(નવેમ્બરથી આગળ…)

માછલીની સૂગ તરફની મારી કટ્ટર માન્યતા દૂર થઈ

કલ્યાણ મહારાજ હરિદ્વારની ગરમી સહન કરી શકતા નહીં. ગરમીના સમયમાં કેટલાક દિવસો તેઓ મસૂરીમાં ભાડા પર રાખેલ એક ઘરમાં વિતાવતા હતા. વળી તેમને મધુપ્રમેહની બીમારી પણ હતી તથા સેવાશ્રમનું ભોજન તેમને માફક ન હતું. કેમ કે સેવાશ્રમમાં માંસ ખાવાની મનાઈ હતી. તો પણ ડાૅક્ટરોએ તેમને સલાહ આપેલી કે મસૂરીમાં રહે તેટલો સમય ત્યાં ભોજનમાં માછલી લેવાનું રાખે. કેમ કે તેઓ મધુપ્રમેહના રોગી હતા, અન્ય કશું જ તેમને સ્વસ્થ-નીરોગી રાખી શકે તેમ ન હતું. મસૂરી રહેવા સમયે કલ્યાણ મહારાજ થોડી માછલી ખાઈને રહી શકતા હતા. પરંતુ આંધ્રપ્રદેશમાં એક કટ્ટર શાકાહારી કુટુંબ હતું. હું લોકોને કહેતો કે તે પ્રદેશમાં નીચી જાતિના લોકો જ માછલી ખાતા હોય છે; સંસ્કારી કુટુંબો તેમનાથી દૂર જ રહે છે. જ્યારે અમને તો બાળપણમાં માછલી બજારમાં થઈને જવાની પણ આજ્ઞા ન હતી; એટલે સુધી કે સાયકલ પર જતી વખતે અમને શંકાની નજરે જોવાતા. એટલે હું માછલી ખાવાની પ્રથાથી ઘૃણા રાખીને જ મોટો થયો તથા જેઓ પણ માછલી ખાતા તેમને હું સ્વીકારતો કે પસંદ કરતો નહીં. એક દિવસ હું જ્યારે કલ્યાણ મહારાજ સાથે મસૂરીમાં હતો, તે સમયે ડાૅક્ટર કલ્યાણ મહારાજને તપાસવા આવ્યા. તેમણે તેમની તપાસ કરતાં કહ્યું, ‘મહારાજ, ‘આપનું આરોગ્ય બગડી રહ્યું છે, તમે સ્વસ્થ જણાતા નથી, આપ ઘણા જ દૂબળા થઈ ગયા છો!’ મહારાજે જવાબ આપ્યો, ‘પણ હું તો બિલકુલ સારો જ છું.’ બાદમાં ડાૅક્ટરે સેવક બ્રહ્મચારી સાથે આ અંગે વાત કરી. બ્રહ્મચારીએ કહ્યું, ‘મહારાજ કહે છે કે જ્યાં સુધી નારાયણ મહારાજ આપણી સાથે છે, આપણે માછલી કે માંસ લઈ શકીએ નહીં. એટલે તેમનું આરોગ્ય બરાબર નથી.’ ત્યારે ડાૅક્ટરે કહ્યું, ‘જો એમ જ હોય તો મહારાજ વધુ દિવસો જીવશે નહીં.’

