(ગતાંકથી આગળ…)

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ, દર્શનની વિચારધારોઓ અને સંપ્રદાયોને આવરતી દસ હજાર વર્ષ જૂની ભારતીય આધ્યાત્મિક પરંપરાના શ્રેષ્ઠ પૈકીના એક પ્રતિનિધિ હતા. વૈદિક કાળના પ્રારંભથી દસેક સદીઓ સુધી આ મહાન રાષ્ટ્રમાં વિકસેલ આધ્યાત્મિક પ્રણાલીઓ, સંપ્રદાયો અને દર્શનની વિચારધારાઓ વચ્ચે વિવિધતામાં એકતાનો સિદ્ધાંત તેમણે આધુનિક યુગને આપેલાં ઉત્તમ પ્રદાનો પૈકીનું એક છે. એમણે ઉપદેશેલ મહાન વૈશ્વિક વિચારો અને આદર્શાે એમના પોતાના સમયકાળ કરતાં ઘણા આગળ હતા અને જેમ જેમ સમય વીતતો જાય છે તેમ એ વિચારો અને આદર્શાેની પ્રાસંગિકતા પ્રસ્તુત થતી જાય છે. આપણે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઊજવીએ છીએ ત્યારે વિશ્વ માટે તેમના આહ્‌વાન, વિશ્વને પ્રદાન, સૂચિતાર્થ અને મહત્ત્વ વધારે ને વધારે સ્પષ્ટ થતાં જાય છે.

વેદાંત અને યોગના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત ‘વૈશ્વિક ધર્મનો આદર્શ’ એ વિશે પોતાના સુખ્યાત વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘હું તો ઈશ્વર પાસે એવું માગું કે આ બધા માણસો એવી રીતે ઘડાયેલા હોય કે તેમના મનમાં તત્ત્વજ્ઞાન, રહસ્ય પ્રવણતા, ઊર્મિલતા અને કાર્યનાં બધાં તત્ત્વો સરખી રીતે અને પૂર્ણપણે અસ્તિત્વમાં હોય! આ મારો પૂર્ણ પુરુષ વિશેનો આદર્શ છે. બીજા જે કોઈમાં ચારિત્ર્યનાં આ લક્ષણોમાંથી માત્ર એક કે બે હોય, તેને હું ‘એકાંગી’ ગણું છું. આ દુનિયા ‘એકાંગી’ માણસોથી ભરેલી છે, ને જે માર્ગમાં તેઓ ચાલે છે તે એક જ માર્ગનું જ્ઞાન તેમને હોય છે; બીજું કાંઈ પણ તેઓને માટે ભયંકર અને ખતરનાક છે. આ ચારે ક્ષેત્રોમાં એકધારી સમતુલા મેળવવી તે મારો ધર્મનો આદર્શ છે. આ ધર્મ, ભારતમાં અમે જેને યોગ કહીએ છીએ તે દ્વારા પ્રાપ્ત થાય છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૩.૩૯૧)

પ્રાચીન સમયમાં જેમ શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં યોગ અને વેદાંતની મહાન પ્રણાલીને સંયુક્ત રીતે રજૂ કરી છે, તેવું જ સ્વામી વિવેકાંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણને અનુસરીને કર્યું છે. ગીતાના સંદેશનો પડઘો પાડતાં સ્વામી વિવેકાનંદ કહે છે :

‘કર્મયોગી માટે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો તે સંયોગ છે, રહસ્યવાદી માટે તેના જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંયોગ છે; પ્રેમી ભક્ત માટે પોતે અને પ્રેમસ્વરૂપ ઈશ્વર વચ્ચેનો સંયોગ છે અને તત્ત્વજ્ઞાની માટે તે સમગ્ર સત્તાની એકતા છે. યોગનો અર્થ આ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે અને યોગના આ ચાર વિભાગોનાં સંસ્કૃતમાં જુદાં જુદાં નામો છે. આ પ્રકારના યોગને જે મનુષ્ય શોધે છે તેને યોગી કહેવામાં આવે છે. કર્મ કરનાર કર્મયોગી કહેવાય છે, પ્રેમથી યોગ સાધનારો ભક્તિયોગી કહેવાય છે, રહસ્યવાદને માર્ગે સાધના કરનારને રાજયોગી કહેવાય છે અને તત્ત્વજ્ઞાન દ્વારા સાધના કરનારને જ્ઞાનયોગી કહેવાય છે એટલે આ યોગી શબ્દ બધાને આવરી લે છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૩.૩૯૧-૯૨)

સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે જેમ બુદ્ધને પૂર્વ માટે સંદેશ હતો તેમ તેમને પોતાને પશ્ચિમ માટેનો સંદેશ છે. વિવેકાનંદે વર્તમાન સમયની આવશ્યકતાઓને અનુરૂપ નિવડે તે રીતે યોગના પ્રાચીન ઉપદેશોને નવી અને સમયાનુરૂપ રીતે વ્યાખ્યાયિત કરીને પોતાનાં વ્યાખ્યાનો અને લખાણો દ્વારા પૂર્વ અને પશ્ચિમ બન્નેમાં લોક પ્રિય બનાવ્યા છે. ૨૦મી સદીમાં યુરોપ અને અમેરિકામાં ગયેલા ગુરુઓ અને આધ્યાત્મિક ઉપદેશકોના અનુગામીઓ માટે વિવેકાનંદે યોગના વિલક્ષણ ઉપદેશોનાં મુખ્ય દ્વાર ખુલ્લાં કરી દીધાં છે.

