રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી રહેવાથી તે ન થાય. મલસિસાર, અલસિસાર અને બીજા બધાં ‘સાર’ ત્યાં છે તે સ્થળોનો અવારનવાર પ્રવાસ કરજો. તેમજ સંસ્કૃત અને અંગ્રેજી કાળજીથી શીખજો. હું માનું છું કે ગુણનિધિ પંજાબમાં છે. તેને ખાસ સ્નેહ પહોંચાડજો અને તેને ખેતડીમાં લઈ આવજો. એની સહાયથી સંસ્કૃત શીખજો અને તેને અંગ્રેજી શીખવજો. મને તેનું સરનામું અવશ્ય મોકલજો. …

ખેતડી શહેરના નીચલા વર્ગના તેમજ ગરીબ લોકોને ઘેર ઘેર જજો અને તેમને ધર્મ શીખવજો. તેમને ભૂગોળ અને બીજા વિષયોનું મૌખિક શિક્ષણ આપજો. ગરીબોનું કંઈક પણ કલ્યાણ ન કરતાં, આળસુ થઈને બેઠા બેઠા રજવાડી ભોજન ઉડાવવાં અને ‘જય ભગવાન શ્રીરામકૃષ્ણ !’ બોલવું તેમાં કાંઈ ભલું થવાનું નથી. અવારનવાર બીજાં ગામડાંઓમાં પણ જજો અને લોકોને ધર્મ તેમજ જીવન જીવવાની કળા શીખવજો. કર્મ, ભક્તિ અને જ્ઞાન : એમાંથી પહેલાં કર્મ કરો. તેથી તમારી ચિત્તશુદ્ધિ થશે. નહિતર પવિત્ર અગ્નિને બદલે રાખના ઢગલામાં આહુતિઓ આપવાની પેઠે બધું નિષ્ફળ જશે. ગુણનિધિ આવે ત્યારે રજપૂતાનાના પ્રત્યેક ગામમાં ગરીબ અને નિરાધારોને ઘેર ફરજો. તમે જે પ્રકારનો ખોરાક લો છો તેનો લોકો વિરોધ કરે તો તે ખોરાક તરત છોડી દેજો. બીજાનું હિત કરવા ઘાસ ખાઈને જીવવું પણ પસંદ કરવા લાયક છે. ભગવો વેશ ભોગ માટે નથી. એ તો વીરોચિત કાર્યોનો ધ્વજ છે. જગતના કલ્યાણ માટે તમારે શરીર, મન અને વાણી અર્પણ કરી દેવાં. તમે તો વાંચ્યું છે : मातृदेवो भव। पितृदेवो भव। માતાને દેવ સમાન ગણો, પિતાને દેવ સમાન ગણો, પણ હું કહું છું : दरिद्रदेवो भव। मूर्खदेवो भव। ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ :ખીઓને – એવા લોકોને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે.

(સ્વા. વિ. ગ્રંથમાળા : ૬.૧૨૮-૨૯)

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.