હું ડાૅક્ટરને સારી રીતે જાણતો હતો, તેઓ સેવાશ્રમમાં આવતા રહેતા તથા અમને મદદરૂપ થતા હતા. તેઓ પંજાબી હતા, તેમનું નામ રાધાકૃષ્ણ હતું અને તેઓ પણ તે જ સમયે મસૂરીમાં રહેતા હતા. તેમના જતા પહેલાં હું તેમની પાસે ગયો ને પૂછ્યું કે સમસ્યા શું છે. ડાૅક્ટરે કહ્યું, ‘હું એ સમજતો નથી કે આ વાત તમને કેવી રીતે કહું.’ મેં આગ્રહ સાથે કહ્યું, ‘ઠીક છે, જણાવો.’ ‘જુઓ, મારી સલાહ પ્રમાણે મહારાજ માછલી લેતા હતા. તેઓ એ જ ભોજન લઈ શકે જે તેમને અનુકૂળ હોય, નહીં તો તેઓ પોતાના શરીરને સક્ષમ નહીં કરી શકે, પરંતુ મેં સાંભળ્યું છે કે તમારી અહીં ઉપસ્થિતિને લીધે તે ખોરાક લેવાનો બંધ કરી દીધો છે. તેઓ એવું કશું જ કરવા માગતા નથી કે જેથી તમારી શાસ્ત્રનિષ્ઠ ભાવનાઓને ધક્કો લાગે.’ મેં કહ્યું, ‘ઓહ, એમ વાત છે ? જો તેઓ હવેથી માછલી લે તો શું તેઓ સ્વસ્થ થઈ જશે ?’ ડાૅક્ટરે કહ્યું, ‘અવશ્ય, તેમણે તે રોજ લેવાનું રાખવું જોઈએ- બીજું કશું જ નહીં, ભાત ને તેવી બીજી કોઈ વસ્તુ નહીં ચાલે.’ મેં તેમનો આભાર માનીને કહ્યું, ‘ઠીક છે.’

હવે, અહીં એક વ્યક્તિ મારા જેવા તુચ્છ પ્રાણી માટે પ્રાણ-ત્યાગ કરવા તૈયાર હતી. મને ઘણું આશ્ચર્ય હતું કે તેમણે મારી આટલી બધી ચિંતા શા માટે કરવી જોઈએ. ત્યારે મેં રસોઈઘરમાં જઈને બ્રહ્મચારીને બોલાવીને કહ્યું, ‘ચાલો, આપણે બજાર જઈએ.’ અમે બજારમાં જઈને થોડી માછલી ખરીદી. ઘેર પાછા આવીને મેં તેને ધોવામાં સહયોગ કર્યો. પછી તેઓ તેને રાંધીને ભોજનના મેજ પર લઈ આવ્યા. જેવી તેમણે તેને પીરસી તુરત જ કલ્યાણ મહારાજ બોલી ઊઠ્યા, ‘મેં તને કહેલું કે મારે માટે હવે માછલી લાવવી નહીં.’ ‘પરંતુ નારાયણ મહારાજ પોતે જ મને બજાર લઈ ગયા ને મને તે ખરીદવાનું કહ્યું. તેઓ કહે છે કે હવે પોતે પણ તે આ લેશે.’ મહારાજે મને પૂછ્યું, ‘શું તું માછલી ખાઈશ ?’ મેં કહ્યું, ‘જી હા.’ ત્યારે તેમને તે પીરસવામાં આવી અને જો કે હું તેને પસંદ કરતો ન હતો, તો પણ ધીરે ધીરે મેં તેને ખાવાનું શરૂ કર્યું. મહારાજે પણ તેને ભોજનમાં લીધી તથા બધાએ એ વાનગીનો આનંદ લીધો. મહારાજે મને જણાવ્યું, ‘તારે માટે માછલી લેવી યોગ્ય જ છે.’ આ રીતે માછલીની સૂગ પ્રત્યેની મારી કટ્ટર માન્યતા દૂર થઈ.

