ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના રૂપે આ મંદિરોને સંરક્ષણ આપ્યું છે. ખજૂરાહો મધ્યપ્રદેશના સતના શહેરથી 150 કિ.મી. દૂર છે. બસ રસ્તે ભોપાલથી પણ જવાય છે. નાના ગામના પાદરમાં આવેલાં આ મંદિરો આજે પોતાની અનુપમ કલાથી વિશ્વપ્રસિદ્ધ બન્યાં છે. નાનાં-મોટાં સત્તરેક મંદિરો ત્રણ ભાગમાં જુદી જુદી જગ્યાએ વહેંચાયેલાં છે. એમાં કંદરિયા મહાદેવ, દેવી જગદમ્બા, લક્ષ્મણ, ચિત્રગુપ્ત, જૈન મંદિર તેમજ દુલ્હાદેવ જેવાં મંદિરો શિલ્પકલાની દૃષ્ટિએ મહત્ત્વનાં છે.

આ બધાં મંદિરો જુદા જુદા સમયગાળામાં બંધાયેલાં છે. કંદરિયા મહાદેવનું મંદિર ધંગા નામના રાજાએ ઈ.સ. 1050માં બંધાવ્યું હતું. લક્ષ્મણ મંદિર રાજા યશોવર્માએ ઈ.સ. 930 થી 950 સુધીમાં બંધાવ્યું હતું. જૈન મંદિર રાજા ધંગાના સમયમાં એક પાહિલ નામના જૈન શ્રેષ્ઠિએ ઈ.સ. 1050માં બંધાવ્યું હતું. દુલ્હાદેવ મંદિર ઈ.સ. 1100 થી 1150ના સમયગાળામાં બંધાયું હતું. દેવી જગદમ્બાનું મંદિર ઈ.સ. 1020 થી 1050માં બંધાયું હતું. આમ ખજૂરાહોના નિર્માણકાળ ઈ.સ. 930 થી 1150 સુધીનો એટલે કે નવમી સદીથી અગિયારમી સદી સુધીનો 200 વર્ષનો હતો.

ખજૂરાહો મંદિર વિશેષ કરીને તેનાં મિથુન-શિલ્પો માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. કામત્યાગમાં માનતા હિંદુઓનાં ધર્મમંદિરોમાં કામનાં આટલાં ખુલ્લાં શિલ્પોને મળેલું સ્થાન જોઈને ઘણા વિદેશી પ્રવાસીઓને આશ્ચર્ય થાય છે. અહીંનાં શિલ્પોમાં પ્રણયક્રીડામાં રત નાયક-નાયિકાને ખુલ્લાં પ્રદર્શિત કર્યાં છે. કદાચ એ દર્શાવે છે કે કામ એ લપસણિયો માર્ગ છે. કામનો આધાર લઈને અધ્યાત્મના માર્ગે આગળ વધતાં કદાચ લપસી પડવાનો ભય છે.

આઠ-દશ ફૂટ ઊંચા ઓટા પર રચાયેલ મંદિરોની રચના અજન્તા-ઇલોરાની ગુફાઓ કરતાં નિરાળી, વૈવિધ્યસભર છે. પ્રવેશદ્વાર, ચોક, નૃત્ય માટે વપરાતો બીજો ચોક, એ બન્ને બહુ ઊંચા નહીં એવા બેઠા ઘાટના ઘુમ્મટ ધરાવે છે. ચોકમાં અંદર અને બહાર કોતરણી અને મૂર્તિકામ ઠસોઠસ ભરેલાં છે. ત્રીજા ચોકમાં દેવની સ્થાપનાવાળું શિખરબંધ મંદિર છે. એ મંદિર બહારથી ઊંચા શિખરવાળા દેખાતા મંદિરની અંદર નાનું, ચારે બાજુ પ્રદક્ષિણાપથવાળું શિખરબંધ પેટામંદિર છે. તે મંદિરની ચારે બાજુ અને શિખર પર દેવ, દેવી, સ્વર્ગના ગાયકો, ગાંધર્વો અને કિન્નરોની મૂર્તિ છે. આ પેટામંદિર કંદરિયા મહાદેવના એક જ મંદિરમાં છે. બાહ્ય શિખર ધરાવતા મંદિરની અંદરની દીવાલો પર દિગંબરમૂર્તિઓ જોવા મળે છે. બધાં મંદિરોનાં ગર્ભગૃહો પર આવેલ શિખરો પરનું અદ્‌ભુત અને સુંદર નકશીકામ જોઈને લાગે કે સ્વર્ગના દેવોએ પોતાની પાસે રહેલ શિલ્પભંડારને અહીં જાણે કે ઠાલવી દીધો ન હોય! દરેક મંદિરોના બાહ્ય ભાગમાં ચારે બાજુ નીચેથી 6 ફૂટ સુધીની ઊંચાઈએ ફૂલ, લતા, પર્ણ અને ભિન્ન ભિન્ન આકારોની કોતરણી છે. વીણાવાદિની શ્રીસરસ્વતી દેવી વીણાવાદન કરતી હોય, અપ્સરાઓ નૃત્ય કરતી હોય તેવી કલાત્મક કોતરણી અહીં જોવા મળે છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને અન્ય દેવી-દેવતા, ગાંધર્વો, વાજિંત્રધારિણી અને કેટલાંય યુગલોની મૂર્તિઓ અહીં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અહીંની મૂર્તિઓમાં તન્મયતાના ભાવોનું ઋજુ સૌંદર્ય જોવા જેવું છે. દુલ્હાદેવના મંદિરમાં જુદા જુદા દેવોના શિલ્પ સાથે નકશીકામની ભરમાર જોવા મળે છે.

