જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શક્શો ! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે. ભારતના બીજા ભાગોમાં બુદ્ધિ છે, પૈસો છે, પણ ઉત્સાહ તો કેવળ મારી માતૃભૂમિમાં જ છે; એણે બહાર ઊછળી આવવું જોઈએ. માટે કલકત્તાના નવયુવકો ! તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. એવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કદીયે કોઈ કાળે કોઈએ જોયો છે? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી- શ્રદ્ધાની શક્તિથી બનેલી છે.

આપણે જરૂર છે આ શ્રદ્ધાની. દુર્ભાગ્યે ભારતમાંથી એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, આ કારણે આપણે આપણી હાલની દશામાં આવી પડ્યા છીએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે, બીજું કાંઈ નહીં. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે. મારા ગુરુદેવ કહેતા કે જે પોતાને નબળો માને તે નબળો જ થવાનો અને એ સાચું છે. આ શ્રદ્ધા તમારામાં આવવી જ જોઈએ. પશ્ચિમની પ્રજાઓએ વિકસાવેલી જે ભૌતિક શક્તિ તમે જુઓ છો તે બધી આ શ્રદ્ધાનું ફળ છે, કારણ કે તેમને પોતાના બાહુબળમાં શ્રદ્ધા છે. અર્થાત્ જો તમે તમારા આત્મામાં શ્રદ્ધા રાખો તો એ કેટલું વધારે કાર્ય કરે ! તમારાં પુસ્તકો અને ઋષિઓ એકી અવાજે જેનો ઉપદેશ કરે છે તે અનંત આત્માની અનંત શક્તિમાં શ્રદ્ધા રાખો. જેનો કશાથી નાશ થઈ શકે નહીં એ આત્માની અંદર અનંત શક્તિ રહેલી છે; તેને બહાર લાવવાની જ વાર છે. ભારતીય ફિલસૂફી અને બીજી ફિલસૂફીઓ વચ્ચે અહીં જ મોટો તફાવત છે. દ્વૈતવાદી હોય, વિશિષ્ટાદ્વૈતવાદી હોય કે અદ્વૈતવાદી હોય, દરેક મક્કમપણે માને છે કે સર્વ કંઈ આત્માની અંદર જ રહેલું છે; માત્ર એને બહાર લાવવાનું અને પ્રગટ કરવાનું જ રહે છે. એટલા માટે જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે. દરેક વસ્તુની મજાક ઉડાડવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો, એને હાંકી કાઢો. મજબૂત બનો, આ શ્રદ્ધા રાખો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.

મેં તો હજી કશું જ કર્યું નથી; ખરું મહેનતનું કામ તો તમારે કરવાનું છે. આવતી કાલે જ હું મરી જાઉં, તો પણ કાર્ય મરવાનું નથી. હું ખરા અંત :કરણથી માનું છું કે હજારો એવા યુવકો નીકળી આવશે, જેઓ આ કાર્યને ઉઠાવી લેશે; અને મારી ગગનગામી આશાએ કલ્પ્યું પણ નહીં હોય તે કરતાં પણ વધુ ને વધુ આગળ ધપાવ્યે જશે. મને મારા દેશમાં, ખાસ કરીને મારા દેશના નવયુવકોમાં શ્રદ્ધા છે.

‘ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો !’ ડરો નહીં, કારણ કે માનવજાતિના સમગ્ર ઈતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા થયેલી છે. ઇતિહાસ કેવળ તેનું પુનરાવર્તન જ કરી શકે. કોઈ વસ્તુથી ડરો નહીં. તમે અદ્‌ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી.

(સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૨૩૦-૩૨)

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.