(ગતાંકથી આગળ…)

તારકેશ્વરાનંદજીની તિતિક્ષા

તારકેશ્વરાનંદજી ખરે જ મહાન સંન્યાસી હતા. એકવાર તેઓ સ્વર્ગાશ્રમ નજીક વનમાં જઈ રહ્યા હતા તો એક શિકારીએ ભૂલથી તેમને હરણ સમજીને ગોળી ચલાવી જે મહારાજને વાગી. તારકેશ્વરાનંદજી તે વ્યક્તિને સારી રીતે ઓળખતા હતા ! પરંતુ જ્યારે પોલીસે આવીને તેમને પૂછ્યું કે શું તેઓ ગોળી મારનારને જાણે છે? તો તેમણે કહ્યું, ‘હા, હું જાણું છું, પરંતુ તે જાહેર કરીશ નહીં.’ પોલીસે વારંવાર પૂછ્યું તો પણ તેમણે નામ કહેવાનો સાફ ઈન્કાર કરી દીધો. જ્યારે તેઓ સેવાશ્રમમાં આવ્યા ત્યારે પણ ગોળી તેમની છાતીમાં અટકેલી હતી. આ ગોળી જ્યારે ને ત્યારે તેમને માથાના દુ :ખાવા તથા ભયંકર પીડાનું કારણ બનતી હતી. તેમણે આ બધું સહન કરી લીધું પરંતુ એ ક્યારે પણ ન બતાવ્યું કે કોણે ગોળી મારી હતી.

શ્રીમા સારદાદેવી પ્રત્યે કલ્યાણ મહારાજની ભક્તિ

મને વિશ્વાસ છે કે કલ્યાણાનંદજી હકીકતમાં શ્રીમા સારદાદેવીના શિષ્ય હતા. એમાં કોઈ શંકા નથી કે તેમણે સ્વામીજી પાસેથી સંન્યાસ લીધો હતો, પરંતુ હું સારી રીતે જાણું છું કે તેઓ શ્રીમાના આશીર્વાદથી ધન્ય બન્યા હતા. તેઓ અવારનવાર કહેતા રહેતા ‘માની કૃપા, માની કૃપા !’ સ્વામીજીના પશ્ચિમથી પાછા ફરતાં પહેલાં કલ્યાણ મહારાજ શ્રી માની પાસે અવારનવાર જતા હતા. તેઓ શ્રીમા પ્રત્યે વિશેષ શ્રદ્ધા ભક્તિ ધરાવતા હતા.

મેં અનેકવાર જોયું છે કે કલ્યાણ મહારાજ પોતાના ઓરડામાં દીવાલ પર લટકતી કોઈ વસ્તુને પ્રણામ કરતા રહેતા હતા, આ વસ્તુ એક પૂંઠાના ટુકડાથી વધારે કાંઈ ન હતી. એક દિવસ મેં તેમને પૂછ્યું, ‘ મહારાજ, આ પૂંઠાના નાનકડા ટુકડામાં એવી તે શું વિશેષતા છે ? આના પર તો કાંઈ જોવા મળતું નથી.’ તેમણે કહ્યું, ‘કશું જ નહીં ? શું તું જોઈ શકતો નથી ? આ શ્રી મા સારદાદેવીનું ચિત્ર છે તે હું જ્યારે ૧૯૦૧માં બેલુર મઠથી અહીં આવ્યો હતો ત્યારે લાવ્યો હતો. જો કે તું જોઈ શકતો નથી પરંતુ હું અત્યારે પણ છાપ જોઈ શકું છું.’ એ લગભગ પૂરી ઝાંખી પડી ગઈ હતી, માત્ર બહારની એક અસ્પષ્ટ રેખા જ બચી હતી. હું તો તેમાં કાંઈ જોઈ શક્યો નહીં પરંતુ તેઓ જોઈ શકતા હતા. તેમણે કહ્યું, ‘તેમાં શ્રી મા છે, તે ચિત્રમાં શ્રીમા બિરાજમાન છે.’

