ચિત્રકલા – મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની બાબતે સંપૂર્ણ ઉદારતા હતી. મત્સ્ય અને કૂર્મમાં પણ ઈશ્વરાવતાર જોનાર હિંદુધર્મમાં ચિત્રકલા માટે વિષયની ખોટ ન હતી. મોગલશૈલીની સમાંતર અનેક વૈવિધ્ય ધરાવતી હિંદુ ચિત્રકલા પણ ખીલી ઊઠી હતી. તેથી અજન્તાની શૈલીનો વહેતો સ્રોત ગુપ્તપણે પ્રવાહિત થતો રહ્યો હતો. રજપૂત શૈલીએ મોગલ શૈલીના ઇરાની તત્ત્વને ધીમે ધીમે દૂર કરી એને ભારતીય બનાવી હતી.

મોગલ આક્રમણોએ રાજપૂત રાજવંશોને હિમાલયની તળેટીમાં, રાજસ્થાનના રણમાં, આબુ અને વિન્ધ્યમાં આશ્રય લેતા કર્યા. રાજપૂત વંશોએ ભારતીય કલાને સાચવી અને રાજપૂત કેન્દ્રોએ પોતાની અવનવી ચિત્રકલા ચાલુ રાખી. એમાંથી પહાડી કાંગરા શૈલી અને રજપૂત શૈલીનો જન્મ થયો.

કાંગરા રજપૂત શૈલીએ ભક્તિને પ્રતિબિંબિત કરીને કૃષ્ણલીલાને ચિત્રમાં વણી લીધી. હિંદુ ચિત્રકલાએ અવતારસૃષ્ટિને સજીવન કરીને હિંદુધર્મમાં વિશેષ બળ પૂર્યું. સુર-અસુર અને પુરાણ-પ્રસંગો ઉપરાંત રાગ-રાગિણીનાં સ્વરૂપોએ ચિત્રકલાની ભાવવાહકતામાં સુંદર અને વ્યાપક વૃદ્ધિ કરી.

મોગલ, કાંગરા અને રજપૂત શૈલીમાં સામ્ય ઘણું છે. મોગલો અને મરાઠાઓ બંનેય યુદ્ધ, શિકાર, મહેલો, રાણીઓ-બેગમો, ભવ્ય દરબાર, શરાબ-સરબત, બાગ-બગીચા, સંગીત-નૃત્ય ઇત્યાદિના શોખીન હતા. તેથી ત્રણેય શૈલીઓમાં આ બધું ચિત્રરૂપે પ્રગટિત થયું છે. જો કે આ રીતે પ્રાચીનતાને સાચવી રાખી કહેવાય!

શિલ્પકલા – મરાઠાયુગમાં શિલ્પક્ષેત્રે થયેલા વિકાસના કોઈ પુરાવા નથી. કોઈ વિશિષ્ટ પ્રકારનાં શિલ્પો કે મૂર્તિઓના નિર્માણનું વર્ણન કે નક્કર સ્વરૂપો ઉપલબ્ધ નથી.

સ્થાપત્યકલા – મરાઠાયુગના સ્થાપત્ય માટે વિવેચકોનો ઊંચો મત દેખાતો નથી. મરાઠાઓએ પણ પોતાનાં વિશિષ્ટ પ્રકારનાં રજવાડાં બંધાવ્યાં હતાં. મોગલાઈ યુગના બાગબગીચા ચાલુ રાખ્યા હતા. કિલ્લાઓ મોટા પ્રમાણમાં બંધાવ્યા હતા. શિવાજીના કિલ્લાઓ, પેશ્ર્વાના વાડાઓ, મરાઠા રાજવીઓની છત્રીઓ, નદી-કિનારાનાં મંદિરો તથા ઘાટ વગેરે મરાઠા સ્થાપત્યના નમૂના ગણી શકાય.

ઉપસંહારરૂપે કહી શકાય કે મરાઠાયુગના અંતપૂર્વેથી પશ્ચિમના સંપર્કને કારણે ભારતીય સ્થાપત્યમાં બાહ્ય સૌંદર્ય અને કલાનું સ્થાન સુખ-સગવડતાઓએ લીધું હતું. સુખ-સગવડતાઓને લક્ષમાં લેવાતાં સ્થાપત્યોની ભવ્યતા ભુલાઈ. સ્થાપત્યોને ઉપયોગલક્ષી બનાવાતાં સૌંદર્ય વિસરાયું. આમ પશ્ચિમી પ્રભાવને કારણે સ્થાપત્યો પ્રત્યેના કલાશોખ પર અંકુશ મુકાયો અને પ્રાચીનતાનો અંત આવ્યો.

Total Views: 304

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.