તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે.

સંવાદનો અર્થ છે : બે હૃદયોની વાતચીત.

વિવાદનો અર્થ છે : બે બુદ્ધિઓનો ટકરાવ.

સંવાદથી બે વ્યક્તિનું મિલન થાય છે, વિવાદથી બે વ્યક્તિઓનો સંઘર્ષ. આદિ શંકરાચાર્યનો જ્યારે જન્મ થયો ત્યારે આ દેશમાં પાંડિત્ય પોતાની ચરમ અવસ્થાએ હતું. લોકો પોતાના અહંકારમાં અને પાંડિત્યમાં એવી ભ્રાંતિથી ભરેલા હતા કે જ્યાં સુધી એમનું પાંડિત્ય તોડવામાં ન આવે, તેઓની બુદ્ધિ પરાજિત ન થાય ત્યાં સુધી હૃદયની વાત સાંભળવા માટે રાજી પણ ન હતા. માટે શંકરને પહેલાં મજબૂરીથી વિવાદ કરવો પડ્યો.

એક વખત શાસ્ત્રાર્થ માટે શંકરાચાર્ય માહિષ્મતી (મંડલા) પહોંચ્યા. એ મંડનમિશ્રનું નગર હતું. નગરમાં પ્રવેશતાં જ કૂવા પર પાણી ભરતી સ્ત્રીઓને શંકરે પૂછ્યું કે મંડનમિશ્રનું ઘર ક્યાં છે? સ્ત્રીઓ હસવા લાગી અને કહ્યું કે એ તમારે શોધવું જ નહિ પડે. જે ઘરની હવા અત્યંત પાવન હોય, જ્યાં પિંજરે ટાંગેલ મેના અને પોપટ ઉપનિષદના શ્લોકોની આવૃત્તિ કરતા હોય અને મીઠો આવકાર આપતા હોય એ જ મંડનમિશ્રનું ઘર જાણવું.

શંકર મંડનમિશ્રના ઘરના દ્વારે પહોંચ્યા. પેલી સ્ત્રીઓની વાત સાચી હતી. પક્ષીઓ દ્વાર પર બેસીને વેદ-ઉપનિષદનાં વચનો ગાતાં હતાં. અંદર જઈને શંકરે મંડનમિશ્રને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપ્યું. મંડન કર્મકાંડના પ્રબળ હિમાયતી અને ખ્યાતિલબ્ધ વ્યક્તિ હતા. અચાનક કોઈ સંન્યાસીને પોતાને ઘેર આવેલા જોઈ તેને ક્રોધ ઊપજ્યો. ઉત્તરક્રિયા માટે મંડનમિશ્રને ત્યાં પધારેલા જૈમિનિ ઋષિ આચાર્ય શંકરને ઓળખી ગયા. મંડનમિશ્ર ઉંમરમાં શંકરથી મોટા હતા, શંકરથી વધારે એમનો યશ હતો, શંકરથી વધારે એમના શિષ્યો હતા. જૈમિનિ ઋષિએ મંડનમિશ્રને શંકરની ઓળખ આપતાં કહ્યું : ‘અતિથિનો સત્કાર કરીને તેને ભિક્ષા આપ.’

આ છે પ્રાચીન ભારતની ઉદાત્ત પરંપરા- અતિથિ દેવો ભવ. મંડન મિશ્રે ભિક્ષા માટે નિમંત્રણ કર્યું ત્યારે શંકરે કહ્યું, ‘હું અહીં અન્નની ભિક્ષા માટે આવ્યો નથી, પરંતુ કર્મ અને જ્ઞાનમાં કયું શ્રેષ્ઠ છે તે વિશે શાસ્ત્રાર્થ કરીને નિર્ણય કરવા વિવાદ ભિક્ષા માટે આવ્યો છું. સત્યાન્વેષણ વિશે આપને પૂછવા માગું છું.’ મંડનમિશ્રે શંકરનું સ્વાગત કરી ઉતારો આપ્યો. મંડન કહે, ‘મારો અનુભવ તો અધિક છે, તું યુવાન છો. હું તો તારા પિતાની ઉંમરનો છું. તેથી તને એક સુવિધા આપું છું કે હાર-જીતનો નિર્ણય કોણ કરશે એ તું નક્કી કર. ન્યાયાધીશ તું પસંદ કરી લે.’

આ તો અત્યંત પ્રેમની લડાઈ હતી. અહીં કોઈ ઝઘડો ન હતો. શંકરે ઘણી તપાસ કરી, પણ મંડનમિશ્રની સમકક્ષ કોઈ ન મળ્યું કે જેને ન્યાયાધીશ બનાવી શકાય. છેવટે મંડનની પત્ની ઉભયભારતી સિવાય કોઈ તેમના ધ્યાનમાં ન આવ્યું. ઉભયભારતી ઘણી વિદ્વાન હતી. તેણે બધાં શાસ્ત્રો તેમજ કાવ્યાદિ સર્વ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. લોકો તેનું જ્ઞાન જોઈ આશ્ચર્યમુગ્ધ થતા. તેથી શંકરે કહ્યું, ‘આપની પત્ની જ નિર્ણય કરશે.’ ખરેખર તો પત્ની નિર્ણય કરે તો પતિના તરફ ઝૂકી શકે છે. આ ડર તદૃન સ્વાભાવિક હોવો જોઈએ, જો વિવાદ દુશ્મનીનો હોય તો. આ વિવાદ તો અત્યંત પ્રેમનો હતો.

