્ચિમને દરવાજેથી બહાર નીકળ્યા અને બાગના રસ્તા પર ચાલવા લાગ્યા. ઠાકુરને આમ ચાલતા જોઈને કેટલાક ગૃહસ્થ ભક્તો આનંદપૂર્વક એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

એ અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં એમણે રામને અને ગિરીશને આંબાના ઝાડ નીચે બેઠેલા જોયા. ગિરીશને સંબોધીને ઠાકુર બોલ્યા : ‘ગિરીશ તમને (મારામાં) શું દેખાયું છે કે તમે સૌને (હું અવતાર છું) આવું બધું કહેતા ફરો છો ?’

આ સવાલ અચાનક જ પુછાયો હોવા છતાં ગિરીશની શ્રદ્ધા અડગ જ રહી. એ તુરત ઊભા થયા. કેડી પર ગયા અને ઠાકુર સામે ઘુંટણિયે પડ્યા. હાથ જોડીને, ઠાકુરને પ્રણામ કરીને લાગણીથી ગળગળે અવાજે એ બોલ્યા : ‘જેની મહત્તાને વર્ણવવા વ્યાસ વાલ્મીકિને શબ્દો ન મળ્યા તેને વિશે હું તે વધું શું કહી શકું ?’

શ્રદ્ધાના આ અદ્‌ભુત બોલ સાંભળીને ઠાકુરનાં રુંવાડાં ઊભાં થઈ ગયાં, એમનું મન ઉચ્ચતર દશાએ ચડ્યું અને એમને સમાધિ થઈ. દિવ્ય ભાવથી મંડિત ઠાકુરનું મુખ જોઈને ગિરીશ આનંદપૂર્વક પોકારી ઊઠ્યા : ‘જય શ્રીરામકૃષ્ણ ! જય શ્રીરામકૃષ્ણ !’ અને એ વારંવાર ઠાકુરની ચરણરજ લેવા લાગ્યા. દરમિયાન ઠાકુર અર્ધભાનાવસ્થામાં આવ્યા, એમણે સહાસ્ય ભક્તો સામે જોયું અને કહ્યું : ‘મારે તમને વધુ શું કહેવું? તમને સૌને ચૈતન્ય થાઓ!’

ઠાકુરના આ અટલ આશીર્વાદે એમના ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિનાં દ્વાર ખોલી આપ્યાં. કેટલાક હસવા તો કેટલાક રોવા લાગ્યા, કોઈ ધ્યાનમાં સરી પડ્યા તો, ઠાકુરના આશીર્વાદ માટે કેટલાક મોટેથી બીજાઓને દૂરથી બોલવવા લાગ્યા. હરન દાસે ઠાકુરની ચરણરજ લીધી ત્યારે એના મસ્તક પર ઠાકુરે પોતાનો પગ મૂક્યો. અક્ષય સેનની છાતીને સ્પર્શીને ઠાકુરે એને મંત્ર આપ્યો. નવગોપાલ ઘોષને એમણે જપ ધ્યાન કરવા કહ્યું; પણ નવગોપાલ કહે છે કે ‘મારી પાસે એ માટે સમય જ નથી.’ તો ઠાકુર કહે : ‘મારું નામ થોડીવાર બોલી શકાશે ?’ ‘હા, તેમ કરી શકીશ,’ નવગોપાલે કહ્યું. એટલે ઠાકુર બોલ્યા : ‘એ ચાલશે. તારે બીજું કંઈ કરવું નહીં પડે.’ પછી ઉપેન્દ્ર મજુમદારને એમણે આશીર્વાદ આપતાં ઉપેન્દ્ર સમાધિમાં સરી પડ્યા. ‘તને સમાધિ પ્રાપ્ત થશે’, એમ એમણે ભૂપતિને આશીર્વાદ આપ્યા. ઉપેન્દ્ર મુખોપાધ્યાય પૈસા માટે પ્રાર્થના કરતો. ‘તને ખૂબ પૈસો મળશે’ એમ, ઠાકુર બોલ્યા.

