કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ બણબણતી હશે, રસ્તાઓ ઉપરથી ધૂળ તેમાં પડતી હશે અને કંદોઈએ પોતે પણ ગંદાં, અસ્વચ્છ કપડાં પહેરેલાં હશે. ગ્રાહકોએ એક અવાજે જાહેર કરવું જોઈએ કે જ્યાં સુધી હલવાઈઓ દુકાનમાં કાચના કબાટોમાં મીઠાઈઓ રાખે નહીં ત્યાં સુધી અમે તે ખરીદીશું નહીં. આથી કોલેરા અને પ્લેગનાં જંતુઓને મીઠાઈ ઉપર લઈ જતી માખીઓને અટકાવવામાં ઘણો લાભ થશે.

આપણે સુધરવું જોઈએ. પરંતુ સુધરવાને બદલે આપણે પીછેહઠ કરી છે. મનુ કહે છે કે આપણે પાણીમાં થૂંકવું જોઈએ નહીં. તેમ છતાં આપણે નદીઓમાં તમામ પ્રકારનો કચરો ઠાલવીએ છીએ. આ બધી વસ્તુઓ વિચારતાં આપણે જોઈએ છીએ કે બાહ્યશુદ્ધિ અત્યંત આવશ્યક છે. શાસ્ત્રકારો આ બહુ સારી રીતે જાણતા હતા. પરંતુ હવે આહારશુદ્ધિના આ વિધિનિષેધનો ખરો ભાવ  નાશ પામ્યો છે, પણ ઉપરનો દેખાવ જ રહ્યો છે.

ચોરો, દારૂડિયાઓ અને ગુનેગારો આપણા જ્ઞાતિબંધુઓ હોઈ શકે છે; પરંતુ જો એક ભલો અને ખાનદાન માણસ પોતાના કરતાં હલકી જ્ઞાતિની પણ પોતાના જેટલી જ માનનીય વ્યક્તિ સાથે ભોજન લે તો તેને જ્ઞાતિ બહાર મૂકવામાં આવશે. આ રિવાજ આપણા દેશને શાપરૂપ બન્યો છે. એટલા માટે ચોખ્ખું સમજી લેવું જોઈએ કે પાપીઓના સંપર્કમાં આવવાથી પાપવૃદ્ધિ અને સત્પુરુષોના સંગથી ગુણવૃદ્ધિ થાય છે. અર્થાત્ દુષ્ટસંસર્ગથી દૂર રહેવું એ બાહ્યશુદ્ધિ છે.  આંતરશુદ્ધિનું કાર્ય આના કરતાં વધારે દુષ્કર છે.

આંતરશુદ્ધિ તો સાચું બોલવું, ગરીબની સેવા કરવી, જરૂર હોય તેને મદદ કરવી વગેરે કાર્યો કરવામાં રહેલી છે. શું આપણે હંમેશાં સાચું બોલીએ છીએ ?

આવું બનતું જોવામાં આવે છે : લોકો કોઈ શ્રીમંત માણસને ઘેર પોતાના કામ અંગે જાય છે ત્યારે તેને ગરીબોનો બેલી વગેરે વિશેષણોથી બિરદાવી તેની ખુશામત કરે છે, પછી ભલે તે માણસ ઘેર આવનાર ગરીબને ગળે છરી ફેરવતો હોય ! આ શું છે? જૂઠાણા સિવાય કશું નહીં અને મનને જે કલુષિત કરે છે તે આ છે. એટલા માટે સાચું જ કહેવામાં આવ્યું છે કે બાર વર્ષ સુધી એક પણ દૂષિત ભાવ સેવ્યા સિવાય જેણે પોતાના અંત:કરણની વિશુદ્ધિ સાચવી છે તે મનુષ્ય જે કંઈ બોલે છે તે સાચું જ પડે છે.

સત્યની આ શક્તિ છે અને જેણે પોતાની આંતર અને બાહ્ય બંને રીતે શુદ્ધિ કરી છે તે જ વ્યક્તિ ભક્તિ કરવા યોગ્ય બને છે. પરંતુ ખૂબીની વાત તો એ છે કે ભક્તિ પોતે જ મોટે ભાગે મનને શુદ્ધ કરે છે. જો કે યહૂદીઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ શરીરની બાહ્યશુદ્ધિને હિંદુઓ જેટલું મહત્ત્વ આપતા નથી. તો પણ એક યા બીજા રૂપમાં તેઓ શરીરશુદ્ધિ તો કરે જ છે; તેઓ સ્વીકારે છે કે અમુક અંશે તે હંમેશાં આવશ્યક છે. (સ્વા. વિ. ગ્રંથમાળા, 4.272-73)

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.