આપણા પૂર્વજોની આ સ્વપ્નભૂમિ છે, જ્યાં ભારતમાતા પાર્વતીનો જન્મ થયો હતો. આ તે પવિત્ર ભૂમિ છે, જ્યાં આવીને ભારતનો પ્રત્યેક મુમુક્ષુ આત્મા પોતાના જીવનનો અંતિમ અધ્યાય પૂરો કરવા માગે છે. આ ધન્ય ભૂમિના પર્વતોનાં શિખરો ઉપર, તેની ગિરિકંદરાઓમાં, તેના જલપ્રવાહોને કિનારે અત્યંત અદ્‌ભુત વિચારોનું સર્જન થયું હતું. એ વિચારોના અલ્પાંશે પણ પરદેશીઓ પાસેથી ખૂબ પ્રશંસા મેળવી છે; અત્યંત સમર્થ વિદ્વાનો પણ એને અજોડ ગણાવે છે. આ ભૂમિ ઉપર જ મારું જીવન પસાર કરવાનું સ્વપ્ન હું બાલ્યકાળથી સેવી રહ્યો હતો. આપ સૌ જાણો છો તેમ અહીં વસવા માટે મેં વારંવાર પ્રયાસો કર્યા હતા, છતાં સમય પાક્યો ન હતો તેથી, તેમજ મારે માથે એક કાર્ય કરવાની જવાબદારી ઊભી થઈ હતી તેથી આ પવિત્ર ભૂમિની બહાર હું ફેંકાઈ ગયો હતો; છતાં જ્યાં ઋષિઓ વસતા હતા અને જ્યાં તત્ત્વજ્ઞાનનો ઉદ્ભવ થયો હતો, એવા આ ગિરિરાજની ગોદમાં જ કોઈક સ્થળે મારા આખરી દિવસો પૂરા કરવાની આશા હું જીવનમાં સેવી રહ્યો છું. મિત્રો ! કદાચ મેં પહેલાં વિચાર્યું હતું તેમ કરવા હું શક્તિમાન ન પણ થાઉં. એ શાંતિ, એ અજ્ઞાતવાસ મને સાંપડ્યા હોત તો કેવું સારું ! તેમ છતાં હું અંત :કરણપૂર્વક પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે પૃથ્વી ઉપર મારા છેલ્લા દિવસો અન્ય સ્થળને બદલે અહીં જ પૂરા થાય.

આ પવિત્ર ભૂમિના નિવાસીઓ ! પશ્ચિમમાંના મારા અલ્પ કાર્ય માટે આપની પાસેથી જે મમતાભર્યા પ્રશંસાના બોલ મને મળ્યા છે તે માટે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પરંતુ સાથોસાથ પૂર્વમાં અને પશ્ચિમમાં મારા કાર્ય વિશે કંઈ પણ બોલવાને મારું મન ઇચ્છતું નથી.

મારી દૃષ્ટિ સમક્ષ જેમ જેમ આ નગાધિરાજનાં એક પછી એક શિખરો દેખાતાં જાય છે તેમ તેમ વર્ષો સુધી મારા મગજમાં ઊભરાતો કાર્ય કરવાનો બધો જુસ્સો જાણે શાંત થઈ જતો દેખાય છે; શું થયું છે અને શું કરવાનું છે તેની વાત કરવાને બદલે મન એક શાશ્વત વસ્તુ તરફ ઢળી પડે છે. જે એક વસ્તુનો ઉપદેશ હિમાલય હંમેશાં આપણને આપી રહ્યો છે, જે એક વસ્તુ આ સ્થળના વાતાવરણમાં સદાય પડઘો પાડી રહી છે; જેનો ધ્વનિ આ ધસમસતા જલપ્રવાહોની વચ્ચે પણ હું સાંભળું છું, તે છે ત્યાગ.

ત્યાગના પ્રતીકરૂપે જે હિમાલય ઊભો છે તેનો નિર્દેશ કરીને અને જે ત્યાગનો ભવ્ય પાઠ આપણે માનવજાતને શીખવીશું તેનો માત્ર નિર્દેશ જ કરીને હું વિરમીશ. આપણા પૂર્વજો પોતાના જીવનના સંધ્યાકાળે આ ગિરિરાજ પ્રત્યે આકર્ષાતા હતા, તેમ આ પૃથ્વી ઉપરનાં સર્વ સ્થળેથી મહાન આત્માઓ ભવિષ્યમાં આ નગાધિરાજ પ્રતિ આકર્ષાશે, ત્યારે જુદા જુદા સંપ્રદાયો વચ્ચેની આ બધી લડાઈ અને સિદ્ધાંતોના તમામ ભેદો યાદ પણ નહીં આવે, ત્યારે વિવિધ ધર્મો વચ્ચેના ઝઘડાઓ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા હશે, ત્યારે માનવજાત સમજશે કે સનાતન ધર્મ એક જ છે : અંતરમાં રહેલ દિવ્ય તત્ત્વની અનુભૂતિ અને તે સિવાયનું બાકીનું બધું માત્ર ફીણના ફિસોટા છે. જગત સંપૂર્ણપણે મિથ્યા છે. ઈશ્વર અને ઈશ્વરની ભક્તિ સિવાય બીજી દરેક વસ્તુ અસાર છે તેમ જાણીને, આવા મુમુક્ષુ આત્માઓ અહીં આવશે. (સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૨૬૪-૬૬)

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.