આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ. અંતિમ તત્ત્વ અને આ સૃષ્ટિ વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયત્નની પ્રક્રિયામાં ‘અવતાર’ના આ વિચારનું ઘણું જ મહત્ત્વ છે. કોઈ ઉત્તમ અને દિવ્યતત્ત્વનું માનવ વ્યક્તિત્વની મર્યાદામાં રહીને આ પૃથ્વી પર આવવું એ જ અવતરણ કે અવતાર છે. જુદાજુદા ધર્મો પણ પોતપોતાની રીતે આ વાતને સ્વીકારે છે, જેમ કે ઇસ્લામધર્મના મતે આ સૃષ્ટિ પર પયગમ્બરો અને ફિરસ્તાઓ આવે છે. ખ્રિસ્તીધર્મ મહાન જિસસ ક્રાઈસ્ટને ‘પ્રભુનો પનોતો પુત્ર’ માને છે. જ્યારે ગીતાનો વિચાર ખુદ પરમાત્માને જ પોતાની તમામ શક્તિઓ સાથે સૃષ્ટિમાં અવતરતો કહીને માનવતા અને પ્રભુતા વચ્ચે અભિન્નતા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. પરમાત્મા મહાન જરૂર છે, પણ સૃષ્ટિથી નિરાળા રહેવામાં જ તેની મહત્તા જળવાતી નથી. એ પોતે સૃષ્ટિ વચ્ચે પણ આવે છે. આ પ્રકારનો અવતારનો સિદ્ધાંત એ જગતના તમામ ધાર્મિક સાહિત્યમાં ભગવદ્ગીતાએ ઉઠાવેલું એકદમ મૌલિક અને સાહસપૂર્ણ કદમ છે.

સામાન્ય માનવમાં પ્રભુતાની હાજરી અને અવતારની પ્રભુતામાં ભેદ એ છે કે પરમાત્માની શક્તિ સીધેસીધી અને પોતાના પૂર્ણ તેજ વડે અવતારમાં પ્રકાશિત થાય છે, જ્યારે સામાન્ય માનવચેતનાનું તેમ નથી હોતું, એવું શ્રીઅરવિંદ પોતાના ‘ગીતા નિબંધો’માં નોંધે છે. એમ જોઈએ તો મહાન યુગપુરુષોના કાર્યનું ઘણું જ મૂલ્ય છે. માનવસંસ્કૃતિના ઇતિહાસ તરફ નજર નાખીએ તો જણાશે કે ગાંધીજી કે લેનિન, લ્યૂથર કે લિંકન જેવા અનેક મહાપુરુષોની પ્રતિભા સમગ્ર માનવજાતિ પર પોતાનો પ્રભાવ પાડી જ રહી છે, પરંતુ એ બધા અવતારકાર્યના મૂલ્યની તોલે આવે એમ નથી. સ્વાભાવિક છે કે મહાનતાને કોઈ માપપટ્ટીથી માપવાનો પ્રયાસ નરી મૂર્ખતા જ છે, છતાં અવતારી પુરુષોના વ્યક્તિત્વમાં જે વ્યાપકતા, દીર્ઘદૃષ્ટિ, આધ્યાત્મિક ઊંડાણ અને સમગ્ર માનવજાતિને એક ચોક્કસ દિશા તરફ વાળવાની શક્તિ જે સ્વરૂપે દેખાય છે, તે ખરેખર અદ્‌ભુત અને મહાન હોય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ વગેરેનાં જીવનમાં આપણે આવી દિવ્યતાની ઝાંખી કરી શકીએ છીએ.

મનની અત્યંત વિકટ પરિસ્થિતિમાં માનવને કોઈ અવતારરૂપ અવલંબનની જરૂર પડે છે. એ પળે અવતાર સિવાય બીજી કોઈ માનવનિર્મિત શક્તિ માનવીને પ્રેરણા આપી શકતી નથી. આથી જ રામ અને કૃષ્ણને આ સૃષ્ટિમાં આવ્યે વર્ષો થઈ ગયાં, છતાં તેમનાં કાર્યો ભાંગી પડેલી માનવતાને માટે આજે પણ પ્રેરણાનો સ્રોત બની રહ્યાં છે. અવતાર એ પરમાત્માની ચમત્કૃતિ દેખાડીને સમાજમાં તેનો પ્રભાવ વધારનાર કોઈ વ્યક્તિ નથી, પરંતુ સમાજના આધ્યાત્મિક નેતૃત્વની પ્રક્રિયાનું એક સોપાન છે. અવતાર એ એક યુગસર્જક પ્રતિભા છે અને વર્ષોનાં વર્ષો પર્યંત તે પોતાના કાર્યની અસર ફેલાવી શકે, એવી શક્તિશાળી હોય છે. આ સૃષ્ટિનું અંતિમ અને સર્વોપરી તત્ત્વ પોતાની તમામ ભવ્યતાઓ સાથે આ સૃષ્ટિ વચ્ચે આવે છે અને આખી સૃષ્ટિ એ પરમપુરુષના દિવ્ય તેજથી આપ્લાવિત બને, એ અવતરણનો હેતુ હોય છે. માનવીનો ઊર્ધ્વ તરફનો વિકાસ સાધવાનું કાર્ય એ જ અવતારનું મુખ્ય પ્રયોજન હોય છે.

