ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે.

ચિત્રકલા – હર્ષ પછીના સમયમાં ચિત્રકલાને બદલે શિલ્પ અને સ્થાપત્યો પ્રતિ ઝોક વધ્યો હતો એમ કેટલાક માને છે.

મોગલયુગમાં મુસલમાનોમાં ચિત્રકલા પ્રત્યે ધાર્મિક અણગમો હશે અને તેથી અગાઉની ચિત્રકલા મુસ્લિમ આક્રમણોથી નષ્ટ થઈ હોય એ બનવાજોગ છે. આવી પ્રતિકૂળ સ્થિતિમાં ચિત્રકલાને વિશેષ પ્રોત્સાહન ન મળ્યું હોય અને તે સંતાતી, શરમાતી, બગડતી, બીભત્સ થતી, સમાજમાં ઊતરતું સ્થાન ધરાવતી થઈ હોય એ સંભવ છે. છતાંય સમકાલીન રજપૂત શૈલીનું અવલોકન કરતાં જોવા મળે છે કે ઈ.સ. 700 થી ઈ.સ. 1600 સુધીના ગાળામાં ચિત્રકલા સાવ જ મૃત થઈ નહીં હોય!

માનવીની કલાભાવના સર્વ નિષેધોને ઓળંગી જાય છે એ સર્વવિદિત છે. ચિત્રકલાના મનાઈહુકમોનું અતિક્રમણ કરીને મુસ્લિમ કલાકારોએ લેખનમાં રંગ પૂર્યા, હાંસિયામાં ફૂલવેલ ચીતર્યાં, ચાંદા-સૂરજને આકાર આપવા લાગ્યા અને એમ લહિયાની કલા ખીલી. તેઓએ ગ્રંથોમાં અમીર-ઉમરાવો, રાજા-બાદશાહોનાં ચિત્રો દોરવાનું શરૂ કર્યું. મોગલાઈ ચિત્રકલામાં શિકાર અને યુદ્ધ, બાદશાહ અને બેગમનાં ચિત્રોને સ્થાન મળતું. ઔરંગઝેબ જેવા ચુસ્ત બાદશાહનું પણ આપણી પાસે ચિત્ર છે.

બાબર ચિત્રકલાનો શોખીન હતો. હુમાયુના દરબારના અમીર સૈયદ અલી અને તેના ગુરુ બીહઝાદ વિખ્યાત ચિત્રકારો હતા. તેઓ હિંદી ચિત્રકારોના સંપર્કમાં આવતાં મોગલશૈલીનો ઉદ્ભવ થયો. આ કાળમાં સૌથી વધુ ઉત્તમ ચિત્રકારો હતા. જહાંગીર અને શાહજહાંના કાળમાં બીશનુદાસ, મનોહર અને ગોવર્ધન નામના ચિત્રકારોની યશગાથા ઇસ્લામી લેખકોએ ગાઈ છે.

દારાનો ચિત્રસંગ્રહ ‘ઇન્ડિયા ઓફિસ’માં છે. ઔરંગઝેબના ધર્મઝનૂને કેટલાંક પ્રાચીન ભીંતચિત્રો પર ચૂનો ફેરવ્યો હતો. તેમ છતાં મોગલયુગની સિદ્ધિ ભારતીય ચિત્રકલાની સિદ્ધિ છે.

મોગલ ચિત્રશૈલીમાં વિવિધતા છે જેમ કે દિલ્હીશૈલી, જયપુરશૈલી, લખનવીશૈલી, પટણાશૈલી, દક્ષિણીશૈલી. આ કાળની ચિત્રકલા ધર્મલક્ષી ન હતી. એ દરબારમાં ઊછરી હતી તેથી તેમાં લોકજીવનનો પડઘો નથી. ઇસ્લામમાં ધાર્મિક ચિત્રો પર પ્રતિબંધ હતો. મોગલયુગની ચિત્રકલાના વિકાસનો ખ્યાલ આપતી અનેક ચિત્રકૃતિઓ આજ સુધી સચવાઈ રહી છે.

મોગલયુગની વિશિષ્ટ ચિત્રકલા શરૂ કરવાનો યશ હુમાયુને ફાળે જાય છે. અકબરે એ વારસાને શોભાવ્યો. અકબરી દરબારમાં સાધારણ ચિત્રકારો ઉપરાંત એકસોથી વધુ નિષ્ણાત અને નામાંકિત કલાકારો કાર્યરત હતા.