૧૮૯૩ના સપ્ટેમ્બરની વિશ્વધર્મપરિષદમાં પોતાનાં વ્યાખ્યાનો પછી થોડા જ સમયમાં વૈશ્વિક હિન્દુધર્મ એટલે કે સનાતન ધર્મ, વેદાંત અને બીજી કેટલીયે બાબતોનાં વૈશ્વિક પાસાંઓને સ્વામી વિવેકાનંદ વિશ્વ સમક્ષ પુન :વ્યાખ્યાયિત કરીને રજૂ કર્યાં અને પશ્ચિમમાં યોગને પણ સ્થાપિત કર્યો. વાસ્તવિક રીતે ચાર યોગ અને તેમાંય વિશેષ કરીને ‘રાજયોગ’નું પ્રસ્તુતીકરણ એ સ્વામી વિવેકાનંદનાં કદાચ શ્રેષ્ઠ પ્રદાનો પૈકીનું એક ગણાય. કારણ કે અંગ્રેજીભાષી લોકોના વિશ્વમાં યોગને બધી સર્વોત્કૃષ્ટ અવસ્થાના વ્યક્તિગત અનુભવના આધારે સિદ્ધાંત અને પ્રત્યક્ષ અભ્યાસનો તેમણે અમલ કરાવ્યો અને એને લીધે યોગને પ્રમાણભૂતતા અને ખ્યાતિ બન્ને મળ્યાં. ભારતમાં પતંજલિ યોગસૂત્રના એકાદ-બે અંગ્રેજી અનુવાદો થયા હતા. રાજેન્દ્રલાલ મિત્રાનો અંગ્રેજી અનુવાદ ‘યોગ એફોરિજમ્સ ઓફ પતંજલિ વિથ ધ કોમેન્ટરી ઓફ ભોજરાજ’ ૧૮૮૧થી ૮૩માં ‘ધ બીબ્લીઓથેકા ઈન્ડિકા, વોલ્યૂમ ૧૩’ માં પ્રકાશિત થયો હતો. એમ.એન. દ્વિવેદીની સ્પષ્ટીકરણ સાથેની અંગ્રેજી આવૃત્તિ ૧૮૯૦માં પ્રકાશિત થઈ હતી. પરંતુ સ્વામીજી એ વિશે કંઈ જાણતા હોય એવું સંભવ નથી.

વળી યોગ પ્રત્યેનો સ્વામીજીનો અભિગમ અને એમના વ્યક્તિગત ધ્યાન પર આધારિત દરેક સૂત્રની ટીકા તેને મહત્ત્વપૂર્ણ બનાવે છે. અત્યારનો વિખ્યાત ‘રાજયોગ’ સ્વામી વિવેકાનંદે ન્યૂયોર્કમાં ડિસેમ્બર, ૧૮૯૫ થી ફેબ્રુઆરી, ૧૮૯૬ દરમિયાન આપેલ પ્રવચનો અને શ્રુતલેખન દ્વારા વિશ્વને અપાયેલ દેન છે. રાજયોગ નામનું પુસ્તક ૧૩ જુલાઈ, ૧૮૯૬ના રોજ ‘લોંગમેન્સ ગ્રીન એન્ડ કમ્પની’ દ્વારા પ્રકાશિત થયું હતું. પયગંબર અને ઋષિ જેવા મહામાનવના મુખેથી વહેલી પ્રત્યક્ષ વાણીરૂપે ‘રાજયોગ’ કે ‘યોગ ઓફ પતંજલિ’ની પ્રથમ અંગ્રેજી આવૃત્તિ વિશ્વને ૧૮૯૬માં મળી. સ્વામી વિવેકાનંદના આ કાર્યનું મહત્ત્વ એ છે કે તે શબ્દો એક આધ્યાત્મિક તેજોજ્જવલ પયગંબરની સ્વાભાવિક રીતે બહાર નીકળેલી અને એ વિશેની ચર્ચા કરતાં પહેલાં એમાં વર્ણવેલ બધા તબક્કાની અનુભૂતિની પ્રેરક વાણી છે; એ કોઈ વિદ્વાનનો વિદ્વત્તાપૂર્ણ અનુવાદ માત્ર નથી. આપણે અહીંયાં નોંધ લઈ શકીએ કે ‘યોગસૂત્રાસ ઓફ પતંજલિ’નો અંગ્રેજી અનુવાદ ચાર્લ્સ જોન્સ્ટને ૧૯૧૨માં કર્યો હતો. તેનાં ૧૯૧૯ માટેનાં હીબ્બર્ટ વ્યાખ્યાનો કે જેનું પાછળથી ‘થેઈઝમ ઈન મિડ્યેવલ ઈન્ડિયા’ એ નામે પ્રકાશન ૧૯૨૧માં થયું હતું તેમાં જે.એસ્ટ્લીન કારપેન્ટર સ્વામી વિવેકાનંદના રાજયોગને ‘એન એડીફેક્ટરી એક્સપોજીશન ઓફ પતંજલિસ યોગસૂત્રાસ – પતંજલિ યોગસૂત્રોનું સુધારેલું સ્પષ્ટીકરણ’ એ પ્રમાણે ટાંકે છે. (ક્રમશ 🙂

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.