બુદ્ધે જે શીખવ્યું તે આ હતું. તેમણે માત્ર વાતો જ કરી નથી; જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ કરવા તૈયાર હતા. તેમણે કહ્યું : ‘પશુનું બલિદાન આપવું એ જો રૂડું હોય, તો મનુષ્યનું બલિદાન તેથીય વધારે રૂડું છે.’ અને બલિ તરીકે પોતાની જાતને જ તેમણે રજૂ કરી. તેઓ કહેતા : ‘પશુ-યજ્ઞ એ વળી એક બીજો વહેમ છે. ઈશ્વર અને આત્મા એ બંને મોટા વહેમો છે. ઈશ્વર એ પુરોહિતોએ શોધી કાઢેલ વહેમ માત્ર છે. આ બ્રાહ્મણો ઉપદેશ કરે છે તેમ જો ઈશ્વર ખરેખર હોય તો સંસારમાં આટલું બધુ દુ :ખ શા કારણે છે ? ઈશ્વર બરાબર મારા જેવો જ છે, કાર્યકારણના નિયમને આધીન છે. કર્મના નિયમને વશ જો તે ન હોય તો તે સર્જે છે શા માટે ? આવો ઈશ્વર બિલકુલ સંતોષ આપી શકે નહિ. કયાંક સ્વર્ગમાં રહેલો એ શાસક પોતાની સ્વેચ્છા મુજબ વિશ્વનું શાસન કરે છે અને અહીં આપણને સૌને દુ :ખમાં મરવા દે છે; એક ક્ષણ માટે પણ આપણા તરફ કદી જોવાની તેનામાં ભલાઈ પણ નથી. આપણું સમસ્ત જીવન સતત દુ :ખમય છે; અને હજી પણ આ પણ પૂરતી સજા નથી; મૂઆ પછીયે આપણે એવાં સ્થાનોમાં જવું પડે છે કે જ્યાં આપણને વળી બીજી સજાઓ મળે. તે છતાં વિશ્વના આવા સર્જનહારને પ્રસન્ન રાખવા માટે આપણે નિરંતર સર્વ પ્રકારના વિધિઓ અને ક્રિયાકાંડો કર્યે જ જઈએ છીએ ! આ ક્રિયાકાંડો બધાં ખોટાં છે. જગતમાં માત્ર એક જ આદર્શ છે : સર્વ ભ્રમનો વિનાશ કરો; સાચું છે તે ટકી રહેશે. વાદળાંઓ ચાલ્યાં જશે કે તરત જ સૂર્ય પ્રકાશશે.’ આ ‘સ્વ’ને કઈ રીતે હણી શકાય ? સંપૂર્ણ નિ :સ્વાર્થી બની જાઓ; એક કીડીને માટે પણ તમારો જાન આપવા તત્પર રહો. કોઈ પણ વહેમ માટે, કોઈ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અગર બદલામાં કંઈક મેળવવાની આશાથી કાર્ય કરો એમ નહિ, પણ તમારા ‘સ્વ’ને હણીને તમારી પોતાની મુક્તિ શોધો છો માટે કાર્ય કરો.

પૂજા, પ્રાર્થના વગેરે બધું સાવ ખોટું છે. તમે લોકો કહો છો : ‘હું ઈશ્વરનો આભાર માનું છું’ પણ એ ઈશ્વર કયાં રહે છે ? તમે કોઈ એ જાણતા નથી; અને છતાં તમે સૌ ઈશ્વર માટે ગાંડા થઈ જાઓ છો.

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.