મિત્રો! શીર્ષકમાં નિર્દિષ્ટ શબ્દ ‘બાળ શિક્ષણ’ સાથે તો આપણે સૌ ૧૦૧% પરિચિત જ છીએ, પરંતુ સાથે સંકળાયેલ અંક ૩૬૦ ૦ સૌ વાચકમિત્રોને ખૂબ જ અચરજ પમાડનાર ખરો! ૩૬૦ (ત્રણસો સાઈઠ ડીગ્રી) અંક સાંભળતાંની સાથે જ આપ સૌ સુજ્ઞ વાચકમિત્રોને ગણિતના અતિ અટપટા કે ભૂલભૂલામણી ઉપજાવતા દાખલાઓ કે પછી ભૂમિતિના વિવિધ સંદર્ભોે યાદ આવવા લાગે, ખરુંને?

વિદ્યાર્થી મિત્રો સમક્ષ ૩૬૦ અંક આવતાં જ તેઓ ખુશખુશાલ બની કહેશે, લે વળી એમાં શું, ૩૬૦ એ ચતુષ્કોણ-સામાન્ય ભાષામાં આપણે જેને ચોરસ કહીએ છીએ તેના ચાર કાટખૂણાઓના માપનો સરવાળો છે, કે પછી પરિઘનો ૩૬૦ મો ભાગ છે. આપણને લાગશે ઓહો… આ બધી જ વાતો તો ગણિત કે ભૂમિતિની છે તેને બાળ-શિક્ષણ સાથે શો સંબંધ છે? એ વાત ખરી કે લેખનો સંદર્ભ ગણિત કે ભૂમિતિ દ્વારા અપાયો છે, પરંતુ અમે અહીં વાત પુસ્તકના ગણિતની નહીં પણ જીવનના ગણિતની કરવાના છીએ, જે વાંચ્યા બાદ આપ સૌને ૧૦૧% સંતોષનો આસ્વાદ અને ઓડકાર પ્રાપ્ત થશે.

આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય એ ઈશ્વર દ્વારા રચવામાં આવેલ જીવસૃષ્ટિની સર્વોેત્તમ કૃતિ છે. સહસ્રાબ્દી પહેલાં ગુફામાં વસતો કાળા માથાનો માનવી આજે પોતાની બુદ્ધિ અને ચાતુર્યના દમ પર ચંદ્ર ઉપર મકાન બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે મનુષ્યની અપાર ક્ષમતાઓની સૂચક અને નોંધનીય બાબત ખરી, પરંતુ સાથે એ પણ એટલું જ વાસ્તવિક છે કે આપણે પરમાણુશસ્ત્રોના ઢગલાઓ પર બિરાજમાન છીએ, એક ક્ષણ માત્રમાં સમગ્ર માનવસૃષ્ટિ નાશ પામે તેવું પણ બને. અહીં વાત પૃથ્વી પરના પ્રત્યેક મનુષ્યના ચારિત્ર્ય અને મૂલ્યની થઈ, એટલે કે સમગ્ર માનવસૃષ્ટિમાં જો કોઈ એક મનુષ્ય પણ પોતાની શક્તિઓનો ઉપયોગ ઊલટા માર્ગે કરે તો સમગ્ર માનવસૃષ્ટિ ક્ષણમાં નાશ પામે! આપણે સૌ ન્યુક્લીયર વેપન અને બાયો વેપનની ભયાનક અસરોથી વાકેફ છીએ. ૩૬૦ની કેળવણી ઓસામા બિનલાદેનની માનસિકતા ધરાવતા બાળકને અબ્દુલ કલામ બનવા તરફ અભિમુખ કરે છે.

આત્મા એ પરમાત્માનો જ અંશ હોવાથી ઈશ્વરે મનુષ્યમાં પ્રથમથી જ અનંત શક્તિઓ-સંભાવનાઓ મૂકી છે જેને જાગ્રત કરવાનું કાર્ય કેળવણીનું છે. આપણે સૌ જાણીએ છીએ કે કેળવણી એ વ્યક્તિના ઘડતર અને રાષ્ટ્રના ચણતરની પ્રક્રિયા છે. સર્વાંગીણ કેળવણી જ એક સર્વાંગીણ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે. કેળવણી એવી હોવી જોઈએ, જે નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે, અર્થાત્ તેની સર્વ શક્તિઓને ખીલવે. સર્વાંગીણ કેળવણી બુદ્ધિ અને આત્મા બન્નેના સંતુલિત વિકાસની હિમાયત કરે છે. એટલે કે સર્વાંગીણ કેળવણી જો વૈજ્ઞાનિક તૈયાર કરે તો, એવો વેજ્ઞાનિક તૈયાર કરે જે અણુશક્તિનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવી હાહાકાર મચાવવા નહીં, પરંતુ ઊર્જા ઉત્પન્ન કરવા કે ચિકિત્સા માટે કરે.

