ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતી રહી છે. આ વિશ્વવિખ્યાત ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી આશરે 30 કિ.મી. દૂર છે.

આ ગુફાસમૂહમાં કુલ 65 ગુફાઓ છે. તેમાંથી પુરાતત્ત્વખાતાએ 35 ગુફાઓને અગત્યની ગણીને તેમને ક્રમાંક આપ્યા છે. ઇલોરાની આ ગુફાઓમાં બૌદ્ધ, હિંદુ અને જૈન એ ત્રણેય ધર્મની ગુફાઓ છે. એટલે આ ગુફાઓ ધાર્મિક સહિષ્ણુતાનું ઉદાહરણ છે.

1 થી 12 ક્રમાંકની ગુફાઓ બૌદ્ધ ધર્મની છે. આ ગુફાઓ છઠ્ઠી થી તેરમી સદી સુધીના સમયગાળામાં રચાઈ હતી. એમાં આપેલ શિલાલેખો મુજબ હિંદુ ધર્મની ગુફાઓનું રાષ્ટ્રકૂટ વંશના રાજા દંતિદુર્ગ અને કૃષ્ણરાજ બીજાએ નિર્માણ કર્યું હતું. જૈન ધર્મની ગુફાઓ રાજા અમોઘવર્ષે બનાવડાવી હતી.

આ ગુફાઓમાં ચિત્રકલા નહીંવત્ છે. તેમાં શિલ્પો જ મહત્ત્વ ધરાવે છે. ગુફા નંબર 10માં છતમાં કાષ્ટનાં પીઢિયાંની પ્રતિકૃતિ પથ્થરમાં ઉપસાવીને બે પીઢિયાં વચ્ચે અંતર્ગોળ આકારની છત કંડારીને શિલ્પકારે પોતાની શિલ્પકલાના કૌશલ્યનું દર્શન કરાવ્યું છે. એ છતની નીચે ઊભા રહીને અવાજ કરીએ તો તેના પડઘા પડે છે, એ એની વિશેષતા છે. અહીં પડઘાતા પ્રતિધ્વનિની સંગીતમય ગુંજ સાંભળવા જેવી છે. જાણે કે આ ગુંજમાં ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ નો સંગીતમય ધ્વનિ સંભળાય છે.

ગુફા ક્રમાંક 1 થી 12 સુધીમાં ભગવાન બુદ્ધની જાતકકથા – અવતારની કથાઓ, તેમના જીવનના પાવનકારી પ્રસંગો; નાગરાજ, જાંભાલિક જેવા સેવકોના ભાવભક્તિભર્યા પ્રસંગોનું શિલ્પ-નિરૂપણ જોવા મળે છે.

ગુફા ક્રમાંક 13 થી 29માં રામાયણ, મહાભારત, વિષ્ણુના દશ અવતાર અને ભગવાન શિવજીની લીલાઓના પ્રસંગોનું શિલ્પમય નિરૂપણ જોવા મળે છે. વળી ગુફા ક્રમાંક 16માં જોવા મળતું કૈલાસ મંદિર વિશ્વવિખ્યાત છે. ગુફાઓમાં કંડારાયેલું કૈલાસ મંદિર ભારતના એ શિલ્પી-કલાકારોની ધર્મભાવના, અખૂટ ધૈર્ય અને વર્ષો સુધીના અથાક પરિશ્રમની એક અકલ્પનીય ઉજ્જ્વળ ગાથા છે. એમાં ચિત્રકલા નથી પણ શિલ્પકલા દ્વારા નિરૂપણ જોવા મળે છે. કૈલાસ મંદિરની શિલ્પકલા ઉત્કૃષ્ટ છે. પહાડમાંથી 200 x 100 ફૂટના શિલાખંડને વધારે પહોળાઈ ધરાવતા પરિસર દ્વારા જુદો પાડ્યો છે. આ શિલાખંડને શિખરથી પ્લિંથ સુધી કોતરીને અંદર વિશાળ ચોક, ગર્ભગૃહનું કોતરકામ કરીને કૈલાસ મંદિર બનાવ્યું છે. મંદિરની ત્રણેય બાજુની ગુફાઓ પર્વતમાંથી કોતરીને બનાવી છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશતાં ડાબી બાજુએ ઠાંસોઠાંસ કોતરણીવાળો ઊંચો અખંડ સ્તંભ ઊભો છે. એ કૈલાસ મંદિરનું પ્રતીક બની ગયો છે. કૈલાસ મંદિરની સામે પાષાણમાંથી નિર્મિત બે મહાકાય ગજરાજ છે. તેમની વચ્ચે મંદિરની સામે નંદીની પ્રતિમા છે. મધ્યસ્થ સભાખંડની દીવાલ પર રામાયણના પ્રસંગની શિલ્પકૃતિઓ છે. દક્ષિણની દીવાલ પર સપ્તમાતૃકાઓ અને ગણેશની પ્રતિમા છે. ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ છે. આ મંદિરની એક આખી દીર્ઘા શિવચરિત્રની કથાઓના શિલ્પથી ભરચક્ક છે. બીજી દીર્ઘામાં નૃસિંહ-વિષ્ણુ હિરણ્યકશ્યપને પોતાના સિંહનખથી ચીરી નાખતા દર્શાવ્યા છે. અહીં હાથી, અશ્ર્વ, મયૂર અને માનવોનાં સપ્રમાણ અને જીવંત શિલ્પો જોવા મળે છે. શિલાઓમાં અંકિત વૃક્ષો, વલ્લરીઓ અને પર્ણો તેમજ પુષ્પોનાં સુશોભનો અત્યંત મનોહર છે.

