એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની સુવર્ણનગરી દ્વારકા પાસેના પિંડારકક્ષેત્રમાં આવી પહોંચ્યા. આ સર્વે મહત્જન પરસ્પર ભગવદ્-ચર્ચા કરવામાં તથા તત્ત્વવિચારના અનુશીલનમાં સમય પસાર કરતા. અત્રે એકત્રિત થઈ સર્વે સત્સંગ-રત થયા.

આ પાવનક્ષેત્રમાં દ્વારકાના યદુવંશના રાજકુમારો ફરતાં ફરતાં આવી પહોંચ્યા. સર્વ રાજકુમારો યુવાન હતા, તેમાંય વળી બળવાન અને સાથે ભળી સ્વચ્છંદતા. યુવાનો સંગે કોઈ વયોવૃદ્ધ ન હતા. યુવાવસ્થા, રાજસત્તા, સામર્થ્ય અને સંપત્તિમદ તો હતાં જ, તેમાં ભળ્યાં ઉચ્છૃંખલતા અને પરિહાસ. ઋષિજનોને નિહાળીને યદુકુમારોને તેમની ઠેકડી ઉડાડવાની દુર્બુદ્ધિ સૂઝી.

જાંબવતી-નંદન સામ્બને યદુકુમારોએ સ્ત્રીવેશ ધારણ કરાવ્યો. તેના પેટ પર વસ્ત્ર બાંધીને તેના ઉપર સાડી પહેરાવી દીધી. સ્ત્રી વેશધારી સામ્બને એવો સજ્જ કર્યો – જાણે કે ગર્ભવતી સ્ત્રી ન હોય ! તેને લઈને સર્વ રાજકુમારોએ ઋષિગણને પ્રણામ આદિ કર્યા અને આર્દ્રસ્વરે પૃચ્છા કરી- ‘મહર્ષિગણ ! આ સન્નારી ગર્ભવતી છે અને જાણવા માગે છે કે તેના ગર્ભથી પુત્ર કે પુત્રી કેવું બાળક જન્મશે ? તે લજ્જાવશ જાતે પૂછી શકતી નથી. આપ મહાત્માઓ સર્વજ્ઞ છો, ત્રિકાળદર્શી છો, ભવિષ્યવેત્તા છો. કૃપા કરીને સત્યવચન કહો. તે તો પુત્ર ઇચ્છે છે, તેના ગર્ભથી શું જન્મશે ? એની કુતૂહલતાનો અંત લાવો.’

મહર્ષિઓની સર્વજ્ઞતા અને સામર્થ્યનો આ પરિહાસ હતો ! સર્વ ઋષિજન વિસ્મયતાપૂર્વક એકબીજા સામે જોવા લાગ્યા. કેટલાક કરુણાર્દ્ર થયા, કેટલાક થયા ક્રુદ્ધ ! કેટલાકને લજ્જા થઈ, કોઈને વળી ક્ષોભ ઊપજ્યો! ક્રોધમૂર્તિ દુર્વાસાજી તો ક્રોધાગ્નિમાં સમસમી ઊઠ્યા. તેઓએ ઉત્તર આપ્યો, ‘મહામૂર્ખો ! આના ગર્ભથી શું ઉત્પન્ન થશે એમ પૂછો છો ? આના પેટે જન્મશે સમગ્ર યાદવકુળનો નાશ કરનારું મુસળ.’ સર્વ ઋષિઓએ દુર્વાસામુનિના વચનને અનુમોદન આપ્યું. પ્રત્યુત્તર મેળવી યદુકુમારો ભયભીત થઈને દ્વારકા આવ્યા. સામ્બે પેટ ઉપર બાંધેલું વસ્ત્ર ખોલ્યું તો તેમાંથી લોખંડનું એક મુસળ નીકળી આવ્યું.

ઋષિવચનને મિથ્યા કરવાનો કોઈ માર્ગ ન હતો. મુસળ લઈને રાજકુમારો રાજસભામાં પધાર્યા. રાજકુમારોએ સર્વ ઘટનાથી રાજા ઉગ્રસેનને માહિતગાર કર્યા અને મુસળને તેમના સમક્ષ મૂક્યું. મહારાજા ઉગ્રસેનની આજ્ઞાથી મુસળને કચરી-કચરીને ચૂર્ણ બનાવી દીધું. સમગ્ર ચૂર્ણ અને કચરતાં-ઘસાતાં, અંતમાં વધેલો નાનકડો લોખંડનો ટુકડો- આ બધું સમુદ્રમાં ફેંકી દીધું.

શાપ અને તે વળી મહર્ષિનો ! એ મિથ્યા કેમ કરીને થાય ! લોખંડનું ચૂર્ણ (ભૂકો) સમુદ્રજળની લહેરોમાં તણાઈને કિનારે આવી ગયું અને એરકા નામના ઘાસના રૂપમાં ત્યાં ઊગી નીકળ્યું. લોખંડનો બચેલો નાનકડો ટુકડો એક માછલી ગળી ગઈ. તે માછલી માછીમારોની જાળમાં ફસાઈ અને તેમણે તે વેચી દેતાં, શિકારી પાસે આવી પહોંચી. શિકારીએ માછલીના પેટમાંથી નીકળેલા લોખંડના ટુકડાથી બાણની ચાંચ બનાવી. કાળક્રમે આ જરા નામના શિકારીનું તે બાણ શ્રીકૃષ્ણના ચરણમાં વાગ્યું અને એક વખત યાદવ-વીરો સમુદ્રકિનારે મદિરાથી મદોન્મત્ત બનીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે શસ્ત્ર ખૂટી જતાં, એરકા ઘાસ ઉખાડી-ઉખાડીને અરસપરસ પ્રહાર કરવા મંડતાં, તેના આઘાતથી મૃત્યુ પામ્યા. આમ એક વિચારહીન પરિહાસ સમગ્ર યદુવંશના નાશનું કારણ બન્યો. વિચારહિન પરિહાસ સર્વના નાશનું મૂળ છે તેથી ડાહ્યા માણસે તેનાથી અટકવું.

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.