સરયૂબાલાદેવીની નોંધ

જાન્યુઆરી, ૧૯૧૧ :

ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા.

શુક્રવારે સવારે શ્રીમાન શોકહરણ અમારા પટલડાંગાના ઘેર આવ્યા અને કહ્યુંું, ‘આવતી કાલે અમે શ્રીમાને પગે લાગવા જવાના છીએ. તમે તૈયાર રહેજો.’ આવતી કાલે હું શ્રીમાનાં દર્શન પામીશ ! આખી રાત્રિ મને નિદ્રા ન આવી. ૧૯૧૧નું એ વર્ષ હતું અનેે અમે ૧૪-૧૫ વર્ષથી કોલકાતામાં રહેતાં હતાં; આટલાં વર્ષો બાદ શ્રીમાને મારા ઉપર દયા થઈ.

બીજે દિવસે બપોરે મેં મારી બહેન સુમતિને બ્રાહ્મો ગર્લ્સ સ્કૂલમાંથી સાથે લીધી અને શ્રીમાને પગે લાગવા ગઈ. કેવી ઝંખના અને આતુરતાપૂર્વક હું ત્યાં ગયેલી તેનું વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી.

અમે જ્યારે પહોંચ્યાં ત્યારે મેં શ્રીમાને બાગબજારના તેમના ઘેર, પ્રાર્થના-ખંડના દ્વાર તરફ ઊભેલાં જોયાં. એક પગ ઉંબરા ઉપર હતો અનેે બીજો પગ પગ-લૂછણિયા ઉપર હતો. માથું ઉઘાડું હતું, તેમનો ડાબો હાથ ઊંચો કરીને બારસાખ ઉપર રાખેલો હતો; તેમનો જમણો હાથ નીચે હતો. તેમનું અર્ધું શરીર પણ ખુલ્લું હતું. અને તેઓ દૂર સુધી સ્થિર નજરે જોતાં હતાં. અમે તેમની ચરણધૂલિ લીધી ત્યારેે તેમણે મારી ઓળખાણ પૂછી. સુમતિએ જવાબ આપ્યો, ‘મારી મોટી બહેન છે.’ સુમતિ ત્યાં થોડો ઘણો સમય પહેલાં આવી ગયેલી. પછી શ્રીમાએ મારા તરફ જોયું અને કહ્યુંું, ‘જો, બેટા ! કેવી ઉપાધિ આવી છે ! મારા ભાઈની વહુ, મારી ભત્રીજી, રાધુ – બધાંને તાવ આવ્યો છે. તેમની સંભાળ કોણ લેવાનું છે અનેે કોણ તેમની પાસે બેસશે તે હું જાણતી નથી. પણ બેટા ! અહીં બેસ. ત્યાં સુધીમાં હું જઈને આ કપડાં ધોઈ આવું.’ અમે રાહ જોતાં નીચે બેઠાં.

ત્યાર પછી તેઓ થોડી વારે આવ્યાં અને સાથે અમારા માટે પ્રસાદીની મીઠાઈ પોતાના હાથમાં લાવ્યાં અને કહ્યુંું, ‘થોડી મારી વહુમા (સુમતિ)ને આપ. અને થોડી તું લે.’ સુમતિને પાછું તરત જ શાળાએ જવાનું હતું, તેથી અમે શ્રીમાને પ્રણામ કર્યા અને તરત જ રવાના થયાં. શ્રીમાએ કહ્યુંું, ‘ફરીથી જરૂર આવજો.’ મેં તેમને માત્ર પાંચ જ મિનિટ જોયાં. મન ભરાયું નહીં. અતૃપ્ત મન સાથે હું ઘેર પાછી ફરી.

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : ૭૭)

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.