બે માળ ધરાવતા આ મંદિરમાં ક્યાંય પથ્થરનો ટુકડો જોડીને બેસાડ્યો નથી. ઈ.સ. 578ની સાલમાં શરૂ થયેલ કૈલાસ મંદિરનું નિર્માણ 150 વર્ષ સુધી ચાલ્યું હતું. આ નિર્માણમાં શિલ્પકારોની ઘણી પેઢીઓ જોડાઈ ગઈ હતી. અખંડ શિલાખંડમાં નક્શીકામ કે મૂર્તિકામનું શિલ્પકામ કરવું કઠિન ગણાય છે. શિલાખંડમાંથી પ્લિંથ, ઉપરનો મધ્ય ભાગ અને શિખર વગેરેને બહારથી પ્રાથમિક કોતરકામ કરીને ઉપરથી અંતિમરૂપ આપતાં નીચે પહોંચ્યા હશે કે જેથી તે કોતરકામની બારીકાઈ અખંડ રહે.

પહેલાં તો 200100 ફૂટના શિલાખંડને પહાડથી જુદો પાડીને ચારે બાજુ વાંસના માંચડા બાંધીને આ શિલ્પકામ થયું હશે. આ મંદિરમાં મૂર્તિઓ ઓછી અને સાદી છે પણ તેનું નક્શીકામ જ અગત્યનું છે. એ નક્શીકામ જોઈને તમે મંત્રમુગ્ધ બની જવાના. અહીં હિંદુ ધર્મના અનેક દેવો-મચ્છ, કચ્છ, વરાહ, નરસિંહ વગેરે અવતારોની કોતરેલી મૂર્તિઓનાં એકે એક અંગમાં પોતાના સંહારકાર્ય માટે જોઈતી અખૂટ શક્તિનો આવેગ તરવરે છે. સાથે ને સાથે જગતને અભયદાન આપતી શાંતિ પણ તેમાં નીતરતી દેખાય છે.

અહીં અંદર અને બહાર નાનાં નાનાં મિથુનશિલ્પો જોવા મળે છે. મંદિરની ત્રણે બાજુએ સાધકોના નિવાસ માટે ત્રણ માળના ગુફાખંડો પણ છે. અખંડ પથ્થરમાંથી કોતરીને બનાવેલ બારીક અને કલાયુક્ત નક્શીકામ રત્ન સમાન લાગે છે. ભારતને વારસામાં મળેલ આ અણમોલ નજરાણું છે.

ગુફા ક્રમાંક 30 થી 34 સુધીની ગુફાઓ જૈન ધર્મને લગતી છે. આ ગુફામંદિરોમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે. બૌદ્ધ ગુફાસમૂહમાં એક ગુફા સામૂહિક પ્રાર્થના માટે છે. એના સામેના ભાગમાં ભગવાન બુદ્ધની પદ્મપાણિ મુદ્રામાં વિશાળકાય પ્રતિમા છે.

અહીં જ્યાં જ્યાં પદ્મપાણિ, ચક્રપાણિ, વજ્રપાણિ અને ધર્મપ્રવર્તક મુદ્રાના રૂપે ભગવાન બુદ્ધની જે પ્રતિમાઓ છે તેમાં બુદ્ધના મુખ પર પ્રગટ થતા સૌમ્યતા, ઉદારતા, શાંતિ, સહજ સ્મિત અને નિર્મળતાના ભાવ દર્શકોના હૃદયને સ્પર્શી જાય તેવા છે.

નેત્રોમાંથી પ્રકટતા કરુણાના ધોધ આપણને મીણ જેવા મૃદુ બનાવી દે તેવા છે. ભગવાન બુદ્ધે આ સૌમ્યતા અને કરુણાથી સમગ્ર વિશ્વને પોતાનું કરી લીધું હતું. આ બન્ને કરોડો લોકોને શાંતિનો સંદેશ આપે છે. કંપાસની મદદથી મૂર્તિને કંડારવી સરળ છે, પણ એ મૂર્તિના મુખ પર ઇચ્છિત ભાવો ઉપસાવવા કઠિન છે.આ ગુફાઓમાં વિશાળ પ્રવેશદ્વારો, ભવ્ય સ્તંભો,  ચોકી કરતા હાથીઓ, નંદી વગેરેના કાળમીંઢ ખડકમાંથી કરેલ કલાસર્જનની સ્વર્ગીય કલાસૃષ્ટિને નિહાળવી એ પણ જીવનનો એક લહાવો છે. આજુબાજુના ડુંગરાઓ અને પાંખાં વનોનું સૌંદર્ય આ ગુફાના સૌંદર્યને વધુ સમૃદ્ધ બનાવે છે.

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.