પરંતુ પ્રવર્તમાન સમયની એકાંગી બની ચૂકેલ કેળવણી મનુષ્યના વ્યક્તિત્વના સર્વાંગીણ કે બહુઆયામી પાસાંનો વિકાસ કરવા અસમર્થ જણાય છે. એનાથી અંતત : મૂલ્યહીન માનવતાને કારણે રોગગ્રસ્ત સમાજની રચના થાય છે, એ સંસ્કૃતિ કે રાષ્ટ્રનું કોઈ ભાવિ હોતું નથી. આવું રાષ્ટ્ર ગમે ત્યારે ધ્વંશ થઈ જાય છે. જેમ મહાભારતનું યુદ્ધ એક માત્ર દુર્યોધનના અભિમાનનું કારણ હતું, જેમાં ઘણા વંશો સમૂળા નાશ પામ્યા ને તેમનું સમગ્ર રાષ્ટ્ર નાશ પામ્યું, તે આપણે સૌ જાણીએ છીએ. તેમ એક ચારિત્ર્યહીન અને મૂલ્યહીન વ્યક્તિ માત્ર કુટુંબના નહીં રાષ્ટ્રના સર્જન કે ધ્વંશનું કારણ બની શકે છે!!

અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે માનવનું ખરા અર્થમાં માનવ તરીકે વિકસિત થવું એટલે શું? તો તેનું પણ ઉદાહરણ લઈએ. આપણે સૌ પ્રખર વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનને જાણીએ છીએ, જેઓએ વીજળીના બલ્બની શોધ કરી. તેઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના લાભાર્થે કર્યો. મનુષ્ય માત્રના ઘર માટે તેઓએ વીજળી સુલભ બનાવી! જરા વિચારો, જો તેઓએ પોતાના જ્ઞાનનો લાભ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે કર્યો હોત તો તેઓ માત્ર ભૌતિક રીતે સંપન્ન થયા હોત પરંતુ વિશ્વના એકપણ મનુષ્યના હૃદયમાં સ્થાન પામી શક્યા ન હોત. એ તો ઠીક આજે પણ આપણા ઘરમાં મિણબત્તીઓ જ પ્રકાશનું માધ્યમ હોત. એથી પણ આગળ, આદીમાનવમાંથી  આધુનિક માનવ બનવા સુધીની માનવની યાત્રામાં એ પ્રત્યેક મનુષ્યની બુદ્ધિ, ચાતુર્ય, કૌશલ્યના અનોખા કાર્યને આપણે બિરદાવવું પડે જેને પોતાની શોધ સમાજોપયોગી અને સમાજસુલભ બનાવી. એ વ્યક્તિ પણ મહાન છે જેઓએ નાની નાની શોધ કરી! વિચારો તો સ્ક્રૂ કે નટ-બોલ્ટની શોધ ન થઈ હોત તો આજના આધુનિક યુગની એકપણ મશીનરી બની શકે ખરી? રામાયણના સમયમાં વપરાયેલ રથમાં પણ નટ-બોલ્ટ કે સ્ક્રૂ વપરાયા હતા અને આજની મહાકાય મશીનરીમાં પણ નટ-બોલ્ટ કે સ્ક્રૂ વપરાય છે. આમ પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય મહત્ત્વનો છે. એક મનુષ્યનું સામાન્ય કાર્ય ભવિષ્યને અસામાન્ય પુરવાર કરવા દિશા સૂચન આપે છે. આમ સર્વાંગીણ કેળવણી વ્યક્તિગત ઉન્નતિ સાથે સમાજની ઉન્નતિને મહત્તા આપે છે. મહાન કાર્ય કરનાર પ્રત્યેક વ્યક્તિ પોતાના કુટુંબ માટે તો ગૌરવશાળી બન્યો પણ સમગ્ર વિશ્વ માટે પણ તે મૂડી સમાન બન્યો.