ઉભયભારતીએ ન્યાય આપવાનો સ્વીકાર કર્યો અને બંનેને એક એક પુષ્પમાળા પહેરાવીને કહ્યું : ‘આપ હવે સુખેથી સ્વસ્થચિત્તે શાસ્ત્રાર્થ શરૂ કરો. જેની માળા કરમાશે તેની હાર થઈ છે તેમ સમજવું.’ પછી શાસ્ત્રાર્થ શરૂ થયો. મંડન મિશ્રે જ્ઞાનમાર્ગનું ખંડન કરીને કર્મમાર્ગની મહત્તાનાં ગુણગાન ગાયાં. એનાથી ઊલટું શંકરે કર્મમાર્ગનું ખંડન કરીને જ્ઞાનમાર્ગની સર્વોચ્ચતા સિદ્ધ કરી. આ રીતે આ શાસ્ત્રવિવાદમાં ધીમે ધીમે મંડન મિશ્રના કંઠની માળા ક્રમશ : કરમાવા લાગી.

વિવાદ પછી પત્નીએ પોતાનો ચુકાદો આપ્યો કે મંડન હારી ગયા, શંકર જીતી ગયા. પરંતુ પત્નીએ તરત કહ્યું કે આ હાર હજી અધૂરી છે, કેમ કે હું તેમની અર્ધાંગના છું. હજી તેં માત્ર અડધો જ વિજય મેળવ્યો છે. હજી તારે મારી સાથે વિવાદ કરવો પડશે. વાત ભારે મજાકની હતી, પણ અત્યંત મધુર હતી.

શંકર પણ ઇનકાર ન કરી શકયા. વિવાદનો સ્વીકાર કર્યો. પછી ભારતીએ વિચાર્યું કે આ યુવાનની સાથે બ્રહ્મની વાત કરવી વ્યર્થ છે. મંડન જેવાને પણ યુવાન સામે હારી જતા એણે જોઈ લીધા હતા. ઉભયભારતી અને શંકરના શાસ્ત્રાર્થ દરમિયાન અનેક પ્રશ્નોત્તરો થયા હતા. એમ કરતાં સત્તર દિવસ વીતી ગયા. છેવટે ભારતીએ શંકરને ગૃહસ્થ જીવન અંગેના પ્રશ્નો પૂછ્યા. શંકર તો અવિવાહિત હતા. ગૃહસ્થજીવનનો એમને કોઈ અનુભવ પણ ન હતો. પહેલાં તો મૂંઝવણમાં પડી ગયા. જેનો અનુભવ ન હોય એ વાત સાર્થક કયાંથી હોઈ શકે!

શંકરે ભારતીને કહ્યું, ‘મારે થોડા સમયની મુદત જોઈએ, જેથી હું અનુભવ લઈને પાછો આવી શકું.’ ભારતીએ કહ્યું, ‘જા, તું અનુભવ લઈને પછી આવજે.’

કથા અત્યંત વિચિત્ર છે. શંકર ભારે દ્વિધામાં પડી ગયા. પોતે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે, ગુરુને વચન આપ્યું છે. હવે લગ્ન કરે તો આખા જીવનનો ઢાંચો બદલાઈ જાય. કથા કહે છે કે શંકરે શરીર છોડ્યું અને એક મૃતકના દેહમાં દાખલ થયા. એક રાજા મરી રહ્યો હતો, તેના પ્રાણ નીકળ્યા ને શંકર એમાં દાખલ થયા. મૃતક રાજા ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમને બે રાણીઓ પણ હતી. રાજાના મૃતદેહમાં રહીને તેમણે ગૃહસ્થનો અર્થ જાણ્યો. અંતે મંડનમિશ્રનાં પત્ની ભારતી પાસે આવ્યા. ભારતીએ તેમના તરફ જોયું અને કહ્યું, ‘હવે વિવાદની કોઈ જરૂર નથી. તું જાણીને જ આવ્યો છે, વાત પૂરી થઈ. મને પણ તારી શિષ્યા તરીકે સ્વીકારી લે.’

આ ઘટના એકબીજાં પ્રત્યે અપાર શ્રદ્ધા અને અપાર ભાવથી ભરેલી ઘટના હતી. મંડનમિશ્ર અને ભારતી બન્ને શંકરનાં શિષ્યો બની ગયાં. શંકરે મંડનમિશ્રને સંન્યાસની દીક્ષા આપીને તેને ‘સુરેશ્વર’ એવું નામ આપ્યું અને પોતાના પટ્ટશિષ્ય તરીકે સ્વીકાર્યા.

શિષ્યત્વનો અર્થ જ એ કે અમે જ્યાં સુધી પહોંચ્યાં હતાં ત્યાંથી તમે અમને વધારે આગળ લઈ ગયા, અમારી આંખોની પહોંચ કરતાં પણ વધુ આગળનાં દર્શન તમે કરાવ્યાં, અમને દૂર સુધીનું આકાશ તમે બતાવ્યું.

વિવાદો તો પશ્ચિમમાં પણ ચાલતા, પણ એમાં પૂર્વના વિવાદો જેવી મજા નથી. પૂર્વના વિવાદો માધુર્યથી ભરેલા હતા, કયાંય લેશમાત્ર કટુતા ન હતી. મંડનમિશ્ર અને તેમનાં પત્ની શંકર સામે ઝૂકી રહ્યાં એ માત્ર શંકરમાં પ્રગટ થયેલા સત્ય સામેનો ઝુકાવ હતો. ત્યાં માત્ર તર્ક હાર્યો હતો અને ભાવ જીત્યો હતો. ત્યાં ઝૂકવું એ કોઈ હારનું ઝૂકવું ન હતું; ત્યાં કોઈ પરાજય ન હતો, સંપૂર્ણ સમર્પણભાવ હતો.

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.