એકવાર મેં કલ્યાણ મહારાજને બતાવ્યું કે ભૌતિક વસ્તુઓ માટે નહીં પણ બીજાઓ માટે કરવામાં આવેલી મારી પ્રાર્થના સંભળાતી નથી. મેં ફરિયાદના સ્વરમાં કહ્યું, ‘(પ્રાર્થનાનો) ખાસ કોઈ પ્રત્યુત્તર મળતો નથી.’ તેમણે સલાહ આપી, ‘તું પ્રત્યુત્તર ઇચ્છે છે ?’ મેં કહ્યું, ‘અવશ્ય.’ તેમણે કહ્યું, ‘તો શ્રી માને પ્રાર્થના કર. શ્રીરામકૃષ્ણ તો વિચાર કરે છે કે તું જેના માટે પ્રાર્થના કરી રહ્યો છે તે વસ્તુ તારે માટે યોગ્ય છે કે નહીં. પરંતુ શ્રી મા તો તમારી પોતાની મા જેવી છે, જે પણ તું માગીશ તેઓ તે આપશે. જો તું શ્રી માને પ્રાર્થના કરીશ તો તેઓ અવશ્ય સાંભળશે. શ્રી મા જેવું કોઈ નથી.’ મેં પોતાના માટે કે સાંસારિક વસ્તુઓ માટે પ્રાર્થના કરી નહોતી – અને મારી પ્રાર્થના ફળીભૂત થઈ ! હું આનંદિત બની ગયો કે કલ્યાણ મહારાજના શબ્દો સાચા પડ્યા.

સ્વામી પ્રેમેશાનંદજીનાં પ્રવચન

સ્વામી પ્રેમેશાનંદજી પણ શ્રીમા (સારદાદેવી)ના શિષ્ય હતા. તથા મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી)એ તેમને સંન્યાસ દીક્ષા આપેલી. તેઓ જન્મજાત કવિ હતા. તથા તેમણે અનેક સુંદર ભજનોની રચના કરી હતી. ૧૯૩૫માં કલ્યાણ મહારાજે મને તેમને મળવા માટે હૃષીકેશના સ્વર્ગાશ્રમ મોકલ્યો જ્યાં એ સમયે તેઓ નિવાસ કરતા હતા. મેં અન્ય બે બ્રહ્મચારીઓ સાથે જઈને તેમને વિનંતી કરી કે કનખલના સેવાશ્રમમાં પધારીને તેઓ અમારી સાથે રહેવાની કૃપા કરે. અમે વિચારેલું કે તેઓ અમને ઉપદેશ આપશે, અમને શાસ્ત્રો ભણાવશે. પહેલાં તો તેમણે અસ્વીકાર કર્યો, પરંતુ જ્યારે અમે તેમને પ્રાર્થના કરી ત્યારે તો તેમણે અમારી ઉત્સુકતા જોઈને કહ્યું કે એ શરતે ત્યાં આવશે કે અમારે રોજ બે શ્લોક મોઢે કરવાના રહેશે : એક ગીતામાંથી અને એક ઉપનિષદમાંથી. અમે વચન આપ્યું ને તેઓ આવ્યા. સેવાશ્રમનું બધું જ કામ નિયમિત કરતા રહીને પણ અમે શ્લોક યાદ કરતા હતા. પ્રેમેશાનંદજી પાસેથી મને ઘણી સહાય મળી. તેઓ બંગાળી ભાષામાં શાસ્ત્રો ભણાવતા હતા તથા મને અંગ્રેજીમાં સમજાવતા રહેતા. જ્યાં સુધી તેઓ ત્યાં રહ્યા ત્યાં સુધી અમે તેમની સાથે રહીને આધ્યાત્મિક આનંદ મેળવ્યો.

શ્રીરામકૃષ્ણ પાર્ષદ વંદનમ્

(શ્રીરામકૃષ્ણના પાર્ષદોને પ્રણામ)

સ્વામી અખંડાનંદજીની મહાસમાધિ પછી સ્વામી પ્રેમેશાનંદજીને સારગાછિ આશ્રમના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. જો કે એનો અર્થ તેમના સત્સંગથી વંચિત બનવાનો હતો તો પણ, અમે તેમના અધ્યક્ષ બનવાથી પ્રસન્ન હતા. તેઓ યોગ્ય સ્થાન પર જઈ રહ્યા હતા; તેઓ શ્રેષ્ઠ સંન્યાસી હતા, તેઓ લોકોને પ્રેમ કરતા હતા. તથા તેમનામાં અનેક અનુકરણીય સદ્ગુણો હતા. સેવાશ્રમમાં પ્રત્યેક વ્યક્તિ પ્રેમેશાનંદજીને ઘણો જ આદર-પ્રેમ આપતા. તેઓ સાચે જ અદ્‌ભુત હતા. તેઓ મારા ઓરડામાં પણ કેટલોક સમય રહ્યા હતા. દરરોજ ઊઠતાંની સાથે પ્રભાતમાં ભજનો ગાતા. હું શ્રીરામકૃષ્ણ અને તેમના શિષ્યો પર ‘શ્રીરામકૃષ્ણ પાર્ષદ વંદનમ્’ નામના ભજનને વધુ પસંદ કરતો હતો. જો કે તે એ સમયે પૂરું થયેલું નહીં. બધા શિષ્યોના નામનો સમાવેશ તેમાં થયો ન હતો કેમ કે કેટલાક શિષ્યો હજુપણ જીવિત હતા. આ રચનાને ઘણા સમય પછી પૂર્ણ કરવામાં આવી. અમેરિકા આવ્યા પછી મેં પત્ર દ્વારા તેમને આ ભજન પૂરું કરવા વિનંતી કરી. કેટલાક સમય પછી જ્યારે મને સંપૂર્ણ રૂપાંતર મળ્યું ત્યારે હું ભાવવિભોર બની ગયો. બાૅસ્ટન તથા પ્રોવિડેન્સમાં અમે બધાએ તે શીખી લીધું. આ એક મહાન યોગદાન છે. આ એક જ ભજનમાં શ્રીરામકૃષ્ણના બધા શિષ્યોનાં નામ છે.