આપણે સૌ જાણીએ છીએ કે જે રાષ્ટ્રમાં સહસ્ત્રાબ્દીઓ પહેલાં વિશ્વની શ્રેષ્ઠ વિદ્યાલયો શિક્ષણ પ્રદાન કરતી હતી, તે ભારતભૂમિમાં આજનું શિક્ષણ ક્ષતિયુક્ત કે રોગગ્રસ્ત બની ચૂક્યું છે, તેના કારણમાં જઈએ તો ખ્યાલ આવશે કે આપણા રાષ્ટ્ર પર ૨૦૦ વર્ષ રાજ્ય શાસન ચલાવનાર અંગ્રેજો પણ ભારતભૂમિથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓએ શાસન છીનવી લીધું હતું પણ સંસ્કાર છીનવી શક્યા ન હતા. તેઓને વિશ્વાસ હતો કે એક સમયની ‘સોને કિ ચિડીયા’ કહેવાતી ભરતભૂમિ ફરીથી પોતાની ગરિમા હાંસલ કરશે, કારણ કે ત્યાં વસવાટ કરનાર લોકોના સંસ્કાર ખૂબ જ ઉચ્ચ કોટીના છે. ભારતને મૂળથી નષ્ટ કરવા માટે તેઓ સમક્ષ એક માત્ર વિકલ્પ ભારતમાં ક્ષતિયુક્ત શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનો હતો, જે તેઓએ મેકોલેના માધ્યમથી ઊભો પણ કર્યો અને મહદ્ અંશે તે તેઓના કાર્યમાં સફળ પણ રહ્યા. મેકોલે પણ ખૂબ જ જ્ઞાની વ્યક્તિ હતા અને ભારતભૂમિથી પ્રભાવિત ! તેઓએ પોતાની પ્રેમિકાને લખેલ એક પત્રમાં કબૂલ્યું પણ હતું કે ભારત રાષ્ટ્રને કોઈ શાસન, કોઈ યુદ્ધથી કચડી શકાય તેમ નથી. આ રાષ્ટ્રને કચડવાનો એક માત્ર રસ્તો તેના સંસ્કારને છીનવી કે કચડી નાખવાનો છે. તેથી તેઓએ માત્ર કારકૂનો તૈયાર કરે તેવી શિક્ષણવ્યવસ્થા ઊભી કરી આપણા રાષ્ટ્રને પાંગળું બનાવવાનો પ્રયત્ન પ્રારંભ્યો જે હજુ ચાલુ જ છે.

આપણી હિંદુ સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓના ગુણોને આવકારે છે, સ્વીકારે છે. આપણા રાષ્ટ્રનો પ્રત્યેક મનુષ્ય ‘વિશ્વમાનવ’ બને, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પોતાની છાપ ઊભી કરે તે આવકાર્ય છે પરંતુ તે માટે કોઈ વિદેશી ભાષા કે સંસ્કૃતિનું દાસત્વ સ્વીકારવું અનિચ્છનીય ગણાય. આપણે વૈશ્વિક માનવ બનવા જરૂરી તમામ કૌશલ્યો ગ્રહણ કરીએ પરંતુ તેની સાથે આપણા સંસ્કારો અને મૂલ્યોનાં પણ રક્ષણ, પોષણ અને વિકાસ કરવાં તે જરૂરી છે.

કેળવણી એ જીવન જીવવા માટેની પૂર્વતૈયારી છે. કેળવણી બાળકને ઉચ્ચકોટીનું જીવન જીવવા સમર્થ બનાવે છે, તે વ્યક્તિત્વના બધા જ પાસાઓના સુસંકલિત વિકાસ સાથે સંબંધિત છે. સર્વાંગીણ કેળવણી કે ૩૬૦ની કેળવણી એક ઉદાહરણ દ્વારા સમજીએ…

આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યનું સંપૂર્ણ શરીર એક અદ્‌ભુત યંત્ર છે. આપણું પ્રત્યેક કાર્ય કે ક્રિયા શરીરના પ્રત્યેક અંગના સંકલનનંુ પરિણામ છે, જેમ કે આંખ જુએ છે પરંતુ તેને જોવાનો આદેશ અને શું જોયું તેનું અર્થઘટન મગજનું કાર્ય છે. આમ, અધૂરી કેળવણીના કારણે જો મનુષ્યના વ્યક્તિત્વના તમામ પાસાનો વિકાસ થવા નહીં પામે તો તે વ્યક્તિ પાંગળું જીવન જીવશે તે નિશ્ચિત છે.

હાલના સમયમાં KG કક્ષાથી જ, સોરી! જન્મ લેતાંની સાથે જ આજનું બાળક શૈશવનું સ્મિત ગુમાવી બેસે છે. મોબાઈલ ગેમ્સના યુગમાં માટીની રમતો ભૂલાઈ જતાં બાળક શારીરિક રીતે નબળો બને છે. સિનેમા અને ટી.વી.ના આક્રમણમાં દાદા-દાદીની વાર્તા ખોવાઈ જતાં બાળકની મૂલ્યલક્ષી કેળવણી પાંગળી બની જાય છે, સંઘર્ષનું જોમ તૂટી જાય છે. સતત સ્વને મહત્તા આપતાં આપતાં, અને ‘હું જ શ્રેષ્ઠ’ની ભાવનામાં હરીફાઈ કરતાં કરતાં બાળકનો સામાજિક વિકાસ રુંધાઈ જાય છે ! કોઈ બીજાની પ્રગતિ જોઈ ઈર્ષ્યાના ભરડામાં ભરખાઈ બાળક બીજાના સહ અસ્તિત્વનો સ્વીકાર પણ કરી શકતો નથી. સતત સ્પર્ધામાં રચ્યા-પચ્યા રહેવાના કારણે, જો બાળકને ધોરણ ૧૦ કે ૧૨માં ૯૦% પ્રાપ્ત ન થાય તો આત્મહત્યા કરી બેસે છે, આ રીતે પોતાના સમગ્ર કુટુંબને અંધકારમાં ધકેલી દે છે!

જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવી એ માનવમાત્રનો અધિકાર છે. શ્રેષ્ઠતાને પામવાની સૂઝભેર દોટ આવકાર્ય પણ ખરી, ને અનિવાર્ય પણ ખરી, પરંતુ જો જીવનમાં ઇચ્છિત લક્ષ્ય હાંસલ ન થાય તો તેને ખેલદીલીપૂર્વક સ્વીકારવાની હિંમત કેળવી શકે તેવો માનસિક વિકાસ પણ શું આજના શિક્ષણનો જ અનિવાર્ય હિસ્સો નથી? શું આપણે માત્ર મૂડીની જ જરૂર છે, મૂડી સાથે મૂલ્ય અને શીલ નહીં?

ફેશન અને વ્યસનની માયાજાળમાં મદમસ્ત બની ગયેલ અને ટૂંકા રસ્તાઓ અપનાવી જીવનમાં જલ્દીથી ઉચ્ચ સફળતા મેળવી લેવાની ઘેલછા સેવતા સમાજના મોટાભાગના યુવાનોનો શું આપણે સર્વાંગીણ વિકાસ કરી શક્યા છીએ ખરા? આપણે શાળાના ઓરડામાં ત્રિકોણ, ચતુષ્કોણ, લઘુકોણ અને ગુરુકોણ શીખવીએ છીએ, પરંતુ જે જીવનમાં હરહમેંશ ઉપયોગી છે તે નથી શીખવતા, જે છે દૃષ્ટિકોણ! ૩૬૦નું બાળશિક્ષણ બાળકને એક સંપૂર્ણ મનુષ્ય બનાવવાની પહેલ કરે છે.

ભારતભૂમિ એ શક્યતાઓની ભૂમિ છે. આપણું રાષ્ટ્ર વિશાળ માનવ સંસાધન ધરાવતો દેશ છે. આપણા દેશના યુવાને પોતાના બહુઆયામી વ્યક્તિત્વ દ્વારા આ ભૂમિનું વૈશ્વિક ફલક પર ગૌરવ વધાર્યું છે. આવા જ્વલંત અને પ્રખર બુદ્ધિ ધરાવતા યુવાધનનું પ્રમાણ હજારોમાંથી લાખોના આંકડાને આંબે તે હેતુથી ૩૬૦ના શિક્ષણનું એટલે કે એક સર્વાંગ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાનું દર્શન અત્રે રજૂ કર્યું છે, જેથી વાલીઓ પોતાના પાલ્યોના પ્રત્યેક ગુણની કેળવણી પ્રત્યે સજાગ બને અને ઉચ્ચકોટીના વ્યક્તિત્વનું નિર્માણ કરે.

૩૬૦નું બાળશિક્ષણ બાળકના બહુઆયામી વિકાસનું દર્શન છે. ૩૬૦ ૦ નો અંક મુખ્યત્વે ગણિતના સંદર્ભમાં જેે ચાર કાટખૂણા, જે ચાર દિશાના દ્યોતક છે. તેનો સરવાળો ૯૦ + ૯૦ + ૯૦ + ૯૦ = ૩૬૦ છે. પૃથ્વીના સંદર્ભમાં પૃથ્વીની ૮ દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તેમજ ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્યનો ૪૫ + ૪૫ + ૪૫ + ૪૫ + ૪૫ + ૪૫ + ૪૫ + ૪૫ સરવાળો ૩૬૦ જે જુદી જુદી દિશાઓના સૂચક છે. જેમ પૃથ્વીનું વિભાજન આઠ દિશાઓમાં થયેલું છે તેમ, અવકાશના વિવિધ ચરણોનું વિભાજન ૨૭ નક્ષત્રોમાં થયેલું છે તેનો કુલ સરવાળો ૩૬૦ થાય છે. તેમ મનુષ્યના વિકાસનાં વિવિધ પાસાઓનો સરવાળો થાય તો જ સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થયો કહેવાય, કેમ ખરું ને?

 

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.