ઠાકુર ‘કથામૃત’માં સિદ્ધોના પ્રકાર વિષે કહેતા હતા. તેમાં એક પ્રકાર છે નિત્યસિદ્ધ. સ્વામીજીને પણ ઠાકુર નિત્યસિદ્ધ કહેતા. નિત્યસિદ્ધ એટલે એક જુદા જ પ્રકારના સાધક. આ લોકો ક્યારેય સંસારમાં બંધાતા નથી. નિત્યસિદ્ધ સાધકો પ્રહ્‌લાદ જેવા-ભગવાન પ્રતિ તેમની ભક્તિ જન્મથી જ હોય છે. સાધારણ માણસ ભગવાનનાં નામ-ગુણગાન કરે અને વળી પાછો સંસારમાં કામિની કાંચનમાં મુગ્ધ થાય. સાધારણ માખી ફૂલ ઉપર પણ બેસે અને મીઠાઈ ઉપર પણ બેસે, વળી વિષ્ઠા પર પણ બેસે, પણ નિત્યસિદ્ધ તો મધમાખી જેવા, કેવળ ફૂલ પર જ બેસે. કેવળ મધ તેમનો આહાર. શ્રીઠાકુરજીની કેવી અદ્‌ભુત ઉપમા. ભગવાન સિવાય કંઈ સારું લાગે નહિ.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે નિત્યસિદ્ધ કોને કહેવાય ખબર છે? કે જેઓ ભગવાનના અવતારની સાથે જ હંમેશાં આવે છે. બંગાળમાં એક સંપ્રદાય છે તેને કહેવાય બાઉલ. આવા બાઉલનું દળ ઓચિંતું આવે, નાચે, ગાય, લોકોને આનંદ કરાવે ત્યારબાદ પાછું ચાલ્યું જાય. આ લોકો ક્યાંના છે, ક્યાંથી આવે છે, કોઈને કંઈ ખબર પડે નહિ. બાઉલનાં ઘરબાર, સમાજ, ગોત્ર આ બધું કંઈ જ ના હોય.

ઠાકુરના જે પાર્ષદ તેઓ બધા નિત્યસિદ્ધ. તેમણે કોઈને શ્રીચૈતન્યદેવના દળમાં તો કોઈને ઈશુ પ્રભુના દળમાં જોયેલા. આ લોકો કેવળ મનુષ્યનું શરીર ધારણ કરીને આવે એટલું જ. આ શરીર જ કેવળ મળતું આવે, બાકી બધું દેવત્વ જ.

બહુ દિવસો પહેલાંની વાત છે. બેલુર મઠમાં મોટો ઉત્સવ ચાલતો હતો. એકાએક કેટલાક બાઉલો આવ્યા. તેઓને બોલાવવા ન પડે, પોતાની મેળે જ આવી જાય. પહેલાં આવું જોવા મળતું. તે દિવસે તેઓએ બાઉલ ગીત ગાયું. તેનો મર્મ હતો કે નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, તારક વગેરે બધા જો અલગ અલગ આવ્યા હોત, તો અવતાર તરીકે દરેકની પૂજા થઈ હોત. એક સાથે શ્રીઠાકુરની સાથે આવ્યા એટલે આપણે તેઓને સમજી શક્યા નથી.

સ્વામી વિવેકાનંદ જેવા મનુષ્ય જે કોઈ દેશમાં, જ્યારે પણ આવે ત્યારે દુનિયાના લોકો કૃતાર્થ થઈ જાય છે. સ્વામીજીનાં અમેરિકન શિષ્યા જોસેફાઈન મેક્લાઉડનું વાક્ય યાદ આવી જાય છે. તેઓ બેલુર મઠમાં બહુ દિવસથી રહેતાં હતાં. એક દિવસ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ તેમના પ્રોફેસર સાથે આવેલા. જોસેફાઈન મેક્લાઉડને તેઓએ સ્વામીજી વિશે કંઈક કહેવાનું કહ્યું. મેક્લાઉડે કહ્યું, ‘તમે લોકો અત્યારે સ્વામીજીને સમજી શકશો નહિ. આ દેશ જ્યારે આઝાદ થશે ત્યારે કદાચ સમજી શકશો. અમારા દેશમાં જો તેઓ જન્મ્યા હોત, તો અમે તેમને કેટલું સન્માન આપ્યું હોત! માથાના મુગટ કરીને રાખ્યા હોત! પરંતુ અરેરે! તમારો દેશ એક આત્મવિસ્મૃત દેશ! પોતાને પણ ભૂલી ગયો છે અને પોતાના માનવોને પણ ઓળખી શક્યો નહિ.