હું ઘણો ખુશ છું કે હું આ પ્રતિકૂળ લાગણીને છોડી શક્યો. દક્ષિણ ભારતમાં રૂઢિવાદી પરંપરાથી ઉછેર થયો હોવાને કારણે મારા મનમાં આવી ઊંડી અસર વ્યાપેલી રહી હતી. કેટલાય રૂઢિવાદી લોકો ક્યારેય પણ બદલાતા નથી. પછીથી મેં વિચાર્યું, ‘જો શ્રીરામકૃષ્ણને અર્પણ કરેલી કોઈ વસ્તુને આપણે પસંદ ન કરીએ તો એ વાત થોડી નવાઈની જ છે. આપણે તેમને કશુંક અર્પણ કરીએ છીએ અને વળી પાછાં આપણે જ તેને સ્વીકારીએ નહીં – જાણે કે આપણે તેનાથી ઉત્કૃષ્ટ, આપણે તેને પ્રસાદરૂપે ગ્રહણ કરવું જોઈએ, છેવટે આપણે જાણીએ છીએ પણ કેટલું ? શું યોગ્ય છે ને શું અયોગ્ય છે – આ અંગે આપણને કોઈ જ્ઞાન નથી. જો તેઓ તેનો સ્વીકાર કરે છે તો આપણે પણ સ્વીકાર કરવો જોઈએ. આ જ તેનો સારાંશ છે. વાત એમ છે કે આધ્યાત્મિક જીવનમાં આપણે કંઈ કેટલાંય સાંસ્કૃતિક બંધનોનો અજાણપણે સામનો કરીએ છીએ. આપણે તે બધાંને તોડવાં રહ્યાં. વાસ્તવિક આધ્યાત્મિકતા, ખાસ કરીને ભક્તિને સમજવી ઘણી જ કઠિન છે. પરંતુ સાધકે ઘણી જ સાવધાની રાખવી જોઈએ. આ બધું વ્યક્તિ પર આધાર રાખે છે; બીજા પર કંઈ પણ જબરજસ્તીથી લાદવું ન જોઈએ. જે હોય તે, પણ મેં આ સમસ્યાનો આ રીતે ઉકેલ કાઢ્યો : જો હું શ્રીરામકૃષ્ણને કાંઈ અર્પણ કરું છું ને સાથે જ તેની ઘૃણા કરું છું તો એવી ભક્તિનો અર્થ શું ? આ ઉપરોક્ત અનુભવ મને ઘણો ઉપયોગી બન્યો અને પછીથી પણ, જ્યારે હું બેલુર મઠમાં હતો, ત્યારે આ અનુભવ મને ઘણો ઉપયોગી બન્યો. ત્યાંના નિવાસ દરમિયાન એકવાર હું મેલેરિયા-ટાઢિયો તાવના કારણે બીમાર પડ્યો. એક દિવસ વીરેશ્વરાનંદજી મારા માટે માછલીનો સૂપ લાવ્યા અને બોલ્યા, ‘નારાયણ, સાંભળ્યું છે કે તને માછલી પસંદ નથી, આ માછલીનો સૂપ લે !’ મેં કહ્યું, ‘ઠીક છે, તમે જ્યારે આપો જ છો તો હું જરૂરથી લઈશ.’

આધ્યાત્મિક જીવનમાં આવી ઘણી સૂક્ષ્મ વાતો છે. જો આપણે કહેતા હોઈએ કે આપણે શ્રીરામકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધાવાન છીએ તો આપણે તેને સોએ સો ટકા માનવું જોઈએ. નહીં તો આપણે પોતાને સીમિત કરીએ છીએ. એકવાર શ્રીરામકૃષ્ણે પોતે યોગિન મહારાજને કહ્યું હતું, ‘જેમ હું કરવાનું કહું, તારે સર્વદા તેમ જ કરવું જોઈએ. નહીં તો પછી ગંભીર સમસ્યાઓ વખતે તો પોતાની રીતે જ લીધેલા નિર્ણયો પર ચાલીશ અને દુ :ખી થઈશ.’ તેમના પ્રત્યે પૂર્ણ આજ્ઞાપાલન અનિવાર્ય છે, જેથી આપણી માનસિકતા તેમના ઉપદેશોને વિરોધી ન કરેે – ભલેને તે ઉપદેશ મૂળભૂતપણે મહત્ત્વહીન કેમ ન હોય! એક ભક્ત માટે એ ઘણું જ જરૂરી છે કે તેણે તેને કોઈપણ શરત વિના પૂર્ણરૂપે માનવો રહ્યો. આપણે તેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરી લેવો રહ્યો કે આપણે કશું જ જાણતા નથી તથા તેઓ આપણાથી વધુ સારું જાણે છે. આપણે બધી પરંપરા અને પ્રતિકૂળ લાગણીઓના શિકાર છીએ. આપણે તેનાથી છુટકારો મેળવવો રહ્યો. એટલે હું પ્રસન્ન છું કે કનખલમાં આ રીતે આધ્યાત્મિક વાતાવરણમાં રહ્યો જ્યાં મને કલ્યાણ મહારાજ જેવા મહાન સંતના સાન્નિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.