એ સમયે રામલાલ ઠાકુરની પાછળ ઊભો હતો. એ મનમાં વિચાર કરવા લાગ્યો : ‘આ સૌ ભક્તોને કંઈ ને કંઈ આધ્યાત્મિક અનુભૂતિ મળી છે. મને શું મળ્યું છે ? હું તો માત્ર ઠાકુરનો લોટો અને ટુવાલ લઈ જતો હતો.’ જેવો આ વિચાર મારા મનમાં નશો કે, મારી સામે જોઈ એ બોલ્યા : ‘રામલાલ, તું શો વિચાર કરે છે ? આવ અહીં.’ મારી શાલને આઘી કરી એ મારી છાતીને અડ્યા અને બોલ્યા : ‘હવે જો ! એ દિવ્યરૂપનું વર્ણન કરવું કઠિન છે. એ પહેલાં ઘ્યાન કરતી વખતે મને મારા ઈષ્ટદેવનું એક અંગ માત્ર દેખાતું. એ ઈષ્ટના પગ મને દેખાય, મારે મોઢું ન દેખાય અને મુખથી કમ્મર સુધીનું એનું રૂપ દેખાય તો એના પગ ન દેખાય. વળી મને જે કંઈ દેખાતું તે કહી જીવંત ન હતું. પણ ઠાકુરે મને સ્પર્શ કર્યો તે ભેગું જ ચેતનામય અસ્તિત્વ તરીકે, મારા ઈષ્ટદેવનું પૂર્ણરૂપ મારા અંતરમાં પ્રગટ્યું; એ જ્યોતિર્મય અને કૃપાળુ હતું.’

સ્વામી શારદાનંદે લખ્યું છે કે : ‘પોતાનો સમર્થ દિવ્ય સ્પર્શ ઠાકુરે બેત્રણ ભક્તોને કર્યો તે પછી, એમની પાસે જઈ વૈકુંઠ પગે લાગ્યો અને બોલ્યો કે, ‘મહાશય, મારી ઉપર આપની કૃપા વરસાવો.’ ઠાકુરે જવાબ આપ્યાં કે : ‘તેં તો બધું પ્રાપ્ત કરી લીધું છે.’ વૈકુંઠ કહે : ‘મેં બધું પ્રાપ્ત કરી લીધું છે તેમ આપ કહો છો તો એ તેમ જ હશે. એ હું થોડુંક સમજી શકું તેવી કૃપા કરો.’ ‘વારુ’, ઠાકુરે કહ્યું અને એની છાતીને થોડો સમય એમણે સ્પર્શ કર્યો. એનું વર્ણન વૈકુંઠે આમ કર્યું છે : ‘એને પરિણામે મારા ચિત્તમાં અદ્‌ભુત પરિવર્તન આવી ગયું. આકાશમાં, મકાનોમાં, વૃક્ષોમાં, સૌ મનુષ્યોમાં, દરેક પદાર્થમાં અને, દરેક દિશામાં, ઠાકરુનું કૃપાળુ, હસતું અને તેજસ્વીરૂપ મને દેખાવા લાગ્યું.’

પછી અતુલ ઘોષ અને કિશોરી રાય ઉપર ઠાકુરે કૃપા વરસાવી. ઠાકુરની કૃપાથી કોઈ વંચિત તો નથી રહી ગયુંને એ જોવા ગિરીશે તપાસ કરી. એ રસોડે ગયા અને રસોઈયાને રોટલી વણતો જોયો. એને એ ઠાકુર પાસે લાવ્યા અને એની ઉપર ઠાકુરે કૃપા વરસાવી. તે દિવસે (હરમોહન મિત્ર સહિતના) બે માણસોને ઠાકુરે સ્પર્શ કર્યો ન હતો. એમને ઠાકુરે કહ્યું હતું કે, ‘હમણાં નહીં.’ એ પરમ આનંદને દિવસે એ બેઉ ખૂબ નિરાશ થઈ ગયા હતા. પછીથી બીજે એક દિવસે ઠાકુર એમની ઉપર કૃપા કરી હતી.’ ઠાકુરના દિવ્ય સ્પર્શે મારી ભમ્મરો વચ્ચે ઠાકુરના સ્પર્શને કારણે હું દેવદેવીઓ જોઈ શકતો હતો’, એમ હરમોહને પછીથી કહ્યું હતું.

આખરે રામલાલની સાથે ઠાકુર પાછા પોતાને ઓરડે ગયા અને બોલ્યા : ‘આ લોકોનાં પાપ મેં લીધાં તેથી મારો દેહ બળે છે. થોડું ગંગાજળ લાવી મારાં અંગો પર છાંટ.’ સાંજે હાજરાને વિવેકાનંદ ઠાકુર પાસે લઈ ગયા અને એની પર કૃપા વરસાવવા એમણે ઠાકુરને વિનંતી કરી. ઠાકુરે કહ્યું : ‘હજી એનો સમય પાક્યો નથી પોતાના જીવનને અંતે એ મને જોશે.’ છેવટે ચુનીલાલ બસુ આવ્યા અને વિવેકાનંદે એમને ઠાકુર પાસે મોકલ્યા. ‘તારે શું જોઈએ છે ?’ ઠાકુરે એને પૂછ્યું. પણ ચુનીલાલ મૂંગા રહ્યા. પોતાનો દેહ ચીંધીને ઠાકુરે કહ્યું : ‘આને પ્રેમ કર એની પર શ્રદ્ધા રાખ. તું પણ બધું પ્રાપ્ત કરીશ.’

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.