જહાંગીર ચિત્રકલાનો મહાન અભ્યાસુ હતો. ઔરંગઝેબે રૂઢિચુસ્ત મુસલમાનોની માન્યતાને અનુસરીને ચિત્રકલાને પ્રોત્સાહન આપવાનું બંધ કર્યું.

મોગલયુગનાં અસંખ્ય ચિત્રો આજે પણ ભારત, યુરોપ અને અમેરિકાનાં અનેક સંગ્રહાલયો શોભાવે છે. મોગલયુગે વારસામાં આપેલ એ ચિત્રો ભારતનો અમૂલ્ય વારસો છે. મોગલાઈનું પતન થતાં તે કાળનાં ઘણાં ચિત્રો વિદેશ પહોંચી ગયાં હતાં.

સ્થાપત્યકલા – મુસ્લિમ સંઘર્ષે ઘણી કલાકૃતિઓનો નાશ કર્યો હતો એ વાત સુવિદિત છે, છતાંય મુસ્લિમોનું ધ્વંસકારી ઝનૂન પણ થાકી જાય એટલી વિપુલ કલાસામગ્રી હિંદ પાસે હતી. વળી ધર્મઝનૂન ઓસરી જતાં એ જ મોગલો આર્ય સંસ્કૃતિના સમન્વયમાં પડ્યા હતા.

મુસ્લિમ યુગનું સ્થાપત્ય બે વિભાગમાં વહેંચી શકાય. (1) તુર્ક-અફઘાન શાસનકાળ – ઈ.સ. 1200 થી 1500, દિલ્હી સલ્તનત (2) મોગલ શાસનકાળ – ઈ.સ. 1500 થી 1700 સુધીનો. મુસ્લિમ સ્થાપત્યની બે ખાસિયતો છે. એક તો તેમાં મૂર્તિવિધાન નથી. બીજું, તેમાં મક્કામદીના જેવાં કમાન, ઘુમ્મટ, મિનારા છે.

આ બંને ખાસિયતો ભારતમાં પ્રચલિત કરવાનો મોગલોએ પ્રયત્ન કર્યો. તેઓ મૂર્તિનો નાશ કરી નાખતા એટલે મંદિરનું સ્થાપત્ય મુસ્લિમ બની જતું. આજની ઘણી મસ્જિદો ભગ્ન મંદિરોમાંથી ઉપજાવેલી છે. ત્રીજું, મુસ્લિમો કલાપ્રિય હતા અને ધર્મઝનૂન ઓસરી જતાં હિંદુઓની કલાકારીગરીને અપનાવવાનું ચૂકતા નહીં.

મુસ્લિમ સ્થાપત્યનો સર્વ પ્રથમ અને ભવ્ય અવશેષ છે કુતુબમિનાર. મુસ્લિમ સ્થાપત્યનો સર્વાંગી વિકાસ થયો મોગલયુગમાં. એમાં અકબરે બંધાવેલ ફતેપુર સિક્રી, આગ્રામાંનો સિકંદરા નામનો અકબરનો રોજો, મહાન સ્થપતિ શાહજહાંનો તાજમહેલ અને ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવેલ બીબીનો મકબરો મોગલયુગનાં ગૌરવશાળી સ્થાપત્યો છે.

મૂર્તિવિધાનના અભાવે મુસ્લિમ સ્થાપત્યકલા મસ્જિદ અને મહેલોમાં ઊતરી; જાળીઓમાં કોતરકામ, ફૂલવેલ, મિનારા અને ગુંબજોમાં ઊપસી; ધર્મકથાઓને સ્થાને સવારી, શિકાર, પ્રેમ, દરબારી પ્રસંગોમાં પ્રવેશી. તે કલા મસ્જિદ, કિલ્લા અને મહાલયોમાં સીમિત ન રહેતાં વાવ, કૂવા, વિશ્રામસ્થાનોમાં પણ પહોંચી.

હિંદુ-મુસલમાન કારીગરોએ ભેગા મળી મોગલયુગનાં કેટલાંક સ્થાપત્યો રચ્યાં હતાં. રાજવંશો જુદા ભલે હોય, પણ કલાક્ષેત્રે આ યુગમાં અનોખી એકતા અને અખંડિતતા હતાં.

દિલ્હી સલ્તનતના શાસનકાળનાં સ્થાપત્યો છે – મસ્જિદો, મદરેસા, મકબરા, મિનારા. તે બધાં ભારતીય શૈલીથી સાવ અજાણી શૈલીનાં હતાં. તેમાં પ્રતિમાની રૂપ-સજાવટ ન હતી છતાંય પ્રમાણ અને રેખાંકનની દૃષ્ટિએ મનોહર હતાં. કુતુબમિનાર આનું ઉદાહરણ છે. તેની સજાવટ ભૌમિતિક રૂપની છે અને અરબી સુલેખન સાથે સમન્વિત છે. તે એક સોહામણું અને ભવ્ય સ્મારક છે.

