વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ કરે છે.

ચિત્રકલા – વૈદિક સાહિત્યનાં વર્ણનો અને પુરાણકથાનાં વર્ણનો સિવાય કોઈ નક્કર પુરાવા ચિત્રકળાને લગતા મળતા નથી. વળી મૌર્ય યુગમાં ચિત્રકલાને વિશેષ ઉત્તેજન મળ્યું હોય તેવું કોઈ દૃષ્ટાંત જોવા મળતું નથી.

શિલ્પકલા – જૂનામાં જૂની શિલામૂર્તિઓ અશોકના મૌર્યયુગથી શરૂ થતી દેખાય છે. ભારતમાં શિલ્પકલા મૌર્યયુગથી શરૂ થઈ. મૌર્યકાળ દરમિયાન શિલ્પની સ્થાનિક શૈલીઓ ઉદય પામી હતી. આ યુગમાં શિલ્પની પ્રથમ સંસ્થા ‘ગાંધાર શાળા’ હતી. તેમાં પ્રથમ બૌદ્ધમૂર્તિઓ બની અને પછી હિંદુ દેવદેવીઓની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી. ત્યારબાદ ભારતમાં મથુરા, સારનાથ, પાટલીપુત્ર, અમરાવતી વગેરે સ્થળોએ મૂર્તિઘડતરનો પ્રારંભ થયો. એમાં બૌદ્ધ, હિંદુ, જૈન ધર્મને લગતી મૂર્તિઓ ઘડવામાં આવતી.

અશોકના શાસનકાળની શિલ્પાકૃતિઓની સુઘડતા, ચળકાટ અને અદ્‌ભુત આબેહૂબપણું એને ઉચ્ચ કલાના નમૂનારૂપે પ્રસ્તુત કરે છે. અશોકના યુગમાં શિલ્પની ખિલવણીની ધારણા સ્પષ્ટ રૂપ લેતી થઈ. તે પછીના સમયકાળનાં શિલ્પ, કોતરણી અને મૂર્તિના ઉત્કૃષ્ટ નમૂના ઉપલબ્ધ છે. ભારતીય શિલ્પકલાનો ખ્યાલ અતિ ઉદાત્ત હતો – મૂર્તિવિધાન એ સ્થાપત્યનો એક ભાગ છે, મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવા અને પૂજા-અર્ચના કરવા માટે છે.

રાજા કનિષ્કના સમયથી બુદ્ધની મૂર્તિપૂજાને વેગ મળ્યો. તેની સાથોસાથ શિલ્પ-સ્થાપત્યને નવો વળાંક મળ્યો. બુદ્ધના જીવનકથાના પ્રસંગો શિલ્પોમાં કંડારાયા. બુદ્ધગયા પાસેથી મળી આવેલ મૂર્તિઓ વિશિષ્ટતા ધરાવે છે. આ શિલ્પ વિકાસ પામીને ભારહૂત અને સાંચીનાં તોરણોમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું.

સ્થાપત્યકલા – મૌર્યયુગના સ્થાપત્યમાં અશોકના સ્તંભો અને સાંચી તેમજ સારનાથના સ્તૂપો વિશિષ્ટતાપૂર્ણ છે. ચંદ્રગુપ્ત મૌર્યના રાજભવનના વર્ણન દ્વારા જાણવા મળે છે કે તેના જેવું સ્થાપત્ય ઇરાનના રાજમહેલ સિવાય ક્યાંય ન હતું. ખરેખર અશોકનો શાસનકાળ આવતાં સાચું શિલ્પસ્થાપત્ય શરૂ થયું. અશોકના શાસનકાળનાં સ્થાપત્યોમાં અશોકસ્તંભો, પાટલીપુત્રના સ્તંભ તેમજ સભાગૃહના અવશેષો, બિહારના ડુંગરોની ગુફાઓ, સાંચી અને સારનાથના સ્તૂપો ગણી શકાય.

ઈ.સ.પૂર્વે બીજી સદીનો મધ્યહિંદનો ભારહૂતનો બૌદ્ધસ્તૂપ સ્થાપત્યનો અનુપમ કલાનમૂનો છે. આ સમયમાં લાકડાની કોતરણી પથ્થરોમાં કંડારાવાનું શરૂ થયું હતું. સાંચીના સ્તૂપનાં તોરણો એટલે શિલ્પસ્થાપત્યના સર્વોત્કૃષ્ટ નમૂના. અહીંના પથ્થરો પરની શૃંગારરચના મુગ્ધકારક છે. કહેવાય છે કે એકલા અશોકે જ 84,000 સ્તૂપો બંધાવ્યા હતા.

મૌર્યયુગથી ભારતીય કલા ધર્મનું અવલંબન કરીને જ વિકસિત થવા માંડી. ચૈત્યો, સ્તૂપો, સ્તંભો, ગુફા મંદિરો અને તોરણો વગેરેમાં સ્થપતિ, શિલ્પી અને દાનવીર એ ત્રણેયને ધર્મભાવના જ પ્રેરણા આપતી. મૃત સાધુઓને સ્તૂપોમાં સુવાડાતા અને જીવંત સાધુઓને રહેવા માટે પહાડો કંડારીને ગુફાઓ કે મઠ-મંદિરો સજાવાતાં.

વૈદિક, જૈન, બૌદ્ધમાર્ગી ભાવિકોએ અસંખ્ય પર્વતો કોરીને બનાવેલ અસંખ્ય મઠ-મંદિરોમાંથી આજે પણ બારસો જેટલી ગુફાઓ મળી આવી છે. અહીં જોવા મળે છે ભારતીય સ્થાપત્ય કલાની વિશિષ્ટતા, બેનમૂનતા!