સ્વામી તારકેશ્વરાનંદજીને
શ્રીમા સારદાદેવીનો ઉપદેશ

એકવાર સ્વામી તારકેશ્વરાનંદજી મોટી બીમારી સાથે સ્વર્ગાશ્રમથી કનખલ આવ્યા. કલ્યાણ મહારાજ એ બાબતે ઘણા જ સજાગ હતા કે તેમની દેખરેખ સારી રીતે થાય. તેમણે મને સૂચના આપી, ‘તેમનું વિશેષ ધ્યાન રાખોે. તેઓ ઘણા જ ઉત્તમ સાધુ છે. તેમની સેવા સારી રીતે કરો.’ તારકેશ્વરાનંદજી શ્રીમા સારદા દેવીના મંત્રશિષ્ય હતા. મેં પણ જોયું કે તેઓ અસાધારણ સંન્યાસી તથા ઉચ્ચકોટિના સંત છે. મેં ખાસ મન લગાવીને તેમની સેવા-શુશ્રૂષા કરી, તેઓ સદાય ધીર, ગંભીર તથા શાંત રહેતા હતા. મને તેમની પાસેથી ઘણું જ માર્ગદર્શન તથા પ્રેરણા મળી. ખાસ તો બધી બાબતોમાં વિક્ષુબ્ધ થયા વિના નિર્વિકાર ભાવથી રહેવું. એક દિવસ મેં તેમને પૂછ્યું કે તેઓ સંન્યાસી કેવી રીતે બન્યા ? તેમણે કહ્યું કે જ્યારે હજુ તો પોતે વિદ્યાર્થી જ હતા ત્યારે તેઓ શ્રીમાના દર્શન તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અવારનવાર ઉદ્‌બોધન જતા હતા. પરંતુ મહાવિદ્યાલયમાં તેમને બધા જ પ્રકારના છોકરાઓની સંગત કરવી પડતી હતી. ધીરે ધીરે તેમને લાગવા માંડ્યું કે તેઓ કોઈ કામના રહ્યા નથી. એટલે એક દિવસ તેઓ શ્રીમા પાસે ગયા. તથા તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા, ‘મા, હું હવે ફરીથી અહીં નહીં આવું, હું અહીં આવવાને લાયક નથી. હું આ સ્થળ માટે અયોગ્ય છું.’ આવું કહીને ત્યાંથી તેઓ ભાગવા લાગ્યા, પરંતુ શ્રીમાએ તેની પાછળ દોડીને તેમનું ખમીશ પકડી લીધું અને તેમણે તેમનું મોં પોતાની તરફ ફેરવ્યું, પોતાના હાથ તેમના ખભા પર રાખ્યા અને તેમને હલાવતાં કહ્યું, ‘જ્યારે પણ ખરાબ વિચાર તારા મનને વિચલિત કરે ત્યારે મારું સ્મરણ કરજે.’ ત્યારે તો શ્રીમાએ મને જવા દીધો. ઘેર પાછા ફરતાં તેઓ વારંવાર આ વાત દોહરાવતા રહ્યા, ‘આમા કે મને કરો, આમા કે મને કરો, મને રાખબે, મને રાખબે.’ (મને યાદ રાખજે, મનમાં રાખજે). તારકેશ્વરાનંદજી પથારીમાં પડ્યા રહી દિવસની સમગ્ર કામગીરી અંગે ચિંતન કરવા લાગ્યા. તેઓ શ્રીમાની અદ્‌ભુત સ્નેહ નીતરતી આંખોને ભૂલી શક્યા નહીં. કેટલાક સમય પછી સંન્યાસી બનવા માટે બેલુર મઠમાં રહેવા લાગ્યા.

(ક્રમશ 🙂

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.