ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।। (यजुर्वेद – 36.17) “સ્વર્ગલોક, અંતરિક્ષલોક તથા પૃથ્વીલોક અમને શાન્તિ પ્રદાન કરો. જળ, ઔષધિઓ, વનસ્પતિઓ, બધા દેવગણ તથા સર્વવ્યાપી પરમાત્મા શાન્તિ સ્થાપિત કરો. શાન્તિ એટલે શાન્તિ અર્થાત્ એ અવ્યાખ્યેય શાન્તિ અમને આપો.’

પણ આ શાન્તિ એટલે શું? વેદના ઋષિઓ શાન્તિની વ્યાખ્યા આપી શક્યા નથી. તેમણે તો અનન્વય અલંકાર પ્રયોજીને કહી દીધું કે “शान्तिः एव शान्तिः – શાન્તિ એટલે શાન્તિ.’

જે બાળક માબાપથી છૂટું પડી ગયું હોય, ભૂલું પડ્યું હોય તેને પૂછીએ કે તારા પપ્પાનું નામ શું? તો તે કહેશે “પપ્પા.’ એવી જ રીતે તારી મમ્મીનું નામ શું? તો તે કહેવાનું “મમ્મી.’ એમ આપણે ઋષિને પૂછીએ કે શાન્તિ એટલે શુંં? તો કહેશે “शान्तिः एव शान्तिः – શાન્તિ એટલે શાન્તિ.’

પણ આચાર્ય વિનોબાજીએ શાન્તિની વ્યાખ્યા આપી છે કે “શાન્તિ એટલે અશાન્તિને પચાવવાની શક્તિ.’

સંસારમાં પાર વિનાની અશાન્તિ છે. માંદગીની અશાન્તિ, ભણવાની પળોજણની અશાન્તિ, પાસ-નાપાસના પરિણામની અશાન્તિ; નોકરી ન મળી, અને મળી તો સારી ન મળી વગેરેની અશાન્તિ; લગ્નની અશાન્તિ, સામું પાત્ર જન્મ અને કુટુંબના અલગ સંસ્કાર લઈને આવ્યું હોય તેથી તેની સાથે અનુકૂલનના પ્રશ્નોથી ઊભી થતી અશાન્તિ; બાળકો ન થવાં, થયાં તો ખોડખાપણવાળાં હોય કે મોટાં થઈને ગુંડા જેવાં થઈ જાય કે વહેલાં મરી જાય તોય અશાન્તિ અને અશાન્તિ. અરેરે, આ સંસારમાં મધપૂડામાં માખીઓ બણબણતી હોય તેમ અશાન્તિની ભીડ છે. આ અશાન્તિ પચાવવાની શક્તિ મેળવી લઈએ તો શાન્તિનો અનુભવ થાય. એ શક્તિ કેવી રીતે અને ક્યાંથી મેળવવી? જે શાન્ત, ધીરસ્થિર હોય તેની પાસેથી તે મળી શકે.

મહાભારતના “અનુશાસન પર્વ’માં યુદ્ધિષ્ઠિરને ભીષ્મ પિતામહે “વિષ્ણુસહસ્રનામ’નું એક સ્તોત્ર શીખવ્યું છે. તેમાં ભગવાનનાં ત્રણ નામ શાન્તિને લગતાં છે :

૧. શાન્ત : ૨. શાન્તિ : ૩. શાન્તિદ :

૧. શાન્ત : એટલે જેને શમ સિદ્ધ છે તે. જે ઇન્દ્રિયોનાં વિષયસુખોથી રહિત છે તે. “ભોગેચ્છા માત્ર દુ :ખની જન્મભૂ છે’ તો જેમની પાસે ભોગેચ્છા નથી તેમની પાસે કેવળ સુખ છે અને એ સુખને કારણે એમની પાસે શાતા-શાન્તિ છે. એટલે ભગવાન એવા છે તેથી તેમનું નામ શાન્ત : છે. “ૐ શાન્તાય નમ :’