જોસેફાઈન મેક્લાઉડ આખી દુનિયામાં ભ્રમણ કરતાં. બર્નાર્ડ શો સાથે તેમની મિત્રતા હતી. બર્નાર્ડ શોએ તેમને કહેલું કે આખી દુનિયાના કેવળ બે જ મહાનુભાવોએ તેમને મુગ્ધ કર્યા છે. તેમાંના એક તો સ્વામી વિવેકાનંદ અને બીજા જર્મનીના રાજા કેઈઝાર. સ્વામીજી મેકલાઉડની સંગઠન શક્તિની બહુજ પ્રશંસા કરતા.

મેક્લાઉડ જયારે બેલુર મઠમાં રહેતાં હતાં, ત્યારે તેમના જન્મ દિવસે તેઓ સાધુ-બ્રહ્મચારીઓને કેક ખવડાવતાં. બધાનાં તેઓ દાદીમા હતાં. ત્યારે તો તેમની ઉંમર ઘણી થઈ ગઈ હતી. કોઈ તેમની ઉંમર વિષે પૂછતા, ત્યારે તેઓ કહેતાં, ‘ચાલીશ વર્ષ થયાં છે!’ આવુ સાંભળીને ભેગા થયેલાઓ મજાકમાં કહેતા કે તમારા દેશમાં સ્ત્રીઓ પોતાની ઉંમર છુપાવવામાં બાહોશ હોય છે અને પોતાની સાચી ઉંમર કહેતી નથી. ત્યારે મેક્લાઉડ ગદ્ગદ કંઠે કહેતાં, ‘જુઓ, જે દિવસથી સ્વામીજીને જોયા છે, તેમના સંસ્પર્શમાં આવી છું, તે દિવસને જ હું મારો જન્મ દિવસ ગણું છું! એની પહેલાં શું હું માનવ હતી કે!’ સ્વામીજી પ્રત્યે તેમની કેવી મહાન શ્રદ્ધા હતી! શું આજે પણ આપણે, આપણા દેશમાં, દેશના જ લોકો સ્વામીજી પ્રત્યે આવી મહાન શ્રદ્ધા ધરાવીએ છીએ ખરા? સ્વામીજી પ્રત્યે તેમની અનેરી ભક્તિ હતી. આ જ યુગનાં અમેરિકન નારી મેરી લુઈ બર્ક કે જેમને સ્વામીજી અંગે કેટલુંય સંશોધન કરેલું છે. તેઓ કહેતાં, ‘પશ્ચિમના લોકો પ્રત્યે સ્વામીજીને વિશેષ ભાવ હતો.’ આપણે એમ કહીએ કે સ્વામીજી આપણા. પણ તેઓ કહેતાં કે સ્વામીજી ખરેખર તો તેમને માટે આવ્યા હતા; પશ્ચિમના લોકો માટે જ. મેરી કહેતાં કે જે બધી ઉચ્ચ આધ્યાત્મિક વાતો સ્વામીજીએ પશ્ચિમના લોકોને કહી હતી, તે બધી ભારતવર્ષમાં તેમણે કહી નથી.

સ્વામીજી જયારે અમેરિકાના થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં રહેતા હતા, ત્યારની એક ઘટના છે. ત્યારે સ્વામીજી ત્યાં ધ્યાન, યોગ વગેરે કેટલાક શિષ્યોને શીખવતા. એક દિવસ લગભગ રાતના નવ વાગ્યે બે અજાણી યુવતીઓ ફરતાં ફરતાં ત્યાં આવી ચડી. સ્વામીજીને મળીને તેઓએ કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે આપ અહીં આવ્યા છો, તેથી અમે પણ આવ્યાં છીએ. જેવી રીતે ભગવાન ઈશુ પાસે એક દિવસ બધાય આવતા, તેવી જ રીતે અમે પણ તમારી પાસે આવ્યાં છીએ. અમે સાંભળ્યું છે કે તમે ઈશ્વરના દૂત છો.’ સ્વામીજીએ ત્યારે આ બન્ને બહેનોને કહ્યું, ‘મારી પાસે જો અત્યારે ભગવાન ઈશુની જેમ શક્તિ હોત, તો તમને અત્યારે જ મુક્ત કરી દેત!’