ઊંચામાં ઊંચી અને ઊંડામાં ઊંડી કલ્પના અને ઊર્મિને મૂર્ત કરવાની પથ્થરોમાં સંભાવના છે, મૃદુતા છે એ ભારતીય કલાકારોએ અત્રે બતાવી આપ્યું છે.

કલા ઉપાસકોની કલ્પના સમક્ષ કાળમીંઢ પથ્થર પણ પીગળી ગયા અને ટાંકણાં આગળ પર્વતશૃંગો મીણ જેવા મુલાયમ બની ગયા – એવું અહીં સ્પષ્ટતયા માલૂમ પડે છે.

અજન્તા, ઇલોરા, કાર્લા, બાઘ વગેરેની ગુફાઓ ઉત્તમ દૃષ્ટાંતરૂપ ગણાવી શકાય. આ ગુફાકાળ ઈ.સ.પૂર્વે પહેલી-બીજી સદીથી ઈ.સ. પાંચમી સદીનો પ્રમાણી શકાય. એમાંય કાર્લાની ગુફાઓ (ઈ.સ. પૂર્વે એંસીની આસપાસ) સ્થાપત્યનો સર્વોત્કૃષ્ટ નમૂનો કહી શકાય.

પશ્ચિમ ભારતની ગુફાઓએ બૌદ્ધધર્મનું અવલંબન લીધું છે. પૂર્વ ભારતની ગુફાઓ જૈન આશ્રયે બંધાઈ છે, જેમાં ચૈત્યોનો અભાવ છે. મહારાષ્ટ્રના કાર્લાનાં ગુફામંદિરોમાં બૌદ્ધધર્મનાં શિલ્પો, મૈથુનયુગલ તેમજ હાથી અને અશ્ર્વસવારની અદ્‌ભુત શિલ્પકૃતિઓ છે. મુખ્ય ચૈત્યગૃહની બંને બાજુ આવેલા સંખ્યાબંધ સ્તંભોથી જાજરમાન દૃશ્ય ખડું થાય છે. સ્તંભોમાં કોઈ પણ પ્રકારનું કોતરણીકામ થયેલું નથી તેમ છતાં બૌદ્ધગુફા સ્થાપત્યોમાં કાર્લાનાં ચૈત્યોનું અત્યંત મહત્ત્વ છે. મુંબઈ પાસેની કેનેરી ગુફાઓ કાર્લાની અનુકૃતિ સમાન લાગે છે. તે અંદાજે બીજી સદીમાં થઈ હોવાનું મનાય છે. પરંતુ તેનો વૈભવ કાર્લા કરતાં ઓછો નથી.

વૈદિક માર્ગીઓની ગુફાઓમાં ઇલોરા અને એલિફંટાનું ઉચ્ચ સ્થાન છે. મુંબઈના દરિયામાં આવેલ ઘારાપુરી ટાપુ પરની એલિફન્ટાની ગુફાઓ શૈવ સંપ્રદાયના શિલ્પ અને કોતરણી માટે જગપ્રસિદ્ધ છે. એનું સ્થાપત્ય સાતમી-આઠમી સદીનું ગણાવી શકાય. આશરે પાંચ ચોરસ કિ.મી.ના ક્ષેત્રફળવાળા આ ટાપુ પર હિન્દુઓના દેવ મહાદેવને સમર્પિત કરેલાં 6 મંદિર આવેલાં છે.

એલિફન્ટાની આ ગુફાઓમાં શિવપાર્વતીનાં અદ્‌ભુત શિલ્પો છે. તેમાં નારી અને નટેશ્ર્વરની, પ્રકૃતિ અને પુરુષના સાયુજ્યની કલ્પનાસમું સુંદર શિલ્પ છે. તો વળી નટરાજની જોમભરી પ્રતિમા શિલ્પમાં પ્રાણ રેડે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – ત્રિદેવની અત્યંત પ્રભાવક એવી અતિ ભવ્ય પ્રતિમા અહીં જોવા મળે છે. ઉપરાંત અંધકાસુરવધ, ગંગાવતરણ, ઉમામહેશ્ર્વર, તાંડવનૃત્ય વગેરે શિલ્પોમાં તાદૃશ અભિવ્યક્તિ છે. આ બધી કલાકૃતિઓ સુરેખ, પ્રમાણબદ્ધ, સૌંદર્યસભર અને અદ્વિતીય છે. આ રમણીય અને અનુપમ કલાકૃતિઓથી મંડિત દીવાલ પરનાં આ ગતિશીલ પાત્રો જાણે કે અવકાશમાં વિહરતાં ન હોય!

ઓરિસ્સાની ઉદયગિરિ-ખંડગિરિ ગુફાઓનાં જૈનધર્મનાં શિલ્પો, મુંબઈ પાસે એલિફંટામાં હિંદુધર્મનું સ્થાપત્ય અને ઇલોરામાં હિંદુ, બૌદ્ધ તથા જૈન ધર્મનાં સ્થાપત્યોના નમૂના વિશ્વવિખ્યાત છે.

ભારતના પ્રથમ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની પાટલીપુત્ર હતી. નગરને ફરતે આવેલા લાકડાના કોટને 570 બુરજ અને 64 દરવાજા હતા. આ મહેલ વિશ્વની અજાયબીરૂપ લેખાતો. લાકડાની બેનમૂન કોતરણીથી મહેલને રોનકદાર બનાવાયો હતો. એના કલામય સ્તંભો પર સોના-રૂપાના પતરામાં કોતરેલી દ્રાક્ષની વેલ ઇત્યાદિ લાવણ્યમય હતું.

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.