જ્યારે આપણે દુ :ખમાં કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી શોધવા છતાં પણ પરમાત્મા આપણને ક્યાંય મળતા નથી. પરંતુ આપણે જ્યારે આનંદમગ્ન હોઈએ કે ખુશીની ખુમારીમાં હોઈએ ત્યારે પરમાત્મા આપણી નજીક જ હોય છે. આપણું હૃદય સંગીતના આનંદથી ભરપૂૂર હોય તો તે આપણી તરફ ખેંચાઈને આવે છે, કારણ કે એ પોતે જ વાંસળીવાદક છે. આપણી અંદર જ્યારે આનંદનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે આપણી તરફ ખેંચાઈને એને આવવું જ પડે છે. પછી આપણે ફરી ફરીને પરમાત્માને શોધવો પડતો નથી. એ આપણી પાછળ દોડી દોડીને આપણને શોધતો આવે છે.

હવે એક વાર્તા સાંભળો… ઘણા લાંબા સમય પહેલાં પરમાત્મા અહીં બધાંની વચ્ચે જમીન પર જ રહેતા હતા. પણ લોકો એમને શાંતિ લેવા દેતા નહોતા. લોકોની માગણીઓ એટલી બધી વધતી જતી હતી કે ચોવીસ કલાક પરમાત્મા પાસે કંઈને કંઈ માગ્યા જ કરે. એમને આરામ કરવાનો સમય જ ન મળતો. લોકોની માગણીઓ પણ એટલી બધી વિચિત્ર અને વિરોધાભાસી કે ખુદ પરમાત્મા મૂંઝવણ અનુભવતા. કોઈ એકની માગણી પૂરી કરે તો બીજાને તકલીફ પડે, બીજાની પૂરી કરે ત્યાં વળી ત્રીજાને તકલીફ પડે. કોઈ કહે કે “હે ઈશ્વર! આજે ખૂબ વરસાદ વરસાવજો કારણ કે આજે મેં જમીનમાં બીજ વાવ્યાં છે,’ તો વળી બીજો કોઈ કહે કે “હે પ્રભુ! આજે એક દિવસ વરસાદ ન વરસાવશો કારણ કે આજે મેં રંગેલાં કપડાં સૂકવ્યાં છે.’ હવે ઈશ્વર આમાં કરે પણ શું? હજારો લોકો, હજારો પ્રકારની એમની અલગ-અલગ માગણીઓ!

છેવટે, કંટાળીને પરમાત્માએ એક વખત પોતાના સલાહકારોને બોલાવ્યા. તેમણે વિનંતી સાથે કહ્યું કે “તમે મને કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં હું છૂપાઈને શાંતિથી રહી શકું અને લોકોથી મને છુટકારો મળે. મારાથી ભૂલ થઈ ગઈ કે મેં આ માનવસૃષ્ટિ બનાવી’ અને આપણે જાણીએ છીએ કે માણસ બનાવીને પછી બીજું એમણે કંઈ જ બનાવ્યું નહિ, શા માટે? કેમ કે સર્જનના કાર્યથી જ પોતે વિરક્ત બની ગયા હતા. માણસને બનાવીને એટલું સમજાયું કે હવે બસ! પૂર્ણવિરામ મૂકવાની જરૂર છે, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. જ્યાં સુધી માનવીનું સર્જન કર્યું નહોતું ત્યાં સુધી અલગ અલગ જીવસૃષ્ટિ બનાવતા જ ગયા. ઘોડા, હાથી, ગધેડાં, વાંદરા,

રીંછ બનાવતા જ ગયા, ત્યાં સુધી કે સિંહના સર્જન પછી પણ જરાય ગભરાયા નહોતા. પોતાની મસ્તીમાં અનેક પ્રાણીસૃષ્ટિનું સર્જન કરતા જ ગયા, કરતા જ ગયા. એમાં એમને નિજાનંદ મળતો હતો. એ જ મસ્તીમાં અને એ જ ધૂનમાં ભૂલથી માણસને બનાવી બેઠા. પછી તો લોકોએ પરમાત્માને એટલી મુશ્કેલીમાં મૂકી દીધા કે સલાહકારોની સલાહ લેવી પડી કે હું હવે ક્યાં છૂપાઈ જાઉં!!

