(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના  400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની   2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં  યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે 4થી મે, 2017ના બપોરે 13.10 કલાકે રજૂ કરેલ સત્રપત્રનો ગુજરાતી અનુવાદ અહીં વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

સમસ્ત વિશ્વના યુવાનોને સ્વામી વિવેકાનંદે માનવજાતની નિસ્વાર્થ સેવા કરવામાં આગળ આવવા આવાહ્ન કર્યું છે. આ માટે સ્વામીજીએ એક વ્યવસ્થિત સંસ્થા પોતાના ગુરુદેવના નામથી શરૂ કરી. ઈ.સ.1897ના 1લી મેના રોજ ભારતના બંગાળ રાજ્યના કોલકાતાના ગંગા કિનારે બેલુર ગામે વિશાળ જમીન પસંદ કરીને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થાના માધ્યમથી દેશ-વિદેશના સંસારત્યાગી શિક્ષિત યુવાનોની દિવ્યતાને જાગ્રત કરી, તેમના બુદ્ધિકૌશલ્યને સમાજના વ્યાપક કલ્યાણાર્થે કાર્યાન્વિત કર્યાં. આમ રામકૃષ્ણ મિશન છેલ્લાં 120 વર્ષોથી યુવાનોને સેવાક્ષેત્રે સક્રિય બનાવી કાર્યરત છે. ભારત સરકારે પણ ઈ.સ. 1984ના ઓક્ટોબર મહિનામાં સ્વામી વિવેકાનંદને યુવાનોના આદર્શમૂર્તિ તરીકે સ્વીકારીને પ્રત્યેક વર્ષે તેમના જન્મદિવસ 12મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય યુવા દિન’ અને 12થી 19મી જાન્યુઆરી સુધી ‘રાષ્ટ્રીય યુવા સપ્તાહ’ ઉજવવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ભારત સરકારના પત્રાચારમાંથી ઉદ્ધૃત કરીએ તો, ‘સ્વામીજી (સ્વામી વિવેકાનંદ)ના ઉદાત્ત વિચારો અને તેમણે પોતાના જીવનમાં જે આદર્શો ચરિતાર્થ કર્યા અને જે કાર્ય કરી બતાવ્યું હતું, તે ભારતના યુવાનોનેે પ્રેરણા પ્રાપ્ત કરવાનો ઘણો મોટો આધાર છે, તેવું અનુભવાય છે.’

રામકૃષ્ણ મિશનને યુનેસ્કો સાથે બૌદ્ધિક અને નૈતિક રીતે ઘણા નજીકના સંબંધો છે. હકીકતે, ઈ.સ.1987-1999 સુધી યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ તરીકે રહી ચૂકેલા શ્રીમાન ફેડ્રિકો મેયરે ફ્રાંસ ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદના શતાબ્દી મહોત્સવમાં પોતાના સંબોધનમાં આવો મત દર્શાવ્યો હતો : ‘જોતાં મને ઘણું જ આશ્ચર્ય થયેલું કે ઈ.સ. 1945માં યુનેસ્કોની સ્થાપનાના દસ્તાવેજોમાં અને વિવેકાનંદે ઈ.સ. 1897માં સ્થાપેલા રામકૃષ્ણ મિશનના બંધારણમાં સમાનતા જોવા મળે છે. વિકાસના પ્રત્યેક તબક્કે બન્ને સંસ્થાઓના પ્રયાસોમાં કેન્દ્રસ્થાને તો માનવજાતિ જ રહેલ છે. શાંતિ અને લોકશાહીની સ્થાપનામાં આ બન્ને સંસ્થાઓએ સહિષ્ણુતાને સર્વોચ્ચ અને અગ્રસ્થાન આપ્યું છે. બન્ને સંસ્થાઓ સામાન્ય વારસાનાં પાસાઓને અને માનવ સંસ્કૃતિ તથા સમાજની ભિન્નતાને સ્વીકારે છે.’

સામાજિક કલ્યાણની અસંખ્ય પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલે છે. એમાં આરોગ્ય-ચિકિત્સા સેવાઓ, કુદરતી અને માનવસર્જિત મોટી આફતોના સમયે સુસંગત રાહતકાર્યો અને પુન:સ્થાપન, શૈક્ષણિક સેવાઓ, મહિલા કલ્યાણ, ગ્રામ્ય અને આદિવાસી સશક્તીકરણ, યુવા કલ્યાણ અને વિભિન્ન કાર્યક્રમોના આયોજન અને વિવિધ પ્રકાશનો દ્વારા સંસ્કૃતિની જાળવણી જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આમ છતાં જેઓ આપણા સમાજનું ભાવિનિર્માણ કરવાના છે તેવા યુવાનોના કલ્યાણની પ્રવૃત્તિ અને તેમને શક્તિસંપન્ન બનાવવા જેવું મહત્ત્વનું લક્ષ્ય રામકૃષ્ણ મિશનનું છે.

પ્રત્યેક યુવાનમાં અખૂટ સંભાવનાઓ અને ક્ષમતાઓ વિપુલ પ્રમાણમાં છે. તેનો હજુ સુધી યોગ્ય અને પૂરેપૂરો ઉપયોગ તેઓએ કર્યો નથી, તેવું રામકૃષ્ણ મિશન માને છે. યુવાનોની આ ક્ષમતા તેમનામાં રહેલ કૌશલ્યને પૂરતી મર્યાદિત નથી, તેમનામાંના સારાપણા, સુખ અને સંતોષને લગતી વ્યક્તિગત અનંતશક્તિ, કાર્યમાં તેમની ક્ષમતા, વીરતા અને ઉમદાપણાને પણ સ્પર્શ છે. એમાં તેમની પોતાની વ્યક્તિગત સુખસુવિધાની શોધનો પણ સમાવેશ કરે છે, એટલું જ નહીં પણ બળ-બુદ્ધિ, વીરતા અને ઉદાત્તતા તેમનાં કાર્યોમાં કેટલી રહેલી છે તે પણ મહત્ત્વનું છે, જેથી તે પ્રબુદ્ધ નાગરિક બનીને સમાજને ઉપયોગી થાય છે.