છૂપાવીને કશું ન રાખવું એક મહાન દૈવી સંપત્તિ

એકવાર પ્રેમેશાનંદજી અમને ઈશોપનિષદ ભણાવી રહ્યા હતા. છઠ્ઠા મંત્રમાં ‘તતો ન વિજુગુપ્સતે’ :

यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति ।

सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ।।

(ઇશોપનિષદ, ૬)

શ્લોકાંશ છે. જે બધામાં આત્મદર્શન કરે છે, તેણે જુગુપ્સા ન રાખવી. જુગુપ્સા શબ્દનો અર્થ ઈર્ષ્યા કે ઘૃણા થઈ શકે છે, પરંતુ પ્રેમેશાનંદજીએ આની વ્યાખ્યા નવી જ રીતે કરી. તેમણે બંગાળી ભાષામાં કહ્યું, ‘જુગુપ્સા માને ગોપનેર ઇચ્છા, કોઈ વાતને છુપાવીને રાખવાની ઇચ્છા. પરંતુ જ્યારે તમે સર્વમાં સમાનભાવથી આત્માનું અસ્તિત્વ જુઓ છો, ત્યારે તમે ન તો પોતાનાથી કશું છુપાવી શકો છો અથવા ન તો કોઈ અન્યથી.’ આ એક મહાન ગુણ છે : કોઈ રહસ્ય ન રાખવું, કશું જ છુપાવીને ન રાખવું. આ તમને અભિન્નતાની અભિવૃત્તિ આપે છે. જેઓ સર્વ ભૂતોને આત્મામાં જ રહેલાં જુએ છે તથા સર્વ ભૂતોમાં પોતાના આત્માને જુએ છે, તે આ ઉપર જણાવેલી અનુભૂતિના ફળસ્વરૂપ કોઈની પણ ઘૃણા કરતો નથી.

એકવાર નહેરુજીએ પોતાની પુત્રીને જન્મદિવસ પર પત્ર લખ્યો. તેઓ એ સમયે જેલમાં હતા. તેઓ ઘણા જ સમૃદ્ધ હતા. તેથી પોતાની બેટીને અનેક ભેટોનો વરસાદ વરસાવતા રહેતા. પરંતુ જેલમાં હોવાના કારણે તે દિવસે પુત્રીને કોઈ ભેટ મોકલી શક્યા નહીં. તો પણ આ અંગે તેમણે એક સુંદર પત્ર આ પ્રમાણે લખ્યો : ‘મારી પ્યારી દીકરી, આજે તો હું જેલમાં છું તથા તને કોઈ ભેટ મોકલી શકતો નથી, પરંતુ મારા મનમાં એક અદ્‌ભુત વિચાર આવ્યો છે જેને હું તારી સાથે વહેંચવા ઇચ્છું છું : ‘પોતાના જીવનમાં એવું કશું ન કરવું જેને બીજાથી છુપાવીને રાખવું પડે.’ મેં જ્યારે આ પત્ર વાંચ્યો ત્યારે હું અભિભૂત થઈ ગયો. વહેંચવા માટે કેટલો સુંદર વિચાર છે ! ‘એવું કશું ન કરવું જેને બીજાથી છુપાવીને રાખવું પડે.’ જો આપણે આ વિચારને યાદ રાખીએ તો આ આપણને ચોક્કસપણે પવિત્ર બનાવી દેશે. નહેરુ મહાન તેમજ ઉચ્ચકોટિના હતા. કેટલાય એવું વિચારે છે કે તેઓ ધાર્મિક વિશ્વાસોથી રહિત એક સાધારણ તથા ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા.

આમ છુપાવવા માટે કશું રાખવું નહીં. તે એક મહાન દૈવી સંપત્તિ છે. પ્રેમેશાનંદજીએ કહ્યું, ‘ગોપનેર ઇચ્છા થાકે ના – બીજાઓથી છુપાવવાની ઇચ્છા રહેતી જ નથી. (ક્રમશ 🙂

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.