એક સલહકારે કહ્યું, “આપ એક કામ કરો. હિમાલયના ગૌરીશંકર શિખર પર જઈને બેસી જાઓ, છેક ત્યાં સુધી લોકો કદાચ ન પહોંચે.’ તો ઈશ્વરે હસીને કહ્યું “અરે, હું તો લાંબા ભવિષ્યનું વિચારું છું. એ તો હમણાં થોડા દિવસમાં બે માણસો હિલેરી અને તેનસિંગ અહીં આવી પહોંચશે. પછી તો બીજા બધા લોકોને અહીં પહોંચતાં જરાય વાર નહિ લાગે અને પછી તો ધીમે-ધીમે બસ, ગાડી, હોટલ, સિનેમાઘર બધું જ બનવા લાગશે. મને ત્યાં શાંતિ નહીં લેવા દે. માફ કરજો પણ તમે જે ઉપાય બતાવ્યો એ અસ્થાયી છે. હું તો માણસથી બચવાના કોઈ સ્થાયી ઉપાયની શોધમાં છું.’ તો બીજા સલાહકારે સલાહ આપી કે “તમે ચંદ્ર પર રહેવા જતા રહો.’ ફરી પરમાત્માએ હસીને કહ્યું, “અરે, તમે કેમ સમજતા નથી! થોડા દિવસમાં કોઈ નીલ આર્મર્સ્ટોંગ આવી જશે અને લોકો ચાંદ પર પણ પહોંચી જશે. મારો પીછો આસાનીથી લોકો છોડશે નહિ.’ જુદા-જુદા સલાહકારોએ પોતપોતાના મત વ્યક્ત કર્યા.

આખરે, એક મોટી ઉંમરના, અનુભવી, ગંભીર સલાહકારે પરમાત્માની નજીક જઈને કાનમાં કહ્યું : “હંુ તમને એક ગૂઢ રહસ્ય જણાવું છું જેથી તમને માનવીથી છૂપાવાનો સ્થાયી ઉકેલ મળી જશે. તમે માણસની અંદર એનાં હૃદયમાં છૂપાઈ જાઓ. આ એક જ જગ્યા એવી છે કે જ્યાં માણસ તમને શોધવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરે. તમને શોધવા માટે એ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ બધું જ ખૂંદી વળશે પણ પોતાના જ અંત :કરણમાં શોધવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરે.’ આ સલાહકારની વાત ઈશ્વરને એટલી બધી ગમી ગઈ કે બસ, ત્યારથી પોતે માણસની અંદર જ છૂપાઈને બેસી ગયા છે. ત્યાં સુધી પહોંચવાનો માણસ ભાગ્યે જ પ્રયાસ કરે છે.

હવે આપણું માણસોનું કામ શરૂ થાય છે. આપણે આંખો બંધ કરી, શાંતિથી મૌનમાં બેસી અને આપણી પોતાની જ અંદર ડૂબકી મારવાની કોશિશ કરીશું. જેટલા વધારેમાં વધારે ઊંડા ઊતરી શકાય એટલા ઊંડા ઊતરી જઈશું એમને શોધ્યે છૂટકો કરીશું. પરંતુ હા, હવે જ્ઞાન, ભક્તિ અને પ્રેમ સિવાય બીજા કશાની માગણીઓ નહિ કરીએ….

“”ઠારી દે આ દીપ નયનનાં,

તવ દર્શનને કાજ

મને એ કાચ નથી કંઈ ખપના.”

Total Views: 332

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.