રામકૃષ્ણ મિશન 800થી વધારે સંસ્થાઓ સાથે બાળવિકાસ અને યુવવિકાસનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. મિશનની પોતાની યુનિવર્સિટી છે, યુવકેળવણી માટે 12થી વધુ ડીગ્રી કોલેજો કાર્યરત છે.

એ સિવાયના, વિવિધ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે 150 શાળાઓ બાળકો માટે છે. યંત્રવિજ્ઞાન અને વ્યાવસાયિક કૌશલ્યના વિકાસ માટે મિશન 98 સંસ્થાઓ ચલાવે છે.

આ ઉપરાંત અવૈધિક શિક્ષણ માટે 130 શિક્ષણકેન્દ્રો ચાલે છે અને વિકલાંગો માટે પણ 2 શાળાઓ ચાલે છે.

ભિન્ન ભિન્ન સમાજનાં આર્થિક અને સામાજિક રીતે નબળી ભૂમિકાઓ ધરાવતાં અને અનાથ બાળકોને મદદરૂપ થવા 100 છાત્રાલયો મિશન ચલાવે છે.

ફક્ત 2014-15ના એક વર્ષમાં જ મિશનની સીધી દેખરેખ સાથેની સંસ્થાઓ દ્વારા 3,50,000 યુવાનોને આવરી લેવામાં આવ્યા છે.

રામકૃષ્ણ મિશન પાસે ઘણું વ્યાપક અને સક્રિય કાર્યમાળખું અને પાયાગત સુવિધાઓ છે. તેના દ્વારા માત્ર ભારતનો યુવાનવર્ગ જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ આ પ્રકારની મૂળભૂત સુવિધાઓ રામકૃષ્ણ મિશન ધરાવે છે.

ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઝ, શાળાઓ, બિન સરકારી સંસ્થાઓ અને સરકારી વિભાગો સાથે સહયોગ સાધીને રામકૃષ્ણ મિશને વિદ્યાર્થીઓ અને અન્ય લાભાર્થીઓ સુધી પહોંચવાનો પ્રારંભ કર્યો છે.

દૃષ્ટાંત તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સહભાગી બનીને મિશન દ્વારા એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ છે કે દરેક વિદ્યાર્થી એક સક્ષમ પ્રદાતા અને પરિવર્તનશીલ નાગરિક બની શકે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની 500 કોલેજોમાં 4-ઈયિમશિં ઈજ્ઞીતિયત ચાલે છે. આ કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાયા છે.

આ અભ્યાસક્રમનો હેતુ ગહન પ્રૌદ્યૌગિકીના નવીનીકરણનું કૌશલ્ય વિકસાવવાનો છે. આ બધાં કેન્દ્રોમાં આ કાર્ય અધ્યાપનશાસ્ત્રના અભ્યાસ અને આગવી વ્યૂહરચના સાથે સંસ્થાકીય કક્ષાએ ચાલે છે.

પ્રૌદ્યૌગિકી સાથે સંયોજાયેલ મૂલ્યો પાયાની ભૂમિકાએ સુદીર્ઘકાળનો પ્રભાવ ઊભો કરવા તેમજ વ્યાજબીપણું લાવવા અને પ્રાવેશિકતામાં વૃદ્ધિ કરવા સહાયરૂપ થાય છે.

આ પ્રકારની સહભાગીદારીતા કરવામાં મિશને પોતાના અનુભવો પરથી દર્શાવી આપ્યું છે કે અનેક યુવક પ્રવૃત્તિનાં માધ્યમો અને શિક્ષણ સંસ્થાઓ દ્વારા થઈ રહેલાં આશ્ચર્યજનક સુંદર કાર્યોમાં અનંત સંભવિતતાઓ રહેલી છે. પ્રત્યેક યુવાનમાં નિશ્ર્ચિત કાર્ય-લક્ષ્યાંકોને પાર પાડવા અખૂટ શક્તિનો ખજાનો છુપાયેલો છે.

સમાન ઉદ્દેશવાળી સંસ્થાઓને, ખાસ કરીને યુનેસ્કો સાથે સહભાગી બનેલ સંસ્થાઓને યુનેસ્કો સંસ્થાન વિશ્વભરના યુવાનોના સાચા અને સાતત્યપૂર્ણ શક્તીકરણ માટે સ્વયંના અનુભવો અને કાર્યોને પરસ્પર આદાનપ્રદાન કરવાની અદ્‌ભુત તક પૂરી પાડે છે.

આમ આપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મિશન ભારત અને વિશ્વના કેટલાક દેશોમાં પણ છેલ્લાં સતત 120 વર્ષોથી યુવાનોની પ્રતિભાઓને બહાર લાવવામાં અને સમસ્ત માનવસમાજનો ઉત્કર્ષ સાધવામાં કાર્યરત છે.

આજે દેશ-વિદેશમાં કુલ મળીને મિશનનાં 190 કેન્દ્રો-શાખાઓ સંસાર ત્યાગી સંન્યાસીઓ અને સમાજના બધા વર્ગના નાગરિકોના સાથ-સહકારથી સતત કાર્યરત છે.

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.