(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો)

પૂર્વજીવન (1854 થી 1874)

જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં ખચકાતા હોય અને સામાન્ય જનોની નજરથી બચવા માગતા હોય તેવા ઉમદા મનુષ્ય વિશે લખવું ઘણું કઠિન છે. એક લોકોક્તિ છે, ‘જેમ વધારે ગુપ્ત રહે તેમ તે વધારે ફળદાયી બને છે; જેમ જેમ વધારે અભિવ્યક્ત થાય તેમ તેમ તે વધારે નિર્બળ અને વધારે પ્રમાણમાં ઉપરછલ્લું બની જાય છે.’ આ જ કારણે અધ્યાત્મવાદી અને સાચા સત્યશોધકને અનામી રહેવાનું ગમે છે. મહેન્દ્રનાથ ગુપ્ત-શ્રીમ. આવી જ રીતે ગુપ્ત રહેવાનું ઇચ્છતા હતા પણ તેમાં તેઓ નિષ્ફળ નિવડ્યા. પોતાના અમર સાહિત્ય ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ગ્રંથે તેમને જગવિખ્યાત બનાવ્યા.

વિશ્વભરમાંથી લોકો શ્રીમ.ને મળવા ઊમટી પડતા હતા અને તેમની સાથે તેઓ માત્ર ઈશ્વર વિશે જ વાતો કરતા. ‘અમને રામકૃષ્ણ વિશે થોડું કહો’, એમ જ્યારે લોકો પૂછતા ત્યારે તેઓ કેન ઉપનિષદમાં વર્ણવેલ ગુરુ અને શિષ્યના સંવાદને ટાંકીને કહેતા : શિષ્ય કહે છે, ‘મને ઉપનિષદ શીખવો,’ પછી ગુરુ થોડી વાર શાંત રહે છે અને પછી આવો જવાબ આપે છે, ‘મેં તો તને ઉપનિષદની વાત કરી જ છે.’ આમ કહીને મહેન્દ્રનાથ ગુપ્ત કહેવા માગે છે કે તેઓ માત્ર શ્રીરામકૃષ્ણને જાણતા હતા એ સિવાય કાંઈ નહીં, એમના હોઠેથી જે કંઈ આવતું તે શ્રીઠાકુર વિશે જ હતું. વળી જ્યારે કોઈ તેમને પોતાના વ્યક્તિગત જીવન વિશે પૂછતા ત્યારે તેઓ એ વાતને ગમે તેમ વાળીને પણ નિશ્ર્ચિતપણે શ્રીઠાકુરની તરફ વાતચીતને લઈ જતા. તેમણે પોતાનું વ્યક્તિત્વ પોતાના પ્રિય ગુરુમાં ઓગાળી દીધું હતું અને પોતાના બાકીના જીવન દરમિયાન તેઓ તેમના ગુરુદેવની વાણી જ બની રહ્યા.

શ્રીમ.નો જન્મ 1854ની 14મી જુલાઈ અને શુક્રવારે સવારે 5.55 કલાકે થયો હતો. તેમનું જન્મસ્થાન શિવનારાયણ દાસ લેઈન, સિમુલીયા, ઉત્તર કોલકાતામાં છે. સ્વામી વિવેકાનંદની જન્મભૂમિથી તે ઘણું નજીક. સંજોગવશાત્ શ્રીરામકૃષ્ણ પણ પહેલાં આ જ વિસ્તારમાં રહેતા હતા અને પોતાના ભાઈને એક ખાનગી ઘરમાં પૂજા વિધિ-વિધાનમાં સહાય કરતા હતા.

શ્રીમ.ના પિતા મધુસૂદન ગુપ્ત એક પવિત્ર માણસ હતા અને કોલકાતાની હાઈકોર્ટમાં કામ કરતા હતા. તેમનાં માતા સ્વર્ણમયી દેવી પરમ ઈશ્વરભક્ત હતાં. એમ કહેવાય છે કે ઘણા લાંબા સમય સુધીના ભગવાન શિવનાં પૂજન અને પ્રાર્થનાથી તેમને આ વિશિષ્ટ સંતાન અવતર્યું હતું. મધુસૂદન અને સ્વર્ણમયી દેવીને પાંચ પુત્ર અને છ પુત્રીઓ હતાં. તેમનાં નામ આ પ્રમાણે હતાં – કૈલાસચંદ્ર, ક્ષિરોદવાસિની, સૌદામિની, ક્ષેત્રમોહન, રમણમોહિની, મનમોહિની, અક્ષયકુમાર, વિનોદિની, મહેન્દ્રનાથ, દુર્ગામણિ અને કિશોરી (કિશોરી પણ શ્રીરામકૃષ્ણ દેવના ભક્ત બન્યાં હતાં).

શ્રીમ.ના જન્મ પછી થોડાક સમયમાં મધુસૂદને 13/2 ગુરુપ્રસાદ ચૌધરી લેનમાં મકાન ખરીદ્યું. પછીથી આ મકાનનું નામ શ્રીમ. એ ‘ઠાકુરવાડી’ એવું રાખ્યું હતું. આજે તે ‘કથામૃત ભવન’ના નામે જાણીતું છે. શ્રીમ. દેખાવડા હતા અને સુંદર દેહકાંતિ ધરાવતા હતા. તેમનાં માતપિતા અને પાડોશીઓ તેને ખૂબ ચાહતાં. તેમની મધુર પ્રકૃતિ અને બુદ્ધિચાતુર્યને કારણે પ્રાથમિક શાળાના શિક્ષકને તેમના પ્રત્યે ઘણો પ્રેમ હતો. નાની ઉંમરથી જ શ્રીમ.નો શાંત ચહેરો, વિશાળ અને વિશિષ્ટ આંખો, મૃદુ અવાજ અને મોહક વ્યક્તિત્વ બીજાને માટે આકર્ષક બની જતાં.