ખીલજી વંશનું સીરીનગર અનોખું હતું. તેના ભગ્ન અવશેષો તેની વિશિષ્ટ લાક્ષણિકતા પ્રગટ કરે છે.

તઘલખ વંશના કાળનાં સ્થાપત્યોમાં સાદી રેખા લાક્ષણિક છે, છતાંય જોનારને તેની ભવ્યતા પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. તુઘલુકાબાદના અવશેષો તેનું ઉદાહરણ છે.

લોદી વંશના કાળમાં ઇસ્લામી સ્થાપત્યમાં હિંદુ શૈલીનાં અમુક તત્ત્વો સામેલ થવા લાગ્યાં હતાં. તે કાળનાં સ્થાપત્યો લઘુ આકારનાં છતાંય સોહામણાં હતાં.

મોગલ સ્થાપત્યનો વિકાસ વિભિન્ન દક્ષિણી સલ્તનતોનાં પાટનગરોમાં જોવા મળે છે. એ ખરું કે મોગલકાળમાં હિંદુ સ્થાપત્યોનો વિકાસ અવરોધાયો હતો.

સ્થાપત્યના વિકાસ માટે મોગલયુગ પ્રખ્યાત છે. મોગલ બાદશાહોના સ્થાપત્યોના શોખની સાબિતી આપતી એ સમયની અનેક કૃતિઓ આજે પણ હયાત છે. બાબર બગીચા-નિર્માણનો શોખીન હતો.

શેરશાહે બિહારમાં સહસ્રામમાં સરોવર વચ્ચે બંધાવેલો બેનમૂન રોજો હિંદુ-મુસ્લિમ સ્થાપત્યના સમન્વયની શાખ પૂરે છે. અકબરે અનેક કિલ્લા, મિનારા, સરોવરો બંધાવીને સ્થાપત્યના મહાન આશ્રયદાતાની અમરનામના મેળવી છે. સાચે જ અકબરે પોતાની માનસમૂર્તિઓને પથ્થર અને માટીમાં મઢીને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. અકબરે આગ્રા અને ફતેપુર સિક્રીમાં અનેક રોનકદાર અને રમણીય સ્થાપત્યો બંધાવ્યાં હતાં. તેમાં આરસ અને રાતા રેતિયા પથ્થરની રચના જોઈને જોનાર મુગ્ધ થાય છે.

જહાંગીર-અમલમાં સ્થાપત્યનો વિકાસ ચાલુ રહ્યો હતો. તેણે આગ્રા, લાહોર, કાશ્મીર વગેરે સ્થળોએ સુંદર બગીચા રચાવ્યા હતા. તે બધાંમાં શ્રીનગરમાં બનાવેલો શાલીમાર બાગ બેનમૂન છે.

મોગલયુગનું સ્થાપત્ય શાહજહાંના સમયમાં પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. તેના સમયનું સર્વશ્રેષ્ઠ સ્થાપત્ય છે આગ્રાનો તાજમહેલ.

શાહજહાં વિશે સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અહા, તેઓ પોતાના વંશના ગૌરવરૂપ હતા. એમનો સૌંદર્યપ્રેમ અને સૌંદર્યદૃષ્ટિ ઇતિહાસમાં અજોડ છે. તેઓ પોતે પણ એક કલાકાર હતા. મેં એમના હાથે દોરાયેલા એક ચિત્રનું રેખાંકન જોયું છે, જે ભારતની કલાસંપત્તિનું એક અંગ છે. શી એમની પ્રતિભા હતી!’ શાહજહાંના મરણ બાદ મોગલ સ્થાપત્યકલા ક્ષીણ થવા લાગી હતી.

સંગીત – અકબર, જહાંગીર અને શાહજહાં સંગીતના શોખીન હતા અને સંગીતકારોને પ્રેરણા આપતા. તાનસેન, રામદાસ, બાઝ બહાદુર, છેલ્લા બાદશાહ બહાદુરશાહ ઝફર વગેરે એ યુગના સંગીતકારોનાં નામ સુપ્રસિદ્ધ છે. સંગીતકલાનો વિકાસ દર્શાવતાં પ્રત્યક્ષ પ્રમાણો મળતાં નથી.

Total Views: 116
By Published On: November 1, 2016Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram