શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત : મંગલકારક, પરમ કલ્યાણકારી.

આગમ-નિગમમાં ભગવાન શિવને વિશુદ્ધ જ્ઞાનવિગ્રહ ગણવામાં આવ્યા છે. અધ્યાત્મ-રામાયણમાં તો છે- જ્ઞાનમ્ ઇચ્છેત્ મહેશ્વરાત્ – પરમજ્ઞાનની આકાંક્ષા શિવ પાસે કરો. માંડૂક્ય ઉપનિષદમાં મુખ્યત : શિવ-મહિમાનું ગાન છે.

શિવ સર્વવિદ્યાઓનું ઊગમસ્થાન છે. ભગવાન શિવ શાંતિ, તૃપ્તિ, કલ્યાણ, શુભત્વ, મંગળ, સત્ત્વ, જ્ઞાન, વિદ્યા ઇત્યાદિનો મૂર્તિમાન વિગ્રહ છે. સંક્ષિપ્તમાં બ્રહ્માંડની સર્વશક્તિઓનું મૂળ છે ભગવાન શિવ.

ભગવાન શિવનાં ચરિત્ર અતિ ઉદાત્ત અને અનુગ્રહપૂર્ણ છે. તેઓ સહજ સંતુષ્ટ, સર્વપાપ-દોષ-ક્ષમાશીલ, અદોષદર્શી, અહેતુક કરુણાસિંધુ, આશુતોષ-શીઘ્ર તુષ્ટ થનાર, ઉદાર શિરોમણિ છેે. અનેકાનેક કથા અને ઉપકથા આનાં સાક્ષી છે. વિવિધ પુરાણોમાં આનાં સવિસ્તાર વર્ણન જોવા મળે છે. તેઓ દેવ તથા દાનવ બન્નેનાં ઉપાસ્ય દેવ છે. અંધકાસુર, ગજાસુર, ભસ્માસુર, ત્રિપુરાસુર, બાણાસુર વગેરે દાનવોએ શિવ-આરાધનાથી પરમશક્તિનાં વરદાન પ્રાપ્ત કર્યાં હતાં એવી કથાઓ પૌરાણિક સાહિત્યમાં ઉપલબ્ધ છે.

ભગવાન શિવનો પરિવાર વિશાળ છે. એકાદશ રુદ્ર, રુદ્રાણીઓ, ચોસઠ યોગિનીઓ, માતૃકાઓ, ભૈરવ ઇત્યાદિ તેઓનાં સહચર-સહચરીઓ છે.

ભગવાન શિવનું વાહન વૃષભ એટલે કે નંદી છે. ભગવાન ધર્મે દીર્ઘકાળપર્યંત તપસ્યા દ્વારા ભગવાન શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરીને વૃષભરૂપે તેમનું વાહન બનવાની ઇચ્છા પૂરી કરી હતી.

ભગવાન શિવ જ્ઞાન, વૈરાગ્યના પરમોચ્ચ આદર્શ છે, આદિગુરુ છે, ભક્તિમાર્ગના પ્રથમ આચાર્ય છે, નૃત્યપ્રવર્તક છે; જ્ઞાન, બળ અને ક્રિયાશક્તિમાં શિવ સમાન કોઈ જ નથી, તો પછી તેમનાથી અધિક કોણ હોઈ શકે?

તેઓ નિત્ય, અનાદિ, અજન્મા, મૂળ પ્રકાશક છે. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ – આ ત્રણ અવસ્થાથી પર એવી તુરીય અવસ્થામાં અધિષ્ઠિત પૂર્ણપ્રકાશયુક્ત છે. તેઓ આદિ-અંત-વિહીન અનંત છે. તેઓ પાવનકારીમાં પરમ પાવનકારી છે. તેઓ સર્વોપરી, સર્વેશ્વર, સદાનંદ, અંતર્યામી પરાત્પર તત્ત્વ છે.

ભગવાન શિવનું સ્વરૂપ વિલક્ષણ, વિશિષ્ટ, વૈચિત્ર્યપૂર્ણ, વિભૂતિસંપન્ન છે. સ્મશાનનિવાસી છતાંય બ્રહ્માંડનાયક, યોગીરાજ છતાંય અર્ધનારીશ્વર, સદા પાર્વતી-સંગયુક્ત છતાંય કામજિત, અજન્મા છતાંય અનેક રૂપોમાં આવિર્ભૂત, વસ્ત્રહીન એવા પરમ દરિદ્ર છતાં સકલ-ભક્ત અભીષ્ટદાતા, અનેક બાહ્યદોષયુક્ત છતાં સર્વગુણાધ્યક્ષ, અવ્યક્ત છતાં વ્યક્ત અને કારણોના કારણ છતાં અકારણ.

તેઓ પંચમુખ કહેવાય છે – ઈશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ અને સદ્યોજાત. ક્રીડા, તપસ્યા, લોકસંહાર, અહંકાર તથા જ્ઞાનપ્રાધાન્ય ગુણવિશેષનું આ સ્વરૂપો પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શિવ અષ્ટમૂર્તિ છે – શર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન તથા મહાદેવ. તે અનુક્રમે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ક્ષેત્રજ્ઞ, સૂર્ય તથા ચંદ્રના અધિષ્ઠાન રૂપે છે.

વેદોમાં પુરુષસૂક્ત, રુદ્રસૂક્ત તથા શતરુદ્રીય વગેરે દ્વારા ભગવાન શિવની સ્તુતિ કરાઈ છે. પાશુપતઆગમ, શૈવાગમ વગેરે આગમોમાં ભગવાન શિવનાં વિભિન્ન સ્વરૂપો, નામ, ચરિત્ર, સ્તુતિઓ, પૂજા-વિધાન વગેરેનાં વિષદ વર્ણનો જોવા મળે છે. ભગવાન શિવની ઉપાસના નિર્ગુણ તેમજ સગુણ સ્વરૂપે લિંગવિગ્રહ તથા મૂર્તિવિગ્રહમાં સંપન્ન કરી શકાય છે. ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર, મૃત્યુંજય, પંચવક્ત્ર, એકવક્્ત્ર, કૃત્તિવાસ, પશુપતિ, દક્ષિણામૂર્તિ ઇત્યાદિ શિવના મૂર્તિવિગ્રહો છે. જ્યોતિર્લિંગ, સ્વયંભૂલિંગ, નર્મદેશ્વર-લિંગ, રત્નલિંગ, ધાત્વાદિલિંગ, પારદલિંગ, પાર્થેશ્વરલિંગ ઇત્યાદિ શિવના લિંગવિગ્રહો છે.

ભગવાન શિવનાં લીલાસંગિની છે – આદિ શક્તિ પાર્વતી. પરિવારના અન્ય સદસ્ય છે – પુત્ર ગણેશ (તેમનાં પત્ની સિદ્ધિ-બુદ્ધિ, તેમના પુત્રો ક્ષેમ-લાભ, વાહન-મૂષક) મોટો પુત્ર કાર્તિકેય (તેમનાં પત્ની દેવસેના તથા વાહન-મયૂર). તદુપરાંત વામ, રાવણ, ચંડી, ભૃંગી ઇત્યાદિ પાર્ષદો પણ છે. તેમના દ્વારરક્ષક છે કીર્તિમુખ.

શિવ તત્ત્વત : સર્વત્ર વ્યાપ્ત છે છતાંય કાશી તથા કૈલાસ તેમનાં મુખ્ય નિવાસસ્થાનો છે. ખરું જોતાં તો તેઓ ભક્તોના હૃદયપ્રદેશમાં સદાનિવાસી છે.

ભગવાન શિવનાં આયુધો અનેક છે – ત્રિશૂલ, કૃપાણ, વજ્ર, અંકુશ, પાશ, પિનાક ધનુષ્ય. આમાં ત્રિશૂલ તથા પિનાક ધનુષ મુખ્ય આયુધ છે.

ભગવાન શિવના મહિમાનું ગાન સર્વોત્કૃષ્ટપણે શિવપુરાણમાં જોવા મળે છે. તદુપરાંત સ્કન્દ, મત્સ્ય, કૂર્મ, વાયુ, બ્રહ્માંડ, અગ્નિ તથા સૌર પુરાણોમાં પણ શિવનાં અમૃતમય મંગલકારી ચરિત્રોનું વર્ણન જોવા મળે છે.

માત્ર દેવો, અસુરો અને સામાન્ય મનુષ્યો જ નહિ, પરંતુ ઋષિ, મુનિ, નાગ, કિન્નર, અપ્સરા, યોગી, વિદ્યાધર, ચારણ, ધ્યાની-જ્ઞાની વગેરે ભગવાન શિવનું નિરંતર ધ્યાન, સ્તુતિ, પૂજન, યજન ઇત્યાદિ કરે છે.

શિવની મંત્ર-ઉપાસનામાં પંચાક્ષરી મંત્ર – નમ : શિવાય અને મહામૃત્યુંજય મંત્ર વિશેષ પ્રસિદ્ધ છે.

શિવ ઉપાસનામાં રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ, શિવમંત્રજપ, પંચોપચાર કે ષોડશોપચાર પૂજન, જળધારાથી અને વિશિષ્ટ અનુષ્ઠાનરૂપે દૂધ, દહીં, ઘી, મધુ, શેરડીનો રસ, નારિકેલરસ, પંચામૃત, પંચગવ્ય, રત્નોદક વગેરેથી અભિષેક ઇત્યાદિનું વિધાન છે. રુદ્રાષ્ટાધ્યાયીના લઘુરુદ્ર, મહારુદ્ર, કોટીરુદ્ર તથા અતિરુદ્ર યજ્ઞ-યાગાદિનાં પણ શાસ્ત્રોમાં વિધાન છે.

સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, કેદારેશ્વર, ભીમાશંકર, વિશ્વેશ્વર, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર તથા ઘુશ્મેશ્વર – આ બાર જ્યોતિર્લિંગ સ્થાનો છે.

સ્કન્દપુરાણ તથા મહાભારતની અંતર્ગત શિવશતનામ, શિવસહસ્રનામ તથા વિભિન્ન સ્તુતિઓ જોવા મળે છે. વળી પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્ર, રાવણ રચિત શિવતાંડવ સ્તોત્ર તથા આચાર્ય શંકર રચિત પંચાક્ષર સ્તોત્ર, વેદસાર શિવસ્તોત્રમ્, વ્યાસ રચિત શિવમાનસપૂજન સ્તોત્ર તથા વિશ્વનાથાષ્ટક, તુલસીદાસ રચિત રુદ્રાષ્ટકમ્ ઇત્યાદિ સ્તોત્રો અતિ પ્રચલિત છે. આ સિવાય અનેકાનેક સ્તુતિઓ તથા ભજનો સંસારભરમાં શિવ-મહિમાનું ગાન કરતાં જોવા મળે છે.

શિવ-વ્રતોમાં ભગવાન શિવના પ્રાદુર્ભાવની રાત્રિ- શિવરાત્રિ – મહા વદ તેરસ – મુખ્ય છે. શ્રાવણમાસ તો શિવ-પૂજન માટે સર્વ-જન-પ્રિય છે.

શિવ-ઉપાસના અતિ સરળ છે. ફક્ત બિલ્વપત્ર, જળાભિષેક, અક્ષત તથા બમ-બમ એવા મુખેથી કરાતા મુખવાદ્ય-ધ્વનિને શિવ-ઉપાસનાનાં મુખ્ય અંગ ગણવામાં આવે છે. ભસ્મ-લેપન તથા રુદ્રાક્ષ-ધારણને શિવ-આરાધનાનાં વિશિષ્ટ અંગ લેખવામાં આવે છે.

સમુદ્રમંથન વખતે ઉત્પન્ન થયેલ કાલકૂટ વિષથી જ્યારે સમગ્ર સંસાર ઉદ્વિગ્ન થઈ ઊઠ્યો હતો ત્યારે જગ-કલ્યાણ અર્થે જીવ-સમૂહને બચાવવા ભગવાન આશુતોષ-શિવે પ્રાણહર વિષનું પાન કરીને પોતાના કંઠે ધારણ કર્યું હતું અને તેથી તેઓ નીલકંઠ અને મહાદેવ કહેવાયા.

સંસારને પાવન કરવા સ્વર્ગમાંથી અવતીર્ણ થયેલ ગંગાના ધસમસતા પ્રવાહને ધારણ કરવા કોઈ જ સમર્થ ન હતું ત્યારે ભગવાન શિવે તેને પોતાની જટામાં ઝીલીને પૃથ્વી પર તેના અવતરણને શક્ય બનાવ્યું હતું.

શિવ કૂટસ્થ તત્ત્વ છે, શક્તિ પરિણામિની છે. શિવ અને શકિત – એ બન્ને પરમતત્ત્વનાં બે રૂપ છે. સૂર્ય અને તેનો પ્રકાશ, અગ્નિ અને તેની દાહક શક્તિ, દૂધ અને તેની ધવલતાની જેમ શિવ અને શક્તિ અભિન્ન છે. શિવની આરાધના એ શક્તિની આરાધના છે અને શક્તિની ઉપાસના એ શિવની ઉપાસના છે.

એટલે જ શ્રીરામકૃષ્ણદેવ વારંવાર કહેતા કે શિવ-શક્તિ અભેદ છે, બ્રહ્માંડનો સર્વાધાર છે.

સ્વામી વિવેકાનંદ “સ્વદેશમંત્ર’માં કહે છે, “તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વત્યાગી ઉમાપતિ શંકર છે… (ભારતનો સમાજ) મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે… અને પ્રાર્થના કર કે, “હે ગૌરીપતે,… તું મને મનુષ્યત્વ આપ… ઇત્યાદિ.’ આ જ નિર્દિષ્ટ કરે છે શિવતત્ત્વની અશેષ સર્વોચ્ચતા.

Total Views: 722

One Comment

  1. મહેન્દ્ર ગોરડીયા August 21, 2023 at 2:26 pm - Reply

    હરિ ૐ નમઃ શિવાય

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.