રોમન કેથલિકો અને ગ્રીક ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા માટે અમુક પ્રતિમાઓ રાખે છે; ઈશુ ખ્રિસ્ત અને તેની માતાની મૂર્તિઓને પૂજવામાં આવે છે. પ્રોટેસ્ટંટ પંથમાં મૂર્તિપૂજા નથી તેમ છતાં તેઓ સગુણ ઈશ્વરની ઉપાસના કરે છે. તે બીજા રૂપમાં મૂર્તિપૂજા જ કહેવાય.

પારસીઓ અને ઇરાનીઓમાં મોટે ભાગે અગ્નિપૂજા થાય છે. મુસલમાનોમાં પયગંબરો અને મહાત્માઓ પૂજાય છે અને જ્યારે તેઓ નમાજ પઢે છે ત્યારે પોતાનાં મોં કાબા તરફ રાખે છે. આ બધું બતાવે છે કે ધાર્મિક વિકાસના પ્રથમ તબક્કામાં મનુષ્યોને કોઈક બાહ્ય અવલંબનની જરૂર રહે છે; પરંતુ જ્યારે અંત:કરણ શુદ્ધ થાય છે ત્યારે તેઓ વધુ સૂક્ષ્મ ભાવો તરફ વળે છે. ‘જીવના બ્રહ્મ સાથેના ઐક્યનું ચિંતન એ સર્વોચ્ચ ઉપાસના છે; ધ્યાનની સાધના મધ્યમ કક્ષાની છે; નામ-જપ એથી ઊતરતી કક્ષાની અને બાહ્યપૂજા સૌથી નીચી કક્ષાની છે.’ પરંતુ એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે બાહ્યપૂજા કરવામાં પણ કોઈ પાપ નથી. પ્રત્યેક મનુષ્યે પોતે જે કરી શકે તે જ કરવું જોઈએ; જો તેમ કરતાં તેને અટકાવવામાં આવે તો તેનું ધ્યેય સિદ્ધ કરવા તે કોઈ અન્ય માર્ગ લેશે. એટલે કોઈ મનુષ્ય મૂર્તિઓની પૂજા કરતો હોય તો પણ તેની નિંદા કરવી નહીં. તે માણસ વિકાસની તે ભૂમિકા ઉપર છે અને એટલા માટે તેણે તે રીત સ્વીકારવી જોઈએ. જ્ઞાની પુરુષોએ આવા માણસોને આગળ વધવામાં મદદરૂપ થવા પ્રયત્ન કરવો જોઈએ, તથા જેઓ એથી વધુ સારું કરે એમ કરવા તેમને ઉત્સાહિત કરવા જોઈએ; આવી વિવિધ પ્રકારની ઉપાસના પ્રણાલી અંગે ઝઘડા કરવા એ વ્યર્થ છે.

કેટલાક લોકો પૈસો મેળવવા માટે, તો કેટલાક લોકો પુત્રપ્રાપ્તિ માટે ભગવાનને ભજે છે અને પોતાની જાતને ભગવદ્ ભક્તો કહેવડાવે છે. આ ભક્તિ નથી, તેમ તેઓ સાચા ભક્તો પણ નથી. જ્યારે કોઈ સાધુ આવીને સોનું બનાવી આપવાનો દાવો કરે છે ત્યારે લોકો તેની પાસે દોડે છે અને તેમ કરતી વેળા પોતાની જાતને તેઓ ભક્તો ગણે છે. પુત્રની વાસના સાથે જો આપણે ઈશ્વરને ભજીએ તો તે ભક્તિ નથી; જો આપણે શ્રીમંત થવાની ઇચ્છા સાથે ઈશ્વરને ભજીએ તો તે સાચી ભક્તિ નથી; આપણને સ્વર્ગની ઇચ્છા હોય તો તે પણ ભક્તિ નથી; અરે, નરકની યાતનાઓમાંથી બચવાની ઇચ્છાથી પણ મનુષ્ય જો ઈશ્વરને ભજે તો તે પણ સાચી ભક્તિ નથી. ભક્તિ ભય કે લોભનું પરિણામ નથી. સાચો ભક્ત તો કહે છે :

न धनं न जनं न सुंदरीं कवितां वा जगदीश कामये ।

मम जन्मनि जन्मनीश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि॥ (શિક્ષાષ્ટકમ્, 4)

‘હે, ઈશ્વર ! હું ધન, કીર્તિ, મિત્રો કે સુંદર પત્ની ઇચ્છતો નથી; હું તો જન્મોજન્મ તારી નિષ્કામ ભક્તિ જ યાચું છું;’

(સ્વા. વિ. ગ્રંથમાળા, 4.274-75)

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.