૨. વિષ્ણુનું બીજું નામ છે “શાન્તિ :’. સમસ્ત અવિદ્યાની નિવૃત્તિ એટલે શાન્તિ, એવું શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે સમજાવ્યું છે. ભગવાન પાસે તો અવિદ્યા હોય જ નહીં, કેવળ વિદ્યા જ હોય તેથી તેમનું નામ “શાન્તિ :’ છે. “ૐ શાન્તયે નમ :’. અને આપણી પાસે અવિદ્યાનો પાર નથી એટલે આપણે અશાન્ત છીએ. આ શાન્તિ ક્યાંથી મળે, ક્યારે મળે, કોને અને કેવી રીતે મળે? શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આ વિશે અનેકવાર દર્શાવ્યું છે. ભગવદ્ગીતા જીવનગ્રંથ છે, તે આપણને જીવતાં શિખવાડે છે. તો ચાલો, શાન્તિ મેળવતાં એમની પાસેથી શીખીએ – त्यागात् शान्तिः अनन्तरम्।। (भगवद्गीता – 12.12) “ત્યાગથી સત્વરે અનંત શાન્તિ પ્રાપ્ત થાય છે’. શ્રીમદ્ ભાગવતમાં એકાદશ સ્કંધમાં અવધૂતોપાખ્યાન આવે છે. તેમાં દતાત્રેય પોતાના ગુરુઓની વાત કરે છે. એમાં એક ગુરુ છે ક્રૌંચ પક્ષી (कुरर). તે મુખમાં માંસનો ટુકડો લઈને ઊડતું હતું. તે જોઈને અન્ય કેટલાંય નાનાં મોટાં પક્ષીઓ તેની આજુબાજુ ઊડતાં ઊડતાં તેને ચાંચ મારીને હેરાન કરવા માંડ્યાં. પેલું બિચારું ક્રૌંચ પક્ષી અધમૂઉં થઈ ગયું. પછી તેણે માંસનો ટુકડો નીચે ફેંકી દીધો તેથી બધાં પક્ષીઓ નીચે ચાલ્યાં ગયાં. એટલે ક્રૌંચ પક્ષીને તરત જ શાન્તિનો અનુભવ થયો. જેવો ત્યાગ કર્યો કે તરત જ શાન્તિ મળી. ચોર કે લુંટારાને જોઈએ એવી ચીજ જેની પાસે નથી તે સુખી છે. બીજો અર્થ કરીએ તો કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સરના ત્યાગથી શાન્તિ મળે.

स शान्तिमाप्नोति न कामकामी। (भगवद्गीता – 2.70)

નદી અને દરિયાનું દૃષ્ટાંત આપીને ભગવાને સમજાવ્યું છે : “નદીઓનાં પાણીના પ્રવેશ છતાં સમુદ્ર અચળ રહે છે. તેવી જ રીતે વિષયોથી ન ચળનારો માણસ શાન્તિ

પામે છે, નહિ કે વિષયોને ઇચ્છનારો.’ વિષયોથી ન ચળનારો ધીર કહેવાય છે. મહાકવિ કાલિદાસે “કુમાર સંભવ’માં કહ્યું છે કે विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त

एव धीराः। “વિકાર પામવાનાં અનેક કારણો મોજૂદ હોવા છતાં જેનાં ચિત્ત વિકાર પામતાં નથી તે ધીર પુરુષો છે.’ લો, આવા ધીર બનીએ તો શાન્તિ મળે. જ્યારે જ્યારે

આવા વિકાર પ્રેરકપ્રસંગો ઊભા થાય ત્યારે ભગવદ્ગીતાનો આ મંત્ર યાદ કરી લેવો, “धीरः तत्र न मुह्यति। (भगवद्गीता – 2.13)’ “ધીર પુરુષ આમાં મોહ ન પામે’. આપણે એ વિકારને જરૂર ઓળંગી શકીશું અને ઓળંગીને પાર પહોંચતાં વેંત જ શાન્તિ મળશે.

विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः। र्निममो निरहंकारः स शान्तिमधिगच्छति ।। (भगवद्गीता – 2.71) “જે બધી કામનાઓ ત્યજીને નિ :સ્પૃહ, મમતારહિત અને અહંકારરહિત થઈને વિચરે છે તે શાન્તિ પામે છે.’

