શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર, 1893ના વ્યાખ્યાનમાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !’ સંબોધન સાથે સભાખંડ બે મિનિટ સુધી તાળીઓથી ગુંજતો રહ્યો ! સ્વામીજીએ સૌના પ્રત્યે હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરી અને પોતાના વક્તવ્યને આગળ ચલાવ્યું :

….જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું ગૌરવ હું અનુભવી રહ્યો છું… સર્વ ધર્મો સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. ..હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. …યહૂદી લોકોના એક પરમશુદ્ધ અવશિષ્ટ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે; જે વર્ષે અત્યાચારી રોમન લોકોએ એમના પવિત્ર મંદિરના ટુકડેટુકડા કરી નાખ્યા, તે જ વર્ષમાં એ વર્ગ દક્ષિણ ભારતમાં આવ્યો અને અમારી વચ્ચે વસ્યો. …મારો એક એવા ધર્મમાં જન્મ થયો છે કે જેણે મહાન જરથોસ્તી પ્રજાના અવશેષને આશ્રય આપ્યો છે અને હજી તેઓ સ્વમાન સાથે ત્યાં વસી રહ્યા છે. બંધુઓ ! તમારી સમક્ષ હું એક સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું ઉચ્ચારણ કરું છું, ભારતના લાખો મનુષ્યો દરરોજ એનું પારાયણ કરી રહ્યા છે : ‘જે પ્રમાણે ભિન્ન ભિન્ન મૂળમાંથી ઉદ્ભવ પામેલી જુદી જુદી સરિતાઓના પ્રવાહો અંતે એક સાગરમાં એકત્રિત થાય છે, તેવી રીતે હે પ્રભો ! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકાચૂંકા ભાસે, છતાં એ બધા તારી પાસે જ પહોંચે છે.’

‘અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્યતમ સભાની આ બેઠક, ગીતાએ પ્રબોધેલા પેલા અદ્‌ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ સ્વત: એક સમર્થન – એક ઉચ્ચારણ- બની રહેલ છે કે ‘મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે.’ પંથવાદ, ધર્માન્ધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન- એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખત એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતાં અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે. અને હું ખરા અંત:કરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ઘ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રર્વતતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.’ (સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર, પૃ. 180-81)

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.