માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો તમને તક મળી હોય તો ઈશ્વરનાં બાળકોને ઈશ્વર ગણી તેમની સેવા કરો. જો ઈશ્વર તમારા ઉપર એવી કૃપા કરે, કે તમે તેના કોઈપણ બાળકને મદદરૂપ થઈ શકો તો તમે ભાગ્યશાળી છો; તમારા પોતાના સંબંધી વધારે પડતા વિચારો કરો નહિ. બીજાઓને એ તક મળી નહિ અને તમને મળી, માટે તમે નસીબદાર છો; પૂજારૂપે એ બધું કરો. દીન અને દુ :ખી આપણી મોક્ષસાધના માટે છે, જેથી રોગીરૂપે આવતા નારાયણની, મૂર્ખરૂપે આવતા નારાયણની, કુષ્ઠ રોગીરૂપે આવતા નારાયણની અને પાપીરૂપે આવતા નારાયણની આપણે સેવા કરી શકીએ.

મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ એકમાત્ર ઈશ્વરની પૂજા છે. એ ખરું છે કે બીજાં પ્રાણીઓ પણ મંદિર છે, પરંતુ મનુષ્ય એ સર્વોત્તમ મંદિર છે, સર્વ મંદિરોમાં તાજમહાલરૂપ છે. જો હું એ મંદિરમાં પૂજા ન કરી શકું તો પછી બીજું કોઈ મંદિર મને કંઈ લાભ કરી શકશે નહીં.

જેનું હૃદય દરિદ્રને માટે દ્રવે તેને જ હું મહાત્મા કહું છું, નહિ તો એ દુરાત્મા છે.

જ્યાં સુધી લાખો માણસો ભૂખ અને અજ્ઞાનમાં સબડે છે, ત્યાં સુધી તેમને ભોગે કેળવાયેલા અને તેમના પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરતા દરેક માનવીને હું મોટો દ્રોહી ગણું છું.

તમે તમારા જાતભાઈઓને ચાહો છો? ઈશ્વરની શોધમાં તમે ક્યાં જાઓ છો? બધાં દુ :ખી, દરિદ્ર અને નિર્બળ તમારાં દેવ નથી? પહેલાં તેમની પૂજા કેમ કરતા નથી? ગંગાકાંઠે કૂવો ખોદવા કેમ જાઓ છો? પ્રેમની સર્વોપરી સત્તાને સ્વીકારો. કીર્તિની ખોટી અતિશયોક્તિથી કોણ ભરમાય? તમારામાં પ્રેમ છે? તો તમે સર્વશક્તિમાન છો. તમે પૂરેપૂરા નિ :સ્વાર્થ છો? જો એમ હોય તો કોઈ તમારા સામે થઈ શકશે નહિ. સર્વ સ્થળે ચારિત્ર્યની જ કદર થાય છે. અદેખાઈ અને અહંકારનો ત્યાગ કરી બીજાઓને માટે ભેગા મળીને કાર્ય કરતાં શીખો. આ આપણા દેશની મોટી જરૂરિયાત છે. ધીરજ ધરો અને મૃત્યુની પણ પરવા કર્યા વિના તમારા આદર્શને વફાદાર રહો. અંદર અંદર ઝઘડા કરો નહિ. પૈસા સંબંધી વહેવારમાં પૂરેપૂરા પવિત્ર રહો. જ્યાં સુધી તમારામાં વફાદારી, પ્રામાણિકતા અને એકનિષ્ઠા હશે, ત્યાં સુધી તમારી ઉન્નતિ થશે જ થશે. જ્યાં સુધી ઈશ્વરકૃપાને લઈને તમારામાં એકબીજા પ્રત્યે દ્વેષ નહિ હોય, ત્યાં સુધી હું તમને ખાતરી આપું છું કે તમારા પર કોઈ આફત આવશે નહિ. ચોક્કસ લાભકારી નીવડશે, એવી જ્યાં સુધી તમને ખાતરી થાય નહીં ત્યાં સુધી દિલ ખુલ્લું કરવું નહિ. કટ્ટર શત્રુ પ્રત્યે પણ મિષ્ટ અને હિતકારક વચનોનો ઉપયોગ કરો.

(યુવાનોને : પૃ.૬-૭)

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.