સરયૂબાલાદેવીની નોંધ

મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, ‘બધા સારા આત્માઓ માટે અંતરાત્મા રડે છે.’

પછી શ્રીમાએ કપડાં બદલાવ્યાં અને ઠાકુરને ધરવા માટે સાંજનો પ્રસાદ બનાવવા ગયાં. તેમણે ઠાકુરને માટે થોડી ફૂલની માળાઓ બનાવેલી હતી અને ઠાકુર પાસે મૂકી હતી. તેની પાસે બ્રહ્મચારી રાસબિહારીએ રસગુલ્લાંની પ્રસાદીની રકાબી મૂકી હતી. રસગુલ્લાંનો રસ ફૂલો ઉપર પડ્યો હતો અને તેથી ત્યાં કીડીઓ એકઠી થઈ હતી. આ જોઈને શ્રીમા હસ્યાં અનેે કહ્યુુંં, ‘સાચેસાચ-(કટાક્ષમાં) હવે કીડીઓ ઠાકુરને પણ કરડશે. અરે રાસબિહારી !

તેં શું કર્યું છે ? . . . . .’

શ્રીમાને પોતાના પતિને માળાઓ વડે બધાના દેખતાં શણગારતાં જોઈને રાધુની મા હસી. શ્રીમાએ ગૌરીમાને ત્યાં હાજર રહેલાં બધાંને મિષ્ટાન્ન વહેંચી આપવાનું કહ્યુુંં. અને બધાંને પ્રસાદ મળ્યો.

સ્ત્રીઓમાંની એકે કહ્યુુંં, ‘મા, મારે પાંચ પુત્રીઓ છે. મને અત્યંત ચિંતા થાય છે, કારણ કે હું તેે બધીને પરણાવી નહીં શકું.’

શ્રીમાએ કહ્યુુંં, ‘તેઓને ન પરણાવી શકો તે માટે તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ? તેમને નિવેદિતાની શાળામાં મોકલો. તેમને ત્યાં શિક્ષણ મળશે, જેથી તેમનું ભલું થશે.’….

બીજા કોઈકે જાહેર કર્યું, ‘આ દિવસોમાં તો સારો મુરતિયો મળવો મુશ્કેલ છે. વળી ઘણા છોકરાઓ તો લગ્ન કરવા જ માગતા નથી.’

શ્રીમા બોલ્યાં, ‘હાલમાં છોકરાઓમાં વધુ અક્કલ આવી છે. સંસાર અનિત્ય છે તેની તેમને ખાતરી થઈ ગઈ છે. સંસારમાં લિપ્ત ન થાય તેમાં જ તેમનું ભલું છે.’….

મોડું થતું હતું અને મને લેવા માટે હજુ સુધી કોઈ આવ્યું ન હતું. જ્યારે ગોલાપમાએ નીચેથી ખબર કઢાવી ત્યારે કોઈકે જવાબ આપ્યો, ‘કેમ ! અમે તો તેમને કહ્યુુંં કે તે તો ગૌરીમા સાથે પાછી ગઈ હોવી જોઈએ.’

મેં આ સાંભળ્યું ત્યારે શ્રીમાને કહ્યુુંં, ‘વાંધો નહીં. જો કોઈ મને લેવા માટે નહીં આવે તો હું આજે રાત્રે અહીં રહીશ.’. . . .

લગભગ અગિયાર થવા આવ્યા હતા ત્યારે નાનો વિનોદ મને લેવા આવ્યો. તે ગૌરીમાની શાળાએ ગયેલો અને મને ત્યાં ન જોવાથી તે ફરી પાછો આવ્યો હતો. નીચે ઘણા ખરા બ્રહ્મચારીઓ સૂઈ ગયા હતા. મેં જ્યારે શ્રીમાને પ્રણામ કરી રજા લીધી ત્યારે તેમણે કહ્યુુંં, ‘ત્યારે આજ રાત તું નથી રહેતી ! ઠીક, ફરી કોઈ વાર રહેજે.’

બીજા એક પ્રસંગે હું ગઈ ત્યારે શ્રીમા તેમના બપોરના જમણ બાદ આરામ કરતાં હતાં. તેમની ઇચ્છા પ્રમાણે હું તેમની બાજુમાં સૂઈ ગઈ અને મેં તેમને પંખો નાખવો શરૂ કર્યો. તેઓ ત્યારે એકદમ મનોમન બોલવા લાગ્યાં, ‘બેટા ! અહીં તમે બધાં છો પણ તેઓ (ઠાકુર) ક્યાં છે ?’

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 86-87)

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.