निःस्पृहः

सर्वान् कामान्- બધી જ કામનાઓ છોડી દેવાની છે, એકાદિ પણ રાખવાની નથી. માથામાંથી બધી જૂ શોધીને કાઢી શકાય, પણ એકાદ લીખ કે ઈંતડી રહી જાય તો તે બીજે દિવસે જૂ થઈ જાય. કામનાઓ જાગે એટલે તેમને પૂરી કરવાના ધમપછાડા શરૂ થાય. જો કામના પૂર્ણ થાય તો તેને ફરી વાર ભોગવવાની ઇચ્છા થાય. આને લોભ કહેવાય. જો કામના પૂરી ન થાય તો ક્રોધ આવે. ઉપનિષદમાં બે પક્ષીઓની વાત આવે છે. એમાં એક પક્ષી ખા-ખા કરે છે, તે મહાદુ :ખી છે, કારણ કે તે એક ફળ ખાય છે અને એ તેને મીઠું લાગે તો બીજું પણ મીઠું હશે તેમ સમજીને બીજું ફળ ખાય છે. પણ આ બીજું તો કડવું નીકળ્યું. થૂ ! હવે મોઢું સારું કરવા તેણે ત્રીજું ખાવું પડશેે, એ મીઠું નીકળે પણ ખરું. આમ કરતાં કરતાં તેણે ઘણાં ફળ ખાધાં. પરિણામે તેનું મોઢુંય બગડી ગયું અને ખાઈ ખાઈને પેટમાં આફરો ચડ્યો. પણ એકેય ફળ ખાધા વિના નિ :સ્પૃહ થઈને જે પક્ષી બેઠું હતું તે શાન્તિથી બેસી રહ્યું. એ શાન્ત હતું તેથી શાન્તિનો અનુભવ કરતું હતું. પેલું અશાન્ત પક્ષી પુષ્કળ કામનાવાળા અશાન્ત મનુષ્યનું પ્રતીક છે.

द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।

तयोरन्यः पिप्पलं स्वाद्वत्ति अनश्नन्नन्यो अभिचाकशीति ।।

(ऋग्वेद 1.164.20, मुंडक 3.1.1, श्वेताश्वतर उ.4.6) “સાથે સાથે રહેનાર તથા સમાન આખ્યાનવાળાં સખારૂપ બે પક્ષીઓ એક જ વૃક્ષનો આશ્રય લઈને રહે છે. પણ એમાંનું એક તો સ્વાદિષ્ટ પિપ્પલ ફળોનો ભોગ કર્યા કરે છે અને બીજું પક્ષી ફળોનો ભોગ ન કરતાં કેવળ જોયા કરે છે.’ આ બધી વાતો આપણને જીવનમાં ઉપયોગી થાય એવી છે.

र्निममः – મમતા રોવડાવે છે. જે એને જીતી જાય છે, એ સ્વસ્થ રહી શકે છે.

निरहंकारः – અહંકાર તો બહુ ભૂંડો છે. તે આપણને પાડી જ દેવાનો. વીંછી કરડે અને જે ભયંકર વેદના થાય તેમ આ અહંકાર ચડે છે અને જેને ચડે છે તેની દશા ભૂંડી થાય છે. “ગરવ કિયો સોઈ નર હાર્યો’ રાવણ કેવો પડ્યો! એના પતનનાં બે કારણો હતાં :

૧. સીતાજી માટેની તેની સ્પૃહા, ૨. તેનું અભિમાન.

युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति

नैष्ठिकीम् । (भगवद्गीता – 5.12) “કર્મયોગી (युक्तः)કર્મફળને ત્યજીને નૈષ્ઠિકી શાન્તિ પામે છે.’ સમસ્ત ગીતાનો સાર એટલે “નેકી કર ઔર કૂએં મેં ડાલ.’ ખરાબ કામ તો કરવાનાં જ નહીં એટલે પાપનાં ફળ તો એકઠાં થશે જ નહીં. નેકી એટલે ઉત્તમ કાર્યો જ કરવાનાં અને એનાં ફળો પરમાત્મારૂપી કૂવામાં નાખી દેવાનાં. કૃષ્ણાર્પણ બુદ્ધિથી સારાં કર્મો કરવાથી ફળ ભોગવવા માટે ફરી જન્મવું નહીં પડે. પુનર્જન્મની કચકચ ટળી જાય એનું જ નામ મોક્ષ.

ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति।। (भगवद्गीता – 4.39) “જ્ઞાન પામીને તરત જ તે શાન્તિ પામે છે.’ કોણ શાન્તિ પામે છે? આ શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः – “આવો માણસ જ્ઞાન પામે છે અને જ્ઞાન પામવાથી એને શાન્તિ મળે છે.

૩. હવે આપણે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રમાંથી જે ત્રણ નામ જોયાં હતાં, તેમાંનંુ ત્રીજું નામ “શાન્તિદ :’ છે.હવે આપણે “શાન્તિદ :’ નામ વિશે જોઈએ.
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ।

(भगवद्गीता – 5.29)

“સર્વ પ્રાણીના મિત્ર એવા મને જાણીને તે શાન્તિ પામે છે.’ “ધરતીનો છેડો ઘર’ની જેમ આ સંસારનો છેડો પરમાત્મા છે. તેને જાણી લેવાથી શાન્તિ મળે. આ શાન્તિ નરસિંહ, મીરા વગેરે ભક્તો પામ્યાં હતાં. એટલે કે જે ભગવાન शान्तः છે, शान्तिः છે, તે જ शान्तिदः (શાન્તિ આપનારા) છે. ॐ शान्तिदाय नमः

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः।शान्तिं र्निवाणपरमां मत्संस्थामधिगच्छति।।

(भगवद्गीता – 6.15)

“એમ અંત :કરણને મારી સાથે નિત્ય જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપી પરમ નૈષ્ઠિકી શાન્તિ પામે છે.’

લો, ભગવાને શાન્તિનું સરનામું આપી દીધું કે શાન્તિ એમનાં ચરણોમાં છે.

तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्। (भगवद्गीता – 18.62)

“તેની કૃપાથી તું પરમ શાન્તિ અને સનાતન સ્થાન(મોક્ષ) પામીશ.’

મેં બ્રહ્મલીન પ્રમુખ સ્વામીના એક પ્રવચનમાં એક દૃષ્ટાંત સાંભળેલું કે જે જે લોકોએ જે કાંઈ માગ્યું’તું તે તે વસ્તુઓના કોથળા ભરી ભરીને ભગવાને આપ્યા. સાથે લક્ષ્મીજીને લાવ્યા’તા અને પછી ઇચ્છુક લોકો ભેળા થયા ત્યારે ભગવાને કોથળા ઠલવ્યા. અને કહ્યું કે જેણે જે કંઈ માગ્યું’તું તે આમાંથી લઈ લો પણ એમાંથી એક ચીજ ભગવાને પોતાનો એક ચરણ લંબાવીને એમાંથી પોતાની તરફ ખેંચી લીધી અને ચરણની નીચે છુપાવી રાખી. લક્ષ્મીજીએ પૂછ્યું, “એ શું છે? બધાને બધું આપી દેવા લાવ્યા છો તો એ શું છુપાવી લીધું?’ ભગવાને કહ્યું, “એ શાન્તિ છે. એ એને જ મળશે જે મારે શરણે, મારે ચરણે આવશે.’

तत्प्रसादात् परां शान्तिम् प्राप्स्यसि ।

“ભગવાનની કૃપાથી જ તું પરમ શાન્તિ મેળવીશ.’ ભગવાન કૃપા ત્યારે જ કરશે કે જ્યારે આપણે ઉપરના શ્લોકોમાં જે લાયકાત કેળવવાની કહી છે તે લાયકાત કેળવીશું. “शान्तिदः’ ભગવાનને શરણે જઈ તેમના કહેવા પ્રમાણે જીવીએ તો શાન્તિ મળે.

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.