શ્રીમ. કુશાગ્રબુદ્ધિ, તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ, કવિ જેવી કલ્પનાશક્તિ, આ ઉપરાંત અદ્‌ભુત અને વિલક્ષણ સ્મૃતિશક્તિ ધરાવતા હતા. તેઓ વૃદ્ધાવસ્થામાં પણ પોતાના બાળપણની ઘટનાઓને વિગતવાર યાદ કરી શકતા. એક દિવસ પોતાનાં આવાં સંસ્મરણોની વાત કરતાં કહ્યું હતું, ‘એક વખત હું મારાં માતા સાથે મારા મામાના ઘરે રિશરા ગયો. ત્યાં માહેશમાં અમે જગન્નાથની રથયાત્રાના ઉત્સવમાં જોડાયાં. પાછાં ફરતી વખતે અમે રાણી રાસમણિના દક્ષિણેશ્ર્વર મંદિરના ઉદ્યાનમાં ગયાં. એ વખતે હું ચાર વર્ષનો હતો. એ વખતે આખું મંદિર સફેદ, નવું અને ચમકતું હતું. મંદિરમાં ફરતાં ફરતાં ટોળામાંથી મારાં માતાથી વિખૂટો પડી ગયો. મંદિરના પરસાળમાં તેઓ ન દેખાવાથી હું રડવા લાગ્યો. એકાએક એક સુંદર બ્રાહ્મણ મંદિરની બહાર આવ્યા અને મારા મસ્તક પર હાથ ફેરવીને મને સાંત્વના આપી. પછી તેમણે મોટેથી કહ્યું, ‘આ બાળક કોનું છે? તેની માતા ક્યાં ગઈ છે?’ મોટેભાગે તે શ્રીરામકૃષ્ણ હતા, કારણ કે એ સમયે એટલે 1858માં તેઓ કાલી મંદિરમાં પૂજારી હતા.

બાળપણથી શ્રીમ.નું ધાર્મિક અને અધ્યાત્મભાવ તરફનું વલણ હતું. જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે ઘરના છાપરા પર ચડી જતા અને આકાશની વિશાળતાને નિરખતા કે ક્યારેક ચોમાસાનો મૂશળધાર વરસાદ પણ માણતા. તેમને દુર્ગાપૂજા, રથયાત્રા, ગંગાપૂજા અને બીજા ધાર્મિક ઉત્સવોમાં જવાનું બહુ ગમતું. એમને પોતાનાં માતપિતા અને શિક્ષકો પ્રત્યે ગહન પ્રેમ અને આદર હતાં. દસ વર્ષની ઉંમરે તેમણે મહાભારતમાં વાંચ્યું કે દરેક માણસે પોતાના કુટુંબના ગુરુ પ્રત્યે પ્રેમભાવ અને પૂજ્યભાવ રાખવો જોઈએ. એટલે જ્યારે કુટુંબના ગુરુદેવ એમના ઘરે આવતા ત્યારે તેમને આદરથી પ્રણામ કરતા અને તેમની આગતાસ્વાગતા પણ પોતે કરતા. 5 ઓક્ટોબર, 1864ના રોજ કોલકાતામાં ભયંકર વાવાઝોડું આવ્યું. વર્ષો પછી 14 જુલાઈ, 1885ના રોજ શ્રીરામકૃષ્ણે શ્રીમ.ને પૂછ્યું હતું, ‘આસો મહિનાનું એ મોટું વાવાઝોડું તમને યાદ છે?’ આશ્ચર્ય સાથે શ્રીમ.એ જવાબ આપ્યો હતો, ‘હા, મહાશય, એ સમયે હું નાનો – 9 કે 10 વર્ષનો હતો. જ્યારે વાવાઝોડું ફૂંકાતું હતું ત્યારે ઓરડામાં હું એકલો હતો અને મેં ભગવાનને પ્રાર્થના કરી હતી.’

શ્રીમ.એ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં નોંધ્યું છે, ‘શા માટે શ્રીઠાકુરે આસો મહિનાના એ મોટા વાવાઝોડા વિશે પૂછ્યું? હું એ સમયે એકલો હતો અને મારી આંખમાં આંસુ સાથે હું ભગવાનને ભાવથી પ્રાર્થના કરતો હતો, શું એ વાત તેઓ જાણે છે? શું તેઓ બધું જાણે છે? શું મારા જન્મથી જ તેઓ એક ગુરુરૂપે મારું રક્ષણ કરી રહ્યા છે?’

શ્રીમ. ઘણા વિનમ્ર અને કોમળ હૃદયના કિશોર હતા. તેમણે એક પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું, ‘જ્યારે હું 8 કે 10 વર્ષનો હતો ત્યારે હું દક્ષિણ કોલકાતાના કાલિઘાટના કાલી મંદિરે મારાં માતા સાથે ગયો હતો. જેવો મેં બકરાને બલિ દેવાતો જોયો ત્યારે મેં વિચાર્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું આ પ્રથા બંધ કરાવીશ. એ સમયે હું થોડો મહત્ત્વાકાંક્ષી હતો. હવે હું ઉંમરવાન થયો છું અને મને સમજાય છે કે દરેક વસ્તુ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય છે. કોઈપણ વ્યક્તિ ઈશ્વરના નિયમની વિરુદ્ધ ન જઈ શકે.’                          (ક્રમશ:)

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.