‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે માણસ નિષ્ક્રિય બની જાય છે. કહેવાતા વિદ્વાનો એવી દલીલ કરીને શ્રોતાઓને આંજી દે છે કે ‘यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्’. એ શ્લોકે હિંદુસ્તાનની કુસેવા કરી છે. હિંદુઓને ગીતાના આ શ્લોકે પંગુ અને નિષ્ક્રિય બનાવી દીધા છે. શ્રોતાઓ તાળીઓ દ્વારા વક્તાને વધાવે છે, પણ ખરેખર આ શ્લોકનો એવો ભાવાર્થ થતો નથી. વાસ્તવમાં તો માણસ ખૂબ સુકૃત કરે ત્યારે ઈશ્વરને અહીં આવવાનું કારણ મળે છે. ઋષિઓએ કહ્યું છે : ऋते श्रान्तस्य न सख्याय देवाः। ‘આપણા પરિશ્રમ વગર ઈશ્વર અહીં આવશે નહીં.’

આપણો પરિશ્રમ ઈશ્વરના અવતારનું કારણ છે અને ઈશ્વરનો અવતાર આપણા પરિશ્રમનું પરિણામ છે. આપણા સંતોએ ખૂબ પરિશ્રમ લીધો ત્યારે ઈશ્વરને એની મદદમાં આવવું પડ્યું. મને કોઈ કુંડલામાં કહેતું’તું કે ‘બહેન, તમે આ સ્વાધ્યાય-પ્રવૃત્તિ અને પ્રભાત-ફેરીઓ વગેરે કરીને ભગવાનને આવતા રોકો છો. કંઈ પણ સુધારવું છોડી દો. બધું જ બગડવા દો. દુનિયાને એક ખૂણે પણ સારું કામ ન થાય, બધું જ બગડે, બધું જ પડે તો ઈશ્વર આવે. પ્રલય થવા દો પછી તે આવશે. આ તો તમે પ્રલયને રોકો છો.’

મેં કહ્યું, ‘ભાઈ ! હજારો વખત પ્રલય થાય તો પણ ઈશ્વર આવશે નહીં. પ્રલયમાં કોઈ મનુ જોઈએ કે જેને બચાવવા ઈશ્વરને આવવું પડે.’

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।

।। भ.गी.-4.8।।

એમ ભગવાને પોતાને આવવાનાં કારણો કહ્યાં છે. સાધુઓના પરિત્રાણાર્થે પ્રભુ આવે છે. સાધુવિહોણી સૃષ્ટિ બચાવવા તે આવવાના નથી. બધું જ પડતું હોય, સળગતું હોય તો ઈશ્વર તેને પડવા દેશે, સળગવા દેશે પણ એમાં કોઈ પ્રહ્‌લાદ હશે તો પ્રભુ તેને ઉગારવા આવશે. નૃસિંહ ભગવાન હિરણ્યકશિપુને માટે નહોતા આવ્યા, પ્રહ્‌લાદ માટે આવ્યા હતા. પ્રહ્‌લાદની તિતિક્ષા વિના નૃસિંહ અવતાર થયો જ ન હોત. અમે સ્વાધ્યાય કરીને, પ્રભાત-ફેરી કાઢી કાઢીને થાકી જઈશુંં, મરવા પડીએ એટલો પરિશ્રમ કરીશું ત્યારે ઈશ્વરને થશે કે લાવ મદદ કરવા જાઉં. ઈશ્વરનું સખ્ય મેળવવા માટે પોલાદી પરિશ્રમની આવશ્યકતા છે. ऋते श्रान्तस्य न सख्याय देवाः । આમ, ઈશ્વરનો અવતાર કાંઈ માણસને આળસુ કે પુરુષાતનહીન નથી બનાવતો, પરંતુ માણસને પુરુષાર્થ કરવા પ્રેરે છે. એકાદો મહોલ્લો વાળી-ચોળીને સાફ કરેલો હશે તો તેમાં તે આવીને ઊભો રહેશે. બધે જ ગંદકી હશે તો તે ક્યાં ઊભો રહેશે? કયાં ઊતરશે? તેના ઉતરાણ માટે, અવતાર માટે પાવિત્ર્યના પ્રસારની જરૂર છે. તે કચરો પાડનાર માટે નથી આવતો, તે કચરો નિભાવી લેનાર માટે પણ નથી આવતો, તે કચરો સાફ કરનારને મદદ કરવા માટે આવે છે. આમ, શુભ પ્રવૃત્તિઓ ઈશ્વરને અવતાર લેતાં રોકતી નથી, પણ અવતાર લેવા પ્રેરે છે અને यदा यदा हि धर्मस्य… એ શ્લોક માણસને નિષ્ક્રિય નથી બનાવતો, પણ માણસને સદ્પ્રવૃત્તિમાં સક્રિય બનાવે છે. ભગવાનનો અવતારવાદ મનુષ્યના પ્રયત્નવાદ ઉપર ઊભો છે.

પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પાસે મેં એકવાર સાંભળ્યું’તું કે માણસો સેકંડનો કાંટો છે, સંતો મિનિટનો કાંટો છે અને પ્રભુ કલાકનો કાંટો છે. સેકંડનો કાંટો ૬૦ સેકેંડ્સ ચાલે ત્યારે મિનિટનો કાંટો એક મિનિટ ચાલે અને મિનિટનો કાંટો ૬૦ મિનિટ્સ ચાલે ત્યારે કલાકનો કાંટો એક કલાક ચાલે. અર્થાત્ માણસોની લાયકાત બહુ ઊભી થાય ત્યારે તેમને એકાદ સંત મળે અને સંતનો બહુ પરિશ્રમ થાય ત્યારે પ્રભુ મદદે આવે. મેં એ રહસ્યને કાવ્યમાં ઉતારેલું,

‘મેં દીઠો, લાવ બીજાને દેખાડું.

હાં, એ થાક્યાં સંતચરણમાં

નિજબળ કરથી ભરતો.’

તો આ અવતારવાદનું રહસ્ય છે. એ જાણવું જરૂરી છે. અવતારો ૧૦ થયા કે ૨૪ થયા એ જાણીને શું? અવતાર શું કામ થયા તે અગત્યનું છે.

અવતારવાદમાં બીજી વાત એ અગત્યની છે કે આપણા જન્મમાં અને ભગવાનના જન્મમાં જબરો તફાવત છે.

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।

प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ।।

।। भ.गी.-4.6।।

પોતે અજન્મા હોવા છતાં, અવ્યયાત્મા હોવા છતાં, સર્વભૂતોના ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય લઈને, પોતાની માયા વડે પ્રભુ જન્મ લે છે. કોઈ મનુષ્યની જેમ કર્મફલ ભોગવવા ભગવાન જન્મ લેતા નથી. તેથી તો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે મારો જન્મ અને મારાં કર્મો બન્ને દિવ્ય છે.

जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः ।

त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।

।। भ.गी.-4.9।।

તેમનાં જન્મ અને કર્મ દિવ્ય છે તે જાણનારને પણ પુનર્જન્મ નથી તો ભગવાનને ખુદને પુનર્જન્મ ક્યાંથી હોય? તેથી જ સંત તુલસીદાસજીએ બાલકાંડમાં શ્રીરામના જન્મ માટે દર્શાવેલી પ્રતાપભાનુની કથા અને અન્ય કથાઓનાં કારણો ગળે ઊતરે તેવાં નથી. ભગવાનને કોઈ કર્મફળ ભોગવવા માટે જન્મ નથી લેવો પડતો. स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुम् (રામરક્ષા સ્તોત્ર-૩) તેઓ તો અજન્મા હોવા છતાં જગતરક્ષા માટે

‘स्वलीलया’ આવિર્ભૂત થાય છે. તેમને અવતરવા માટે કર્મફળની આવશ્યકતા નથી. તેમની પાસે કોઈ સંચિત કર્મફળ છે જ નહીં. તેમને પ્રારબ્ધ ભોગવવાનાં છે જ નહીં.

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।

इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ।।

।। भ.गी.-4.14 ।।

‘મને કર્મફળની સ્પૃહા નથી તેથી મને કર્મફળ ચોંટતાં નથી.’ તેથી તેમનાં કર્મો પણ દિવ્ય કહેવાયાં છે.

ભગવાનના દશ અવતાર ગણાય છે. મત્સ્યથી કલ્કિ સુધીના એ અવતારોને પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સાથે સરખાવ્યા છે.
શ્રીમદ્ ભાગવતમાં ૨૪ અવતારોનો ઉલ્લેખ છે. મહાભારતના અનુશાસન પર્વમાં જે ‘વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર’ છે તેમાં એક નામ છે ‘अनुकूलः’બીજું નામ છે ‘शतावर्तः’ મને બન્ને નામ ભેગાં કરીને એક અર્થ સૂઝે છે કે ભગવાનને સેંકડો વખત આવર્તન કરવાનું અનુકૂળ છે. એટલે કે એમના અગણિત અવતારો થયા છે, થઈ રહ્યા છે અને થતા રહેશે. એમના કેટલાક અંશાવતારો છે અને કેટલાક પૂર્ણાવતારો છે.

વળી એ અવતારો ચાર પ્રકારના છે : આવેશ, પ્રવેશ, સ્ફૂર્તિ અને પ્રાદુર્ભાવ.

ભગવાનના અવતાર જેવા કે મત્સ્યાવતાર, કચ્છપાવતાર, વરાહાવતાર વગેરે આવેશ-અવતાર હતા. થોડા વખત માટે ભગવાનનો તેમાં આવેશ થયો. પછી તે મત્સ્ય, કાચબો, વરાહ ક્યાં ગયા? તે ક્યારે જન્મેલા? ક્યારે દેહાન્ત થયો? કાંઈ ખબર નથી.

