ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો છે. વિચારોથી, શબ્દોથી કે કાર્યો દ્વારા મારાથી જો કંઈ પણ ઉપકાર થયો હોય, જો મારા મુખમાંથી દુનિયામાં કોઈને પણ મદદરૂપ થાય એવો એક પણ શબ્દ નીકળ્યો હોય, તો તેનો યશ મને નથી, એ બધો યશ તેમને જ છે. પરંતુ જો મારે મોઢેથી કોઈ શાપવાણી નીકળી હોય, જો મારામાંથી ધિક્કારની કોઈ લાગણી બહાર આવી હોય, તો તે બધો દોષ મારો છે, તેમનો નથી. જે કાંઈ નબળું અને ઊતરતું છે તે બધું મારું છે; જે કંઈ જીવનશક્તિને દેનારું, તાકાત વધારનારું, શુદ્ધ અને પવિત્ર છે, તે બધું તેમની પ્રેરણા, તેમની વાણી છે, સ્વયં તેઓ પોતે છે. ખરેખર, મારા મિત્રો ! જગતે હજી એ મહાપુરુષને પિછાનવાના બાકી છે. દુનિયાના ઈતિહાસમાં આપણે પયગંબરો અને તેમનાં ચરિત્રો વિષે વાંચીએ છીએ; એ બધું તેમના શિષ્યોનાં સૈકાંઓ સુધીનાં કાર્યો અને લખાણો દ્વારા આપણી પાસે આવે છે. હજારો વરસ દરમિયાન કોરાઈ કોરાઈને અને ઘડાઈ ઘડાઈને ભૂતકાળના એ મહાન આચાર્યોનાં જીવનચરિત્રો આપણી સમક્ષ આવે છે; અને છતાં મારા મત પ્રમાણે મેં જે મારી દૃષ્ટિ સમક્ષ જોયું છે, જેમની છત્રછાયા નીચે હું રહ્યો છું, જેમનાં ચરણે બેસીને હું સર્વ કંઈ શીખ્યો છું, તે શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવન જેવું તેજસ્વી અને ઉચ્ચ જીવન બીજું એકેય મેં જોયું નથી.

અરે દોસ્તો! તમને બધાને ગીતાનાં પેલાં પ્રખ્યાત વચનો યાદ હશે : ‘હે ભરતના વંશજ! જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મની ચડતી થાય છે, ત્યારે ત્યારે હું દેહ ધારણ કરું છું. સત્પુરુષોના સંરક્ષણને માટે, દુષ્ટ કર્મો કરનારાઓના વિનાશને માટે અને ધર્મની સ્થાપનાને માટે હું દરેક યુગમાં અવતાર ધારણ કરું છું.’

આધ્યાત્મિક્તાનું આવું એકાદ મહાન મોજું આવે તે પહેલાં નાનાં-નાનાં કૂંડાળાં સમાજમાં ચારે બાજુએ ઊભાં થાય છે. આવું આધ્યાત્મિક્તાનું મોજું પ્રથમ તો અજ્ઞાતપણે, પરખાય નહીં એવી રીતે, ખ્યાલ પણ ન આવી શકે એવા પ્રકારે ઉત્પન્ન થાય છે; પણ ત્યાર પછી એનું પ્રમાણ વધવા માંડે છે; અને પછી તો બીજાં નાનાં નાનાં કૂંડાળાઓને જાણે કે ગળી જઈને, પચાવી જઈને એ વિરાટ બનતું જાય છે અને આખરે સમાજ પર એવા જોરથી એ પછડાય છે કે કોઈ એનો સામનો કરી શક્તું નથી. જો તમારામાં દૃષ્ટિ હશે તો તમને એ દેખાશે; જો તમારાં હૃદય ખુલ્લાં હશે તો તમે એને સ્વીકારશો; જો તમે સત્યના શોધક હશો તો તમને એ સાંપડશે. (સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૨૨૩-૨૪)

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.