સ્વામી અભેદાનંદજીના જન્મ દિવસે એકવાર એક સભા હતી. તે દિવસે અભેદાનંદજીએ સ્વામીજી વિશે કહેલું કે પોતે સ્વામીજીને જયારે પહેલીવાર વિલાયતમાં જોયા ત્યારે લાગ્યું કે કેટલું મહાન વ્યક્તિત્વ અને કેટલું પાંડિત્ય! એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હું વિચારતો હતો કે શું અમારો વરાહનગરનો આ એ જ નરેન કે જેની સાથે શાસ્ત્રોને લઈ કેટલોય તર્ક-વિતર્ક કરતા હતા! કેટલું મહાન તેમનું તેજોમય વ્યક્તિત્વ! આ બધું ઈશ્વરની કૃપા સિવાય સંભવ નથી. જેવી તીક્ષ્ણ બુદ્ધિ, તેવું જ વિશાળ હૃદય અને તેવી જ મહાન કર્મ-શક્તિ અને તેવું જ અનોખું વ્યક્તિત્વ! સ્વામીજી બધી જ વાતે એક અનન્ય વ્યક્તિ હતા, તેથી જ કોઈ તેમને અવતાર કહેવા માગતું હોય તો તે કંઈ જ ખોટું નથી.

સ્વામી વિવેકાનંદ ક્યારેય બીજી હરોળમાં હોય તેમ મહાન દાર્શનિક રોમાં રોલાં પણ વિચારી શકતા નથી, તેઓ હંમેશાં પ્રથમ હરોળમાં જ હોય. વાસ્તવમાં સ્વામીજી બધાં જ ક્ષેત્રમાં અગ્રગણ્ય હતા, તે પછી જે પણ ક્ષેત્ર હોય : દર્શનશાસ્ત્ર, સાહિત્ય, સંગીત, રાજનીતિ કે દેશની વિવિધ સમસ્યાઓ. બધાં જ ક્ષેત્રે તેમનું મહાન પ્રદાન હતું. તર્ક, ચર્ચામાં ક્યાંય તેમને હરાવી શકવાની કોઈ પણ વ્યક્તિમાં ક્ષમતા ન હતી. હસી-મજાક, વાતચીતમાં પણ સ્વામીજીને કોઈ પહોંચી શકતું નહિ. બધા જ પ્રકારના સંગીતનું તેમને જ્ઞાન હતું. સંગીતનાં વાજિંત્રો પણ વગાડી શકતા. સ્વામી સારદાનંદજી કહેતા કે મને સંગીતમાં રુચિ ન હતી, પણ સ્વામીજીને કારણે તબલાંના ઠેકા બજાવવાનું શીખવું પડેલ. તેમને કારણે જ મેં તબલાં શીખી લીધાં. તેઓ એવા માનવ હતા કે પોતે પણ ભરપૂર આનદમાં રહેતા અને બીજાને પણ આનંદથી તરબોળ કરી મૂક્તા. તેમને ક્યારેય ગંભીર જોયા ન હતા. એક વ્યક્તિએ જયારે સ્વામીજીને પૂછ્યું, ‘મહાશય, શું આપ ક્યારેય ગંભીર થતા નથી?’ સ્વામીજીએ ઉત્તરમાં કહ્યું, ‘હા, જયારે મને પેટમાં શૂળ વેદના થાય છે ત્યારે જ હુ ગંભીર થઈ જાઉં છું!’ સ્વામી ઓમકારાનંદજી કે જેઓ રામકૃષ્ણ મઠ તથા મિશનના ઉપાધ્યક્ષ હતા, તેઓ કહેતા, ‘જયારે હું બેલુર મઠમાં આવ-જા કરતો ત્યારે સ્વામીજીનાં પુસ્તકો ખૂબ વાંચતો, તેમના ફોટાઓ રાખતો. હું એવું વિચારતો કે મારું સ્વાસ્થ્ય સારું છે અને અભ્યાસ પણ સારો એવો કરેલો છે. સ્વામીજી તો માત્ર બી.એ. પાસ થયેલ છે અને હું તો એમ.