કર્ણમાં ફૂલ, હસ્તમાં કંકણો અને બાજુબંધ, કંઠમાં ભિન્ન ભિન્ન પ્રકારના હાર, કટીમેખલા વળી ક્યાંક ક્યાંક વસ્ત્રોનો કંચુકીબંધ જેવાં ભિન્ન ભિન્ન પ્રકારનાં અલંકારો અને આભૂષણો પહેરાવીને શિલ્પકારે સુંદરીઓના સૌંદર્યમાં વૃદ્ધિ કરી છે. આ શૃંગારો જોઈને કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય તેવું છે. કોઈ સુંદરી હાથમાં દર્પણ રાખીને નૃત્યની મુદ્રામાં પોતાના કેશગુંફન કરે છે, વળી કોઈ સુંદરી હાથમાં દર્પણ લઈને બિંદી કરે છે અને વળી કોઈ પોતાનો એક પગ ઊંચો કરીને પગમાંથી કાંટો કાઢે છે. આવી કૃતિઓમાં કેટલાય અંગમરોડ કંડાર્યા પછી આ શિલ્પ તૈયાર થયું હશે.

મૂર્તિઓનાં અંગોમાં શરીરનાં અંગોની સપ્રમાણતા જાળવીને વધુમાં વધુુ અંગભંગીઓ કંડારવી એ દુષ્કર શિલ્પકામ છે. સ્વર્ગના દેવતાઓએ પોતાનો સમગ્ર કલાભંડાર અહીં ઠાલવી દીધો હોય તેવું આ મૂર્તિઓને જોતાં અનુભવાય છે. અર્ધમીંચેલ નેત્રો અને મુખ પરની ભાવવાહિતાવાળાં આ બધાં મૂર્તિપાત્રો કોઈ અનેરી સૃષ્ટિમાં આનંદના મહાસાગરને માણી રહ્યાં હોય એવું લાગે છે. ખજૂરાહોના મંદિર જેવું એક મિથુનશિલ્પ જગન્નાથપુરીના શ્રીજગદીશ ભગવાનનાં મંદિરોમાં જમણી બાજુએ છેક અંદર જોવા મળે છે. કચ્છના સુખ્યાત જૈન મંદિર ભદ્રેશ્ર્વર, રાજકોટ જિલ્લાના સુપેડી ગામે શિવનાં બે શિખરબંધ મંદિરોમાં ડાબી તરફ આવું શિલ્પ જોવા મળે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના હરદા શહેર પાસે નર્મદાના કિનારે મંદિરોમાંના એક મંદિરના શિખર પર અને ઇલોરાના કૈલાસ મંદિરમાં આવાં શિલ્પો જોવા મળે છે.

આબુ પર્વતના દેલવાડાનાં જૈન મંદિર, પાલીતાણા અને ગિરનાર પરનાં જૈન મંદિર, રાણકપરનું 1444 સ્તંભવાળું જૈન મંદિર, દક્ષિણભારતનાં મંદિર, દ્વારકાધીશનું મંદિર, અંબાજીનું મંદિર તેમજ મથુરા-વૃંદાવન અને ચિત્રકૂટ વિસ્તારનાં મંદિરોમાં આવું એકેય શિલ્પ જોવા મળતું નથી.

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.