ભાગવતમાં પણ પરમાત્માના ૨૪ અવતારોની કથા વર્ણવેલ છે. કહે છે એ કથાઓનું શ્રવણ કરવાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો છે. ધર્મનું સ્થાપન કરવા અને જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે, એટલે જ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે, ‘ભગવાનના ધર્મો જીવમાં ઊતરી આવે તે અવતાર.’ એમના મત પ્રમાણે-

પહેલો અવતાર એ સનતકુમારનો. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. કોઈપણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પરિશુદ્ધ બને છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંત :કરણ શુદ્ધ થાય છે.

બીજો અવતાર વરાહનો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ ક્યો? જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કર્મમાં લોભ વિઘ્ન બનીને આવે છે. લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે. પ્રાપ્તસ્થિતિમાં સંતોષ માનવો. લોભને મારીને, પ્રભુ જે સ્થિતિમાં રાખે, તેમાં સંતોષ માનવો એ વરાહ અવતારનું રહસ્ય છે.

ત્રીજો અવતાર નારદજીનો છે. એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્તસ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે કે ભક્તિ મળે. નારદજી ભક્તિમાર્ગના આચાર્ય છે.

ચોથો અવતાર નારાયણનો. ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વિનાની હોય તો તે દૃઢ થશે નહિ. ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્યની સાથે આવવી જોઈએ.

પાંચમો અવતાર છે કપિલમુનિનો, જ્ઞાન વૈરાગ્યનો. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ આવશે, તો એ ભક્તિ કાયમને માટે સ્થિર રહેશે.

છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. ઉપરના પાંચ ગુણો- બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આપણામાં આવે તો આપણે અત્રિ બની શકીએ, એટલે કે ગુણાતીત બની શકીએ અને જો અત્રિ થઈએ, તો ભગવાન આપણે ત્યાં પધારે.

સાતમો અવતાર યજ્ઞનો છે. આઠમો અવતાર ઋષભદેવનો છે. નવમો અવતાર પૃથુરાજાનો છે. દસમો અવતાર મત્સ્ય નારાયણનો છે. આ ૪ અવતાર ક્ષાત્રધર્મનો આદર્શ બતાવવા માટેના છે.

અગિયારમો અવતાર કૂર્મનો, બારમો અવતાર ધન્વંતરીનો અને તેરમો અવતાર મોહિની નારાયણનો છે. આ ૩ અવતારોમાં વૈશ્યના જેવી પ્રભુએ લીલા કરી છે.

ચૌદમો અવતાર નૃસિંહ સ્વામીનો છે. એ પુષ્ટિના અવતાર છે. પ્રહ્‌લાદ ઉપર, ભક્ત ઉપર કૃપા કરવા માટે આ અવતાર પ્રગટ થયો છે. પ્રહ્‌લાદ જેવી દૃષ્ટિથી જોઈએ તો ઈશ્વર સર્વવ્યાપક છે એટલે કે થાંભલામાં પણ ઈશ્વર છે.

પંદરમો અવતાર વામન ભગવાનનો છે, એ પૂર્ણ નિષ્કામ છે. જેમના ઉપર ભક્તિનું અને નીતિનું છત્ર હોય અને જેણે ધર્મનું કવચ પહેર્યું હોય, તેને ભગવાન પણ મારી શકે નહીં, બલિરાજાની જેમ વામનચરિત્રનું આ જ રહસ્ય છે. પરમાત્મા મોટા છે તો પણ બલિરાજા આગળ તેઓ વામન એટલે કે નાના બન્યા છે.
સોળમો અવતાર પરશુરામનો છે. આ આવેશનો અવતાર છે. સત્તરમો વ્યાસ નારાયણનો જ્ઞાનાવતાર છે. અઢારમો રામજીનો અવતાર, જે મર્યાદાપુરુષોત્તમનો છે.

ઓગણીસમો અવતાર શ્રીકૃષ્ણનો, જે સ્વયં ભગવાન છે. રામ અને કૃષ્ણ એ બન્ને પૂર્ણપુરુષોત્તમના અવતાર છે, બાકીના સર્વ અવતારો અંશાવતાર છે. અલ્પકાળ માટે જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર, અને જે અનંતકાળ માટે અને અનંતજીવોનું કલ્યાણ કરવા માટે થાય એ પૂર્ણાવતાર છે, એમ સંતો માને છે.

ત્યાર પછી હરિ, કલ્કિ, બુદ્ધ વગેરે મળીને ૨૪ અવતાર થાય છે. આમ જોઈએ તો આખું બ્રહ્માંડ પણ ઈશ્વરનો જ અવતાર છે.

સંક્ષેપમાં, અવતાર વિશે એટલું જરૂર કહી શકાય કે અવતારે આ સૃષ્ટિ પર એવું કાર્ય કરવાનું હોય છે કે જે માનવસામર્થ્યની બહારનું ન હોય છતાં માનવમાત્ર માટે એ અત્યંત પ્રેરક હોય. સ્વામી વિવેકાનંદે અને એમના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોએ તેમજ તે સમયના ગણ્યમાન્ય વિદ્વાનોએ પણ શ્રીરામકૃષ્ણ પરમહંસને અવતારવરિષ્ઠ કહ્યા છે, એટલે જ આપણે આપણી નિત્ય પ્રાર્થનામાં ગાઈએ છીએ :

ૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે —।
અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણાય તે નમ : ।।

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.