એ. પાસ છું. સ્વામીજી કરતાં તો એક પગલું આગળ છું. પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ હું જોઉં છું કે ક્યાં સ્વામીજી અને ક્યાં અમે બધા! આખુંય જીવન વીતી ગયું, છતાંય હું હજુ તેમને સમજી શક્યો નથી. તેમને સ્પર્શ કરવાનું તો હજુ બહુ જ દૂર! નાનપણથી જ સ્વામીજીનું જીવન અત્યંત અદ્‌ભુત હતું. તેમણે બાળપણમાં મહાવીર હનુમાનજીની વાર્તા સાંભળેલી. બસ, ત્યારથી જ તેમને જોવાનું ઘેલું લાગ્યું હતું. તેઓ હનુમાનજીનાં દર્શન માટે કેળના વનમાં ભટક્યા કરતા. કેવી અનેરી ભક્તિ! માને પૂછતા કે મા, હનુમાનજી સાથે કેમ મેળાપ ન થયો? તો તેમની મા નાના નરેનને સમજાવતાં કે તેઓ રામજીના કામે ગયા હશે અને નાના નરેનનું સરળ હૃદય પળવારમાં જ તે માની જતું. વળી, તેમણે સાંભળેલું કે હલકી જાતવાળા લોકોએ વાપરેલ હુક્કો પીવાથી જાત ચાલી જાય છે. તો તેમણે કુતૂહલવૃત્તિથી બધા જ હુક્કા પીધા. પિતાજીને જ્યારે ખબર પડી અને નાના નરેનને એ વિશે પૂછ્યું ત્યારે નરેને કહ્યું, ‘પિતાજી, હું જોતો હતો કે જાત ક્યાં જાય છે.’ કેવી સરળતા! બાળપણમાં ધ્યાનની રમતમાં તેમને બહુ આનંદ આવતો. તેમણે સાંભળેલું કે ધ્યાન કરતાં કરતાં સાધુના માથા પર જટા નીકળે છે તેથી તેઓ ધ્યાનની વચ્ચે વચ્ચે આંખો ખોલીને પોતાના માથા પર જોવા લાગતા કે ખરેખર જટા નીકળી છે કે નહીં. એકવાર ધ્યાન કરતાં કરતાં એક સાપ નીકળ્યો, બધા મિત્રો ભાગી ગયા, પણ નરેન તો ધ્યાનમાં તલ્લીન. બહારના જગત વિશે કંઈ જ જ્ઞાન નથી. કેવી એકાગ્રતા! સ્વામીજીનો ધ્યાનસ્થ અવસ્થાનો ફોટો જે છે તે લંડનમાં લીધેલ છે. તેમના શિષ્યોએ તેમની ધ્યાન-મૂર્તિના ફોટા માટે આગ્રહ કર્યો. એક દિવસ ફોટો લેવા માટેની બધી જ વ્યવસ્થા થઈ. સ્વામીજી સ્થિર થઈને ફોટો પડાવવા માટે બેઠા. જેવા બેઠા કે ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા! અમેરિકામાં જયારે વિશ્વધર્મપરિષદમાં પ્રવચન બાદ તેમને ચારેય તરફથી બહુ જ સન્માન મળવા લાગ્યું અને બધા જ તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે જોયું કે તેમના પ્રસંશકો તેમને મળવા અધીર બની જતા, આવે વખતે તેમના ઓરડામાં બેસીને રડતાં રડતાં માને પ્રાર્થના કરવા લાગતા : ‘મા, આ શું થયું? નામ-યશ-કીર્તિ, આ બધાંની મને શું જરૂર છે? મા, તું મને જૂના જીવનની ઘટમાળમાં પાછો લઈ જા. આ બધું હું માગતો નથી.’ આવું કહેવું એમના માટે જ સંભવ છે. તેમણે અમેરિકાથી સ્વામી રામકૃષ્ણાનંદજીને પત્રમાં લખ્યું, ‘ભાઈ, મને નામ, યશ, કીર્તિની પરવા નથી, મારે તો નિરાકાર વાણી (Voice without form) બનવું છે. હું યંત્ર, તેઓ યંત્રી.’ સ્વામીજી કહેતા હતા કે મેં જગતમાં ક્યાંય પણ કોઈ ધર્મ અને સત્ય વિષે કંઈ પણ કહ્યું હોય તો તે બધું ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવનું છે અને ભૂલ, ભ્રાંતિ કંઈ પણ હોય તે મારું છે. શ્રી ઠાકુર કહેતા, ‘નરેન્દ્ર પદ્મમાં સહસ્રદળ પદ્મ છે.’

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.