મને યાદ આવે છે એક પ્રસંગ – ગુજરાત યુનિવર્સિટીની એક્સટર્નલ S.Y.B.Aની પરીક્ષાનું સંસ્કૃતનું પેપર આપવાનો એ દિવસ હતો. સંસ્કૃત લેનાર વિદ્યાર્થીઓ બહુ ઓછા રહેતા તેથી મને યુનિવર્સિટી પાસેથી નમૂનાનાં જૂનાં પેપર્સ પણ જોવા નહોતાં મળ્યાં. પેપર્સ એટલાં ઓછાં નીકળતાં કે તે છાપવાને બદલે સાઈક્લોસ્ટાઈલ કરાતાં હતાં. ત્યારે સંસ્કૃતમાં એક પેપર શ્રીમદ્ ભગવદ્ ગીતાનું હતું. ગીતા વિશે કોઈ અધ્યાયવાર પૂછે તો મને બધું આવડતું હતું, પણ કોઈ સંસ્કૃત શ્લોક પૂછીને તેનો પૂર્વાપર સંબંધ પૂછે તો નહોતું આવડતું. ટિળક, ગાંધીજી, વિનોબાજી, પાંડુરંગ શાસ્ત્રીજી, મહર્ષિ અરવિંદ વગેરે મહાત્માઓેએ લખેલી મીમાંસાઓનો મેં રસથી અને મારા ગજા પ્રમાણે અભ્યાસ કરેલો. પણ મૂળ શ્લોકો લઈને ગીતાનો અભ્યાસ કરવાનો મને સમય જ નહોતો મળ્યો. અને ૭૦૦ શ્લોકોને પરીક્ષા માટે એવી રીતે જોવાની જરૂર નહીં, પૂર્વાપર સંબંધ જેવું નહીં પૂછતા હોય એવું મેં મનોમન માની લીધેલું. પરીક્ષાને દિવસે સ્થળ ઉપર અરધો-પોણો કલાક વહેલાં પહોંચાયું. હું અને મારો એક પિત્રાઈ ભાઈ રાજેન્દ્ર ઓટલે બેઠાં હતાં. ત્યાં ભાવનગરના પોલિટેકનિક કોલેજના ગ્રાઉન્ડમાં અમારા ઓટલા પાસેથી થોડા છોકરાઓ પસાર થયા. વાતો કરતા જતા’તા કે ‘આજે સંસ્કૃતના પેપરમાં તો રેફરન્સ પણ પુછાય છે હોં.’ હું ચમકી ગઈ. મેં તેમને બોલાવીને ફરી પૂછીને ખાતરી કરી જોઈ. હવે શું કરવું? અઢાર-વીસ માકર્્્સનો રેફરન્સ-પ્રશ્ન પુછાતો.

મેં એક ટુચકો કર્યો. ઉપર શ્લોક અને નીચે અનુવાદવાળો ગીતાજીનો ગુટકો મારી પાસે હતો. મેં તેનાં પાનાંને ફરરર કરતાં ઝડપથી ફેરવવાનું શરૂ કર્યું. જ્યાં પાનું અટકે ત્યાં તે પાના ઉપરના શ્લોકો સમજી લેવાનું નક્કી કર્યું. આવું ચારેક વાર કર્યું હશે ત્યાં તો બેલ પડ્યો. ક્લાસમાં જ્યારે પેપર્સ વહેંચાયાં અને મારા હાથમાં પેપર આવ્યું ત્યારે મેં સૌ પ્રથમ તેમાં રેફરન્સનો સવાલ જ શોધ્યો અને પરમ નવાઈ ! નવાઈ ! મેં ટુચકો કરતી વખતે જે શ્લોકો વાંચેલા તે જ પુછાયેલા હતા.

નથી લાગતું કે પેલા છોકરાઓમાં ભગવાનનો થોડી વાર માટે આવેશ થયો હશે? મને સંદેશ પહોંચાડવા માટે ભગવાને આવેશાવતાર લીધો હશે. અરે ગીતાજીના પાનાએ પણ ક્યારે અટકવું, ક્યારે ફરફરવું એ ભગવાને પ્રેર્યું હશે. આવા અવતારોના તમને પણ ઘણીવાર અનુભવ થતા હશે.

પરશુરામ, કપિલ વગેરેમાં ભગવાનનો અમુક અરસા સુધી પ્રવેશ રહ્યો હતો તેથી અવતારકાર્ય પૂર્ણ થયા પછી ભગવાન પરશુરામ ઋષિ પરશુરામ તરીકે જ શેષ રહી ગયા.

નૃસિંહ અવતાર ભગવાનનો સ્ફૂર્તિ-અવતાર છે. એક પલકમાં એ પ્રગટે છે અને થોડીવારમાં જ કાર્ય પૂર્ણ કરી તે અંતર્ધાન થઈ જાય છે અને એ થોડીવારમાં તે અલૌકિક ઝળહળાટ મૂકી જાય છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવ પ્રકારના અવતારો છે. એ જન્મ્યા છે, મોટા થયા છે, એમણે લીલાઓ કરી છે અને મહાયાત્રા કરીને નિજધામમાં સિધાવ્યા છે.

તો ભગવાનના અવતારનાં આ ત્રણ રહસ્યો પામવા જેવાં છે.

Total Views: 414

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.