જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ણાેને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું શંકરાચાર્યે ગીતા ઉપરના પોતાના ભાષ્યમાં સુંદર રીતે રજૂ કર્યું છે. બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ, ઈશ્વરદર્શી માનવી, જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે તે આદર્શ મનુષ્ય, પૂર્ણ પુરુષ, રહેવો જ જોઈએ : તેનો વિનાશ ન જ થવો જોઈએ અને વર્ણવ્યવસ્થામાં અનેક ખામીઓ હોવા છતાં બીજા વર્ણાે કરતાં આ બ્રાહ્મણ વર્ણમાંથી સાચા બ્રાહ્મણત્વવાળા વધુ માણસો નીકળ્યા છે, તે માટે આપણે બધાએ બ્રાહ્મણ વર્ણને આટલી શાબાશી આપવા તૈયાર રહેવું જ જોઈએ. વાત પણ સાચી છે. બીજા બધા વર્ણાે તરફથી બ્રાહ્મણો એ માનને પાત્ર છે. આપણે હિંમતપૂર્વક તેમની ખામીઓ બતાવી આપવી જોઈએ, પણ સાથે સાથે તેઓ તે માનને પાત્ર છે તે પણ તેમને આપવું જોઈએ. પેલી અંગ્રેજી કહેવત યાદ કરો : ‘સહુ કોઈને તેના હકનું આપો.’…..

આનું નિરાકરણ ઊંચાઓને નીચે લાવવામાં નથી, પણ નીચાઓને ઊંચી ભૂમિકાએ ચડાવવામાં રહેલું છે. ….

એક છેડે છે આદર્શ બ્રાહ્મણ અને બીજે છેડે ચંડાળ; અને સમગ્ર પ્રક્રિયા ચંડાળને ઊંચે ચડાવીને બ્રાહ્મણત્વે પહોંચાડવો તે છે…..

બધી જ્ઞાતિઓએ ધીમે ધીમે ઉપર ચડવાનું છે. જ્ઞાતિઓ તો હજારો છે અને કેટલીક તો બ્રાહ્મણત્વમાં પ્રવેશ પણ મેળવતી આવે છે. કોઈ પણ જ્ઞાતિને પોતે બ્રાહ્મણ છે એમ જાહેર કરતાં કોણ અટકાવે છે ?…..

થોડે ઘણે અંશે આપણે સહુ ઋષિ થવાના જ છીએ. ઋષિનો અર્થ શું ? શુદ્ધાત્મા. પ્રથમ તમે પવિત્ર બનો એટલે તમારામાં શક્તિ આવશે. માત્ર ‘હું ઋષિ છું’ એ શબ્દો વાપર્યે નહીં ચાલે; જ્યારે તમે ખરેખરા ઋષિ બનશો ત્યારે તમને જણાશે કે બીજાઓ સ્વાભાવિક પ્રેરણાથી જ તમને નમતા આવશે. પોતાની ઇચ્છા વિરુદ્ધ પણ તમારી યોજનાઓ પાર પડાવે છે. એનું નામ છે ઋષિત્વ.

(સ્વા. વિ. ગ્રંથમાળા – ૪.૨૦૩-૨૦૬)

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.