દિવ્યતા કદી છેતરાઈ નથી અને છેતરાશે પણ નહીં. તે હંમેશાં પોતાનો પ્રભાવ પાડે છે અને ભૂલ કર્યા વિના સદા બેઈમાની તથા ઢોંગને પકડી પાડે છે. સત્યના તેજનો, આધ્યાત્મિકતાના પ્રકાશનો તથા પવિત્રતાની શક્તિનો અવશ્ય તેને પત્તો લાગી જાય છે. જો સાચી આધ્યાત્મિકતા મેળવવી હોય તો આ જાતની પવિત્રતા અત્યંત આવશ્યક છે.

મારા ગુરુદેવના જીવનમાં આ જાતની પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ ગયો. જિંદગીના પોણા ભાગ સુધી તેમણે સખત તપસ્યાઓ દ્વારા જે આધ્યાત્મિક સંપત્તિ એકત્ર કરી હતી, તે હવે માનવજાતિમાં વહેંચવા માટે તૈયાર હતી; એટલે પછી તેમણે પોતાનું પ્રચારનું કાર્ય આરંભ્યું. તેમની શિક્ષણપદ્ધતિ તથા તેમનો ઉપદેશ વિલક્ષણ પ્રકારનાં હતાં.

અમારા દેશમાં સૌથી અધિક આદર તથા સન્માન ગુરુને આપવામાં આવે છે; અમારી એવી શ્રદ્ધા હોય છે કે ગુરુ સાક્ષાત્ ઈશ્વર જ છે. એટલો આદરભાવ અમારાં માતાપિતા માટે પણ અમને નથી હોતો. માતાપિતા તો આપણને માત્ર જન્મ જ આપે છે, પરંતુ ગુરુ તો આપણને મુક્તિનો માર્ગ દેખાડે છે. આપણે ગુરુનાં જ સંતાન છીએ, એમના માનસપુત્રો છીએ.

કોઈ અસાધારણ મહાપુરુષ પાસે હજારોની સંખ્યામાં હિંદુઓ એકઠા થાય છે અને દર્શન માટે ચોમેર ભીડ જમાવે છે. મારા ગુરુદેવ પણ એક એવા જ મહાપુરુષ હતા. પરંતુ તેમને તો ખ્યાલ પણ ન હતો કે પોતાને માન અને પ્રતિષ્ઠા મળવાં જોઈએ; તેમને જરા જેટલો પણ ખ્યાલ ન હતો કે તેઓ એક મોટા ગુરુ છે. તેમને તો એમ જ હતું કે જે કંઈ થઈ રહ્યું છે તે બધું જગન્માતા જ કરાવી રહી છે, પોતે કંઈ જ કરતા નથી. તેઓ સદા એમ જ કહેતા: ‘જો મારા મુખમાંથી કોઈ સારી વાત નીકળતી હોય તો તે જગદંબાના જ શબ્દો છે, હું પોતે કંઈ કહેતો નથી.’ પોતાના દરેક કાર્યના સંબંધમાં તેમને આવો જ વિચાર આવતો અને પોતાની મહાસમાધિ સુધી તેમની આ ભાવના અચળ રહી. મારા ગુરુદેવ કોઈ શિષ્યોને શોધવા ગયા નહોતા. તેમનો સિદ્ધાંત હતો કે મનુષ્યે પહેલાં ચારિત્ર્યવાન બનવું જોઈએ તથા આત્મજ્ઞાન મેળવવું જોઈએ; ફળ તે પછી આપોઆપ મળી જાય છે. તેઓ હંમેશાં આ દૃષ્ટાંત આપ્યા કરતા : ‘કમળ ખીલે છે કે તરત જ મધમાખીઓ મધ લેવા સ્વયં તેની પાસે હાજર થાય છે; એ જ રીતે જ્યારે તમારું ચારિત્ર્યરૂપી કમળ પૂરેપૂરું ખીલી ઊઠશે ત્યારે ફળ આપોઆપ જ તમને મળી જશે.’ આપણા બધાને માટે આ એક બહુ મોટો ઉપદેશ છે. મારા ગુરુદેવે આ ઉપદેશ મને સેંકડો વાર આપ્યો છે, પરંતુ તેમ છતાં હું વારંવાર એ ભૂલી જાઉં છું.’        (મારા ગુરુદેવ, 36-38)

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.