ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદના તેઓના સચિવ તેમજ પરમાધ્યક્ષ કાળનાં સંસ્મરણો વાંચ્યાં, હવે આગળ …

સ્વામી વિરજાનંદજીના જીવનનું મુખ્ય ધ્યેય પોતાના ગુરુદેવની આજ્ઞાઓનું, એમનાં બધાં કાર્યોનું શબ્દશ : પાલન કરવાનું હતું. એટલે જ સ્વામીજીના મિશનની પૂર્તિ કરવી એ જ એમના ધ્યેયનું પૂર્ણ લક્ષ્ય હતું. સંઘ માટે સ્વામીજીએ જે નિયમો અને કાયદા કાનૂન રચ્યા હતા, તેના તેઓ મહાન સમર્થક અને હિમાયતી હતા. તેમણે સ્વામીજીના દેશપ્રેમને પણ વારસામાં મેળવ્યો હતો અને તેઓ મક્કમપણે ‘સમગ્ર વિશ્વની મુક્તિનો આધાર ભારતના પુનરુત્થાન પર છે’ એમ માનતા. સ્વામીજીના ભાવિ ભારતનું સ્વપ્ન વિરજાનંદજીના મનસપટલ પર સ્પષ્ટપણે દેખાતું. એ વખતે તેઓ ‘વિવેકાનંદ યુનિવર્સિટી’ બેલુર મઠમાં સ્થપાય તેવું સ્વપ્ન સેવતા. એમણે પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું, ‘ઘણા ટૂંક સમયમાં મારા પ્રિય ગુરુદેવનું ભારતને પુનર્જાગૃત કરવાનું સ્વપ્ન સાકાર થાય એ માટે હું પૂરતો આશાવાદી છું. થોડાં વર્ષો પહેલાં સ્વામીજીની સૂચના પ્રમાણે પવિત્ર ગંગાના કિનારે શ્રીરામકૃષ્ણદેવની સ્મૃતિમાં આવું ભવ્ય મંદિર આટલી ત્વરાથી ઊભું થશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય અને પોતાની પયગંબરી દૃષ્ટિએ અગાઉથી વિચારેલ નિવાસી કોલેજ-વિશ્વવિદ્યાલયનું કેન્દ્ર ત્યાં સ્થાપવા માટે મિશન પગલાં લઈ રહ્યું છે.’

અહીં એ વર્ણવવું જોઈએ કે બેલુરની બે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યામંદિર અને શારદાપીઠની સ્થાપનાની પાછળ સ્વામી વિરજાનંદજીની મુખ્ય પ્રેરણા હતી. અહીં આ સાહસમાં કુમારી જોસેફાઈન મેક્લાઉડના પ્રદાનને પણ વર્ણવવું યોગ્ય રહેશે. આ બન્ને શૈક્ષણિક કેન્દ્રોની સ્થાપના મુખ્યત્વે સ્વામી વિમુક્તાનંદનાં ખંત અને કાર્યકુશળતાને લીધે શક્ય બની હતી. સ્વામી વિરજાનંદજી અવારનવાર કહેતા, ‘વિમુક્તાનંદ પર સ્વામીજીનું પ્રભુત્વ છે.’ આ અંગે તેમણે એક વખત આમ લખ્યું હતું, ‘તમે આ કોલેજને સ્થાપવા માટે સખત પુરુષાર્થ કરો છો એ જાણીને હું ઘણો ખુશ થયો છું. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના આશીર્વાદથી તમારી યોજનાઓ વાસ્તવિકરૂપ લે તો અમે બધા ઘણા રાજી થઈશું.’
રામકૃષ્ણ

મિશનની પ્રથમ કોલેજનો શિલાન્યાસ ૩૧ મી જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ થયો હતો અને તેના મુખ્ય ભવનનું બાંધકામ ૪ જુલાઈ, ૧૯૪૧ના રોજ શરૂ થયું. સ્વામી વિરજાનંદજીએ શ્યામલાતલથી આ શબ્દોમાં પોતાનો શુભેચ્છા-સંદેશ પાઠવ્યો હતો, ‘ભવ્ય સફળતા માટે મારી પ્રાર્થના સાથે શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીનાં અમીકૃપા અને આશીર્વાદની ઝંખના કરું છું.’

૪થી ફેબ્રુઆરી, ૧૮૯૮ના રોજ સ્વામી વિરજાનંદજીએ પોતાની નોંધપોથીમાં આ શબ્દો લખ્યા હતા, ‘મંદિરમાં તેમણે (સ્વામીજીએ) સંઘને શ્રીરામકૃષ્ણદેવના સ્વરૂપે જોવાની અમને સલાહ આપી હતી. તેઓ આપણા સંઘમાં પ્રવેશી ચૂક્યા છે.’ સ્વામી વિરજાનંદ પોતાના ગુરુદેવના આ શબ્દો હંમેશાં યાદ કરતા અને બીજાના મનમાં પણ તે શબ્દો અંકિત કરવા પ્રયત્ન કરતા. તેઓ શ્રદ્ધા અને મક્કમતાથી માનતા હતા કે રામકૃષ્ણ સંઘ અનેક શાખા-કેન્દ્રોવાળું એક વિશાળ વૃક્ષ છે અને તે પોતાનું પોષક દ્રવ્ય શ્રીરામકૃષ્ણમાંથી ખેંચે છે, તે જ એનું સાચું મૂળ છે, એનું જીવન છે. તેઓ હંમેશાં રામકૃષ્ણ સંઘને તેવા વૃક્ષ સાથે સરખાવતા કે જેનાં મૂળિયાં ઉપર તરફ છે અને શાખાઓ તળિયે છે.’

શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈમાં પોતાના વક્તવ્યમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા, ‘રામકૃષ્ણ સંઘના આ વિશાળકાય વૃક્ષને આપણી આ પેઢીને આપણી નજર સમક્ષ વિકસતું જોવાનો અધિકાર મળ્યો છે. સાથે ને સાથે આપણે સૌએ આપણી પોતાની રીતે એ મહાવૃક્ષને પાણી પાવાનો અને તેને ઉછેરવાનો તેમજ તેમાં દિવસે દિવસે માનવની સેવામાં ઉપયોગી થાય તેવી વધુ અને વધુ સંસ્થાઓરૂપી નવી નવી શાખા પ્રશાખાઓ પ્રસ્ફૂટિત કરવાનો વિશેષ અધિકાર પણ આપણને સાંપડ્યો છે… વૃક્ષની જેમ સમગ્ર માનવજાતની સેવા કરવી એ રામકૃષ્ણ મિશનનો સૌથી મહત્ત્વનો અને પવિત્ર હેતુ છે… એ એક વૃક્ષ છેે કે જેનાં મૂળિયાં ટોચે છે અને શાખાઓ તળિયે છે. આ બધી વિવિધ સંસ્થાઓ શ્રીરામકૃષ્ણદેવનું નામ ધારણ કરીને આપણે જોઈએ છીએ તેમ સતત અંકુરિત થતી રહે છે અને આપણી આસપાસ યોગ્ય પોષણથી પોષાતી રહે છે. આવી સંસ્થાનાં મૂળિયાં એમનામાં (શ્રીઠાકુરમાં) છે અને જ્યાં સુધી તેઓ પોતાનું પોષક દ્રવ્ય તે મૂળ સ્રોતમાંથી મેળવતાં કે ખેંચતાં રહેશે ત્યાં સુધી તે બધાં ચોક્કસપણે વધુ ને વધુ પ્રમાણમાં વિકસતાં અને સમૃદ્ધ થતાં રહેશે.’

સ્વામીજીના હૃદયની એવી ઝંખના હતી કે બેલુર મઠની જેમ જ બહેનો માટેનો એક મઠ પણ શરૂ થવો જોઈએ. ૧૯૫૪માં શ્રીશ્રીમા શારદાદેવીના જન્મશતાબ્દી વર્ષમાં જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીશારદા મઠની સ્થાપના થઈ ત્યારે સ્વામીજીનું આ સ્વપ્ન સાકાર થયું. આ શારદામઠની સ્થાપનામાં સ્વામી વિરજાનંદજીનાં પ્રોત્સાહન અને પ્રેરણા રહેલાં છે. ૧૯૪૬ની રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના સંમેલનની એક સભામાં પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં સ્વામીજીની આ અંતરની ઇચ્છાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, ‘સ્ત્રીઓના મઠની ભવ્ય સફળતાના રસ્તા આડે કોઈ વિઘ્ન કે ઊણપ આવશે નહીં, એની મને ખાતરી છે.’ સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલનાં શારદા આશ્રમનાં અંતેવાસીઓ – પાછળથી આમાંના એક વૃંદે શારદા મઠનું કેન્દ્ર રચ્યું હતું, તેમને ઉદ્દેશીને લખેલા એક પત્રનો ફરીથી અહીં ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે : ‘જ્યારે હું વિચારું છું કે તમે બધાં એકીસાથે મળીને એક જ ધ્યેય, આદર્શ અને શ્રીરામકૃષ્ણ દેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના આશીર્વાદ સાથેની એક કાર્યયોજના લઈને અહીં આવ્યાં છો એ જાણીને મને ઘણો આનંદ થાય છે. ખરેખર આ ઘટના કે બાબત અત્યંત અદ્‌ભુત અને ઉલ્લેખનીય છે ! મારા જીવનકાળમાં જ આ બાબત આવશે અને સાકાર થશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી. આધ્યાત્મિકતા અને ત્યાગના આદર્શ પ્રત્યે નારીજાગરણ કરવાની સ્વામીજીની હૃદયની ઇચ્છા કે ઝંખના એક દિવસ ક્યારેક ને ક્યારેક જરૂર સાકારરૂપ ધારણ કરશે, એવી મને સંપૂર્ણ ખાતરી હતી.’

હિમાલયમાં ઘણાં વર્ષો ગાળવાને લીધે સ્વામી વિરજાનંદજીને એ સ્થળ પ્રત્યે એક ગહન આકર્ષણ ઉદ્ભવ્યું હતું. સંઘના પરમાધ્યક્ષ બન્યા પછી પણ હિમાલયના ખોળે શ્યામલાતલમાં દર વર્ષે તેઓ થોડા મહિના ગાળતા. પરંતુ એમના હૃદયના દુ :ખાવાને લીધે આરોગ્યચિકિત્સકોએ તેમને પર્વતોની ઊંચાઈએ ન જવાની સલાહ આપી હતી. એટલે એમના જીવનનું છેલ્લું વર્ષ તેમણે બેલુર મઠમાં ગાળ્યું. એમની તબિયત સારી રહેતી ન હતી છતાં પણ એમનું દૈનંદિન કાર્ય એમ ને એમ રહ્યું. વૃદ્ધાવસ્થાની અનેક માંદગીઓ વધવા માંડી પણ તેઓ આ બધી પીડા અત્યંત ધૈર્ય સાથે હસતા મુખે સહન કરતા. એમનો સદૈવ આનંદ વરસાવતો ચહેરો જોઈને સૌ કોઈને એમ લાગતું કે તેમને રોગ કે વૃદ્ધાવસ્થા સ્પર્શતાં નથી. (ક્રમશ 🙂

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.